મજાકને પણ તું કેમ ગંભીરતાથી લઈ લે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મજાકને પણ તું કેમ

ગંભીરતાથી લઈ લે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

માછલી સાથે જ દરિયો નીકળ્યો, લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો,

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી, મૂઠ ખોલી ત્યાં તડકો નીકળ્યો,

સાંજ પડતાં યે ફર્યું ના એટલે, શોધવા પંખીને માળો નીકળ્યો,

હું જ મારા ભારથી થાકી ગયો, હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

-ધૂની માંડલિયા

માણસ દરેક વાત એકસરખા ટોનમાં, એકસરખા અંદાજમાં અને એકસરખી દાનતથી કરતો નથી. આપણે બધા સમયની નજાકત જોઈને વાત કરતા હોઈએ છીએ. સ્થિતિ કેવી છે, સંજોગો કેવા છે, મૂડ કેવો છે, માહોલ કેવો છે એ બધું જોઈને આપણે વાત કરીએ છીએ. ક્યાં કેવી રીતે વાત કરવી એની આવડત માણસની સમજદારી છતી કરે છે. બોલવામાં અને બાફવામાં જેને સમજ નથી પડતી એ મૂરખ છે. મોટા ભાગના ઝઘડા, વિવાદ, સંઘર્ષ, તકરાર જે વાતને જે રીતે કહેવી જોઈએ અને જે વાતને જે રીતે સમજવી જોઈએ એ રીતે ન કહેવા કે ન સમજવાના કારણે જ થાય છે. સંબંધ માટે સંવાદ જરૂરી છે. સંવાદ સહેલો નથી. સંવાદ કરતા ન આવડે તો વિવાદ અને વિખવાદ થઈ જાય છે. માણસને બોલતા આવડે છે, પણ વાત કરતા આવડતું નથી. સંવાદ માટે મન અને મગજ ખુલ્લું હોવું જોઈએ.

માણસ મોટા ભાગે બીજા દ્વારા કહેવાયેલી વાતને ‘પ્રિડિસાઇડેડ માઇન્ડસેટ’થી જ લેતો હોય છે. એક ઓફિસની આ સાવ સાચી વાત છે. એક બોસ દર બે દિવસે આખી ટીમની મિટિંગ બોલાવે. એક કર્મચારીને બોસના એટિટ્યૂડ સામે પહેલેથી પ્રોબ્લેમ હતો. બોસની સામે તો કંઈ બોલી શકાય નહીં. જે લોકો સામે ન બોલી શકે એ પીઠ પાછળ બળાપો ઠાલવતા હોય છે. મિટિંગની વાત થઈ એટલે એ કર્મચારી બોલ્યો, ચાલો ફરીથી બોસનું ભાષણ સાંભળવા. પોતાને બધી જ ખબર પડે છે એવી અદાથી એ ઊંચી-ઊંચી વાતો કરશે. એની કોઈ વાતમાં દમ હોતો નથી. આ વાત સાંભળીને તેના કલીગે કહ્યું, તું કેમ આવી રીતે વિચારે છે? વાતમાં દમ નહીં હોય એવું અગાઉથી જ કેમ નક્કી કરી લે છે? બનવા જોગ છે કે, આ વખતે કોઈ નવી વાત હોય. આ વખતે કોઈ જુદી વાત હોય. તું તો અગાઉથી જ નેગેટિવ માઇન્ડસેટ સાથે મિટિંગમાં આવે છે. આપણે બધાં ઘણી વખત આવું કરતા હોઈએ છીએ. પહેલેથી જ એક બાઉન્ડ્રી બાંધી લેતા હોઈએ છીએ. વાત સાંભળવાની જ માનસિક તૈયારી ન હોય ત્યારે વાત સ્વીકારવાની તો વાત જ દૂર રહી.

