કાં હા પાડ, કાં ના પાડ,
તું કંઇક તો બોલ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મૈંને યે કબ કહા કે મેરે હક મેં હો જવાબ,
લેકિન ખામોશ ક્યૂં હૈ તૂ, કોઇ ફૈસલા તો દે.
–રાના શહરી
આપણા દરેકની જિંદગીમાં ક્યારેક અવઢવ કે અસમંજસની સ્થિતિ પેદા થતી હોય છે. ક્યારેક એવી સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે કે, હા પાડીએ તો હાથ કપાય અને ના પાડીએ તો નાક કપાય. સામે બે રસ્તા હોય ત્યારે બેમાંથી એક રસ્તો પસંદ કરવો પડતો હોય છે. ટુ ડુ ઓર નોટ ટુ ડુ જેવું ક્યારેક તો થવાનું જ છે. ગમે એવી અઘરી પરિસ્થિતિ હોય, ગમે એવા કપરાં સંજોગો હોય, એક તબક્કે આપણે નિર્ણય પર આવવું પડતું હોય છે. આપણે હંમેશ માટે આંખ મીંચીને ન બેસી શકીએ. વહેલી કે મોડી આંખો ખોલવી પડતી હોય છે, સામનો કરવો પડતો હોય છે. દરેક વખતે પરિસ્થિતિથી ભાગી શકાતું નથી. ભાગી-ભાગીને કેટલું ભાગવાના? ભાગીને પણ ક્યાં જવાના? ભાગીને જો પાછા હતા ત્યાં ને ત્યાં જ આવવાનું હોય તો બહેતર એ છે કે, ભાગ્યા વગર જ સંજોગોનો સામનો કરવો. આપણે ઘણી વખત કોઇ વાત ટાળવા માટે કે કોઇ વાતથી બચવા માટે સરળ, સહેલા અને ટૂંકા રસ્તા શોધતાં હોઇએ છીએ. મોટા ભાગે જે રસ્તા સરળ લાગતા હોય છે એ ક્યાંય જતા હોતા નથી.
આપણે ક્યારેક આપણને જ છેતરતાં હોઇએ છીએ. બધું સારું થઇ જશે. ઘણુંબધું સમય પર છોડી દેતાં હોઇએ છીએ. સમય આપોઆપ બધું ઠીક કરી દેશે. સમય દરેક સવાલના જવાબ આપતો નથી. અમુક સવાલોના જવાબ આપણે પોતે જ શોધવા પડતા હોય છે. મોડું કરીએ તો ઘણી વાર સવાલો વધતા જ જાય છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ‘અ સ્ટિચ ઇન ટાઇમ સેવ્સ નાઇન.’ સમયસરનો એક ટાંકો નવ ટાંકાને બચાવે છે. કપડું જરાક ફાટે ત્યારે તરત જ એક ટાંકો લઇ લો, નહીંતર કપડું વધારે ફાટશે અને નવ ટાંકા લેવા પડશે. નિર્ણય મુલતવી રાખવાથી ક્યારેક નિર્ણય વધુ અઘરો બની જાય છે. અમુક હદથી વધારે વિચારો પણ મુસીબત ઊભી કરે છે. કોઇ એક બાબત ઉપર કરવો જોઇએ એટલો જ વિચાર કરીને એના ઉપર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ. આપણે એવું કહેતાં અને સાંભળતાં આવ્યાં છીએ કે, ‘હવે બહુ ખેંચ નહીં, જે કરવું હોય એ કરી નાખ!’ ઉતાવળિયો નિર્ણય જેટલો જોખમી છે, એટલો જ ખતરનાક મોડો નિર્ણય છે. આપણે ઘણી વખત નિર્ણય કરવાની પણ ‘ડેડલાઇન’ નક્કી કરવી પડતી હોય છે. ‘હું તને કાલે ફાઇનલ કહી દઇશ,’ એવું કહ્યા પછી મોડું કરવાનો કોઇ મતલબ રહેતો નથી. કોઇ ડિસિઝન લઇ શકતું ન હોય એવા કિસ્સામાં આપણે જ એવું કહેતાં હોઇએ છીએ કે, ‘તું કાલ સાંજ સુધીમાં કંઇ જવાબ નહીં આપે તો હું ના સમજી લઇશ!’
