નો ડેસ્ટિનેશન ટૂરિઝમ : દિલ કો
બહેલાને કે લિયે યે ખયાલ અચ્છા હૈ
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
કોરોનાએ ફરવાના તમામ પ્લાનિંગો ઉપર ચોકડી મૂકાવી
દીધી છે. આવા સંજોગોમાં મનને થોડીક ટાઢક થાય
એવા નુસખાઓ પણ શોધી કાઢવામાં આવ્યા છે. ફરવાનું
થોડુંક ફીલ કરીને પાછું ઘરભેગું થઇ જવાનું!
*****
બહાર જવાની ઇચ્છા અંદરને અંદર તરફડતી રહે છે. સરસ મજાના
વરસાદ પછી બહાર લીલોતરી છવાઇ છે પણ એક અજાણ્યો ડર
કહે છે કે, રહેવા દે, ખોટું જોખમ નથી લેવું!
*****
કોરોના સામે માંડ માંડ મન મક્કમ કરીએ ત્યાં એવા સમાચાર આવે છે કે, ફલાણા સગા પોઝિટિવ આવ્યા છે. પેલા ભાઇને ઓક્સિજન પર લેવા પડ્યા છે. વેન્ટિલેટરનું નામ પડે ત્યારે તો ફફડાટ જાગે છે. જેમના ઘરમાં કોરોનાએ દસ્તક દઇ દીધા છે એની દીવાલો પર કોરોનાનો ભાસ થતો રહે છે. કોરોનામાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે એ તો એક-બીજાને વળગીને સાંત્વના પણ આપી નથી શકતા. એકલા રડવાનો આઘાત વધુ લાગતો હોય છે. એવા પણ અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં પતિ-પત્ની બંને કોરોના પોઝિટિવ હોય અને સારવાર દરમિયાન પતિનું અવસાન થાય. જેની સાથે વર્ષો વીતાવ્યા હોય એનું મોઢું પણ છેલ્લીવાર જોઇ ન શકવાની વેદના દિલને ચીરી નાખે એવી હોય છે. પત્ની હોમ ક્વોરન્ટાઇન હોય ત્યારે કોઇ તેને મળીને આશ્વાસનના બે શબ્દો પણ કહી શકતા નથી. એ તો સારું છે કે, અત્યારના સમયમાં વીડિયો કોલ થઇ શકે છે, બાકી તો કેટલા બધા ચહેરાઓ ચીમળાઇ ગયા હોત!
કોરોના લોકડાઉન પછી ધીમે ધીમે બધું અનલોક થઇ રહ્યું છે. આમ જુઓ તો એંસી ટકા ઓપન છે, પણ દિલ હજુ ક્યાં એટલું ખૂલ્યું છે? ચહેરા ઉપર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ, ખીસામાં સેનિટાઇઝર સાથે બહાર નીકળીએ ત્યારે જાણે કોઇ યુદ્ધ લડવા જઇ રહ્યા હોય એવી લાગણી થાય છે. કોઇ નજીક આવી જાય છે તો પણ લખલખું પસાર થઇ જાય છે. દો ગજની દૂરી મગજમાંથી ખસતી નથી. આવા સમયમાં કોઇ ફરવાની વાત કરે તો એમ જ કહેવાનું મન થઇ આવે કે, ગાંડા થઇ ગયા છો કે શું? અમુક લોકો બહાર જવા લાગ્યા છે. હવે જેને હારાકીરી કરવાના જ ઇરાદા હોય એને કોણ રોકી શકે? કોરોના જે ઉછાળા મારે છે એનું કારણ પોતાને બહાદૂર સમજતા બેદરકાર લોકો જ છે. બહાદૂરી અને બેવકૂફીનો ભેદ જેને સમજાતો નથી એ પોતાની સાથે બીજા લોકોને પણ જોખમમાં મૂકી દે છે.
આપણા બધાને એમ થાય છે કે, ક્યારે વાતાવરણ સારું થાય અને ક્યારે બિન્ધાસ્ત રીતે બહાર ફરવા જઇએ. ક્યારે નાકની આડે માસ્ક નહીં હોય અને ક્યારે આપણે બધા ઓલ્ડ નોર્મલ તરફ પાછી વળીશું. સંજોગો જો સામાન્ય હોત તો અત્યારે આપણામાંથી કેટલા બધા લોકોએ દિવાળીના વેકેશનમાં ફરવા જવાના પ્લાનિંગો કરી લીધા હોત. ફ્લાઇટ અને હોટલોના બુકિંગો પણ થઇ ગયા હોત. ફરવા જવાના કાઉન્ટ ડાઉન ચાલતા હોત કે, બસ હવે આટલા દિવસો રહ્યા પછી મજા કરવા જવાનું છે. હવે તો એવી કલ્પના પણ નથી થતી. ઉલટું એવા વિચારો આવી જાય છે કે, ઘરે દિવાળી સરખી રીતે ઉજવી શકાશે કે કેમ? ન્યૂ યરની વિશ કરવા માટે કોઇના ઘરે જઇ શકાશે કે નહીં? આપણા ઘરે પણ કોઇ આવી શકશે કે નહીં?
લોકોને થોડીક રાહત મળી રહે અને પોતાનો પણ ધંધો ચાલે એ માટે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીવાળાઓ નવા નવા નુસખાઓ શોધી કાઢ્યા છે. એમાં એક છે, નો ડેસ્ટિનેશન ટૂરિઝમ. આપણને એમ થાય કે આપણે ફરી આવ્યા, થોડોક ચેન્જ મળ્યો. અત્યારે આમેય લોકો શું કરે છે? ઘરમાંને ઘરમાં બોર થઇ જાય એટલે ઘરેથી કારમાં બહાર નીકળે છે. ધીમી સ્પીડે શહેરમાં ચક્કર મારે છે. હાઇવે સુધી જઇને બહારગામ ગયા હોય એવી ફીલ લેવાનો પ્રયાસ કરે છે. કારમાંથી બહાર નીકળવાની હિંમત નથી કરતા. ગાડીમાંથી નીચે ઉતરીએ તો જોખમને? ઘરના પાર્કિંગમાંથી ગાડીમાં બેઠા પછી પાછા પાર્કિંગમાં આવીને જ કારનો દરવાજો ખોલવાનો! જે લોકો કામ કાજે, નોકરી ધંધા પર જાય છે, એ લોકોને જવું જ પડે એમ છે એટલે જ જાય છે. ડર તો એના મનમાં પણ રહે છે. બધાના નસીબમાં વર્ક ફ્રોમ હોમ પણ નથી હોતું! બહાર ચક્કર મારવા જવામાં ડર તો લાગે છે પણ છતાંયે એમ થાય છે કે, ધ્યાન રાખીશું, કંઇક ગમે એવું, થોડીક મજા આવે એવું તો કંઇક કરીએ. આવું માનવાવાળા લોકો નો ડેસ્ટિનેશન ટૂરિઝમને પસંદ કરવા લાગ્યા છે.
નો ડેસ્ટિનેશનનો સીધો સાદો અર્થ સમજવો હોય તો એવું કહી શકાય કે, ચક્કર મારીને હતા ત્યાંને ત્યાં આવી જવું. સિંગાપોર એરલાઇન્સે હમણાં નો ડેસ્ટિનેશન ફ્લાઇટની જાહેરાત કરી. એરલાઇને પહેલા તો એનો અભ્યાસ કર્યો કે, લોકો આવું કરવા માટે તૈયાર થશે ખરા? રિસ્પોન્સ આપનારાઓમાંથી 75 ટકાએ તૈયારી બતાવી. આમાં કરવાનું એવું છે કે, સિંગાપોરથી ફ્લાઇટ ઉપડશે પછી હવામાં અડધાથી એક કલાક ચક્કર મારીને પાછું એ જ એરપોર્ટ પર લેન્ડ કરશે જ્યાંથી ઉપડ્યું હતું. એરપોર્ટ ઉપરથી ડ્યુટી ફ્રી શોપિંગ કરી શકાય એ માટે ટુરિસ્ટને ગિફ્ટ વાઉચર પણ અપાશે. સિંગાપોરના આ આઇડિયા ઉપર ધીમે ધીમે બીજા દેશો પણ ફોલો કરવાનો વિચાર કરી રહ્યા છે. ભલે લોકો ક્યાંય જાય નહીં કે ક્યાંય મુકામ કરે નહીં પણ લોકોને એવું લાગે કે આપણે ક્યાંક જઇ આવ્યા. ખાસ કરીને બાળકોને આ રીતનો પ્રવાસ વધુ ગમશે એવું માનવામાં આવે છે. અમુક દેશો એવા છે જ્યાં કોરોના એટલો બધો વકર્યો નથી. જે દેશોની ઇકોનોમીનો આધાર ટૂરિઝમ ઉપર છે એ હવે પોતાના દેશના જ લોકોને આ રીતે ફેરવીને બિઝનેસ કરવાની ઇચ્છા રાખે છે. આમ તો આવી રીતની ટૂર એ મન મનાવવાનો જ એક પ્રયાસ છે પણ દિલ કો બહેલાને કે લિયે, યે ખયાલ ભી બૂરા નહીં હૈ! બાય ધ વે, આપણા દેશમાં આવું થાય તો તમે પસંદ કરો કે નહીં?
————–
પેશ-એ-ખિદમત
સો જાઇએ હુજૂર કિ અબ રાત હો ગઇ,
જો બાત હોને વાલી થી વો બાત હો ગઇ,
અબ કહને સુનને કે લિએ કુછ ભી નહીં રહા,
બસ ઇતના કાફી હૈ કિ મુલાકાત હો ગઇ.
-જમીલ ઉસ્માન
—————-
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 27 સપ્ટેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com