એજ્યુકેટેડ હોવાની સાથે સારા માણસ હોવું વધુ જરૂરી છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

એજ્યુકેટેડ હોવાની સાથે સારા

માણસ હોવું વધુ જરૂરી છે

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

ભણતરથી માણસ હોશિયાર બનતો હોય છે પણ એ ભણ્યા

પછી કેટલો સારો બને છે? દુનિયામાં વેલ અજ્યુકેટેડ લોકોએ

ખૂબ વિનાશ વેર્યો છે. સારા માણસ બનાવે

એવા શિક્ષણની હવે તાતી જરૂર છે!

*****

હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બચી ગયેલા ડો. હેઇ ગિનોટે

કહ્યું છે કે, સામૂહિક નરસંહાર કરનારા તમામે તમામ લોકો

ખૂબ જ ભણેલા હતા, સારા નહોતા!

-0-0-0-0-0-0-

મહત્ત્વના હોવું સારું છે પણ સારા હોવું વધુ મહત્ત્વનું છે. દરેક માણસ મહાન ન બની શકે પણ દરેક માણસ જો ઇચ્છે તો એ સારો માણસ તો બની જ શકે. શિક્ષણ માણસને સમજુ બનાવે છે પણ શિક્ષણ માણસને કેટલો સંસ્કારી બનાવે છે? માત્ર શિક્ષણથી જ માણસ સારો બની જતો હોત તો કોઇ એજ્યુકેટેડ માણસ ક્રિમિનલ ન હોત! માણસની જિંદગીમાં સૌથી વધુ કંઇ જરૂરી હોય તો એ શિક્ષણ જ છે. આ વાતથી દુનિયાનો કોઇ પણ માણસ ઇન્કાર ન કરી શકે. શિક્ષણ આપણી સામે જ્ઞાનની અનેક બારીઓ ઉઘાડી નાખે છે. એ પછી સવાલ એ આવે છે કે, આપણે એ જ્ઞાનનો કેવો ઉપયોગ કરીએ છીએ? ગુનેગારો ઉપરનો એક અભ્યાસ એવું કહે છે કે, અભણ ગનેગાર કરતા એજ્યુકેટેડ ક્રિમિનલ વધુ ખતરનાક હોય છે. અભ્યાસથી માણસ સારો પણ થઇ શકે અને શાતિર પણ થઇ શકે, બાહોશ પણ થઇ શકે અને બદમાશ પણ થઇ શકે, નામ પણ કાઢે અથવા નામચીન પણ બને. સરવાળે તો માણસ શિક્ષણમાંથી શું શીખે છે એ સૌથી વધુ મહત્વનું છે. હવે એટલે જ લોકોને એવું કહેવામાં આવે છે કે, તમારા સંતાનોને એજ્યુકેશનની સાથે સારા માણસ બનતા પણ શીખવો. અગાઉના સમયમાં શાળા અને કોલેજોમાંથી માત્ર ડિગ્રી રિલેટેડ નોલેજ જ ન મળતું. શિક્ષક માત્ર ભણાવનાર નહોતા, એ સંસ્કાર પણ રોપતા હતા. ટીચર ખરા અર્થમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હતા. હવે બધું બદલાઇ ગયું છે. એમાં વાંક શિક્ષકનો નથી. આખી સિસ્ટમ જ બદલાઇ ગઇ હોય એમાં શિક્ષક બિચારો શું કરી શકવાનો છે? શાળા કોલેજમાં હવે માત્ર શિક્ષણ જ મળે છે એટલે સંસ્કારની જવાબદારી મા-બાપ, પરિવારજનો અને સમાજ પર આવી ગઇ છે.

હમણા ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ અને હોલોકાસ્ટ સર્વાઇવર ડોકટર હેઇમ જિનોટે લખેલી એક વિચાર માંગી લે એવી વાત ધ્યાનમાં આવી. 1973માં માત્ર 51 વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લેનારા હેઇમે શિક્ષણ અને સંસ્કાર વિશે ઘણા પુસ્તકો લખ્યા છે. તેમનું પુસ્તક ‘બિટવિન પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ’ બેસ્ટ સેલર છે અને શિક્ષણ તથા ચાઇલ્ડ સાઇકોલોજીની વાત આવે ત્યારે આજે પણ તેમણે કહેલી વાતો ટાંકવામાં આવે છે.  ડો. હેઇ યહુદી હતા. ઇઝરાઇલના તેલ અવિવમાં તેમનો જન્મ થયો હતો. એડોલ્ફ હિટલરે યહુદીઓને નામશેષ કરવાની દાનતથી કત્લેઆમ ચલાવી હતી. હેઇ નાના હતા ત્યારે તેમને પણ નાઝી સેનાએ પકડીને કોન્સનટ્રેશન કેમ્પમાં પૂરી દીધા હતા. હેઇએ પોતાની નજર સામે હજારો લોકોને મરતા જોયા. હેઇના નસીબ સારા હશે તે એ બચી ગયા. એમનો છૂટકારો થયો. મોટા થઇને તેઓ અમેરિકામાં સ્થાયી થયા. મોતને સાવ નજીકથી જોનારા ડો. હેઇએ જિંદગી વિશે બહુ સરસ વાતો લખી. એમાં પણ શિક્ષણ અને સંસ્કારની વાતો તો કાયમ મમળાવતા રહેવા જેવી છે.

