કાઉ કડલિંગ : ગાયને હગ કરો
અને તણાવથી મુક્તિ મેળવો
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
દુનિયાના દેશોમાં આજકાલ કાઉ કડલિંગનો કૉન્સેપ્ટ
ધૂમ મચાવી રહ્યો છે ગાયને વહાલ કરો,
ગાયનો સ્પર્શ તમને હળવાશની અનોખી અનુભૂતિ કરાવશે
*****
આપણે ત્યાં તો ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે.
વિદેશીઓ નાણાં ચૂકવીને હવે ગાય માતાનું
વાત્સલ્ય મેળવવા જાય છે
*****
આખી દુનિયા અત્યારે એક વિચિત્ર માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. કોરોના વાઇરસ એકલો નથી ત્રાટક્યો પણ સાથો સાથ હતાશા પણ ત્રાટકી છે. ડિપ્રેશનનું એક એવું મોજું છવાયેલું છે, જે હટવાનું નામ જ નથી લેતું. ગમે એવો મજબૂત મનનો માણસ પણ એકાદ વખત તો ડગમગી જ જાય એવો માહોલ છેલ્લા સાત મહિનાથી વ્યાપેલો છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે, ક્યારે હવે કોરોનાથી સંપૂર્ણપણે મુક્તિ મળશે? ક્યારે આપણે કોઇ પણ જાતની ચિંતા કે ફિકર વગર હરીફરી શકીશું? ધંધા-રોજગાર અને નોકરી ક્યારે ફરીથી હતા એવાને એવા થશે? કોરોનાને કારણે જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે, એની હાલત તો સૌથી વધારે ખરાબ છે. નોકરી ગુમાવનારાઓને ઘર ચલાવવાની ચિંતા છે. આવા વાતાવરણમાં દરેક વ્યક્તિ એવા રસ્તા શોધે છે કે, થોડુંક સારું લાગે. કંઇક એવું કરીએ કે હળવાશ લાગે. થોડીક મજા આવે.
હળવાશ ફીલ કરવા માટે વિદેશોમાં આજકાલ કાઉ કડલિંગનો કન્સેપ્ટ જોરશોરથી ચાલી રહ્યો છે. ગાયને ગળે વળગાડો અને એક ગજબ પ્રકારની શાંતિનો અનુભવ કરો. બધાને ગાય રાખવી પોષાય નહીં એટલે હવે કાઉ કડલિંગનાં સેન્ટરો શરૂ થયાં છે. લોકો નાણાં ખર્ચીને ગાય સાથે સમય પસાર કરવા જાય છે. ગાયના વહાલ માટે લોકો પાંચથી દસ હજાર જેટલો ખર્ચ કરે છે. કડલ એટલે પ્રેમથી ગળે વળગાડવું. કાઉ કડલિંગ કૉન્સેપ્ટ આમ તો નવો નથી પણ હવે એ બહુ ઝડપથી વેલનેસ થેરેપી તરીકે પોપ્યુલર થઇ રહ્યો છે. અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ સહિત અનેક દેશોમાં લોકો ગાયને વહાલ કરીને હળવા થઇ રહ્યા છે. ગાયના સંગાથથી માણસમાં કેવા પોઝિટિવ પરિવર્તનો આવે છે, તેનો એક સ્ટડી એપ્લાઇડ એનિમલ બિહેવિઅર સાયન્સ નામના જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો. એમાં જણાવાયું હતું કે, ગાય સાથે થોડો સમય રહેવાથી માણસની નકારાત્મકતા ઘટે છે. શરીરમાં ઓક્સિટોસિનનો સ્ત્રાવ વહે છે. માણસને ઇમોશનલ સપોર્ટ મળે છે. તણાવ દૂર થાય છે અને હળવાશ લાગે છે.
બીજાં પ્રાણીઓની સરખામણીમાં ગાય માયાળુ પ્રકૃતિ ધરાવે છે. તમે ગાયની નજીક જાવ અને માથે હાથ ફેરવો એટલે એ તમને સામો રિસ્પોન્સ આપે છે. કાઉ કડલિંગ ઉપર દુનિયામાં જાતજાતનાં રિસર્ચ પણ શરૂ થયાં છે. આવું બધું વાંચીને તમને કદાચ એમ જ થાય કે, એમાં શું નવી વાત છે? આપણે ત્યાં તો ગાયનું માહાત્મ્ય પ્રાચીન સમયથી ગાવામાં આવે છે! બિલકુલ સાચી વાત છે. આપણે ત્યાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને ગાય અતિ પ્રિય હતી. કૃષ્ણ ગાયો ચરાવવા જતા હતા અને ગાયોનું રક્ષણ પણ કરતા હતા. કામધેનુની કથા તો બહુ જાણીતી છે. ગાયો સાથેના સ્નેહને કારણે જ કૃષ્ણને ગોવિંદ કહેવાયા. આપણે ત્યાં પશુપાલકોના સારા સ્વભાવનું એક કારણ ગાયો સાથેનો સહવાસ મનાય છે.
