હવે મને કોઇને પણ
મળવાનું મન નથી થતું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હોય ખોટી વાત ને ઝૂકતાં રહો,
એના કરતાં સારું કે તૂટતાં રહો,
હું હવે મૂકી મૂકીને થાકી ગયો,
આપ પણ થોડો અહં મૂકતા રહો.
-સાકેત દવે
જિંદગી જીવવાનો સૌથી મોટો આધાર આપણા સંબંધો હોય છે. સંબંધો આપણને ટકાવી રાખે છે. સંબંધો આપણને ડરવા, ડગવા કે હચમચવા નથી દેતાં. આપણા સુખ-દુ:ખ, આનંદ-ઉત્સાહ, શક્તિ અને ક્ષમતાનું કારણ આપણા સંબંધો જ હોય છે. કંઇ સૂઝતું ન હોય અને ચારે બાજુ અંધારું લાગતું હોય ત્યારે સંબંધ ઉજાસ લઇને આવે છે. એક ડગલું પણ ચાલી શકાય એમ ન હોય, ત્યારે સંબંધ હાથ ઝાલીને કહે છે કે, જો, હું તારી સાથે છું. તારે ચિંતા કરવાની કંઇ જરૂર નથી. આપણી જિંદગીમાં એવું કોઇ હોય જ છે, જેના વિશે આપણને એવું કહેવાનું મન થાય કે એ ન હોત તો હું ટકી શક્યો ન હોત. એકાંત ગમે એટલું ગમતું હોય તો પણ એક હદથી વધુ સહન થતું નથી. આપણી જાત સાથે રહ્યા પછી પણ એક તબક્કે કોઇની ઝંખના જાગે છે. કોઇને મળવાનું મન થાય છે. એ સવાલ પણ ઊઠે છે કે કોને મળવું? થોડાક ચહેરા સામે આવી જાય છે. વાત કરવાનું મન થાય ત્યારે ફોન બુકના નંબર સ્ક્રોલ કરીએ છીએ. કોની સાથે વાત કરું? ફોર્માલિટી ખાતર ઘણા સંબંધો નિભાવાતાં હોય છે. કોઇ કામ, કોઇ કારણ કે કોઇ ઉપક્રમ વગર વાત કરતાં પહેલાં વિચાર કરવો પડતો હોય છે. ક્યારેક વાત કરવાનું મન થાય, ત્યારે એવો પણ સવાલ થાય છે કે, શું વાત કરું?
એક યુવાને તેના મિત્રને ફોન કર્યો. સામે છેડેથી તેા મિત્રએ સીધો સવાલ જ કર્યો ‘બોલ, શું કામ હતું?’ યુવાને કહ્યું કે, ‘કંઇ નહીં, એમ જ ફોન કર્યો હતો.’ એનો મિત્ર બિઝી હતો. દોસ્તની વાત સાંભળીને એણે બધું કામ પડતું મૂકી દીધું અને કહ્યું કે, ‘બોલ બોલ, શું ચાલે છે? ઓલ વેલ? તેં એમ જ ફોન કર્યો એ મને ગમ્યું. બાકી તો આજકાલ કોઇ કામ વગર ક્યાં ફોન કરે છે? સાચું કહું, તારું નામ સ્ક્રીન પર વાંચ્યું ત્યારે પહેલાં તો એમ જ થયું કે, આને કંઇક કામ પડ્યું લાગે છે! બાકી એ ફોન ન કરે!’ તેના મિત્રએ કહ્યું, ‘મેં તો તને ફોન કરતાં પહેલાં બહુ વિચાર કર્યો. મને થયું કે, ક્યાંક તું એમ ન માની લે કે આ તો સાવ નવરો લાગે છે.’ તેના મિત્રએ કહ્યું, ‘આપણે હવે વાત કરતાં પહેલાં પણ કેટલું બધું વિચારવા લાગ્યા છીએ, નહીં?’ માણસ ફોન કરે એના ઉપરથી આપણે તેને માપવા લાગ્યા છીએ. એણે કેમ ફોન કર્યો? એનો ઇરાદો શું હશે? કામ વગર કંઇ થતું જ નથી!
કોઇને મળવા જતાં પહેલાં પણ કેટલા બધા વિચારો આવી જાય છે? આપણે મળવા જવાના પણ મતલબો કાઢવા લાગ્યા છીએ. કર્ટસી વિઝિટ પાછળ પણ કોઇ કામ કે કોઇ કારસ્તાન દેખાય છે. ક્યારેક કોઇને મળવા ગયા પછી એવું થાય છે કે, આને મળવા આવ્યો ન હોત, તો સારું હતું. મિલનની પણ થોડીક અપેક્ષાઓ હોય છે. આપણે મળીએ ત્યારે એ આપણને પૂરું ઇમ્પોર્ટન્સ આપે. આપણી વાત સાંભળે. ઘણી વખત આપણે કોઇને કોઇ કારણસર મળવા જઇએ, પછી પણ એનું વર્તન જોઇને વાત કરવાનું માંડી વાળીએ છીએ. આને વાત કરવાનો કોઇ મતલબ નથી. જેને કંઇ ફેર પડતો નથી એને વાત કરવાનો અર્થ પણ શું? મન ના પાડે છે, રહેવા દે. કંઇ નથી કહેવું! ક્યારેક કોઇ એટલી સારી રીતે પેશ આવે છે કે, ન કહેવાનું નક્કી કર્યું હોય તો પણ આપણે કહી દઇએ છીએ! દરેક માણસ દરેક પાસે દિલ ખોલી શકતો નથી. આપણે લાઇફમાં બહુ ઓછા લોકો હોય છે જેની પાસે આપણે દિલ ખુલ્લું મૂકી દઇએ છીએ. જેની સામે આંખો ભીની થઇ જાય તો પણ કોઇ સંકોચ થતો નથી. સારું લગાડવાનો પ્રયાસ નથી કરવો પડતો અને ખરાબ લાગશે એની ચિંતા નથી હોતી. આપણે જેવા હોઇએ એવા જ પેશ આવવાની મોકળાશ મળતી હોય એવા સંબંધો સોળે કળાએ સજીવન હોય છે.
આપણે જેને સૌથી નજીક માનતાં હોઇએ એ જ્યારે જોજનો દૂર ભાસે ત્યારે સંબંધ સવાલ બનીને સામે ઊભો રહી જાય છે. હોંકારો જોતો હોય અને જાકારો મળે ત્યારે થાય કે, આ સંબંધ શું આટલો તકલાદી હતો? જેને આધાર માનતા હતા એ માત્ર આભાસ જ હતો? એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે દોસ્તી હતી. દરેક વાત એની સાથે શેર કરતી. દોસ્ત પણ એની દરેક વાત સાંભળતો. એ મિત્રને મળવાનું એને ગમતું. બંને નિયમિત રીતે મળતાં. અમુક સમયે અમુક લોકો આપણી પ્રાયોરિટી બની જતાં હોય છે. કેટલીક વખતે તો અમુક સંબંધો આપણી વિકનેસ પણ બની જતાં હોય છે. એ ન હોય ત્યારે આપણે લાચાર ફીલ કરીએ છીએ. એના વગર આપણા અસ્તિત્વને જ અધૂરું માનવા લાગીએ છીએ. છોકરી માટે પણ એનો દોસ્ત એવો જ થઇ ગયો હતો કે એના વગર ચાલે જ નહીં. એનો દોસ્ત એને ધીમે ધીમે ઇગ્નોર કરવા લાગ્યો. ફોન રીસિવ ન કરે, મેસેજના જવાબ ન આપે, મળવાનું ટાળે. એક વખતે તેણે એવું કહી દીધું કે, ‘હું કંઇ તારી જેમ નવરો નથી કે ગમે ત્યારે ચાલ્યો આવું!’ આ વાત પછી એ છોકરીએ બધા સાથે કિનારો કરી લીધો. તેની બહેનપણીએ એક વખત ફોન કરીને મળવાની વાત કરી, ત્યારે એણે કહી દીધું કે, ‘હવે મને કોઇને પણ મળવાનું મન નથી થતું! મારે કોઇને મળવું નથી.’ બહુ પીડા થાય છે કંઇક છૂટે પછી!
