તારી વાત માની હોત
તો વધુ સારું હતું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બોલવું’તું પ્રાણથી પ્યારાં વિશે, હું લખી આવ્યો બધું તારા વિશે,
અશ્રુઓ મારા વતીથી બોલશે, હું નથી બોલતો મારા વિશે,
હું તને રસ્તો બતાવું એક શરતે, તું મને સમજાવ સથવારા વિશે,
પેરવી અજવાસની તેં બહુ કરી, કો’ક દી’ તો બોલ અંધારા વિશે!
-કિશોર જિકાદરા
દરેક માણસ વધતા કે ઓછા અંશે એવું માનતો હોય છે કે, પોતે જે વિચારે છે એ સાચું છે. બીજી તરફ અમુક લોકો એવા પણ હોય છે જેને પોતાની વાત, પોતાના વિચાર કે પોતાના નિર્ણય પર જ શ્રદ્ધા હોતી નથી. અવઢવ જેટલી ખરાબ છે એટલો જ જોખમી અતિ વિશ્વાસ છે. બેલેન્સ રાખતા જેને આવડે છે એ માણસ જ ખરો સમજદાર છે. ક્યારે કોઇની સલાહ લેવી એની સમજ પણ જિંદગીમાં જરૂરી છે. દરેક વખતે કોઇની સલાહ લેવા દોડી જવું એ પણ નિર્બળતાની નિશાની છે. આપણે જ્યારે નિર્ણય લઇ શકતા ન હોઇએ ત્યારે જ કોઇનું માર્ગદર્શન લેવું જોઇએ.
એક યુવાનની આ વાત છે. ઘરના લોકો સાથે એ બહાર જતો હતો. જ્યાં જતો હતો ત્યાં અગાઉ પણ એ ગયો હતો. નજીક પહોંચ્યા ત્યારે એ બોલ્યો કે, આમ તો મેં રસ્તો જોયો છે, છતાં એવું થાય છે કે કોઇને પૂછી લઉં. આ વાત સાંભળીને બાજુમાં બેઠેલા તેના ફાધરે કહ્યું કે, તેં જો રસ્તો જોયો છે, તો તારી જાત પર ભરોસો રાખ. કોઇને પૂછવાની જરૂર નથી. હા, આપણે જવું છે એ સ્થળ ન મળે અથવા તો તને એવું લાગે કે હવે ભૂલાં પડ્યાં છીએ ત્યારે ક્યાં નથી પુછાતું? ક્યારેક શંકા પણ આપણને નબળા બનાવે છે. પોતાની જાત ઉપર શંકા એ સૌથી ખતરનાક વસ્તુ છે. મોટા ભાગના લોકોની નિષ્ફળતાનું એક કારણ એ હોય છે કે એને પોતાના ઉપર જ ભરોસો હોતો નથી.
જે માણસને પોતાના પર શ્રદ્ધા હોતી નથી, એ બીજા પર ડિપેન્ડન્ટ થઇ જાય છે. દરેક વાતમાં જે પરાધીન રહે છે, એ ભટકતો જ રહે છે. એક છોકરા-છોકરીનાં લગ્ન થયાં. પત્ની કંઇ પણ વાત હોય, તો તરત જ પતિને પૂછે. આ કેવી રીતે કરું? હવે હું શું કરું? પતિ દરેક વખતે એને સલાહ અને માર્ગદર્શન આપે. એક વખત ઘરના એક કામ બાબતે પત્નીએ પતિને પૂછ્યું. પતિએ કહ્યું કે, દરેક વાતમાં મને પૂછવું જરૂરી છે? તું નક્કી કરી લેને કે શું કરવું છે? મને માર્ગદર્શન આપવામાં કંઇ વાંધો નથી. વાંધો એટલો જ છે કે તું ડિસિઝન લઇ શકતી નથી. થઇ-થઇને શું થઇ જવાનું છે? પત્નીએ કહ્યું, મને બે વાતની બીક લાગે છે. એક તો હું જે કહું એ તમને નહીં ગમે તો? બીજી વાત એ કે હું જે કરીશ, એમાં ભૂલ થશે તો? પતિએ કહ્યું કે, ન ગમવાનું કોઇ કારણ જ નથી. કદાચ નહીં ગમે તો આપણે વાત ક્યાં નથી કરી શકતાં? બનવાજોગ છે કે, મેં જે કહ્યું હોય એ પણ તને ન ગમ્યું હોય. સાચી વાત કરવાની હિંમત હોવી એ પણ પોતાના વજૂદનો સ્વીકાર જ છે. તારું પોતાનું એક અસ્તિત્વ છે. બીજી વાત એ કે, ભૂલ થાય તો થાય. હું ક્યાં ઓછી ભૂલો કરું છું? કામ કરે એનાથી જ ભૂલ થાય. ભૂલની બીકે અટકી જવું એ સૌથી મોટી ભૂલ છે. આપણે ઘણી વખત આપણા મનથી જ આપણને ઊતરતા માની લઇએ છીએ. દુનિયામાં જેટલા મહાન માણસો થયા છે, એમણે ભૂલો કરી છે. ભૂલોના કારણે જ આપણને એ વાત સમજાય છે કે, આવું કરવાની જરૂર નહોતી. શું કરવાની જરૂર નહોતી એટલું સમજાઇ જાય પછી એ જ બાકી રહે છે કે શું કરવાનું છે!
