આપણા દેશના તમામે તમામ ક્ષેત્રમાં
નેપોટિઝમ અને પોલિટિક્સ છે જ!
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
સુશાંત સિંહના આપઘાત પછી ફિલ્મી દુનિયામાં ચાલતા
નેપોટિઝમની વાતો ખૂબ ચગી છે.
આવું તો રાજકારણથી માંડીને સ્પોર્ટસ વર્લ્ડ સહિત બધી જગ્યાએ છે
*****
નેપોટિઝમ પાર્ટ ઓફ લાઇફ બની ગયું છે. જે લોકોના
કામમાં દમ છે એ ગમે તે રીતે સફળ થાય જ છે
*****
સફળતાને સંઘર્ષ સાથે સીધો સંબંધ છે. આપણે મોટા ભાગે દરેક ક્ષેત્રમાં એવું જોયું છે કે, લાયકાત ન હોવા છતાં અમુક લોકો અમુક સ્થાનો પર ગોઠવાઇ ગયા હોય છે. આપણે એવું પણ કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે, એનો તો મેળ પડી જ જાયને? એની પહોંચ બહુ ઊંચી છે. જેના છેડા તગડા હોય એ ઘૂસ મારીને કબજો જમાવી લે છે. એના કારણે જે ખરેખર લાયક છે એ રહી જાય છે. અમુક કિસ્સાઓમાં એવું પણ બને છે કે, કોઇ સફળતાની સીડી ચડી રહ્યું હોય ત્યારે તેનો ટાંટિયો ખેંચીને નીચે પછાડી દેવામાં આવે છે.
ફિલ્મ કલાકાર સુશાંતસિંહ રાજપૂતના આપઘાત બાદ બોલિવૂડમાં ચાલતા નેપોટિઝમની એક પછી એક વાતો બહાર આવવા લાગી છે. ફિલ્મ એકટ્રેસ કંગના રનૌત, સિંગર સોનુ નિગમ, અભિનવ કશ્યપ સહિત અનેક લોકો મેદાનમાં આવીને નેપોટિઝમની વાતો કરી રહ્યા છે. સારી વાત છે, કોઇ તો એવું છે જે કોઇ પણ જાતના ડર વગર સાચું બોલવાની હિંમત કરે છે. ઘણા લોકો એવી વાતો કરે છે કે, થોડા દિવસ બધું ચાલશે, ધીમે ધીમે પાછું બધું થાળે પડી જશે. કાસ્ટિંગ કાઉચ અને મી ટુ મૂવમેન્ટ વખતે થયેલા ઉહાપોહને યાદ કરો. કેવું ચગ્યું હતું બધું? આજે કોઇ એ વાતને યાદ કરે છે? આવું ભલે કહેવાતું હોય પણ જે બોલવાની હિંમત કરે છે એને દાદ આપવી જોઇએ. રવીશ કુમારે સરસ વાત કરી હતી કે, દરેક લડાઇ જીતવા માટે નથી લડવામાં આવતી, અમુક લડાઇ એ વાતનો અહેસાસ કરાવવા માટે થતી હોય છે કે, કોઇ લડી રહ્યું છે. દૂષણો રાતોરાત ખતમ થતા નથી.
મહત્ત્વની વાત એ છે કે, નેપોટિઝમનો ભોગ બનીએ એટલે આપઘાત કરવાનો? એનો ચોખ્ખો જવાબ છે, ના. સુશાંતસિંહમાં એટલું તો હીર હતું જ કે, તે પોતાની એક્ટિંગના દમ પર ટકી રહે અને આગળ પણ આવે. આમ જુઓ તો નેપોટિઝમ, રાજકારણ, ખટપટ, કૂથલી, ફેવરિઝમ, ભાઇ-ભત્રીજાવાદ તો તમામ ક્ષેત્રમાં વત્તા-ઓછા અંશે છે જ! રાજકારણથી માંડીને રમત જગત સુધી આવું બધું અને એનાથી પણ વધુ ઘણું બધું જોવા મળે છે. પોતાના લોકોને ગોઠવી દેવાની દાનત ધાર્મિક સંસ્થાઓથી માંડીને માફિયા જગતમાં પણ છે. આવું બધું આજકાલથી નથી. કિસ્સાઓ ઉખેળવા બેસીએ તો પ્રાચીન કાળથી માંડીને આજ દિવસ સુધીની અસંખ્ય ઘટનાઓ મળી આવે.
નેપોટિઝમનો સાવ સાદો અર્થ કરવો હોય તો ભાઇ-ભત્રીજાવાદ કરી શકાય. આ શબ્દનો છેડો લેટિન, ઇટાલિયન અને ફ્રેંચ ભાષામાંથી નીકળે છે. ઇટાલિયન ભાષામાં નેપોટ એટલે ભત્રીજો થાય છે. તેના પરથી નેપોટિઝમો શબ્દ આવ્યો. ફ્રેંચમાં નેપોટિઝમ કહેવાયું. પોતાના લોકોને મોટા હોદ્દા પર ગોઠવવા માટે કરાતી ગેરવાજબી તરફદારીને નેપોટિઝમ કહે છે. સ્વજન પક્ષપાત કે કુનબા પરસ્તી પહેલાં પણ થતી હતી, આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થતી રહેવાની છે.
આપણે ત્યાં રાજકારણમાં પરિવારવાદની વાતો આઝાદી વખતથી થતી રહી છે. ગાંધી પરિવાર વિશે સૌથી વધુ ચર્ચા થઇ છે. પાઇલટની ટ્રેનિગ લઇ વિમાન ઉડાડનારા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવાયા હતા. રાજીવ ગાંધીની સફળતા પાછળ રાજીવ કરતા એની થિંક ટેન્કનો બહુ મોટો ફાળો હતો. રાજકારણમાં તો ભાઇ-ભત્રીજાવાદનાં ઉદાહરણો દરેક રાજ્યમાં અને દરેક પક્ષમાં ઢગલાબંધ મળી આવે છે. સામા પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત એવા અનેક ઉદાહરણો પણ છે જેમણે પોતાની તાકાતથી સફળતા મેળવી છે. ક્રિકેટની દુનિયાની વાત કરીએ તો સુનીલ ગાવાસ્કર હોય કે પછી સચિન તેંડુલકર, એના દીકરાને ક્રિકેટમાં સ્થાન મળી ગયું હતું પણ એ પર્ફોમ કરી ન શક્યા એટલે ફેંકાઇ ગયા. સુપર સ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન પણ થોડુંક ચાલીને થંભી ગયો. સામા પક્ષે પોતાની મહેનત, ધગશ અને લગનથી તમામ સંઘર્ષોનો સામનો કરીને સફળતાની ટોચે પહોંચ્યા હોય એવી પણ કિસ્સાઓ ઓછા નથી. સરવાળે વાત એ આવે છે કે, જેનામાં કાબેલિયત છે એને વહેલી કે મોડી સફળતા મળે જ છે. બોલિવૂડમાં કપૂર ફેમિલીની બોલબાલા છે. એવા ઘણા કપૂર છે જે બોલિવૂડમાં ચાલ્યા નથી. તમને કોઇ ગ્રાઉન્ડ આપી શકે પણ છેલ્લે તો કોઇપણ વ્યકિતએ પોતાની જાતને સાબિત જ કરવી પડતી હોય છે.
આપણામાંથી એવા કેટલા ઓનેસ્ટ લોકો છે જે પોતાના નજીકના સ્વજનને તક આપવાને બદલે ખરેખર જે લાયક છે એને તક આપે? દરેક માણસ પોતાની કક્ષાએ નેપોટિઝમ કરતો હોય છે. અમુક સારા લોકો હોય છે જે આવું કરતા નથી પણ તે અપવાદ હોય છે. નેપોટિઝમ તો રહેવાનું જ છે અને એની વચ્ચે જ માણસે સફળ થવાનું છે. સંપત્તિ વારસામાં મળે છે પણ કાબેલિયત વારસામાં કે લાગવગથી મળતી નથી. સરવાળે વાત એટલી જ કરવાની છે કે, કોઇ નેપોટિઝમ, પોલિટિક્સ કે બીજા કંઇ પણથી થાકી કે હારી ન જાવ, તમારી મહેનત અને તમારી આવડત જ તમને સફળતા અપાવશે. કોનો કેવી રીતે મેળ પડી ગયો કે કોણ કેવી રીતે ફિલ્ડમાં છે તેની પળોજણમાં પડ્યાં વગર જે પોતાનાં કામમાં રચ્યાંપચ્યાં રહે છે એ સફળ થાય જ છે. સફળ થવા માટે કોઇ પણ વાત, પરિસ્થિતિ કે સંજોગોથી ડર્યા કે ડગ્યા વગર પોતાનું કામ કરતા રહેવું જરૂરી છે. પોતાની જાત પર અતૂટ શ્રદ્ધા એ સફળતા માટેની પહેલી શરત છે.
પેશ-એ-ખિદમત
હુસ્ન કે સેહર ઓ કરામાત સે જી ડરતા હૈ,
ઇશ્ક કી જિંદા રિવાયાત સે જી ડરતા હૈ,
સચ તો યે કિ અભી દિલ કો સુકૂં હૈ લેકિન,
અપને આવારા ખયાલાત સે જી ડરતા હૈ.
-હસન નઇમ
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 28 જૂન 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com