તેમણે લખ્યું છે, હું કોન્સન્ટ્રેશન કેમ્પમાં હતો. બચી ગયો. મારી આંખોએ જે જોયું છે એ કદાચ કોઇએ જોયું નહીં હોય. લાખો લોકોનો ભોગ લેનાર ગેસ ચેમ્બર્સ વેલ એજ્યુકેટેડ એન્જિનિયરોએ બનાવી હતી. ખૂબ જ નિષ્ણાત ડોકટરો બાળકોને ઝેર આપી મારી નાખતા હતા. સેવા સુશ્રુષા માટે જેમને તાલીમ આપવામાં આવી હતી એવી નર્સો તાજા જન્મેલા બાળકોના ગળા મરડી નાખતી હતી. કોલેજના ગ્રેજ્યુએટો લોકોને લાઇનમાં ઊભા રાખી ગોળી મારી દેતા હતા. એ સમયે મને સૌથી પહેલા શિક્ષણ વિશે શંકા ગઇ હતી, કારણ કે લોકોને રહેંસી નાખનાર દરેક માણસ ભણેલો હતો. એ પછી ડો. હેઇએ જે વાત કરી એ વધુ મહત્વની છે. તેમણે લખ્યું કે, તમારા સંતાનો વધુ ભણે એના કરતા એ સારા માણસ બને એવા પ્રયાસો વધુ કરજો. તમારા પ્રયાસો તમારા સંતાનોને રાક્ષસ કે માનસિક વિકૃત વ્યક્તિ બનાવી ન દે એની કાળજી રાખજો. જો એ સારા માણસ નહીં બને તો માણસાઇ સામે ખતરો જ બની રહેવાના છે.

ડો. હેઇની વાત આજના સંદર્ભમાં પણ સમજવા જેવી છે. આખી દુનિયામાં કાળોકેર મચાવનાર ટેરરિસ્ટ ઉપર થયેલું રિસર્ચ એવું કહે છે કે, શસ્ત્રો ઉઠાવનારા મોટા ભાગના આંતકવાદીઓ ભણેલા હતા. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર વિમાન હાઇજેક કરીને એટેક કરનારા દરેક પાયલોટ વેલ એજ્યુકેટેડ હતા. આપણા દેશનો દુશ્મન નંબર વન અને દુનિયાનો મોસ્ટ વોન્ડેટ ટેરરિસ્ટ હાફિઝ સઇદ સાઉદી અરેબિયાની કિંગ સાઉદ યુનિવર્સિટીનો ગોલ્ડ મેડાલિસ્ટ છે. હાફિઝે પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે. આવું લિસ્ટ તો બહુ લાંબું છે. કહેવાનો મતલબ એ જ છે કે, દુનિયામાં સૌથી વધુ સંહાર એજ્યુકેટેડ આતંકવાદીઓએ કર્યો છે. સામાપક્ષે જે લોકોને ઉચ્ચ ભણતરની સાથે સંસ્કારો મળ્યા છે તેમણે દેશ અને દુનિયા માટે બેનમૂન કામો કર્યો છે. મહાત્મા ગાંધીજી ધારત તો વકીલાત કરીને આખી જિંદગી આરામથી વિતાવી શક્યા હોત પણ તેમણે દેશને આઝાદીના માર્ગે લઇ જવાનું પસંદ કર્યું. આઝાદી પણ અહિંસાના માર્ગે. એટલે જ એમના માટે ગવાઇ છે કે, સાબરમતિ કે સંત તુને કર દિયા કમાલ.

હવે લોકો પોતાના સંતાનોને સારું એજ્યુકેશન અપાવવા માટે એલર્ટ થયા છે. સારી વાત છે. શિક્ષણ વિકાસ માટે પાયાની શરત છે. જો કે, એની સાથોસાથ નવી જનરેશનને સારા સંસ્કારો મળે એની પણ ફિકર કરવાની જરૂર છે. પ્રેમ, લાગણી, દયા, કરૂણા, માનવતા, સિદ્ધાંત, આદર્શ જ છેલ્લે માણસને ખરા અર્થમાં માણસ બનાવે છે. સંવેદના વિનાનું શિક્ષણ વિનાશ નોતરે છે. આજના સમયમાં માણસ અવળા માર્ગે ચડી જાય છે, જિંદગીથી હારી-થાકી જાય છે અને ન ભરવાના પગલાં ભરી લે છે અને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે તેનું કારણ શિક્ષણનો અભાવ નથી પણ સંસ્કારો અને સંવેદનાનો અભાવ છે.   

————–

પેશ-એ-ખિદમત

યકીં ન આયે તો ઇક બાત પૂછ કર દેખો,

જો હંસ રહા હૈ વો જખ્મોં સે ચૂર નિકલેગા,

ઉસી કા શહર વહી મુદ્દઇ વહી મુસિંફ,

હમેં યકીં થા હમારા કુસૂર નિકલેગા.

-અમીર કજલબાશ

—————-

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 13 સપ્ટેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *