લગ્ન માટેની માનસિક ઉંમરની
ફિકર થવી જોઇએ કે નહીં?
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18થી વધારીને
21 કરવાની વિચારણા ચાલી રહી છે. હેતુ સારો છે
સાથોસાથ સવાલ એ પણ છે કે, એનાથી
દાંપત્ય જીવનમાં કશો ફેર પડશે ખરો?
*****
સંબંધને ઉંમર સાથે કેટલું લાગેવળગે છે?
લગ્નજીવનમાં ઇસ્યૂઝ વધી રહ્યા છે. સાથે રહેવા અને
સાથે જીવવામાં બહુ મોટો ફેર છે
*****
હમણાંની જ એક સાવ સાચી વાત છે. એક પિતા પાસે દીકરીનું માગું આવ્યું. પિતાએ આદરપૂર્વક દીકરીનાં લગ્નની વાત આગળ વધારવાની ના પાડી. જ્યારે તેમને કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘મારી દીકરી હજુ લગ્નજીવન સંભાળી શકે એટલી મેચ્યોર થઇ નથી.’ એ ભાઇની દીકરી 19 વર્ષની છે. હજુ ભણે છે. આપણા કાયદા મુજબ, એની ઉંમર લગ્ન કરી શકાય એટલી થઇ ગઇ છે, પણ સમજમાં હજુ ઘણી કાચી હતી. દીકરી ઉછાંછળી કે નાદાન જરાય નહોતી પણ તેનામાં હજુ ઘણી બાબતોમાં હોવી જોઇએ એટલી ગંભીરતા જોવા મળતી નહોતી. એ તેની મસ્તીમાં જીવતી અને જવાબદારીઓ પ્રત્યે થોડીક બેપરવા પણ હતી. આપણે ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે, એ તો લગ્ન થઇ જાય ને એટલે બધું આપોઆપ સેટલ થઇ જતું હોય છે. દરેક વખતે એવું થાય જ એવું જરૂરી નથી હોતું. લગ્ન થાય ત્યારે બે વ્યક્તિની જિંદગી દાવ પર લાગતી હોય છે. આપણે ત્યાં લવમેરેજ પણ ધડાકાભેર તૂટે છે. એ વાત પણ સરવાળે તો એવું જ સાબિત કરે છે કે, લગ્ન માટે માત્ર પ્રેમ જ નહીં, સમજદારી, જવાબદારી, આદર અને સ્વીકાર પણ જરૂરી છે. આ વાત છોકરી અને છોકરાને એકસરખી લાગુ પડે છે.
આપણા દેશની સરકાર છોકરીઓ માટેની લગ્નની ઉંમર વધારવા વિશે વિચારણા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરેલા પ્રવચનમાં કહ્યું કે, છોકરીની લગ્નની ઉંમર નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના સૂચનોને આધારે લગ્નની ઉંમર વધારવી કે નહીં એ નક્કી થશે. સરકારના મહિલા અને બાળ ક્લ્યાણ વિભાગ દ્વારા જૂન મહિનામાં જ એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. છોકરીઓની લગ્નની ઉંમર વધારવા પાછળ સરકારનો ઇરાદો માતૃત્વના મૃત્યુદરમાં ઘટાડો કરવાનો છે. છોકરી નાની ઉંમરે માતા બને ત્યારે એના સંતાનની હેલ્થના પણ સવાલો ઊઠે છે. દેશમાં આ વાત થઇ પછી લગ્નની આઇડિયલ એજ કેટલી હોવી જોઇએ અને ક્યા દેશમાં મેરેજની એજ કેટલી છે એની ચર્ચાઓ ચાલી છે. મોટા ભાગના દેશોમાં છોકરીઓની લગ્નની એજ ઓછામાં ઓછી 18 વર્ષ રાખવામાં આવી છે. એવા પણ દેશો છે જ્યાં છોકરી 12 વર્ષની થાય એટલે પરણાવી દેવાય છે.
આપણે ત્યાં છોકરીઓની લગ્નની મિનિમમ એજ ભલે 18 વર્ષની રહી, પણ મા-બાપ દીકરી 18 વર્ષની થાય કે તરત જ પરણાવી દેતાં નથી. 18 વર્ષની છોકરી તો હજુ કોલેજમાં ભણતી હોય છે. સમય બદલાયો છે. મા-બાપ છોકરીઓને પૂરું ભણાવીને પગભર બનાવવાનું નક્કી કરે છે. છોકરીઓ પણ પોતાની કરિયર માટે સજાગ છે, એને પણ ભણવું છે, કંઇક બનવું છે. લગ્ન કરીને રસોડામાં પુરાઇ જવું નથી. છોકરો પણ પગભર ન થાય ત્યાં સુધી મા-બાપ પરણાવવાનું ટાળે છે. છોકરા માટે તો એ પણ સવાલ હોય છે કે, જો કમાતો-ધમાતો ન હોય તો છોકરી મળતી નથી. છોકરીઓની ઉંમર મામલે કેવા સૂચનો આવશે અને છેલ્લે સરકાર શું નિર્ણય લેશે એ તો સમય આવ્યે ખબર પડશે, પણ એની સાથે જે બીજા સવાલો વિશે પણ વિચાર કરવાની જરૂર છે.
છોકરીઓમાં રજસ્વલા થવાની ઉંમર ઘટતી જાય છે. છોકરાઓમાં પણ શારીરિક ફેરફારો ઝડપથી થવા લાગ્યા છે. રશિયામાં હમણાં બનેલી એક ઘટનાએ આખી દુનિયામાં ચર્ચા જગાવી છે. 13 વર્ષની એક છોકરી 10 વર્ષના છોકરાથી પ્રેગ્નન્ટ થઇ અને માતા બની. આટલી ઉંમરે મા-બાપ બનવું શક્ય છે? એ જાણવા મેડિકલ ટેસ્ટ પણ કરાયા, જેમાં બંને શારીરિક સંબંધો માટે ફિટ જણાયાં. સવાલ આ ઉંમરે મા કે બાપ બનવા કરતાં પણ વધુ ફિઝિકલ એટ્રેકશનનો છે. અત્યારના હાઇટેક યુગમાં નાના છોકરાઓને પણ હવે બધી ખબર પડવા લાગી છે. છોકરો અને છોકરી શારીરિક રીતે નજીક આવતાં તો આવી જાય છે, પણ સંબંધોની ગંભીરતા હોતી નથી.
દુનિયાના એક્સપર્ટસ એવું પણ કહે છે કે, મેરેજની એજ નક્કી કરતી વખતે બીજા અનેક પાસાંઓનો પણ વિચાર કરવો જોઇએ. એક દલીલ તો થોડીક વિચિત્ર લાગે એવી છે. લગ્નની ઉંમરમાં ભલે વધારો કરો, પણ શારીરિક સંબંધો માટેની ઉંમરમાં ઉદારતા રાખો. મતલબ કે, અત્યારે 17 વર્ષની છોકરી પોતાની મરજીથી કોઇ છોકરા સાથે શારીરિક સંબંધ બાંધે તો પણ છોકરા પર રેપનો કેસ થાય છે. જબરદસ્તીથી કે છોકરીની ઇચ્છા વિરૂદ્ધ કંઇ થાય તો જ બળાત્કાર ગણવો જોઇએ એવી પણ એક દલીલ કરવામાં આવે છે. આપણે ત્યાં એક પ્રોબ્લેમ એ પણ છે કે આવા ઇસ્યૂઝની જાહેરમાં ચર્ચાઓ પણ થતી નથી. મૂલ્યો અને મોરાલિટીની વાતો કરનારાઓનો આપણે ત્યાં તોટો નથી, પણ એ લોકો જ્યારે રિયાલિટીની વાત આવે ત્યારે મોઢા મચકોડે છે. આપણે ત્યાં તો શરીરમાં થતાં ફેરફારો વિશે એજ્યુકેશન આપવાનું પણ ટાળવામાં આવે છે. સેક્સને ગંદો શબ્દ સમજીને એના વિશે કોઇ ચર્ચા જ કરવામાં આવતી નથી.
પૂરી ઉંમરે પરણીને પણ ઘણાં યુવક-યુવતીઓ પ્રેમ અને શાંતિથી રહી શકતાં નથી. સમયની સાથે ઇમોશનલ અને સોશિયલ ઇસ્યૂઝ પણ બદલાઇ ગયા છે. એ વિશે પણ વિચાર કરવાની જરૂર છે. સરકાર છોકરીઓના લગ્નની ઉંમર અંગે વિચારણા કરે એ સારી વાત છે પણ એ સાથે બીજા જે સવાલો અને સમસ્યાઓ છે, એના વિશે સરકાર જ નહીં, સમાજ પણ ગંભીરતાથી વિચારે એ જરૂરી છે.
————–
પેશ-એ-ખિદમત
કામ કરના હો જો કર લો આજ કી તારીખ મેં,
આંખ નમ હો જાએગી ફિર સિસકિયાં રહ જાએંગી,
ઇસ નયે કાનૂન કા મંજર યહી દિખતા હૈ અબ,
પાંવ કટ જાએંગે લેકિન બેડિયાં રહ જાએંગી.
-આદર્શ દુબે
—————-
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 23 ઓગસ્ટ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com