તમને સારી અને પૂરતી ઊંઘ મળતી હોય તો તમે લકી છો – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને સારી અને પૂરતી ઊંઘ

મળતી હોય તો તમે લકી છો

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

મોટા ભાગના લોકો ઊંઘથી પરેશાન છે. ઉચાટ અને

ઉત્પાત માણસને ચેનથી સૂવા નથી દેતો. અપૂરતી ઊંઘ અનેક

શારીરિક અને માનસિક ઉપાધિઓ નોતરે છે

લોકો હવે એલાર્મના ઇશારે ઊઠવા લાગ્યા છે. સવારે ઊઠે ત્યારે

આખા શરીરમાં તાજગીને બદલે થાક વર્તાય છે

અમેરિકામાં બેટર સ્લીપ કાઉન્સિલ નામની એક સંસ્થા છે. તેના એક્સપર્ટ્સનું કહેવું છે કે, મોટાભાગના મેન્ટલ ડિસઓર્ડરનું એક કારણ અપૂરતી ઊંઘ છે. માણસ મેન્ટલી અપસેટ હોય એટલે તેને ઊંઘ નથી આવતી, સારી ઊંઘ ન થાય એટલે માણસ વધુ અપસેટ થાય છે. આ સાઇકલ એક વખત શરૂ થાય પછી ધીમે ધીમે સ્પીડ પકડે છે. માણસે જો મેન્ટલી અને ફિઝિકલી હેલ્ધી રહેવું હોય તો તેણે પોતાની ઊંઘ ઉપર નજર રાખવી જોઇએ. સમય બદલાયો છે. લાઇફ સ્ટાઇલ બદલાઇ છે. એક સમય હતો જ્યારે રાતના બાર વાગ્યા સુધી કોઇ છોકરો ઘરે ન આવે તો વડીલો એવું કહેતા કે, શું અડધી રાત સુધી રખડે છે? હવે બાર વાગ્યા સુધી જાગવું બહુ કોમન છે. હવે રાત મોડી પડે છે. અગાઉના સમયમાં લોકો નવ દસ વાગ્યે સૂઇ જતા હતા.

દરેકની એક બોડી ક્લોક હોય છે. એ આદતો મુજબ સેટ પણ થઇ જતી હોય છે. વહેલા સૂવું સારી વાત છે. આપણે પેલી વાત સાંભળતા આવ્યા છીએ. રાતે જે વહેલા સૂવે, વહેલા ઊઠે વીર, બળ બુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર. હવે વહેલા સૂવાવાળા લોકો લઘુમતીમાં છે. તબીબો અને મનોચિકિત્સકો એટલે જ હવે એવું કહેવા લાગ્યા છે કે, વહેલા સૂવો કે મોડા, આઠ કલાક ઊંઘ લો. તમારી સ્લિપિંગ પેટર્ન વિશે સજાગ રહો. હમણાં અમેરિકન એકેડેમી અને સ્લીપ મેડિસિન દ્વારા દુનિયાભરમાં ઊંઘ ઉપર એક અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું કે, મોટા ભાગના લોકો પૂરતી ઊંઘ લેતા નથી. તેમાં પણ 14થી 28 વર્ષના 73 ટકા છોકરા છોકરીઓની ઊંઘ માત્ર ચારથી છ કલાકની જ હતી. સંશોધન કરનારાઓએ કહ્યું કે, જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા એ પોતાની લાઇફ સાથે જ ચેડાં કરી રહ્યા છે. યંગ હોય ત્યારે બહુ વાંધો આવતો નથી, પણ ઉંમર વધે એ પછી ઘણી તકલીફો ઊભી થાય છે.

યંગસ્ટર્સ સ્ટડી કે જોબના કારણે સ્ટ્રેસમાં રહે છે. ઉચ્ચ અભ્યાસ કરનારાઓ માટે જાગીને મહેનત કરવી એ મજબૂરી હોય છે. જોબમાં જેને વધુ સ્ટ્રેસ હોય એને રાતના ઊંઘ નથી આવતી. કરુણતા એ પણ  છે કે, સૂવા માટે આઠ કલાકનો સમય સ્પેર કરી રાખ્યો હોય, પણ પથારીમાં પડ્યા પછી ઊંઘ તો આવવી જોઇએને? વિચારો લોકોને સૂવા નથી દેતા. અત્યારે હાલત કેવી છે? મોટા ભાગના લોકોએ સવારે ઊઠવા માટે એલાર્મની મદદ લેવી પડે છે. ઘણા તો વળી પાંચ-પાંચ મિનિટના રિપીટ એલાર્મ સેટ કરે છે. જે માણસે સવારે ઊઠવા માટે એલાર્મની મદદ લેવી પડતી નથી એ નસીબદાર છે. માણસ સવારે ઊઠે ત્યારે ફ્રેશ હોવો જોઇએ, એના બદલે હવે આપણે સવારે ઊઠીએ ત્યારે શરીરમાં થાક વર્તાતો હોય છે. ઊંઘ પૂરી ન થઇ હોય એની અસર આખા શરીર પર વર્તાતી હોય છે.

