શાપ, બદદુઆ કે હાય
ખરેખર લાગતાં હોતાં હશે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
કોઇ માણસ બૂરું કરે ત્યારે એવું કહેવાય છે કે
એને તો હાય લાગવાની છે. ઘણા લોકો ખરાબ કરનારને
શાપ પણ આપે છે. તમે પોએટિક જસ્ટિસમાં માનો છો?
પોતાનાથી થાય એ તો માણસ કરી જ લેતો હોય છે.
પોતે કંઇ કરી શકે એમ ન હોય ત્યારે
માણસ બધું ભગવાન પર છોડી દે છે
આ દુનિયામાં એવું ઘણું બધું છે જેનો કોઇ આધાર ન હોવા છતાં આપણે તેને માનતા રહીએ છીએ. આપણું કોઇએ બૂરું કર્યું હોય અને એનું કંઇક ખરાબ થાય તો કહીએ છીએ કે, એને મારી હાય લાગી. શાપ આપવાની અસંખ્ય વાતો આપણા શાસ્ત્રોમાંથી પણ મળી આવે છે. ક્યારેક સવાલ થાય કે, ખરેખર શાપ લાગતા હશે? કોઇની હાય લાગે? ઘણાનાં મોઢે આપણે એવું સાંભળ્યું હોય છે કે, બધું અહીંનું અહીં છે. જે કંઇ ભોગવવાનું છે એ આ જનમમાં જ ભોગવવાનું છે. એક વાતમાં તો મોટા ભાગે દરેક માણસ સંમત થતો હોય છે કે, સારું કરો તો સારું થાય અને ખરાબ કરો તો ખરાબ!
આપણામાં એક કહેવત છે કે, સતી શાપ દે નહીં અને શંખણીના શાપ લાગે નહીં. માનો કે સતી શાપ દે તો લાગે? એક ઘટના યાદ આવે છે. રિપોર્ટર હતો ત્યારે એક ખૂનીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. તેને એક મર્ડર કેસમાં કોર્ટે જનમટીપની સજા ફરમાવી હતી. ખૂન વિશે પૂછ્યું તો એણે ગળા પર હાથ મૂકીને કહ્યું કે, મને જેના ખૂનની સજા મળી છે એ ખૂન મેં નથી કર્યું. એ પછી એણે જ વાત કરી કે, મેં આની પહેલાં એક પુરુષનું ખૂન કર્યું હતું. એનો કેસ અદાલતમાં ચાલ્યો. હું નિર્દોષ છૂટી ગયો. કોર્ટમાંથી બહાર નીકળતો હતો ત્યારે મેં જેને મારી નાખ્યો હતો એની પત્ની મારી પાસે આવી અને કહ્યું કે, હું તને શાપ આપું છું. તને ભગવાન સજા આપશે. જે ખૂન નથી કર્યું એની સજા મળી ત્યારે મને પહેલો વિચાર એ આવી ગયો કે, મને પેલી સ્ત્રીનો શાપ લાગ્યો.
એથન્સમાં પચીસો વર્ષ જૂના એક કૂવામાંથી 30 જેટલી પુસ્તિકાઓ મળી આવી. નિષ્ણાતોએ તેનો અભ્યાસ કર્યો તો એવું બહાર આવ્યું કે, એમાં શાપ લખેલા હતા! કોઇ અકાળે મૃત્યુ પામે ત્યારે તેનો અશાંત આત્મા આ શાપ પહોંચાડે છે એવી માન્યતા એ સમયમાં હતી. જેને શાપ આપવાનો હોય એનું નામ પણ લખવામાં આવતું. શાપ આપનારનાં નામ નહોતાં. મોટા ભાગે ધંધા, સ્પર્ધામાં હાર, કોઇ કેસમાં હાર-જીત કે પ્રેમના કારણે સર્જાયેલી કોઇ ઘટનાના કારણે શાપ આપવામાં આવ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે, શાપ આપવા, બદદૂઆ દેવી, હાય લાગવી જેવી માન્યતાઓ માત્ર આપણા દેશમાં જ નથી, દુનિયાના લગભગ તમામ દેશોમાં આવી માન્યતાઓ છે.
શાપ આપવા પાછળ કઇ સાઇકોલોજી કામ કરે છે? આ અંગે જાણીતા સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીએ કહ્યું કે, કોઇએ આપણું બૂરું કર્યું હોય અને આપણે એનું કંઇ બગાડી શકીએ એમ ન હોઇએ એટલે શાપ આપીએ છીએ. શાપ આપવા પાછળ પણ આખરે તો બદલો લેવાની વૃત્તિ જ છે. મનોવિજ્ઞાનની ભાષામાં એને ડિફેન્સ મેકેનિઝમ કહે છે. એમાં પણ જેને શાપ આપ્યો હોય એનું કંઇ ખરાબ થાય તો માણસ એનું તાર્કિકીકરણ કરી નાખે છે, એટલે કે એને તર્કબદ્ધ રીતે જોડી દે છે. એમાં વળી એને દૈવી તત્ત્વ સાથે જોડી દેવામાં આવે છે, એટલે એને ઓથેન્ટિસિટી મળી જાય છે. અલબત્ત, માણસ જો સારું ઇચ્છે તો સારું થવાની શક્યતાઓ રહે છે. એનું કારણ એ છે કે, સારા વિચારો માણસને પોઝિટિવ બનાવે છે. એ એવું માને છે કે, હું કોઇનું ખરાબ નથી કરતો એટલે મારું ખરાબ નહીં થાય. આવા કિસ્સામાં પણ અમુક સમયે વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. જે માણસ ખોટું ન કરતો હોય એની સાથે કંઇક ખોટું થાય તો એને એવો સવાલ થાય છે કે, મેં તો કોઇનું બૂરું નથી કર્યું તો પછી મારું ખરાબ કેમ થયું? આવા કિસ્સામાં લોકો ગયા જનમનાં કંઇક ખોટું કર્યું હશે એવી વાતો કરી લે છે.
સાયન્સ આવી કોઇ વાતને આધાર આપતું નથી, છતાં ક્યારેક આપણી નજર સામે એવી ઘટના બને છે કે આપણને અમુક વાત સાચી લાગવા માંડે. એક કૂતરું ભસતું હતું. એક માણસનું મગજ ગયું. લાકડી લઇને એણે કૂતરાને મારવાનું શરૂ કર્યું. કૂતરું દોડ્યું. એ માણસ એની પાછળ દોડ્યો. દોડતો હતો ત્યાં જ એને ઠેબું વાગ્યું. જોરથી પડ્યો. પગમાં ફ્રેક્ચર આવ્યું. આને તમે શું કહો? પોએટિક જસ્ટિસની ઘણી વાતો આપણે સાંભળી છે. અગેઇન શાપ જેવું કંઇ હોય છે? એ જ સવાલ જાણીતા જ્યોતિષી ડો. પંકજભાઇ નાગરને પૂછ્યો. તેમણે કહ્યું કે, હા હોય છે. એમણે તો પોતાના અંગત કિસ્સાઓ પણ કહ્યા કે, મેં તો અનુભવ્યું છે. મહાભારત અને રામાયણમાં પણ શાપના કિસ્સાઓ મળે છે. દ્રોણાચાર્યએ એકલવ્યને શાપ આપ્યો હતો. મુનિ દુર્વાસા તો શાપ આપવા માટે જાણીતા હતા. પંકજભાઇ નવું લોજિક આપે છે. તેઓ કહે છે કે, આપણામાં આશીર્વાદ આપવાનો મહિમા છે. આપણે એવું પણ માનીએ છીએ કે, આશીર્વાદ ફળે છે. આમ જુઓ તો આશીર્વાદ એ પણ કોઇના દિલમાંથી નીકળેલી જ વાત છે ને? જો આશીર્વાદ ફળતા હોય તો શાપ ન લાગે? અંદરના ઊંડાણમાંથી જે નીકળે છે એની અસર થાય જ છે. અમુક વસ્તુઓને આધારની કોઇ જરૂર હોતી નથી, એ બસ હોય છે! બાય ધ વે, તમે શું માનો છો? એવું કંઇ હોય છે? તમે જે માનતા હોવ એ માનજો, દરેકને પોતાની માન્યતાઓ હોય છે, એ એનો અધિકાર છે. ખરાબની તો ખબર નથી, પણ સારું વિચારીએ અને સારું કરીએ તો સારું તો થાય છે અને ન થાય તો પણ એમાં કંઇ ગુમાવવાનું હોતું નથી. દુનિયા એટલે જ કહેતી રહે છે કે, સારા થશો તો બધું સારું લાગશે.
પેશ-એ-ખિદમત
કોઇ ચારાહ નહીં દુઆ કે સિવા,
કોઇ સુનતા નહીં ખુદા કે સિવા,
મુઝસે ક્યા હો સકા વફા કે સિવા,
મુઝકો મિલતા ભી ક્યા સજા કે સિવા.
– હફીઝ જાલંધરી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 01 માર્ચ 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com