અગાઉના સમયમાં આપણાં ઘરોમાં ગાય અને કૂતરા માટે રોટલી બનાવાતી. તેને ચાનકી પણ કહેતા. હજુ ઘણાં ગામડાંઓમાં આવું જોવા મળે છે. ગાય નિયત સમયે ઘરે પોતાનો ભાગ ખાવા આવતી હોવાના કિસ્સાઓ પણ બહુ જાણીતા છે. ગાયને ખવડાવવાથી પુણ્ય મળે એવી શ્રદ્ધા આપણે ત્યાં છે. સાચી વાત એ છે કે, ગાયને ખવડાવવાથી આપણને સારું ફીલ થાય છે. સાયન્સ તો એવું પણ કહે છે કે, અગાઉ જે પરંપરાઓ અને પ્રથાઓ હતી એ બધાના સાયન્ટિફિક રિઝન્સ હતાં જ, લોકો માને અને પાળે એ માટે તેને ધર્મ સાથે જોડી દેવામાં આવ્યાં. ગામડામાં આજની તારીખે એવાં દૃશ્યો જોવા મળે છે કે, રોડ પર ગાય ચાલી જતી હોય તો લોકો એને વંદન કરે છે. પૂંછડું આંખે અડાડીને વંદન કરે છે. ગાયના દૂધથી માંડીને ગૌમૂત્ર પણ કેટલા ઉપયોગી અને આરોગ્યપ્રદ છે, એ વિશે બહુ વાત થઇ છે. હવે એ વાત સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે, ગાયનું દૂધ અને બીજાં દ્રવ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે તો સારાં છે જ પણ ગાય માનસિક રીતે પણ માણસને સ્વસ્થ અને મજબૂત રાખે છે.
આપણે ત્યાં ગાયના નામે ઘણા વિવાદો થતા રહે છે. આપણે એમાં નથી પડવું, વાત એટલી જ કરવી છે કે, ગાય આપણને સહુને પ્રફુલ્લિત રાખે છે. જેમની પાસે ગાય છે, એનું બિહેવિયર ચેક કરજો, તમને ફેર લાગ્યા વગર નહીં રહે! ગાયનું વાછરડું પશુપાલકના આખેઆખા પરિવારનું મિત્ર હોય છે. નાનાં બાળકો અને વાછરડા એક બીજાને કડલિંગ કરતાં હોય એ દૃશ્ય પણ મનોહર હોય છે.
વિદેશમાં તો એક જુદા એન્ગલથી પણ હવે અભ્યાસ હાથ ધરાયો છે. માણસ સાથેની સંગતથી ગાયમાં કેટલું પરિવર્તન આવે છે એ પણ ચેક થઇ રહ્યું છે. એનાથી એ સાબિત કરવાનો પ્રયાસ થાય છે કે, ગાય અને માણસનો સંબંધ જ્યારથી બંનેનું અસ્તિત્વ છે ત્યારથી છે. આપણે ત્યાંનો જ એક અભ્યાસ એવું કહે છે કે, જેના ઘરમાં ગાય હોય છે એના ઘરમાં કોઇ દૂષિત તત્ત્વ ટકતું નથી. ગાય હોય તો ભૂત પ્રેત દૂર રહે છે અને બૂરી નજર લાગતી નથી એવી પણ માન્યતા છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ ગાય કેટલી આશીર્વાદરૂપ છે એ વિશે ઘણું બધું કહેવાયું છે.
આપણા દેશમાં ગાય તો દરરોજ પૂજાય છે, દુનિયા પણ એક દિવસ કાઉ એપ્રિસિએશન ડે ઊજવે છે. જુલાઇ મહિનાના બીજા મંગળવારને ગાય એપ્રિસિએશન ડે તરીકે ઊજવવામાં આવે છે. એ દિવસે બાળકો ગાય જેવો ડ્રેસ પહેરીને ડાન્સ કરે છે. ગાયને પેટ એટલે કે પાલતુ પ્રાણી ગણવા વિશે પણ ખૂબ ચર્ચાઓ થઇ છે. ઘણા દેશોમાં અને ખાસ કરીને ધનવાનો ગાયને પાલતુ પ્રાણી તરીકે રાખે છે. આપણે ત્યાં ગાય એ પેટ નથી. એનું કારણ એ છે કે, પેટ સાથે પ્રેમ હોય છે, ગાય સાથે શ્રદ્ધા જોડાયેલી છે. મજાની વાત એ છે કે, ગાયનો મહિમા હવે આખી દુનિયા ગાવા લાગી છે.
————–
પેશ-એ-ખિદમત
જો ઉન માસૂમ આંખો ને દિએ થે,
વો ધોકે આજ તક મૈં ખા રહા હૂં,
મોહબ્બત અબ મોહબ્બત હો ચલી હૈ,
તુજે કુછ ભૂલતા સા જા રહા હૂં
-ફિરાક ગોરખપુરી.
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 25 ઓકટોબર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com