સંવાદમાં જ્યારે ગેપ આવે ત્યારે સંબંધ તરડાતો હોય છે. સંબંધમાં અંતરની શરૂઆત વાત કરવામાં થતા ઘટાડાથી થાય છે. પહેલાં વાતો ઓછી થતી જાય છે. વાતો ઓછી થવાનાં કારણો પણ હોય છે. એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. પતિએ કહ્યું, તારી એકની એક વાત સાંભળીને હું કંટાળી ગયો છું. તારી પાસે બીજી કોઈ વાત જ નથી? ઘણી વખત વાત કરવી હોય છે, પણ શું વાત કરવી એ સમજાતું નથી. માણસને વ્યક્ત થતાં પણ ક્યાં આવડતું હોય છે? એક પતિ-પત્નીની આ વાત છે. પતિ સાંજે ઓફિસથી આવે પછી ફ્રેશ થઈ પતિ-પત્ની શાંતિથી બેસી કલાક-બે કલાક વાતો કરે. ઘરની સામે રહેતા એક ભાઈ આ દૃશ્ય રોજ જુએ. તેને હંમેશાં એક સવાલ થાય કે આ બંને દરરોજ શું વાતો કરતાં હશે? એક વખત એ યુવાન અને પેલા ભાઈની મુલાકાત થઈ ગઈ. પેલા ભાઈએ સલૂકાઈથી પૂછ્યું, મારે એક વાત જાણવી છે. તમે પતિ-પત્ની દરરોજ તલ્લીનતાથી શું વાતો કરતાં હોવ છો? આ વાત સાંભળીને યુવાને કહ્યું કે, અમે વાતના વિષયો શોધી લઈએ છીએ. આપણે મિત્રો સાથે ગપ્પાં મારીએ છીએ. મિત્રને મળવા જઈએ ત્યારે આપણે એવું નક્કી કરીને નથી જતા કે આજે આટલી વાતો કરવી છે. વાત પરથી વાત નીકળતી જાય છે અને દોર લંબાતો જાય છે. વિષય ન હોય તો અમે શોધીએ છીએ. નાની-નાની વાતો કરીએ છીએ. આપણો એક પ્રોબ્લેમ એ હોય છે કે આપણે અમુક વાતોને નક્કામી, વાહિયાત, નિરર્થક કે ગેરવાજબી ગણી લઈએ છીએ. વાત કેવી છે, વિષય શું છે એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે આપણે કોની સાથે વાત કરીએ છીએ? જેની સાથે વાતો થાય છે એનું આપણી જિંદગીમાં શું મહત્ત્વ છે? વાત મહત્ત્વની નથી, વ્યક્તિ મહત્ત્વની છે. પ્રેમી-પ્રેમિકાને વાતો કરવા માટે આખો દિવસ કે આખી રાત ઓછી પડે છે. એ લોકોને વાતો કરતા જોઈને એટલે એવો સવાલ થયા વગર ન જ રહે કે, આ બંને શું ગુટરગૂં કરતાં હશે? સરવાળે વાત એ જ હોય છે કે વાત કરવાની મજા આવતી હોય છે. ફોન મૂકવાનું મન નથી થતું. બાય કહ્યા પછી પણ વાતો ચાલતી રહે છે. ઇશ્યૂ ત્યારે થાય છે જ્યારે આપણે આ અવસ્થા ટકાવી રાખતા નથી.

