તને તો સાચી નફરત
કરતાં પણ નથી આવડતું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો,
હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો,
શમણાંમાં પણ હવે ન મુલાકાત થઇ શકે,
ને જાગતા મિલનનો તો ધારો નથી રહ્યો.
-હરીન્દ્ર દવે
તમે કોને પ્રેમ કરો છો? કોના પ્રત્યે તમને સ્નેહ, લાગણી અને મમત છે? આવો સવાલ ઊઠે કે તરત જ આપણી સામે અમુક ચહેરાઓ ઉપસી આવે છે. હવે બીજો સવાલ. તમે કોને નફરત કરો છો? કોને જોઇને તમારા ચહેરાની નસો તંગ થઇ જાય છે? કોનું નામ કાને પડતાં જ મગજ ફાટ-ફાટ થવા લાગે છે? નફરત એ પણ એક પ્રકારનો સંબંધ છે. થોડોક વિચિત્ર સંબંધ છે, પણ છે. નફરત નિભાવવાનું કામ સહેલું નથી. ‘આઇ લવ યુ’ કહેવું સહેલું છે. ‘આઇ હેટ યુ’ કહેવું આસાન નથી. હું તને નફરત કરું છું એવું કહી દીધા પછી પણ શું? નફરતના પણ થોડાક ઉસૂલ હોય છે. જે લોકો સાચો પ્રેમ કરી શકતા નથી, એ લોકો નફરત કરવામાં પણ ગ્રેસ જાળવી શકતા નથી. માણસ પ્રેમમાં પણ ચાલાકી વાપરતો થઇ ગયો છે. ગણિત આપણને સારું એવું ફાવી ગયું છે. આપણે એટલે જ બધામાં હિસાબ માંડવા લાગ્યા છીએ. ફાયદો જોવો એ આપણી ફિતરત થઇ ગઇ છે. એક યુવાનની આ વાત છે. પ્રેમિકા સાથે તેનું બ્રેક-અપ થઇ ગયું. આ યુવાન પછી પ્રેમિકાને કોસતો રહેતો. તેણે એક વખત તેના મિત્રને કહ્યું કે, ‘મેં તેનામાં ઘણું ‘ઇન્વેસ્ટ’ કર્યું છે!’ આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, ‘ઇન્વેસ્ટ? ઇન્વેસ્ટ તો માણસ ત્યાં કરે, જ્યાં વળતરની આશા હોય. જ્યાં રોકાણ હોય ત્યાં મોંકાણ સર્જાવાનું સૌથી મોટું જોખમ હોય છે. ગણતરીઓ ખોટી પડતી હોય છે. પ્રેમમાં તો કોઇ ગણતરી ન હોય તો જ દાખલો સાચો પડે છે!’ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ આપણે વળતરની અપેક્ષા રાખતાં થઇ ગયાં છીએ. આપણને અધિકાર જોઇએ છે. આપણને આધિપત્ય જોઇએ છે. આપણે કંઇ પણ નિ:સ્વાર્થભાવથી કરી જ શકતાં નથી. આપણા લોકો પાસેથી પણ આપણને કેટલી બધી અપેક્ષાઓ હોય છે? આપણી વ્યક્તિ આપણા બર્થ-ડે પર સોશિયલ મીડિયા પર સ્ટેટસ અપલોડ નથી કરતી, તો પણ આપણને લાગી આવે છે.
આપણે નફરત કેવી રીતે કરીએ છીએ, એના પરથી પણ આપણી કક્ષા નક્કી થતી હોય છે. બહુ ઓછા લોકોને નફરત કરતાં આવડતું હોય છે. આપણે તો એવું ઇચ્છતાં હોઇએ છીએ કે એનું ધનોતપનોત નીકળી જાય. એ કોઇને મોઢું બતાવવા લાયક ન રહે! કોઇનાથી દૂર થયા પછી પણ આપણે ડિસ્ટન્સ ક્યાં મેઇન્ટેન કરી શકતાં હોઇએ છીએ? નફરતની તીવ્રતા એના પરથી નક્કી થતી હોય છે કે આપણે જેને નફરત કરીએ છીએ એ વ્યક્તિ આપણી કેટલી નજીક હતી? આપણને કોઇ દુ:ખ આપીને ચાલ્યું ગયું. એણે પહેલાં કેટલું સુખ, કેટલો સાથ, કેટલું સાંનિધ્ય, કેટલું સાંત્વન આપ્યું હતું, એ આપણને યાદ નથી રહેતું. સંતાપને આપણે વાગોળતાં રહીએ છીએ!
નફરતમાં પણ પ્રામાણિકતા હોવી જોઇએ. એક માણસ હતો. તેને એક વ્યક્તિથી ભારોભાર નફરત હતી. એને ખબર પડી કે એ જેને નફરત કરે છે, એના એક સંબંધીને એની સાથે વાંધો પડ્યો છે. એ માણસ તેની પાસે પહોંચી ગયો. તેણે કહ્યું કે, ‘તું જેનાથી નારાજ છે એને હું પણ નફરત કરું છું. આપણે બંને સાથે મળીને એને ખતમ કરી શકીએ એમ છીએ!’ આ વાત સાંભળીને પેલા માણસે કહ્યું, ‘તું કેવો માણસ છે? તને તો સાચી નફરત કરતાં પણ નથી આવડતું! મારી નફરત જુદી છે. મારે તેને બરબાદ નથી કરવો. મારે તેનું નુકસાન નથી કરવું. મારે એના માટે મારો સમય, મારું મગજ કે મારા વિચારો પણ નથી બગાડવાં. હવે મને એની સાથે ફાવતું નથી એટલે હું એનાથી દૂર થયો છું. મારે કોઇ વેર વાળવું નથી. મારે દુશ્મની પણ નિભાવવી નથી.’ દોસ્તી મરે ત્યારે પણ દુશ્મનીને જીવતી કરવી ન જોઇએ.
એક રાજા હતો. પોતાના રજવાડાનાં જ નગરશેઠ સાથે એને બનતું નહોતું. નગરશેઠને પણ રાજાથી નફરત હતી. એક વાર દુકાળ પડ્યો. લોકો માટે રાજાએ પોતાના ખજાનાનો ભંડાર ખુલ્લો મૂકી દીધો. દુકાળ લાંબો ચાલ્યો. રાજાનો ભંડાર પણ ખૂટી ગયો. હવે શું કરવું? રાજા ચિંતામાં હતા. તેના વજીરે કહ્યું, ‘નગરશેઠને વાત કરો ને, એની પાસે ઘણું છે. એ મદદ કરે તો વાંધો નહીં આવે.’ રાજાએ કહ્યું કે, ‘પણ એ માણસ તો મને નફરત કરે છે!’ વજીરે હસીને કહ્યું, ‘રાજા, તમે શું કરો છો?’ આ વાત ફરતી-ફરતી નગરશેઠ સુધી પહોંચી. નગરશેઠ રાજા પાસે ગયા. તેણે રાજાને કહ્યું કે, ‘મારા ભંડાર તમારા માટે ખુલ્લા છે.’ આ સાંભળીને રાજાએ કહ્યું, ‘તમે તો મને નફરત કરો છો, તો પણ આવું કેમ?’ નગરશેઠે કહ્યું, ‘રાજા! નફરત એની જગ્યાએ છે. નફરત તમારા પ્રત્યે છે. તમારી દાનત પ્રત્યે નહીં. અત્યારે તમારી દાનત પ્રજાનું ભલું કરવાની છે. નફરત તમારાથી હોય, તો પણ ગામના લોકો સાથે નથી!’ રાજાએ કહ્યું, ‘મને ખુશી છે કે, તમે તમારી નફરતમાં પણ પ્રામાણિક છો! મને નફરત કરતા રહેજો, પણ તમારી આ ઉમદા વૃત્તિને ઓસરવા ન દેતા.’
નફરત કરવા વિશે એવું પણ કહેવાય છે કે, ઇગ્નોર કરવું એ નફરત કરવાની શ્રેષ્ઠ રીત છે. ઘણી વખત તો આપણે એવા સ્વાર્થી થઇ જતાં હોઇએ છીએ કે નફરત કરતાં હોય એને પણ ઇગ્નોર કરવાની હિંમત નથી કરતા. અંદર નફરત હોય તોયે બહારથી સારું લગાડીએ છીએ! કોને ખબર છે એનું ક્યારે કામ પડે? આપણે નફરત કરીશું તો એ આપણો વારો કાઢી નાખશે! મોઢે એના વખાણ કરીએ છીએ અને મનમાં એને ગાળો આપીએ છીએ! ભૂલી જવામાં તાકાતની જરૂર પડે છે. નફરત કરવામાં આપણે જ ભારેખમ રહીએ છીએ. સામેવાળાનું તો જે થાય એ, પણ આપણે જ નફરત નીચે દબાઇ જઇએ છીએ! પોતે જ ઊભી કરેલી નફરત નીચે રોજેરોજ કચડાતાં રહેવું એ હાથે કરીને દુ:ખી થવાની જ બૂરી આદત છે!
છેલ્લો સીન :
ડબલ સ્ટાન્ડર્ડ સાથે જીવતા માણસનું કોઇ સ્ટાન્ડર્ડ જ નથી હોતું! હોય છે તે તકલાદી અને ખોખલું હોય છે. –કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 26 ઓગસ્ટ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com