આપણા બધાંની જિંદગીમાં ક્યારેક એવું થતું હોય છે કે, દરેક સંબંધ સમેટી લેવાનું મન થાય! આપણને એવું લાગે કે, બધા જ સંબંધો ખોટા છે. પ્રેમ, લાગણી, દોસ્તી, આત્મીયતા બધું જ ભ્રમ છે. કોઇ કોઇનું નથી. માણસ છેલ્લે તો એકલો જ હોય છે. મનથી નક્કી કરીએ છીએ કે, હવે બધાં સાથે મર્યાદિત સંબંધો જ રાખવા છે. બહુ ઇમોશનલ ફૂલ બન્યાં, હવે વધારે મૂર્ખ બનવું નથી. લાગણીના દરેક તારને સંકોચી નાખવાનું મન થાય છે. ક્યારેક આપણે એક કે થોડાક લોકોના અનુભવો પછી અમુક માન્યતા બાંધી લઇએ છીએ. દરેક વખતે ખોટા ખ્યાલો બાંધી લેવા પણ વ્યાજબી હોતા નથી. નગમતી ઘટના પછી પણ જિંદગી મુક્ત રહેવી જોઇએ. એક સંબંધ તૂટે એટલે બધાંને નકામા માની લેવાની ભૂલ આપણે કરતાં હોઇએ છીએ. બીજા ઘણા સારા સંબંધો હોય છે, પણ ક્યારેક આપણે કોઇ એક સંબંધમાં એવા આંધળા થઇ જઇએ છીએ કે બીજા સંબંધો પર નજર જ નથી જતી! થોડીક નજર ફેરવીએ તો જિંદગી હળવી અને જીવવા જેવી લાગે એવા સંબંધો મળી જ રહેતા હોય છે.
જિંદગીની એ ખૂબી છે કે, એ હંમેશાં માણસને નવી નવી તકો આપતી જ રહે છે. એક નિષ્ફળતા મળી, તો બીજો પ્રયાસ કરો. એક સંબંધ ખતમ થયો તો નવા સંબંધને અજમાવો. બનવાજોગ છે કે, નવો સંબંધ વધુ સ્વસ્થ અને વધુ સક્ષમ હોય. ક્યારેક પછડાટ પણ કોઈ વધુ સારા ઉદ્દેશથી આવતી હોય છે. કુદરતે કદાચ આપણી જિંદગીમાં કોઈ વધુ સારી વ્યક્તિને આવવા દેવી હશે. જે સંબંધ પૂરો થાય એ મોટેભાગે ખતમ થવાને જ લાયક હોય છે. જે આપણને સમજી ન શકે, જે આપણને સ્વીકારી ન શકે, એવા સંબંધનો આમેય કોઈ અર્થ હોતો નથી. જે આપણી દરેક સ્થિતિમાં અને દરેક સંજોગમાં સજીવન હોય એ જ સાચો સંબંધ હોય છે. સાચા સંબંધ ક્યારેય ખતમ થતા નથી. કોઈ કેટલી વખત મળે છે એના કરતા પણ કેવી રીતે મળે છે એ વધુ મહત્ત્વનું છે. સંબંધોમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. સાત્ત્વિક સંબંધો જ ટકે છે. કોઈ સંબંધ તૂટે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે, સાથ છૂટ્યો, આપણે એવું માનતા નથી કે ભ્રમ તૂટ્યો! તૂટેલા સંબંધોનો અફસોસ ન કરો અને તેના કારણે નવા સંબંધને ન અવગણશો! વધુ સારું થવાનું હોય એ પહેલા ઘણીવખત થોડુંક ખરાબ પણ બનતું હોય છે.
છેલ્લો સીન :
સંબંધનું પણ સપનાં જેવું હોય છે. દરેક સપનું ક્યાં પૂરું થતું હોય છે? -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 02 સપ્ટેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com