જિંદગીના અમુક નિર્ણયો વ્યક્તિગત હોય છે, અમુક સામૂહિક હોય છે. દરેક વખતે એકલા ચાલવાનું હોતું નથી. અમુક વખતે બધાને સાથે રાખીને ચાલવાનું હોય છે. એક કંપનીને એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ મળ્યો. કંપનીના બોસે આ પ્રોજેક્ટ માટે એક ટીમ બનાવી. બોસે દરેક ટીમ મેમ્બરને પ્રોજેક્ટ વિશે નાનામાં નાની વાત કહી. એ પછી બધાનાં સજેશન્સ માંગ્યાં કે, હવે તમે વારાફરતી મને કહો કે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આપણે કઇ રીતે આગળ વધવું જોઇએ. દરેકે પોતાના વિચારો વ્યક્ત કર્યા. એક ટીમ મેમ્બરની વાત બોસને સાચી લાગી. બોસે જાહેરાત કરી કે, આપણે તેના વિચાર અને રોડમેપ ઉપર આગળ વધીશું. આ વાત સાંભળીને જેનો વિચાર સાચો હતો એણે કહ્યું કે, એક્સક્યૂઝ મી સર, મારે એક વાત કરવી છે. તમે મારો વિચાર અપનાવ્યો એની મને ખુશી છે, પણ એક ચોખવટ કરવી છે. જો આ પ્રોજેક્ટ ફેલ જાય કે એમાં કોઇ અડચણ આવે તો પ્લીઝ મને દોષ ન દેતા! બોસ થોડીક ક્ષણો મૌન રહ્યા. પછી બોસે કહ્યું કે, પ્રોજેક્ટ શા માટે ફેલ જશે? મેં તારી વાત ઉપર ભરોસો મૂક્યો, તો તને કેમ તારી વાત ઉપર શંકા જાય છે? તારો ડર મનમાંથી કાઢી નાખ! પ્રોજેક્ટ સફળ થશે જ, મનથી એવું નક્કી કરી લે કે, તેં જે વિચાર્યું છે એ શ્રેષ્ઠ છે. કદાચ કોઇ અડચણ આવશે તો પણ હું તેનો રસ્તો શોધી લઇશ. હું ગમે એમ કરીને મારું કામ સફળ બનાવીશ! જીત પહેલાં મનથી નક્કી થતી હોય છે. પછી જ તેને વાસ્તવિક રૂપ મળે છે!
કોઇ પણ માણસ ગમે એટલો ડાહ્યો, હોશિયાર, સમજુ, અનુભવી કે ભણેલો હોય તો પણ એનાથી ક્યારેક ખોટા નિર્ણય લેવાઇ જતા હોય છે. આપણે આપણા ખોટા નિર્ણયને પણ તટસ્થતાથી મૂલવવા જોઇએ. મોટા ભાગે લોકો પોતાની ભૂલ સ્વીકારી શકતા નથી. એમાં પણ એમનો ઇગો ઘવાતો હોય છે. એક પરિવારની આ વાત છે. ઘરના વડીલ દરેક વાતમાં પોતાનો નિર્ણય જ સાચો માને. બધા સાથે વાત કરે, પણ છેલ્લે તો પોતે જે વિચાર્યું હોય એ જ કરે! ઘરમાં લોકશાહીની વાતો કરી સરમુખત્યાર જેવું વર્તન કરનારા પણ ઓછા નથી હોતા. ઘરમાં થોડા ચેન્જીસ કરવાના હતા. વડીલે ઘરના બધા લોકોને ભેગા કર્યા. વાતની શરૂઆત કરી કે, આપણે ઘરમાં થોડાક ફેરફાર કરવા છે. એના વિશે તમારાં સજેશન્સ જોઇએ છે. ઘરનાં છોકરાંવ તો કંઇ બોલ્યાં નહીં, પણ એ વડીલનાં પત્નીએ કહ્યું, તમે જ કહી દો ને કે શું કરવું છે? આમેય તમે કોઇની વાત માનતા તો નથી જ! વાત સાંભળવામાં અને વાત માનવામાં બહુ મોટો ફેર છે. તમારે અંતે જો તમારું ધાર્યું જ કરવું હોય તો પછી આવું બધું કરવાની કંઇ જરૂર જ નથી! તમે જ નિર્ણય સંભળાવી દો! આવું ઘણાં ઘરોમાં થતું હોય છે!
