જિંદગીની મજા જ એ છે કે એ
થોડી થોડી બદલતી રહે છે
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
છેલ્લા પોણા ત્રણ મહિનામાં તમારી લાઇફમાં શું ફેર પડ્યો?
તમારા વિચારો, તમારા વર્તન અને તમારી સંવેદનામાં
જે ફરક આવ્યો છે એ કેવો છે? થોડોક
તો ફેર પડવાનો જ છે!
જિંદગીમાં પણ સ્પીડબ્રેકર કે ડાઇવર્ઝન આવતા
જ રહે છે પણ છેલ્લે જિંદગી પાછી પાટે ચડી
જતી હોય છે. જિંદગીની એ જ ફિતરત છે!
કોઇના કહ્યામાં ન રહેવું એ જિંદગીની આદત છે. જો જિંદગી આપણી મરજી મુજબ ચાલતી હોત તો આપણે બધું જ કંટ્રોલ કરવા લાગ્યા હોત. જિંદગીની કેટલાક પડાવ હોય છે. એક પડાવથી બીજા પડાવ વચ્ચે સફર ચાલતી રહે છે. માર્ગમાં ક્યારેક સ્પીડબ્રેકર કે ડાઇવર્ઝન આવતા રહે છે. સરવાળે જિંદગી ફરીથી પાટે ચડી જતી હોય છે. અત્યારે કંઇક એવું જ થઇ રહ્યું છે. કોરોનાના કપરા કાળ પછી ધીમે ધીમે બધું થાળે પડતું જાય છે. કોરોના ગયો નથી. આપણી માનસિકતા થોડીક બદલી છે. આપણે જ હવે નક્કી કર્યું છે કે, કોરોનાના અસ્તિત્વને સ્વીકારીને જીવવાનું છે. આવડતું જાય છેને? આપણે સ્વીકાર કરીએ તો ઘણું બધું આવડી જતું હોય છે, ઘણું બધું ફાવી જતું હોય છે. સ્વીકાર મહત્વનો છે. આપણે થોડાક સુધરી ગયા છીએ. માસ્ક, ડિસ્ટન્સ, સેનિટાઇઝેશન અને બીજું ઘણું બધું આપણી રોજિંદી લાઇફનો હિસ્સો બની ગયું છે. આ બધું તો બહારથી બદલાયું છે, અંદરથી કેટલું પરિવર્તન થયું?
લોકડાઉન શરૂ થયું ત્યારે સોશિયલ મીડિયામાં વહેતો થયેલો એક મેસેજ યાદ આવે છે. ઇફ યુ કાન્ટ ગો આઉટસાઇડ, ગો ઇનસાઇડ. ભીતરમાં ઝાંકવાની વાત વાંચી એક વિચાર આવ્યો હતો. બહાર જઇ ન શકાય ત્યારે જ પોતાની ભીતરમાં દ્રષ્ટિ કરવાની? એ તો ગમે ત્યારે ન કરી શકાય? બહાર જવાનું ચાલુ થયું એટલે અંદર નિરખવાનું બંધ કરી દેવાનું? ચલો, થોડાક અંદર ઉતરીને જોઇએ કે, આપણામાં આ સમય દરમિયાન કેટલો બદલાવ આવ્યો? આમ તો એવું કહેવાતું આવ્યું છે કે, માણસ હોય એવો જ રહે છે, મુસીબત આવે ત્યારે થોડોક બદલે છે, બધું સમુંનમું થાય એટલે પાછો હતો એવોને એવો થઇ જાય છે. હા, આવું થાય છે પણ અમુક ઘટનાઓ, અમુક સમય આપણને અણસાર પણ ન આવે એવા પરિવર્તનો આપણામાં કરતો હોય છે. એ બદલાવ દેખાતો નથી, વર્તાતો હોય છે.
આ સમયમાં સૌથી વધુ અસર સંબંધો પર થઇ છે. કોઇ માટે આ સમય સંબંધમાં સક્ષમતા લાવ્યો છે. કોઇ માટે મુસીબતો પણ ઊભી થઇ છે. ક્યાંક થોડીક તિરાડો પડી છે તો ક્યાંક તિરાડો સંધાઇ પણ છે. અમુક લોકો માટે સંબંધો જેમ ચાલતા હતા એમ જ ચાલે છે. સંબંધોને મજબૂત કરવાનો આ શ્રેષ્ઠ સમય હતો. આપણે તેનો કેટલો ઉપયોગ કર્યા? એક જ ચહેરોઓ સતત સામે જોઇને તમને શું થતું હતું? આપણે બધા કોરોના પહેલા એવી ફરિયાદો કરતા હતા કે, સમય જ નથી મળતો, પોતાના લોકોને ટાઇમ જ આપી શકાતો નથી. કુદરતે ધડ દઇને સમય આપી દીધો અને કહ્યું કે, જાવ, તમારા માટે મોટો બ્રેક છે. તમારું મન થાય એમ કરો. આપણે શું કર્યું? ફરિયાદો? ઝઘડાઓ? ચિંતાઓ? કે પછી સાંનિધ્યને માણ્યું? સંવાદને વધુ સંગીન બનાવ્યો? જો તમે આ સમય દરમિયાન તમારી વ્યક્તિ અને તમારા લોકોથી જરાકેય નજીક આવ્યા હોવ તો તમારા માટે કોરોના કે લોકડાઉન બેસ્ટ રહ્યો છે એમ માનજો.
આ લોકડાઉન તમને કેવી રીતે યાદ રહેશે? ઘરમાં પૂરાઇ રહ્યા એ દરમિયાનમાં તમારી સાથે કેવી ઘટનાઓ બની? કંઇ એવું કર્યું જે અગાઉ તમે જિંદગીમાં ક્યારેય ન કર્યું હોય? હવે પછીના સમયમાં આપણી જિંદગીમાં ઘણા ફેરફારો જોવા મળવાના છે. કોરોના સામે તો હજુ ધ્યાન રાખવાનું જ છે પણ એ સિવાય પણ ઘણું બધું બદલશે. લોકોની વર્કિંગ પેટર્ન બદલશે. આ સમય દરમિયાન લોકોએ મોટા ભાગે ઘરે બેસીને કામ કર્યું છે. કેટલાંય લોકોને ઘરે બેસીને કામ કરવાની આદત અને આવડત નહોતી. હવે તેને સમજાયું છે કે, ઘરે બેસીને પણ કામ થઇ શકે. મોટા ભાગની કંપનીઓ પણ એવું ઇચ્છતી હતી કે, ઓફિસ પરનું ભારણ ઘટાડવામાં આવે. એને ડર એ હતો કે, કર્મચારીઓ ઘરે બેસીને સરખું કામ ન કરે તો? એ લોકોને જે પરિણામો મળ્યા છે એ જોઇને ભવિષ્યમાં કંપનીઓ જ લોકોને વર્ક ફ્રોમ હોમ ઓફર કરે એવી શક્યતાઓ વધી ગઇ છે. ઓફિસ મેનેજ કરવી, બધાની બેસવાની વ્યવસ્થા કરવી, મોટું રોકાણ કરવું એના કરતા ઘરે બેસાડીને કામ કરાવી શકાતું હોય તો કંઇ ખોટું નથી. અમેરિકા અને બીજા કેટલાંક દેશોએ તો વર્ચ્યુલ ઓફિસનો કોન્સેપ્ટ ક્યારનો સ્વીકારી લીધો છે. હવે તેને બુસ્ટ મળશે. જે લોકો ઘરે બેસીને કામ કરે છે એને પણ કોન્ફિડન્સ આવશે. ઓફિસે પહોંચવાના પ્રેશરમાંથી મુક્તિથી માંડીને ટ્રાફિકની ઝંઝટમાંથી છૂટકારાનો અનુભવ થશે. દુનિયાની વર્કિંગ સ્ટાઇલ બદલાઇ જવાની પૂરી શક્યતાઓ જોવાઇ રહી છે.
અમેરિકાની પોલિટીકો વેબસાઇટે 34 થિંકર્સને મળીને વૈશ્વિક પરિવર્તનોનો અભ્યાસ કરાવ્યો છે. તેમાં એવી વાત બહાર આવી છે કે, વૈશ્વિક શાંતિ પણ વધશે. પોલોરાઇઝેશન ઘટશે. લોકો માનવતાવાદી થશે. એક નવા જ પ્રકારનો દેશપ્રેમ ઊભો થશે જેનાથી દરેક દેશવાસીની ચિંતાની સમજદારી કેળવાશે. ડિજિટલ લાઇફ સ્ટાઇલ હેલ્ધી થશે. લોકોને સમજાશે કે, વધુ પડતા મનોરંજનમાં પણ અંકુશ જરૂરી છે. ઓનલાઇન ખરીદી અને ઓનલાઇન ટ્રાન્ઝેકશન વધશે. લોકો સામાન્ય બીમારી માટે અત્યારે ટેલિમેડિસન અપનાવી રહ્યા છે. તેનો પણ ટ્રેન્ડ વધશે. લોકો દવાખાને જવાને બદલે ડોકટરને ઓનલાઇન મળવાનું પસંદ કરશે. ફેમિલીનું ધ્યાન રાખવાનું વલણ વધશે. ઘરમાં પૂરાયેલા રહેવાના સમયમાં બધા ઘરના લોકો અપસેટ ન થાય અને મજામાં રહે એની દરકાર લેતા હતા. એ પોઝિટિવ સાઇન છે. લોકોમાં સિવિક સેન્સ પણ વધશે. સફાઇ માટે લોકો વધુ અવેર થશે. તમને આ બધાથી કેટલો ફેર પડશે? પડવાનો જ છે. ઘણા લોકોએ જોબ ગુમાવી છે, ઘણાનો સેલેરી કટ થયો છે. જોબ અને સેલેરી તો વહેલા મોડા ઠીક થઇ જશે પણ તમારા મન, માનસિકતા અને સંબંધોને નબળા પડવા ન દેતા, કારણ કે એ બધું એવું છે કે, એની ખોટ ઘડીકમાં પૂરાતી નથી!
પેશ-એ-ખિદમત
ન મૌજ-એ-તુંદ હૈ કુછ એસી જિસ સે ખેલો હમ,
ચઢે હુએ હૈ જો દરિયા કહો ઉતર જાએ,
ગુરેજ-પા હૈ નયા રાસ્તા કિધર જાએ,
ચલો કિ લૌટ કે હમ અપને અપને ઘર જાએ.
(મૌજ-એ-તુંદ/તોફાની મોજા – ગુરેજ-પા/કપટી-છેતરામણો)
-જમાલ ઓવૈસી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 14 જૂન 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com