એક પ્રેમી અને પ્રેમિકા હતાં. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે. ફોન પર વાતો કરવામાંથી નવરાં જ ન પડે. બંનેનાં લગ્ન થયાં. સમય વીતતો ગયો. વાતો ઓછી થતી ગઈ. બંને વચ્ચે ઝઘડા થતા નહોતા, પણ બંનેને એવું તો લાગતું જ હતું કે, હવેની લાઇફમાં કંઈક મિસિંગ છે. પત્નીએ એક વખત પતિને કહ્યું, ચાલને શાંતિથી બેસીને થોડી વાર વાતો કરીએ. પતિએ કહ્યું, શું વાત કરું? વાત કરવાનું તો મનેય મન થાય છે, પણ કોઈ વિષય તો હોવો જોઈએ ને? પત્નીએ કહ્યું, બેસ, હું હમણાં આવું છું. ઊભી થઈ એ પોતાના રૂમમાંથી મોબાઇલ લઈ આવી. તેણે રેકોર્ડિંગથી ફોલ્ડરમાંથી એક રેકોર્ડિંગ શરૂ કર્યું. એ પછી હળવેકથી કહ્યું, આપણે પ્રેમમાં હતાં ત્યારે તારી સાથેના દરેક ફોનકોલ્સ હું રેકોર્ડ કરતી. આ ફરીથી સાંભળ. આપણે કેવી વાતો કરતાં હતાં? કંઈ પણ! કંઈ પણ એટલે કંઈ પણ! શું ખાધુંથી માંડીને એ કેવું હતું, સૌથી પહેલાં ક્યારે ખાધું હતું, શું જોયું, શું ગમ્યું, સાવ નાનામાં નાની વાતો આપણે કરતાં હતાં. ક્યાં ગયું આ બધું? એવું નથી કે અગાઉની જેમ ન જિવાય, જીવી શકાય, જીવતાં જ હતાં ને? ચાલ, ફરીથી જે ભુલાઈ ગયું છે એને યાદ કરી લઈએ, થોડુંક પાછું શીખી લઈએ! પછી વાતના વિષયો શોધવા નહીં પડે!

દિલમાંથી ઊઠેલી વાત જ દિલ સુધી પહોંચે છે. કરવા ખાતર કરાતી વાતો કાન સુધી પહોંચીને પાછી ફરે છે. આપણને જે વાત કહેવાતી હોય છે એને પણ આપણે ક્યાં જે મર્મથી કહેવાઈ હોય એ જ રીતે પકડીએ છીએ? ગંભીરતાથી કહેવાયેલી વાતને મજાકમાં લેવી જોખમી છે, મજાકમાં કહેવાયેલી વાતને ગંભીરતાથી લેવાનું એનાથી પણ વધુ ખતરનાક છે. મજાકમાં કહેવાયેલી વાતને મજાકમાં ન લેવાય તો માણસ મજાક કરતા પણ ડરવા લાગે છે. એની તો મજાકેય નથી થતી! લાઇટર ટોનમાં કહેવાયેલી વાતને લાઇટલી લેવી જોઈએ. એક બહેનપણીએ તેની ફ્રેન્ડને હળવાશમાં એવું કહ્યું કે, તારાં નખરાં આજકાલ વધી ગયાં છે. આ વાત સાંભળીને તેની ફ્રેન્ડ ઉશ્કેરાઈ ગઈ. વોટ ડુ યુ મીન બાય નખરાં? તારો કહેવાનો મતલબ શું છે? મારામાં સિરિયસનેસ નથી? તને મારી સારી વાત નથી દેખાતી, નખરાં દેખાઈ આવે છે. તેની ફ્રેન્ડે ખુલાસો કરવો પડ્યો કે, અરે યાર, હું તો એમ જ મજાકમાં કહેતી હતી! મારો કહેવાનો મતલબ એવો ન હતો!

મજાક કરતા પહેલાં ચોખવટ કરવી પડે એ સંબંધ અને સંવાદની કરુણતા છે. એક મિત્ર બીજા મિત્રને વાત કરતો હતો. વાત કરતા પહેલાં એ મિત્રએ કહ્યું, એક વાત કરું? મજાક કરું છું હોં, તું એને સિરિયસલી ન લઈ લેતો! મજાકને મજાકમાં લેવામાં મેચ્યોરિટીની જરૂર પડે છે! એક પતિ-પત્નીની આ વાત છે. પતિ કંઈક મજાક કરે તો પત્ની સિરિયસલી જ લઈ લે. એક વખત પતિએ કહ્યું, હવે તો મને તારી મજાક કરતાં પણ ડર લાગે છે! તું મારી વાતનો ઊંધો મતલબ લઈ લે છે અને પછી કારણ વગર ઝઘડો થઈ જાય છે. જે પતિ-પત્નીએ વાત કરતા પહેલાં વિચાર કરવો પડે તેના દાંપત્યમાં અવરોધ ઊભો થયા વગર નથી રહેતો. સાચા સંબંધમાં કોઈ વાતની ભૂમિકા બાંધવાની કે ચોખવટ કરવાની જરૂર રહેતી નથી. દાનત પર જ્યારે શંકા કરવામાં આવે ત્યારે સંવાદ સંકોચાતો અને શોષવાતો હોય છે.

એક પતિ-પત્નીની આ વાત છે. પત્નીએ એક દિવસ કહ્યું, ચાલને આજે બહારથી જમવાનું મંગાવી લઈએ. આ વાત સાંભળીને પતિએ કહ્યું, કેમ મેડમનો મૂડ આજે રસોઈ બનાવવાનો નથી? પત્નીને માઠું લાગી ગયું. કેમ તને હું આળસુ લાગું છું? તને એમ છે કે મારે રસોઈ નથી બનાવવી એટલે બહારથી મંગાવવાનું કહું છું? તને મારી ઇચ્છાની કંઈ પડી જ નથી? પતિએ કહ્યું, અરે! હું તો મજાક કરતો હતો. મજાકને પણ તું કેમ ગંભીરતાથી લઈ લે છે? માની લે કે, રસોઈ બનાવવાનો તારો મૂડ નથી, તો પણ કહી દે ને કે, હા યાર આજે મૂડ નથી! મેં ક્યાં ના પાડી છે! પ્લીઝ, તું મારી વાતને રાઇટ સ્પિરિટમાં લે! મોટા ભાગે સાવ સામાન્ય વાતમાં જ વાતનું વતેસર થઈ જતું હોય છે. નાની, નક્કામી અને વાહિયાત વાતોમાં આપણે આપણો મગજ અને મૂડ બગાડતા હોઈએ છીએ! સામાન્ય વાતમાં આપણું છટકી જાય છે. ઘડી-બે ઘડીમાં આપણે ઉદાસ, નારાજ કે ગુસ્સે થઈ જઈએ છીએ. આક્ષેપો અને ફરિયાદો કરવા લાગીએ છીએ!

અમુક લોકોને વળી દાઢમાંથી બોલવાની આદત હોય છે. એ લોકોની વાતમાં આડોડાઈ જ છલકતી હોય છે. પોતે ફસાઈ ગયા હોય એવું લાગે ત્યારે એ એવું કહી દે છે કે, હું તો મજાક કરતો હતો! હકીકતે એ મજાક કરતા હોતા નથી. સંભળાવવા માટે કહેવાયેલી વાતને મજાકમાં ખપાવવાનો પ્રયાસ કરવો એ પણ એક પ્રકારની લુચ્ચાઈ અને બદમાશી જ છે! આપણે વાત કરીએ ત્યારે આપણી દાનત કેવી હોય છે? એક વાત યાદ રાખવાની હોય છે કે, આપણી વાત પરથી આપણે ઓળખાઈ જતા હોઈએ છીએ. આપણા શબ્દો અને આપણા ટોનથી લોકો આપણને માપી લેતા હોય છે. વાત કરતી વખતે દિલને સાફ રાખો. વાતમાં કપટ હશે તો એ પરખાઈ જશે. માણસ કદાચ એક-બે વાર છેતરાઈ જશે, પણ પછી તમારી મથરાવટીને એ જાણી જશે. વિશ્વાસપાત્ર બનવા માટે વિશ્વાસ બેસે એવી જ વાત થવી જોઈએ. જેને વાત કરવાની આવડત નથી એની વાતને ન તો કોઈ ગંભીરતાથી લેશે કે ન તો મજાકથી! આપણી વાતનું વજૂદ આપણી વાત કરવાની આવડતથી જ સિદ્ધ, સાબિત અને સાર્થક થતું હોય છે!

છેલ્લો સીન :

સંબંધને સજીવન રાખવા માટે બોલવામાં ભાન હોવું જોઈએ! સભાન સંવાદ જ સાર્થક નીવડે છે!          -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 મે 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “મજાકને પણ તું કેમ ગંભીરતાથી લઈ લે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *