ઓનલાઇન એજ્યુકેશનમાં શિક્ષકોની
વેદના કોઇને સમજાય છે ખરી?
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
કોરોનાના કાળમાં જ્યારે પણ ઓનલાઇન એજ્યુકેશનનો
મુદ્દો છેડાયો છે ત્યારે સ્ટુડન્ટ્સ અને તેના પેરેન્ટ્સની વાતો
થઇ છે પણ ઓનલાઇન ભણાવનારા શિક્ષકો વિશે કોઇ વિચાર કરતું નથી
*****
ઓન સ્ક્રીન સ્ટડી કરાવનારા શિક્ષકો કહે છે કે, હવે અમને
વિદ્યાર્થીનું આખું ઘર જજ કરે છે! અમારે માટે પણ કંઇ બધું સહેલું નથી!
*****
એક શિક્ષકને તેની સ્કૂલના પ્રિન્સિપાલે બોલાવીને કહ્યું કે, કોરોનાના કારણે સ્કૂલ બંધ છે એટલે તમારે હવેથી વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાના છે. આ વાત સાંભળીને શિક્ષકના મોતિયા મરી ગયા. તેને તો ઓનલાઇન ભણાવવાની ફાવટ જ નહોતી. આખરે તેની દીકરી મદદે આવી. તેણે બધું સેટઅપ ગોઠવી આપ્યું. શિક્ષકે હિંમત કરીને ભણાવવાનું શરૂ કર્યું. શિક્ષકને બહુ ફાવતું નહોતું એટલે વિદ્યાર્થીઓએ એની ફીરકી લેવાનું શરૂ કર્યું. જે કમેન્ટસ થઇ એ વાંચીને શિક્ષક રીતસરના રડી પડ્યા. એની દીકરીએ આવીને શિક્ષક પિતાને સંભાળ્યા. આ વાત સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઇ છે. અમુક વેબસાઇટ્સે પણ આ સમાચારને પ્રસિદ્ધ કર્યા. હજારો લોકોએ કમેન્ટસ કરી કે, તમારા ટીચરનું સન્માન જાળવો. આ તે કંઇ તમારા સંસ્કાર છે? તમે પણ કદાચ આ વાઇરલ પોસ્ટ જોઇ અને વાંચી હશે. અલબત્ત, ફેક્ટ ચેક કરતાં ખબર પડી કે, આખી વાર્તા કાલ્પનિક છે. બાંગ્લાદેશના સૈયદ મહોમ્મદ ફહિમે ફેસબુક ઉપર આ વાર્તા લખી હતી. તેમણે કહ્યું કે, મેં તો શિક્ષકોનું સન્માન જળવાય એ માટે આવું લખ્યું હતું. ખેર, આ વાત તો ખોટી હતી, પણ ઓનલાઇન ભણાવતી વખતે શિક્ષકની મજાક થઇ હોય એવી સાચી ઘટનાઓ ઘણા શિક્ષકો સાથે બની છે. એક શિક્ષકે કહેલી આ વાત છે. સ્ટુડન્ટ સાચા નામને બદલે ફેક, પેટ કે ઘોસ્ટ નામ રાખે છે એટલે ખબર નથી પડતી કે, આ સ્ટુડન્ટ કોણ છે! દેશના અમુક રાજ્યોમાં તો વિદ્યાર્થીઓ કલાસ રૂમમાં પણ ટીચર કે પ્રોફેસરની ઠેકડી ઉડાડે છે, ત્યારે આવા વિદ્યાર્થીઓ ઓનલાઇન થોડા સખણા રહેવાનાં છે?
કોરોનાએ આપણા બધાંની લાઇફસ્ટાઇલ બદલી નાખી છે. આપણે બધાં ન્યૂ નોર્મલની વાતો કરવા લાગ્યા છીએ, પણ એમાં સેટ થવું હજુ ઘણાંને ફાવ્યું નથી. નાનાં બાળકોને ઓનલાઇન ભણાવવાં એ ખાવાના ખેલ નથી. મોટા ભાગનાં મા-બાપ એવું જ કહે છે કે, ‘અમારા સંતાનો મોબાઇલ, ટેબલેટ કે લેપટોપ સામે શાંતિથી બેસતાં જ નથી.’ બાળકો ચંચળ જ હોવાના છે. એ ઓનલાઇન ભણવા બેસે ત્યારે એનાં મા, બાપ કે ઘરના બીજા કોઇ સભ્યે સાથે બેસવું પડે છે. કોલેજના સ્ટુડન્ટસ તો હજુ પણ સમજુ હોય છે એટલે જેને ભણવું છે એ ભણે જ છે. અમુક સ્ટુડન્ટ હાજરી પૂરવા માટે ઓનલાઇન થાય છે, પણ પછી કરતાં હોય છે બીજું જ કંઇક!
બધાં લોકો સ્ટુડન્ટસ, તેનાં પેરેન્ટસ, શાળા કે કોલેજ અને ફીના ઇસ્યૂની ચર્ચા અને ચિંતા કરે છે, પણ જેણે ભણાવવાનું છે એ શિક્ષકોનો વિચાર કોઇ કરતું નથી. જે શિક્ષકો શાળા-કોલેજમાં બ્લેક બોર્ડ પર ભણાવવા ટેવાયેલાં હતાં, એમને કેમેરા સામે બેસીને ભણાવવું ફાવતું નથી. અડધા કલાકમાં તો એમનો પરસેવો છૂટી જાય છે. બધાં શિક્ષકો કંઇ ટેક્નોસેવી નથી. અમુકને તો મોબાઇલ યુઝ કરતાં પણ ફાવતું નથી. કોઇ એપ ડાઉનલોડ કરવા માટે દીકરા કે દીકરીની મદદ લેતાં હોય એને તમે સીધા ઓનલાઇન ભણાવવા બેસાડી દો, તો એની હાલત દયાજનક જ થઇ જાય ને? વડોદરાની નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીને શિક્ષકોને મળેલી નવી ચેલેન્જિસ વિશે વિચાર માંગી લે એવી પોસ્ટ સોશિયલ મીડિયા પર લખી છે. તેમણે લખ્યું કે, શિક્ષકોને રાતોરાત ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ચેલેન્જ આવી અને તેમણે એ સ્વીકારી. શિક્ષકોએ સ્ક્રીન પ્રેઝન્સ અને વોઇસ મોડ્યુલેશન માટે સતર્ક બનવું પડ્યું. આ બધાં કરતાં પણ સૌથી મોટી વાત એ બની કે, સ્ટુડન્ટ ઓનલાઇન સ્ટડી કરતો હોય ત્યારે તેના ઘરના કોઇ ને કોઇ વ્યક્તિ જોવા બેસી જાય. એ લોકો પાછા જજ કરે કે આ સાહેબ કે મેડમને ભણાવતાં આવડે છે કે નહીં? એ ટીચર વિશે કોઇ કમેન્ટ પાસ કરે એટલે એ કમેન્ટ પરથી સ્ટુડન્ટ પાછો પોતાના જ ટીચરની ઇમેજ નક્કી કરી લે! આવું ઘણા શિક્ષકો સાથે બન્યું છે. અમુક વાલીઓએ તો સ્કૂલમાં એવી ફરિયાદો પણ કરી છે કે, તમારા ટીચર જે રીતે ભણાવે છે એ બરાબર નથી. પેરન્ટસને સમજાતું જ નથી કે, ઓનલાઇન ભણાવવું એ વીડિયો કોલ પર વાત કરવા જેટલું ઇઝી નથી.
ઓનલાઇન એજ્યુકેશન પાછું વન-વે છે. શિક્ષક બોલ બોલ કરે અને સામેથી કોઇ પ્રતિસાદ ન મળે. શિક્ષકોને સવાલ પૂછવાની અને જવાબ મેળવવાની આદત હોય છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને સ્ટડીમાં એન્ગેજ રાખવાની આવડત હોય છે. ક્યા સ્ટુડન્ટને વધારે માર્ગદર્શનની જરૂર છે એની પણ તેમને ખબર હોય છે. સામે જીવતાં-જાગતાં વિદ્યાર્થીઓને બદલે કેમેરા આવી જાય, ત્યારે તેમને ભણાવવાની મજા આવે નહીં એ સમજી શકાય એવી વાત છે. કેટલા બધા પડકારો હોવા છતાં ટીચર્સ અને પ્રોફેસર્સ પોતાનાંથી બનતા પ્રયાસો કરે છે. એક શિક્ષકે આ વિશે એવું કહ્યું કે, મને તો એવું લાગે છે જાણે હું ભણાવવાની એકટિંગ કરું છું. તેણે એમ પણ કહ્યું કે, જો ઓનલાઇન ભણાવી દઇ શકાતું હોત તો બધાં સ્ટુડન્ટ્સ ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ કે દુનિયાની બીજી બેસ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર્સના લેકચરો સાંભળીને હોશિયાર બની ગયા હોત. ક્લાસરૂમ એજ્યુકેશનમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે એક અલૌકિક તાદાત્મ્ય સર્જાય છે. કરૂણતા એ વાતની પણ છે કે, આમ છતાં ઘણી ખાનગી શાળા અને કોલેજોના સંચાલકોએ શિક્ષકોના પગાર કાપી નાખ્યા છે. કોરોનાના કારણે શાળા-કોલેજ બંધ હતાં, એ સમયને વેકેશનમાં ગણી લીધો છે. શિક્ષકો કહે છે કે, બીજું કંઇ નહીં તો અમને થોડીક ક્રેડીટ તો આપો, અમારી પણ પીઠ થાબડો, એટલું તો અમે ડિઝર્વ કરીએ જ છીએ!
—————-
પેશ-એ-ખિદમત
દૂર તક એક સ્યાહી કા ભંવર આયેગા,
ખુદ મેં ઉતરોગે તો ઐસા ભી સફર આયેગા,
આંખ જો દેખેગી દિલ ઉસ કો નહીં માનેગા,
દિલ જો દેખેગા વો આંખો મેં ઉભર આયેગા.
-ખલીલ તનવીર
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 02 ઓગસ્ટ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com