તમે જે કંઇ કરો છો એ
કોના માટે કરો છો?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈને,
સપનાંઓ તારાં આવી ગયાં ન્હાય ધોઈને,
એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં,
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઈને.
-ચિનુ મોદી
દરેક માણસની એવી ઇચ્છા હોય છે કે એ પોતાની વ્યક્તિ માટે બધું જ કરી છૂટે. આપણો ઇરાદો હંમેશાં એવો હોય છે કે, આપણી વ્યક્તિ ખુશ રહે. એને જિંદગીનું તમામ સુખ મળે. કોઈ તકલીફ એની આસપાસ પણ ન ફરકે. આપણા સુખનો આધાર આપણી વ્યક્તિના સુખ ઉપર હોય છે. એ ખુશ તો હું ખુશ. એ મજામાં ન હોય તો મને પણ અસુખ લાગવા માંડે. આપણે સહુ આપણા લોકો સાથે સતત જોડાયેલા હોઈએ છીએ. માણસ પોતાનું દુ:ખ સહન કરી લે છે. પોતાની વ્યક્તિને દુ:ખી જોઈ શકતો નથી. આપણો મૂડ બીજા ઉપર આધારિત હોય છે. આપણે ગમે એવા મજામાં હોઈએ અને આપણને ખબર પડે કે આપણી વ્યક્તિ મજામાં નથી ત્યારે આપણો મૂડ પણ ડાઉન થઈ જાય છે. સંબંધોની તીવ્રતા એના પરથી પણ નક્કી થતી હોય છે કે આપણી વ્યક્તિનો મૂડ આપણને કેટલી અસર કરે છે. કોઈને રડતા જોઈને આપણી આંખ કેમ ભીની થઈ જાય છે? પ્રેમ, લાગણી, સ્નેહ, ઉષ્મા, આત્મીયતા માણસને પોતાની વ્યક્તિ સાથે અલૌકિક રીતે જોડે છે. વેવલેન્થ એમ જ કંઈ મળવા લાગતી નથી! કંઈક સ્પર્શતું હોય છે. કંઈક ગમતું હોય છે. કંઈક પોતાનું લાગતું હોય છે!
એક પ્રેમીએ એની પ્રેમિકાને કહ્યું કે, મને એક વાત નથી સમજાતી. તું મજામાં ન હોય ત્યારે મને કેમ ક્યાંય ગમતું નથી? તું ખુશ હોય ત્યારે બધું જ કેમ આહ્્લાદક લાગવા માંડે છે? તું નજીક હોય ત્યારે કેમ કોઈ ફરિયાદ ઊઠતી નથી? તું દૂર હોય ત્યારે આયખું પણ કેમ અળખામણું લાગવા માંડે છે? તું મને મળી નહોતી ત્યારે હું જુદો હતો. તું મળી પછી કેમ મને હું જ બદલાયેલો લાગું છું? તારાથી જુદા પડતાંવેંત જ કેમ મને ફરીથી મળવાનું મન થાય છે? ફોન પર વાત કરતી વખતે ફોન મૂકવાનું મન કેમ નથી થતું? કંઈક સારું જોઈને કેમ તરત જ તું યાદ આવે છે? નાનામાં નાની વાત કરવાનું કેમ મન થાય છે? જે વાત અત્યાર સુધી વાહિયાત લાગતી હતી એ હવે કેમ મહત્ત્વની લાગવા માંડી છે? જિંદગીમાં એક વ્યક્તિના આગમનથી આખી જિંદગી કેમ બદલાઈ જાય છે? બધું જ ન્યોછાવર કરી દેવાનું મન કેમ થઈ આવે છે? ફના થવું પડે તો પણ કોઈ પરવા નથી. એવા વિચારો કેમ આવી જાય છે?
માણસ માત્ર પોતાના માટે નથી જીવતો. કોઈ સંપૂર્ણ રીતે માત્ર ને માત્ર પોતાના માટે જીવી જ ન શકે. માણસ પોતાના કરતાં પોતાના લોકો માટે વધુ જીવતો હોય છે. આપણી લાઇફ પણ માત્ર આપણી નથી હોતી. આપણી જિંદગી સાથે પણ આપણા લોકો જોડાયેલા હોય છે. એને આપણી પરવા હોય છે. એને ચિંતા થતી હોય છે. આપણી વ્યક્તિ આપણને પૂછે છે કે, તું મજામાં છે ને? જો સંબંધ સાચો હોય તો આપણે સાચું બોલીએ છીએ કે, યાર મજામાં નથી. જે પ્રોબ્લેમ હોય એની વાત કરીએ છીએ. આપણને પણ એ ખબર હોય છે કે, એ આપણો પ્રોબ્લેમ દૂર કરી શકે તેમ નથી, છતાં આપણને સારું લાગે છે. એની હાજરીમાં જ હળવાશનો અહેસાસ થાય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેના મધર બીમાર પડ્યા. એક સમય એવો આવ્યો જ્યારે ડોક્ટરે કહી દીધું કે, હવે એમની પાસે વધુ સમય નથી. ડોક્ટરની વાત સાંભળીને એ યુવાન ભાંગી પડ્યો. બહારગામ રહેતા તેના મિત્રને આ વાતની ખબર પડી. એ તરત જ તેના મિત્રને મળવા દોડી ગયો. મિત્રને જોતાંવેંત જ એ દોડીને એને વળગી પડ્યો. ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. મિત્રએ એને રડવા દીધો. એના વાંસામાં હાથ ફેરવતો રહ્યો. યુવાને તેના મિત્રને કહ્યું કે, તું આવી ગયો તે સારું થયું!
આપણી જિંદગીમાં પણ અમુક એવી વ્યક્તિઓ હોય છે, જેને અમુક સમયે આપણે ઝંખીએ છીએ. એવું થાય છે કે, એ આવી જાય તો સારું! ખરાબ પ્રસંગે જ નહીં, સારા અવસરે પણ આપણને આપણા લોકોની રાહ હોય છે. દરેકની જિંદગીમાં એક ઘટના એક વખત નહીં, પણ અનેક વખત બની હોય છે. આપણે અમુક લોકોને ત્યાં જતા હોઈએ અને ઓન વે હોઈએ ત્યારે ફોન આવ્યા રાખે છે કે, ક્યાં પહોંચ્યા? અહીં પહોંચતા કેટલી વાર લાગશે? આપણે પણ આવું કર્યું જ હોય છે. બધા માટે આપણે આવું નથી કરતા, અમુક લોકો વિશેષ હોય છે. એ આવે ત્યારે પણ એવો જ વિચાર આવે છે કે, એને મજા કરાવવી છે. આપણે એના માટે આપણાથી થાય એ બધું જ કરી છૂટીએ છીએ. એની ટ્રિપ યાદગાર રહેવી જોઈએ. એને નાની સરખી તકલીફ પણ ન પડવી જોઈએ. આપણી પાસે સમય ન હોય તો પણ ગમે તેમ કરીને એડજસ્ટ કરીએ છીએ. સામાન્ય સંજોગોમાં વિચારી-વિચારીને ખર્ચ કરતો માણસ પણ અમુક સમયે અમુક વ્યક્તિ માટે ખર્ચ કરતા જરાયે વિચાર કરતો નથી! દરેક વખતે આપણે ભેગું કરવું હોતું નથી, આપણી વ્યક્તિ માટે વાપરવું પણ હોય છે.
એક પિતાની આ વાત છે. એ એક ખાનગી ફર્મમાં ક્લર્ક હતા. પગારમાંથી ઘર ચલાવે અને જેટલી બને એટલી બચત કરે. તેને એક દીકરી હતી. દીકરી માટે બધું કરે, છતાં એટલી કાળજી રાખે કે ખોટો ખર્ચ ન થાય. દીકરીને પણ ક્યારેક એવું થતું કે, પપ્પા ગણીગણીને જ જીવે છે. ક્યારેક તો એને એવો સવાલ પણ થતો કે, પપ્પાને આટલું બધું બચાવીને કરવું છે શું? એ પોતાના માટે પણ કંઈ ખર્ચ કરતા નહોતા! દીકરી મોટી થઈ. તેના લગ્ન નક્કી થયાં. લગ્ન વખતે પિતાએ દીકરીને કહ્યું કે, બેટા, તારી જે ઇચ્છા હોય એ કહેજે. લગ્નમાં જે કરવું હોય, જે લઈ જવું હોય એ બધું જ લઈ લેજે. ખર્ચનો કોઈ વિચાર ન કરતી! દીકરીને આશ્ચર્ય થયું કે, જે પિતા બધું જ ગણીગણીને વાપરતા એ અત્યારે એવી વાત કરે છે કે, ખર્ચની કોઈ ચિંતા ન કરતી? દીકરીથી ન રહેવાયું, તેણે હળવાશમાં પૂછ્યું, ખરેખર ખર્ચની કોઈ ચિંતા ન કરું? દીકરીને ગળે વળગાડીને પિતાએ કહ્યું, હા દીકરા, કોઈ વિચાર ન કરતી. અત્યાર સુધી જે ભેગું કર્યું છે એ બધું તારા માટે જ કર્યું છે. એક જ ઇચ્છા હતી કે, દીકરીને લગ્નમાં કોઈ કમી ન લાગવી જોઈએ. તારી બધી ઇચ્છા પૂરી કરી શકું એ જ મારી જિંદગીનો ઉદ્દેશ હતો. અત્યાર સુધી જે કંઈ કર્યું છે એ માત્ર ને માત્ર તારા માટે જ કર્યું છે! પિતાને વળગીને દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. તેણે કહ્યું કે, મને તો ઘણી વખત એવું લાગ્યું છે કે, મારા પપ્પા કંજૂસ છે. મને ક્યાં ખબર હતી કે, એ બધી કંજૂસાઈ મારી ઇચ્છાઓ પૂરી કરવા માટે જ કરતા હતા!
બાય ધ વે, તમને ખબર છે કે, તમારી લાઇફમાં કોણ એવું છે જે તમારા માટે તમને અણસાર પણ ન હોય એવી રીતે ઘણું બધું કરે છે? એક પતિ-પત્નીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. બધું સરસ ચાલતું હતું. અચાનક એક દિવસ પતિ બીમાર પડ્યો. તપાસ દરમિયાન ખબર પડી કે, તેને એક એવી બીમારી છે જેમાં શરીર ધીમે-ધીમે ઘસાતું જાય! ડોક્ટરે કહ્યું કે, તમારી લાઇફ મિનિમમ પાંચ વર્ષ અને મેક્સિમમ દસ વર્ષ છે. એ પછી પતિની જિંદગી જ બદલી ગઈ. એને મરવાની બીક ન હતી. ચિંતા એક જ વાતની થતી હતી કે, હું નહીં હોઉં ત્યારે મારી વાઇફનું શું થશે? એ પછી એ વધુ બચત કરવા લાગ્યો. પતિએ બદલેલી લાઇફસ્ટાઇલ જોઈને એક વખત પત્નીએ કહ્યું કે, તું બહુ વિચારી વિચારીને જીવવા લાગ્યો છે. પતિએ ખુલ્લા દિલે કહ્યું કે, હા મને હવે ઘણા વિચારો આવે છે. હરીફરીને વાત ત્યાં આવીને જ અટકે છે કે, હું ન હોઉં ત્યારે તને કોઈ વાંધો ન આવે. તારે કોઈ પાસે હાથ લંબાવવો ન પડે! પત્નીએ કહ્યું, તારી લાગણી સમજુ છું, પણ તું માત્ર ન હોય ત્યારનો વિચાર ન કર, તું છે ત્યારે જીવવાનો પણ વિચાર કર! મારે તને અત્યારથી મરેલો નથી જોવો! મને એમ થાય છે કે, જેટલી જિંદગી છે એટલી તારી સાથે ભરપૂર જીવી લઉં! વધુ પડતી ચિંતા પણ ન કર! આમ તો તું જ કહેતો હોય છે કે, કાલની કોઈને ખબર નથી! બનવા જોગ છે કે, કાલ ઊઠીને મને પણ કંઈ થઈ જાય! એ પણ શક્ય છે કે, તારા પહેલાં હું પણ ચાલી જાઉં! આજમાં જીવ અને પૂરેપૂરો જીવ! મારા માટે તારી સાથેની આજ વધુ મહત્ત્વની છે, તું છે એ મહત્ત્વનું છે!
આપણે જિંદગી વિશે બહુ ધારણાઓ બાંધી લઈએ છીએ. આપણને બધાને ખબર છે કે, જિંદગીમાં કંઈ જ ચોક્કસ નથી. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. સૌથી મોટો સવાલ એ જ હોય છે કે, આપણે આપણી આજ કેવી રીતે જીવીએ છીએ. જિંદગીમાં પ્લાનિંગ્સ જરૂરી છે, પણ એટલાં પ્લાનિંગ્સ કરવાની કોઈ જરૂર નથી કે, આજનું પ્લાનિંગ વિખેરાઈ જાય! આપણી વ્યક્તિ માટે કંઈ પણ કરતી વખતે એ જાણવું પણ જરૂરી છે કે, આજે એ આપણી સાથે ખુશ છે? આજે એ મજામાં છે? આજે એની ઇચ્છા છે એ મુજબ એ જીવી શકે છે? એક યુવાનની આ વાત છે. એની પત્નીને ખૂબ પ્રેમ કરે. એને બધી સુવિધાઓ આપવા માટે રાત-દિવસ મહેનત કરે. તેની પત્નીની ઇચ્છા હતી કે, સરસ મજાનો બંગલો હોય! પતિએ ખૂબ મહેનત કરીને બંગલો બનાવ્યો. કામકાજ એટલું વધારી દીધું કે, એ નવરો જ નહોતો પડતો! એક દિવસ પત્નીએ તેને કહ્યું કે, તને એવું નથી લાગતું કે નાનકડા ઘરમાં આપણે વધુ સુખી હતાં? આપણી પાસે એકબીજા માટે સમય હતો. પતિએ કહ્યું, હું તારા માટે તો બધું કરું છું. પત્નીએ કહ્યું કે, હા મને એ ખબર છે. મારે બંગલો જોઈતો હતો, પણ મારે માત્ર બંગલો જોઈતો નહોતો! બંગલાની સાથે તું પણ જોઈતો હતો. તું મને હંમેશાં એમ કહેતો કે, તારા માટે હું કંઈ પણ કરી શકું છું. હવે મને કહે, મારા માટે તારો સમય આપી શકે છે? પોતાની વ્યક્તિ માટે કંઈ પણ કરતી વખતે આપણે એ પણ વિચારવું જોઈએ કે, હું જે કરું છું એ એને જોઈએ તો છે ને? ઘણી વખત એવું પણ બને છે કે, એને જોઈતું હોય છે બીજું કંઈ અને આપણે કરતા હોઈએ છીએ બીજું કંઈક! વેવલેન્થ મેચ અને મેઇન્ટેઇન કરવા માટે એ વિચારવાની પણ જરૂર હોય છે કે, આપણે એ જ કરીએ છીએને જેની આપણી વ્યક્તિને ઇચ્છા અને અપેક્ષા છે? એ ખબર નહીં હોય તો સરવાળે એનો અર્થ રહેવાનો નથી!
છેલ્લો સીન :
જિંદગી જીવવા માટે જે હોવું જોઈએ એ હોય તો પૂરતું છે. બધું હોય અને જે હોવું જોઈએ એ ન હોય ત્યારે ખાલીપો સર્જાતો હોય છે. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 29 એપ્રિલ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com