બધું સમજાય છે પણ
હું કંઇ કરી શકતો નથી
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે,
છે મેચ ફિક્સ તોયે સતત ખેલવાનું છે,
રેકોર્ડ તોડવાના છે મારે જ મારા પણ,
મારામાં શું તૂટ્યું એ પ્રથમ શોધવાનું છે.
-અશરફ ડબાવાલા
જિંદગી ક્યારેક આપણને એવી સ્થિતિ, એવા સંજોગ સામે ખડી કરી દેતી હોય છે, જ્યારે આપણે ખુલ્લી આંખે ખેલ જોવા સિવાય કશું જ કરી શકતાં નથી. હાલાત ઉપર આપણો કાબૂ જ હોતો નથી. આપણે આપણી જાતને મજબૂર, લાચાર અને અસહાય મહેસૂસ કરીએ છીએ. હું શું કરું? એવો સવાલ થાય છે. જવાબ મળતો નથી. જે જવાબ હોય છે એ એવો જ હોય છે કે, હું કંઇ જ કરી શકું એમ નથી. માણસની એવી ફિતરત હોય છે કે, આપણે દરેક પરિસ્થિતિ ઉપર કંટ્રોલ જોઇતો હોય છે. હું ઇચ્છું એમ થાય, હું જે કહું એ સ્વીકારવામાં આવે. જોકે દરેક વખતે એવું થતું નથી. આપણે સમસમીને બેસી રહેવું પડે છે. આપણે મનને મનાવવાનો પ્રયાસ કરીએ છીએ કે, ગો વિથ ધ ફ્લો! માત્ર સાક્ષીભાવે હાજર રહેવું. ક્યારેક એવું પણ વિચારીએ છીએ કે, સમય જ હવે સોલ્યુશન લાવશે. ટાઇમ ઇઝ ધ ઓન્લી રેમેડી!
આપણી નજર સામે જ્યારે અયોગ્ય, ખોટું, ગેરવ્યાજબી કે અઘટિત થતું હોય ત્યારે આપણી અંદર એક ઝંઝાવાત જાગે છે. આવું થોડું હોય? આ તો સરાસર નાઇન્સાફી છે! ક્યારેક તો કુદરત સામે પણ સવાલો ઊઠે છે. ઇશ્વર શું કરવા ધારે છે? એ કંઇ જોતો નથી? એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેનાં મમ્મી-પપ્પાને બનતું નહોતું. રોજેરોજ બંને વચ્ચે કોઇ ને કોઇ બાબતે ઝઘડા થતાં. ક્યારેક એને થતું કે વાંક પપ્પાનો છે. એ મમ્મી પર દાદાગીરી કરે છે. ક્યારેક મમ્મીનો પણ વાંક દેખાતો. એવું લાગતું કે, મમ્મી હાથે કરીને પપ્પાને ઉશ્કેરે છે. એ તંગ આવી ગઇ હતી. મમ્મી પણ જોબ કરતી હતી. ક્યારેક તો દીકરીને થતું કે મા આ માણસથી જુદી કેમ નથી થઇ જતી? કેમ બધું સહન કરી લે છે? એ ક્યારેક મમ્મીને, તો ક્યારેક પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરતી. એને એવો જવાબ મળતો કે, ‘તું ચૂપ રહે. તને કંઇ ખબર ન પડે!’
એક વખત એ છોકરીએ એક સંતને પોતાના ઘરના પ્રોબ્લેમની વાત કરી. તેણે કહ્યું કે, ‘હું કંઇ જ કરી શકતી નથી!’ આ વાત સાંભળીને સંતે કહ્યું કે, ‘તારે શા માટે કંઇ કરવું જોઇએ? તને એમ થશે કે મને તો ટેન્શન થાય ને, આખરે હું પણ એ ઘરનો હિસ્સો છું. એ બંને ઝઘડે એની મારા પર પણ અસર થાય છે. હું પણ ઇચ્છું છું કે એ બંને પ્રેમથી રહે. સાચી વાત છે, પણ દરેક વખતે આપણે ઇચ્છીએ, આપણે ધારીએ એવું થતું નથી. જો એ બંનેને કંઇ કરવું હોત, તો એ બંને જ કરત! રોજ ઝઘડા કરીને પણ સાથે રહેવું એ એમનો નિર્ણય છે. અમુક બાબતોમાં આપણે જજ ન બનવું જોઇએ. જજ પણ ત્યારે જ બનાય જ્યારે કોઇ તમારી પાસે ન્યાય માંગે! બીજી વાત એ છે કે, એ એમની નિયતિ છે. આપણે કોઇના નસીબને ન બદલી શકીએ. એનું નસીબ એ લોકો જ બદલી શકે. એમને જ ન બદલવું હોય તો કોઇ શું કરી શકે? આપણે ક્યારેક આપણા લોકોને પણ એમના નસીબ ઉપર છોડવા પડે છે. જે ઘટના આપણા હાથમાં ન હોય એને છોડી દેવી જ હિતાવહ છે. જ્યાં સુધી તું પકડી રાખીશ ત્યાં સુધી વેદના થવાની જ છે. દરેકની જિંદગી વિશેની પોતાની માન્યતાઓ, પોતાના ખ્યાલો અને પોતાની પસંદગીઓ હોય છે. એ સાચી હોઇ શકે અથવા ખોટી પણ હોઇ શકે, જેવી છે એવી એમની છે. એમને બદલવી હશે તો એ જ બદલશે. તમે કોઇને સપોર્ટ કરી શકો, પણ શરૂઆત તો એમણે જ કરવી પડે!’
કઇ પરિસ્થિતિમાં કંઇક કરવું અને ક્યારે ચૂપ રહેવું એની સમજણ પણ જિંદગીમાં બહુ જરૂરી હોય છે. ક્યારેક આપણે કંઇક કરી શકીએ એમ હોઇએ તો પણ કંઇ કરતાં નથી. મારે કોઇ ઝમેલામાં નથી પડવું. મારે એની સાથે કંઇ લાગતું-વળગતું નથી. એક ઓફિસની આ વાત છે. એક યુવાન સાથે ઓફિસમાં કોઇ કારણ વગર માત્ર હેરાન કરવાના ઇરાદાથી જ અમુક એક્શન લેવામાં આવ્યા. બધાંને ખબર હતી કે, એની સાથે ખોટું થયું છે, પણ કોઇ કંઇ બોલતું નહોતું. એક યુવાનને થયું કે, આ માણસને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તેણે ઓફિસના લોકોને વાત કરી કે, ‘આપણે કંઇક કરવું જોઇએ.’ મોટા ભાગના લોકોએ કહ્યું કે, ‘આપણે કોઇ માથાકૂટમાં પડવું નથી.’ પેલા યુવાને કહ્યું કે, ‘ગજબ છો તમે બધાં, તમારી સગી આંખે જુઓ છો કે ખોટું થાય છે અને તમે બધાં ચૂપ છો! અરે, આજે એ છે, કાલે તમે કે હું હોઇશું!’ તેણે કહ્યું, ‘તમારે જે કરવું હોય એ કરો, હું તો એના માટે લડીશ, એને સાથ આપીશ. જે થવું હોય એ થાય. જે પરિણામ આવશે એ ભોગવીશ, પણ ચૂપ તો નહીં જ બેસું!’ આપણી સામે પણ ઘણી વાર એવો સવાલ આવે છે કે આમાં પડવું કે ન પડવું? એવા સમયે દિલનો અવાજ સાંભળવો જ શ્રેષ્ઠ વિકલ્પ હોય છે. બધાંમાં હિંમત હોતી નથી. બધાં પાસે હિંમતની અપેક્ષા પણ ન રાખવી જોઇએ. અમુક લોકો સ્વભાવથી જ ડરપોક હોય છે, અમુક ડરપોક હોતા નથી, પણ એમને પોતાના સિવાય બીજામાં રસ હોતો નથી! ઘણા એવા હોય છે જે કોઇ સ્વાર્થ ન હોવા છતાં સાથ આપે છે. મોરલ સપોર્ટ પણ ક્યારેક માણસની તાકાત વધારી દેતો હોય છે.
દરેક માણસે પોતાની લડત પોતે જ લડવાની હોય છે. કોઇનો સાથ મળે તો સારી વાત છે, પણ બધું જ કોઇ કરી આપશે એવી આશા રાખવી વધુ પડતી હોય છે. આપણને કંઇ ખોટું લાગતું હોય અને અવાજ ઉઠાવી શકીએ એમ હોઇએ ત્યારે સૌથી પહેલાં તો આપણે મક્કમ રહેવું પડતું હોય છે. એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. એ છોકરામાં કંઇ જ પ્રોબ્લેમ નહોતો. માત્ર એની કાસ્ટ બીજી હતી. છોકરીએ ઘરે વાત કરી. છોકરાની જ્ઞાતિ જાણીને જ માતા-પિતાએ ધડામ દઇને ના પાડી દીધી. છોકરીને કહી દીધું કે, ‘એની સાથે તો નહીં જ!’ છોકરી મા-બાપ સામે કંઇ બોલી શકી નહીં. એની હિંમત જ થતી નહોતી. છોકરીનો ભાઇ બધું જોતો હતો. એક દિવસ છોકરીએ પોતાના ભાઇને વાત કરી. ભાઇએ કહ્યું કે, ‘તું જેને પ્રેમ કરે છે. એને હું ઓળખું છું. એ છોકરો સારો છે. મને એ પણ ખબર છે કે તમે એકબીજાંને સાચો પ્રેમ કરો છો. બધું સાચું, પણ એક વાત સમજ, કે જે કંઇ કરવાનું છે એ તારે જ કરવું પડશે. તું જ પાણીમાં બેસી જાય તો એ તારો પ્રોબ્લેમ છે. હું તને સાથ આપીશ, પણ તારી લડાઇ તો તારે જ લડવી પડે. હું લડી ન શકું. હા, મારે જ્યાં બોલવાનું હશે ત્યાં બોલીશ, મારે જે કરવાનું હશે એ હું કરીશ, પણ પહેલાં તારે જે કરવાનું છે, તારે જે કરવું જોઇએ એ તો તું કર! તારા નિર્ણયમાં તું તો ફર્મ રહે. આપણને જો આપણામાં જ વિશ્વાસ ન હોય તો કોઇ આપણા પર વિશ્વાસ મૂકવાનું નથી!’
કેમાં પડવું, કેમાં ન પડવું એની સમજણ ન હોય તો ઘણી વાર આપણે હાથે કરીને આફત પણ નોતરી દઇએ છીએ. કોઇની ઇચ્છા વગર કોઇની લાઇફમાં એન્ક્રોચમેન્ટ ન કરવું જોઇએ. એક છોકરીએ તેના ફ્રેન્ડને તેના એક પર્સનલ પ્રોબ્લેમની વાત કરી. દોસ્તીના નાતે તેણે બધી જ વાત સાંભળી. વાત પૂરી થઇ, ત્યારે એ યુવાને તેની ફ્રેન્ડને પૂછ્યું, ‘તું મારી પાસેથી શું ઇચ્છે છે? હું આ વાતમાં ઇન્વોલ્વ થાઉં? તું મને કહીશ એમ કરીશ.’ છોકરીએ દોસ્તની વાત સાંભળીને કહ્યું કે, ‘તું સમજુ છે. તારી પાસેથી મને આ જ અપેક્ષા હતી. હું ઇચ્છું છું કે, તું આમાં ઇન્વોલ્વ ન થા. મારે તો ફક્ત તને વાત શેર કરવી હતી. મને એવું લાગશે તો હું તને કહીશ. મને ગમ્યું કે, તું જજમેન્ટલ ન બન્યો. બાકી તો લોકો સલાહ આપવા લાગે છે. તરત જ સ્ટેન્ડ લઇ લે છે!’ આપણે કોઇની વાતમાં કૂદી પડતાં પહેલાં કેટલો વિચાર કરીએ છીએ? આપણે કંઇ કરી શકીએ એમ ન હોઇએ ત્યારે સાક્ષીભાવે બધું જોવું પડતું હોય છે અને કંઇ કરી શકીએ એમ હોઇએ ત્યારે પણ એટલું તો વિચારવું જ જોઇએ કે, મારે આમાં પડવાની જરૂર છે ખરી? આ નિર્ણયથી જ એ સાબિત થતું હોય છે કે આપણે કેટલા મેચ્યોર છીએ!
છેલ્લો સીન :
મદદ કરવા માટે દોડી જવું સારી વાત છે, પણ પહેલાં એ જાણી લેવું કે એને મદદ જોઇએ છે અથવા તો એ મદદને લાયક છે? -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 07 ઓકટોબર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com