ઊંઘનો ભોગ લેનારાઓમાં જે સૌથી મોખરે છે એ છે ગેઝેટ્સ. લેપટોપ, ટેબ્લેટ અને મોબાઇલ લોકોની ઊંઘના દુશ્મન બની ગયા છે. મેડિકલ એક્સપર્ટ્સ એવું કહે છે કે, સારી ઊંઘ માટે રાતે દસ પછી મોબાઇલ કે બીજા કોઇ ગેઝેટ્સને હાથ ન લગાડો. હવે આવું થવું એ તો દુર્લભ ઘટના છે. રાતે તો મોબાઇલ જોવાનું શરૂ થાય છે. લોકો એવું કહેવા લાગ્યા છે કે, આખો દિવસ મહેનત કરી હોય પછી રાતે રિલેક્સ થવા માટે કંઇક તો જોઇએને? નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ કે બીજી કોઇ પણ એપ પર વેબ સિરીઝ મોડી રાત સુધી જોવાતી રહે છે. વેબ સિરીઝ હોય પણ પાછી જકડી રાખે એવી, એટલે એવું થાય કે ચલને હજી એક એપિસોડ જોઇ નાખું. રજાના દિવસે નાઇટ આઉટ કરવાનું કલ્ચર પણ વધતું જાય છે. મજાને આપણે રાત સાથે એવી જડબેસલાક જોડી દીધી છે કે ઊંઘનો ઇસ્યૂ થવાનો જ છે.

આપણે મોબાઇલ એડિક્ટ થઇ ગયા છીએ. રાતે સૂતા પહેલાં પણ વોટ્સએપ ચેક કરી લઇએ છીએ. એ વાત સંશોધનમાં સાબિત થઇ ગઇ છે કે, મોટા ભાગના લોકો ઊઠીને પહેલું કામ મોબાઇલ જોવાનું કરે છે. પથારીમાં પડ્યા પછી પણ તમારો કેટલો સમય મોબાઇલ ખાઇ જાય છે એનો વિચાર ક્યારેક કરી જોજો. રાતે સૂતા પહેલાં અને સવારે ઊઠતાંવેંત મોબાઇલ જોવાની આદત તો છે જ, હવે તેમાં એક વધારો થઇ રહ્યો છે. હવે લોકો અડધી રાતે ઊંઘ ઊડે ત્યારે પણ મોબાઇલ જોવા લાગ્યા છે. ઘણાને રાતે યુરિનલ જવું પડે છે, અમુક લોકોને રાતે તરસ પણ લાગે છે, લોકો હવે પાણી પીવા કે ટોઇલેટ જવા ઊઠે એ વખતે મોબાઇલ જોઇ લે છે. રાતે મોબાઇલ ન જુઓ તો કંઇ અટકી પડવાનું નથી, પણ જો ધ્યાન નહીં રાખો તો તમારું શરીર ખખડી જશે. કેટલા કલાક સૂવાયું એ જાણવા માટે લોકો હવે ગેઝેટ રાખવા માંડ્યા છે. તબીબો તો હાથે પટ્ટા બાંધવાની પણ ના પાડે છે. તમારા બોડી ઉપર તમારો જ કંટ્રોલ હોવો જોઇએ. માત્ર કેટલી એટલે કે કેટલા કલાક ઊંઘ કરી એ જ મહત્ત્વનું નથી, કેવી ઊંઘ કરી એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડીપ સ્લીપ આવવી જોઇએ. સારી જિંદગી જીવવા માટે સારી ઊંઘ જરૂરી છે. જાગવાની મજા તો જ છે જો સૂવાનો આનંદ હોય!  

પેશ-એ-ખિદમત

કિસ નજર સે આપને દેખા દિલ-એ-મજરુહ કો,

જખ્મ જો કુછ ભર ચલે થે ફિર હવા દેને લગે,

સુનને વાલે રો દિએ સુન કર મરીજ-એ-ગમ કા હાલ,

દેખને વાલે તરસ ખાકર દુઆ દેને લગે.

– સાકિબ લખનવી

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 08 માર્ચ 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *