મને મારા ઉપર જ
સખત ગુસ્સો આવે છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ખરેલા ફૂલની ખુશ્બૂ જ બાકી છે બગીચામાં,
હિફાજત તેં કરી શાની, અહીં એકે કળી ક્યાં છે?
બધે અંધાર છે એ વાત તો સૌ કોઇ જાણે છે,
દીવાની હારમાળા છે, કહો દીવાસળી ક્યાં છે?
-ધીરેન્દ્ર મહેતા
આઇ એમ સચ એન ઇડિયટ! મારાથી આવી ભૂલ થાય? ક્યારેક કોઇ વાત, કોઇ વર્તન, કોઇ ઘટના, કોઇ બદમાશી, કોઇ મૂર્ખતા કે કોઇ ભૂલ પછી આપણને જ એવું થાય છે કે, હું એક નંબરનો મૂર્ખ છું કે હું એક નંબરની મૂર્ખ છું. આપણને આપણા ઉપર જ ગુસ્સો આવે છે. એક નિસાસો નીકળી જાય છે કે, ઓહ નો! આ મારાથી શું થઇ ગયું? દરેક માણસ પોતાને બુદ્ધિશાળી સમજે છે. આપણને આપણી બુદ્ધિ, આપણી સમજણ, આપણા ડહાપણ, આપણા જ્ઞાન અને આપણી જાત ઉપર નાઝ હોય છે. હોવો પણ જોઇએ. જે પોતાને જ મૂર્ખ સમજતાં હોય એને દુનિયા ક્યાંથી ડાહ્યાં સમજવાની છે? બુદ્ધિની પણ એક મર્યાદા હોય છે. ક્યારેક આપણને જ એવું થાય છે કે, મારી બુદ્ધિ બહેર મારી ગઇ છે. આપણું ધ્યાન ન પડે ત્યારે જ આપણે બીજાની સલાહ લઇએ છીએ. બીજાની સલાહ લેવામાં પણ ક્યારેક મૂર્ખ બનીએ છીએ. એવા સમયે વળી એવું ફીલ થાય છે કે, મને કોઇ મળ્યું નહોતું, તે મેં એની સલાહ લીધી! કોની સલાહ લેવી એ નક્કી કરવામાં પણ ડહાપણની જરૂર પડતી હોય છે. આપણે જેની સલાહ માંગીએ એ પણ એવી લાયકાત ધરાવતો હોવો જોઇએ. આપણે ઘણી વાર એટલે જ કહીએ છીએ કે, એ શું સાચી સલાહ આપવાનો? એના પોતાના ક્યાં ઠેકાણાં છે? સલાહ આપવાની ક્ષમતા અને પાત્રતા બધામાં હોતી નથી!
ઘણા લોકોને સલાહ આપવાની આદત હોય છે. કેટલાક માણસો પોતે જ પોતાને સલાહ આપવા માટે લાયક સમજવા માંડે છે. કોઇ સલાહ ન માંગે ત્યાં સુધી સલાહ ન આપવી એ પણ ડહાપણની નિશાની છે. જિંદગી માટે સારા સલાહકારો હોય એ જરૂરી છે, પણ સાચા સલાહકારોની શોધ અઘરી છે. ક્યારેક કંઇક મૂંઝવણ પેદા થાય ત્યારે આપણે વિચારીએ છીએ કે, કોને પૂછું તો સાચું માર્ગદર્શન મળે? અમુક લોકો દીવાદાંડી જેવા હોય છે. એ સાચો માર્ગ ચીંધે છે. અમુક લોકો અવળા રસ્તે ચડાવી દે છે!
એક યુવાનની આ વાત છે. જિંદગી વિશેનો એક નિર્ણય કરવામાં એને મૂંઝવણ થતી હતી. તેણે એક વડીલની સલાહ લીધી. વડીલે પોતાની બુદ્ધિ મુજબ માર્ગદર્શન આપ્યું. થોડા સમયમાં યુવાનને એવું લાગ્યું કે, હું ભેખડે ભરાઇ ગયો છું. એના અફસોસનો પાર ન રહ્યો. તેના મિત્રે તેને પૂછ્યું કે, ‘આવું કરવાની સલાહ તને કોણે આપી હતી?’ યુવાને જેની સલાહ લીધી હતી એનું નામ આપ્યું. મિત્રે કહ્યું કે, ‘અચ્છા, તો તું એની ભૂલની સજા ભોગવી રહ્યો છે!’ યુવાને કહ્યું કે, ‘ના, હું એની ભૂલની નહીં, મારી જ ભૂલની સજા ભોગવી રહ્યો છું કે મેં એના જેવા માણસની સલાહ લીધી! એણે તો એની બુદ્ધિ મુજબ વાત કરી હતી, મારી બુદ્ધિ ક્યાં ચરવા ગઇ હતી કે હું તેની પાસે ગયો!’
ક્યારેક આપણે સંબંધોમાં પણ થાપ ખાઇ જતાં હોઇએ છીએ. કોઇના પર ભરોસો મૂકી દઇએ છીએ. કોઇની વાતોમાં આવી જઇએ છીએ. એ વ્યક્તિનું આપણી જિંદગીમાં હોવું આપણને ગમવા લાગે છે. જિંદગીનું સેન્ટર પોઇન્ટ જ એ માણસ બની જાય છે. એના વગર મજા નથી આવતી. એની ગેરહાજરીમાં પણ એની સાથે સંવાદ ચાલતો હોય છે. દરેક માણસ ઘડીકમાં સમજાતો નથી, ઘડીકમાં ઓળખાતો નથી. ધીમે ધીમે એનું પોત પ્રકાશે છે. એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. થોડો સમય બધું સારું ચાલ્યું. ધીમે ધીમે છોકરીને એ વાતનું ભાન થયું કે, આ માણસ ભરોસાપાત્ર નથી. એ છોકરીએ તેની સાથેના સંબંધો પૂરા કરી નાખ્યા. છોકરો એ પછી પણ પીછો છોડતો નહોતો. એ ડરાવવા, ધમકાવવા લાગ્યો કે તારે મારી સાથે સંબંધ રાખવા જ પડશે! છોકરીએ કહ્યું, ‘પહેલાં તો મને એવું લાગતું હતું કે, તું બદમાશ છે. હવે તો મને ખાતરી થઇ ગઇ છે કે તું નાલાયક છે. તું મારાથી દૂર રહે એ જ તારા હિતમાં છે. મારી જિંદગીની સૌથી મોટી ભૂલ એ જ હતી કે મેં તારા જેવા માણસ ઉપર ભરોસો મૂક્યો!’ જેના ઉપર ભરોસો મૂક્યો હોય એ બદમાશ કે બેવફા નીવડે એની વેદના અસહ્ય હોય છે. આપણે જેને સારા સમજ્યાં હોય, જેને આપણી સંવેદનાઓ પર અધિકાર આપ્યો હોય, એ વ્યક્તિ અયોગ્ય સાબિત થાય ત્યારે આપણને ક્યારેક પસ્તાવો થાય છે, તો ક્યારેક આપણી જાત ઉપર જ ગુસ્સો આવે છે. હું માણસને ઓળખવામાં થાપ ખાઇ ગઇ કે થાપ ખાઇ ગયો?
ઘણા લોકો જેવા દેખાતા હોય છે, એવા હોતા નથી. એક યુવાન એક સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો, ‘સંબંધો આટલા બધા અટપટા કેમ છે? સંબંધો આટલી બધી વેદના કેમ આપે છે?’ સંતે જવાબ આપ્યો કે, ‘એનું કારણ એ છે કે માણસ જેવો હોય તેવો પેશ આવતો નથી. સંબંધોમાં પણ એની ગણતરીઓ હોય છે. જે સંબંધ તમે સ્વાર્થ કે ફાયદો જોઇને બાંધો એ સંબંધ તકલાદી જ હોવાના! માણસ હોય છે જુદો અને દેખાય છે જુદો. તમને કોઇ પ્રેમ કરતું હોય, તમારા ઉપર કોઇ ભરોસો મૂકતું હોય, તમારા પર જેને શ્રદ્ધા હોય, એને છેતરવા જેવું બીજું કોઇ પાપ નથી.’ સંતે છેલ્લે એટલું જ કહ્યું કે, ‘ધુતારા કરતાં લૂંટારા સારા! જેવા છે એવા તો સામે આવે છે. ધૂતારા તો ક્યારેક દોસ્ત, ક્યારેક પ્રેમી કે ક્યારેક સ્વજન બનીને લૂંટી જાય છે.’
માણસ થાપ ખાઇ જતો હોય છે. આપણે બધાંએ ક્યારેક તો નાની કે મોટી થાપ ખાધી જ હોય છે. એના કારણે આપણને ક્યારેક કોઇ વ્યક્તિ પર, તો ક્યારેક આપણી જાત પર પણ ગુસ્સો આવે છે. અલબત્ત, આવી વાતોમાં પણ પોતાના ઉપર ગુસ્સો કરવો વ્યાજબી હોતો નથી. ક્યારેક ભૂલ થઇ જાય છે, ભૂલથી મુક્ત થવાનો શ્રેષ્ઠ વિકલ્પ એ જ હોય છે કે બને એટલી જલદી એ ભૂલ સુધારી લેવી અને એ ભૂલથી છુટકારો મેળવી લેવો. ભૂલને સતત વાગોળ્યા રાખવી એ પણ મોટી ભૂલ છે. ઘણા લોકો તો સામાન્ય ભૂલોમાં પણ પોતાના જ વાળ ખેંચતાં રહે છે! એક છોકરીની આ સાવ સાચી વાત છે. એક વખત એ લેપટોપમાં કામ કરતી હતી. થયું એવું કે, કોઇ કારણોસર જે કામ કરતી હતી એ ડીલીટ થઇ ગયું! જેવી ખબર પડી એ સાથે એણે જોરથી લેપટોપ પર હાથ પછાડ્યો અને રાડ પાડી કે, ‘ઇડિયટ!’ એની ફ્રેન્ડે પૂછ્યું, ‘શું થયું? કોણ ઇડિયટ?’ છોકરીએ કહ્યું, ‘હું ઇડિયટ, બીજું કોણ? એટલી ભાન ન પડી કે જે કરું છું એ સેવ કરતી જાઉં!’ તેની મિત્રએ કહ્યું, ‘હવે એટલું બધું મગજ બગાડ નહીં! તારા પર જ ગુસ્સો ઉતારવામાં જેટલો સમય અને મગજ બગાડીશ એના કરતાં ઓછા સમયમાં તું એ કામ પાછું કરી લઇશ!’ વાત કોઇ કામની હોય કે સંબંધની, એક હદથી વધુ અફસોસ કે ગુસ્સો પણ ન કરવો જોઇએ! આપણે માણસ છીએ. માણસથી ભૂલ થાય! પોતાની જાતને પણ આપણે કહેતાં રહેવું જોઇએ કે, જસ્ટ રિલેક્સ, ચાલ્યા કરે!
છેલ્લો સીન :
જે પોતાની જાતને માફ કરી શકતો નથી એ બીજાને ક્યારેય માફ કરી શકવાનો નથી. માણસે પોતાની જાત સાથે પણ દયાળુ રહેવું જોઇએ. –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 02 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com