આપણી હા કે ના જ્યારે આપણા લોકો માટે મહત્ત્વની હોય ત્યારે જવાબ આપવામાં એક હદથી વધુ સમય લેવો ન જોઇએ. અમુક લોકો ‘હું વિચારીને કહું છું’ એવું કહીને વાત લટકતી રાખે છે. એક યુવાનની આ વાત છે. કંઇ વાત હોય તો એ પિતાને પૂછે. પિતા દર વખતે એવું કહે કે, ‘મને વિચારવા દે, હું નક્કી કરીને કહીશ.’ એ પછી કંઇ જવાબ જ ન મળે. ધીમે ધીમે થયું એવું કે, દીકરાએ પૂછવાનું જ બંધ કરી દીધું. પિતાએ એક વખત કહ્યું કે, ‘હવે તું કંઇ પૂછતોય નથી, બધું તારી રીતે કરવા લાગ્યો છે.’ દીકરાએ સારા શબ્દોમાં કહ્યું કે, ‘તમે ફટ દઇને કંઇ જવાબ જ ક્યાં આપો છો? મારે ક્યાં સુધી રાહ જોવાની? તમે કંઇક કહો તો ખબર પડે ને!’ આપણે કેવા નિર્ણયો આપીએ છીએ એની સાથે કેટલા ઝડપી નિર્ણયો આપીએ છીએ એ પણ મહત્ત્વનું હોય છે. ઘણા લોકો એ દ્વિધામાં પણ હોય છે કે, ‘ના પાડીશ અને એવું પૂછશે કે, શું કામ ના પાડો છો તો હું શું જવાબ દઇશ?’ દર વખતે માત્ર હા કે ના થી પણ ચાલતું હોતું નથી, કારણો આપવા પડતા હોય છે. કારણ આપવામાં પણ આપણને સવાલો થતાં હોય છે. એ એવું માનશે તો કે તમે આવા વાહિયાત કારણોસર ના પાડો છો? માણસને આઉટડેટેડ કે ઓર્થોડોક્સ લાગવાનો ભય સતાવતો હોય છે. ઓર્થોડોક્સ હોય એને પણ ઓર્થોડોક્સ દેખાવવું નથી ગમતું. એક સાવ સાચી ઘટના છે. એક દીકરીને એના પિતા શોર્ટ્સ પહેરવાની ના પાડતા હતા. દીકરીએ એક વખત સારી ભાષામાં પૂછ્યું કે, ‘તમે મને શોર્ટ પહેરવાની ના શા માટે પાડો છો? આખા ગામની છોકરીઓ પહેરે છે.’ પિતાએ કહ્યું, ‘બીજા કરે એટલે આપણે કરવાનું?’ દીકરીએ કહ્યું, ‘તમે જૂનવાણી છો, ઓર્થોડોક્સ છો, તમારા જમાનામાં છોકરીઓ શોર્ટ્સ નહોતી પહેરતી એટલે તમે મને પણ પહેરવા દેતા નથી!’ પિતાએ બચાવમાં કહ્યું, ‘ના, હું ઓર્થોડોક્સ નથી, બસ, મને નથી ગમતું!’ દીકરીએ કહ્યું, ‘એના કરતાં તમે મને એમ કહી દીધું હોત ને કે, હા, હું ઓર્થોડોક્સ છું, મારા વિચારો જૂનવાણી છે, તો મને વધુ સારું લાગત!’ દીકરીએ કહ્યું, ‘મારી ઘણી એવી ફ્રેન્ડ છે જે ઘરેથી શોર્ટ અને ટીશર્ટ ઉપર ફૂલ ડ્રેસ પહેરીને નીકળે છે અને પછી મોલના વોશરૂમમાં જઇ ઉપરનો ડ્રેસ કાઢી નાખે છે.’ ઘણા લોકો કારણ ન આપવા પડે એટલે જ એવું કહે છે કે, ના કહીને, ના એટલે ના, મારે તને કારણો આપવાની કોઇ જરૂર નથી!
પ્રેમમાં જ્યારે હા કે ના નો જવાબ ન મળે ત્યારની મૂંઝવણ ખૂબ જ વિચિત્ર અને અકળાવનારી હોય છે. એક યુવાને એક છોકરીને પ્રપોઝ કર્યું. બંને વચ્ચે બે વર્ષથી દોસ્તી હતી. છોકરીએ કહ્યું, ‘મને થોડોક સમય જોઇએ છે.’ છોકરાએ કહ્યું, ‘ફાઇન, તું મને વિચારીને કહેજે.’ ઘણો સમય થયો તો પણ છોકરીએ કંઇ જવાબ ન આપ્યો. આખરે છોકરાએ એક દિવસ કહ્યું કે, ‘તું હા કહે અથવા ના કહે, પણ કંઇક તો બોલ!’ છોકરીએ તો પણ કંઇ જવાબ ન આપ્યો. એ છોકરીએ તેની એક ફ્રેન્ડને બધી વાત કરી. એની ફ્રેન્ડે કહ્યું કે, ‘એની વાત સાચી છે. તું વિચારતી હોય એ જવાબ આપી દે! તું એને બે વર્ષથી ઓળખે છે. જો તારી ના હોય તો તેં અત્યાર સુધી એની સાથે સંબંધ શા માટે રાખ્યો? તારી હા હોય, તો હા કહેવામાં વાંધો શું છે? કંઇ જવાબ ન આપીને તું પણ મુંઝાતી રહે છે અને એને પણ મૂંઝવે છે. આપણા સંબંધો વિશે આપણે સ્પષ્ટ હોવા જોઇએ.’
ઓફિસ કે બિઝનેસના કામમાં પણ આપણે નિર્ણયો લઇને યસ કે નો કહેવું પડતું હોય છે. લીડર કેવો છે એ મોટા ભાગે એ શેમાં હા પાડે છે અને શેમાં ના પાડે છે, એના પરથી જ નક્કી થતું હોય છે. ઘણા લીડર એવા હોય છે, જે ફટ દઇને હા કે ના નથી કહેતા. દરેક નિર્ણયમાં એક ઝાટકે હા કે ના કહી શકાતી નથી, પણ દરેક નિર્ણયમાં મોડું કરીએ તો આપણી ટીમના લોકો સમજી જાય છે કે બોસનો ડીસિઝનપાવર બહુ વીક છે. આપણે ગ્રીન સિગ્નલ આપીએ પછી જ કોઇની ગાડી ચાલે એમ હોય, તો રેડ સિગ્નલ હટાવવામાં મોડું ન કરવું જોઇએ.
એક ઓફિસની આ વાત છે. ટીમ જે કામ કરે એ તેના બોસ ઓ.કે. કરે એ પછી જ આગળનું કામ થતું. બોસનો સેકન્ડ મેન હતો એ બોસને પૂછી લેતો. બોસ બહાર હોય, ત્યારે ફોન કે ઇ-મેઇલથી એપ્રૂવલ મેળવી લેતો. એક વખતે એવું થયું કે, એક નિર્ણય લેવાનો હતો. બોસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ બોસનો ફોન આઉટ ઓફ રીચ બતાવતો હતો. નિર્ણય લેવો જ પડે એમ હતો. બહુ પ્રયાસો પછી પણ બોસનો સંપર્ક થયો નહીં એટલે તેણે પોતાની રીતે જ ડિસિઝન લઇ લીધું. બોસ આવ્યા ત્યારે બોસને બધી વાતની ખબર પડી. તેના સેકન્ડ મેને એવું કહ્યું કે, ‘તમે હો તો શું કરો, એ વિચારીને મેં ડિસિઝન લઇ લીધું!’ તેના બોસે કહ્યું, ‘તેં એવું વિચાર્યું એ તારી જગ્યાએ ઠીક છે, પણ સાચું કહું તો તેં જે વિચાર્યું છે એવું મેં વિચાર્યું ન હોત!’ બોસે પછી હસીને કહ્યું, ‘તેં મારા કરતાં સારું વિચાર્યું છે. કદાચ હું આ ડિસિઝન તારા જેટલી ઝડપે લઇ શક્યો ન હોત!’
જિંદગીમાં નિર્ણયશક્તિનું બહુ મહત્ત્વ હોય છે. આપણા નિર્ણય ઉપર જ આપણી જિંદગીનો અને કરિયરનો આધાર રહે છે. સંબંધો પણ આપણી હા કે ના થી દાવ પર લાગી જતાં હોય છે. આપણી હા કે ના જ આપણી સમજણ, આવડત, ડહાપણ અને પરિપકવતાની સાબિતી આપતાં હોય છે. કોઇ પણ વાત હોય, એટલું મોડું ક્યારેય ન કરવું જોઇએ કે આપણા નિર્ણયનું કોઇ મહત્ત્વ કે જરૂર ન રહે!
છેલ્લો સીન :
ક્યારેક વધુ પડતું મૌન પણ જોખમી સાબિત થતું હોય છે. –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 16 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com