આપણે પણ ક્યારેક આપણું ધાર્યું કરતા રહીએ છીએ. જે વાતનો આપણને અનુભવ હોય તેના વિશે આપણે છાતી ઠોકીને અમુક નિર્ણયો લઇએ છીએ. મેં મારું ધાર્યું જ કર્યું છે એવું કોઇને ન લાગે એ માટે બધાને વાત પણ કરી હોય છે. માણસ પોતાની ભૂલનું ઠીકરું કોઇના માથે ફોડવા માટે ભૂલ થાય એ પહેલાં જ કેટલાંક માથાં તૈયાર રાખતો હોય છે. સફળતા મળે તો પોતાની અને નિષ્ફળ જઇએ તો ઠીકરું બીજાના માથે ફોડી દેવાનું. આવું કરવું એ પણ એક પ્રકારની ભાગેડુવૃત્તિ જ છે. બહુ ઓછા લોકો નિષ્ફળતાની જવાબદારી પોતાના માથે લઇ શકતા હોય છે. મોટા ભાગે લોકો બહાનાં જ શોધતા હોય છે. આવું થયું એટલે આવું પરિણામ આવ્યું. જો આવું થયું ન હોત, તો પરિણામ જુદું જ હોત! પરિણામ જે હોય છે એ જ હોય છે! પરિણામનું પોસ્ટમોર્ટમ કર્યા પછી પણ ઘણા લોકો સાચું કારણ સ્વીકારી શકતા નથી.
એક પતિ-પત્નીની આ વાત છે. બંને વચ્ચે સારી અંડરસ્ટેન્ડિંગ હતી. કોઇ વાતનો નિર્ણય કરવાનો હોય તો બંને શાંતિથી ડિસ્કસ કરે. પ્લસ-માઇનસ પોઇન્ટ્સ વિચારે અને પછી નિર્ણય લે. એક વખત એક વાતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. બંને પોતપોતાની વાતને વળગી જ રહેતા હતા. હું કહું છું એ જ સાચું છે એવું બંનેનું કહેવું હતું. આખરે પતિએ કહી દીધું કે, હું જે કહું છું એ જ આ વખતે કરીશું. જે થશે એ જોયું જશે. પતિએ પોતાનું ડિસિઝન સંભળાવી દીધું. આખરે એવું થયું કે પતિનો નિર્ણય ખોટો પડ્યો. પતિએ પત્ની સાથે બેસીને કહ્યું કે, તું સાચી હતી. તારી વાત માની હોત, તો વધુ સારું હતું. ભૂલ મારી હતી. પત્નીએ આ વાત સાંભળીને કહ્યું, હશે, થઇ જાય! જવા દે. આમાં તારે કંઇ શરમાવવા જેવું નથી અને મારી વાત સાચી હતી એ મુદ્દે મારે પોરસાઇ જવાની જરૂર નથી. જે થઇ ગયું એ થઇ ગયું. તને તું સાચો લાગ્યો હતો. તને ખબર છે, તેં ડિસિઝન લઇ લીધું, પછી મને એવો વિચાર આવ્યો હતો કે, કદાચ તું સાચો પણ હોય! કદાચ તારો નિર્ણય સાચો પણ સાબિત થાય! મને એ પણ ખબર છે કે, તું સાચો પડ્યો હોત, તો પણ તું એવું જરાયે ન જતાવત કે જોયું, હું સાચો હતો, તું ખોટી હતી. હવે તું ખોટો ઠર્યો છે, ત્યારે હું એવું જતાવું કે હું સાચી હતી, તો એ વાત પણ વાજબી નથી! સાચી વાત એ છે કે સાથે મળીને લેવાતા નિર્ણયમાં સફળતા કે નિષ્ફળતાની જવાબદારી પણ સહિયારી જ રહેવી જોઇએ. આપણે એકબીજાને દોષ દેવા પર ઊતરી જતા હોઇએ છીએ. અમુક સમયે કોણ સાચું હતું કે કોણ ખોટું હતું, એ ગૌણ બની જાય છે. આવી બાબતે આપણે ઇગો આપણા પર હાવી ન થઇ જાય અને આપણી જ વ્યક્તિને ઉતારી ન પાડીએ, એ પણ સમજદારી જ છે!
છેલ્લો સીન :
તમે જો એવું ઇચ્છતા હો કે લોકો તમારી કદર કરે, તો સૌથી પહેલાં તમે પોતે પોતાની કદર કરવાનું શરૂ કરી દો! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 એપ્રિલ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com