તારી વાત સાચી છે પણ
કહેવાની રીત ખોટી છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ગેરસમજણ સામટી ફેલાવ ના! દુશ્મનોની જેમ તું બોલાવ ના!
કોણ સમજ્યું છે અહીં કિંમત કદી? વ્યર્થ તું સંબંધ વચ્ચે લાવ ના!
મેં સમજવામાં નથી ગલતી કરી, દોસ્તી શું છે મને સમજાવ ના!
કાં મને પડકારવાનું બંધ કર! કાં સુલેહી વાવટો ફરકાવ ના!
-શૈલેન રાવલ
સંવાદ દરેક સમસ્યાનો સચોટ ઉકેલ છે. સંવાદને જો સરખી રીતે ટેકલ કરવામાં ન આવે તો વિવાદ સર્જાય જાય છે. આપણે ઘણા કિસ્સાઓમાં એવું જોયું છે કે, બધા વાત કરવા ભેગા થયા હોય, પણ વાતનું વતેસર થઇ જાય. સમાધાન કરનારાઓ જો સમજદાર ન હોય તો સમસ્યા ઉકેલવાના બદલે વકરી જાય છે. ડહાપણ અનુભવથી આવે છે. આપણે કરેલી ભૂલો એ આપણા અનુભવો છે અને એ ભૂલો ફરીથી ન થઇ જાય એની તકેદારી એ સમજણ છે. મોટાભાગના વિવાદ, ઝઘડા, માથાકૂટ, તકરાર અને ગેરસમજ એ બીજું કંઇ નથી, પણ સંવાદ કરનારી અણઆવડત છે. આપણે આપણી વાતને કેવી રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ એના ઉપરથી જ પરિણામો નક્કી થતાં હોય છે.
અમુક માણસોમાં એવી આવડત હોય છે કે, બગડેલી બાજીને પણ સુધારી દે. આપણો એક પ્રોબ્લેમ એ હોય છે કે, કોઇની વાત સાંભળવાની આપણી તૈયારી હોતી નથી. ક્યારેક તો આપણે પહેલેથી નક્કી કરી લેતા હોઇએ છીએ કે, કોણ સાચું છે અથવા તો કોણ ખોટું છે? કોઇપણ વિવાદ હોય તેમાં મોટાભાગે કોઇ સંપૂર્ણપણે સાચું નથી હોતું કે તદ્દન ખોટું પણ નથી હોતું. દરેકના પક્ષે થોડુંક સત્ય, થોડુંક અસત્ય અને થોડુંક અર્ધસત્ય હોય છે. બે સત્યને ભેગા કરી બંનેના અસત્યને દૂર કરવાનું કામ કુનેહ માંગી લેતું હોય છે. સંબંધમાં ખટાશ આવવાનું કારણ મોટાભાગે તો ગેરસમજ જ હોય છે. ગેરસમજને જો સમયસર દૂર કરવામાં ન આવે તો એ વિકરાળ બની જાય છે.
એક યુવતીની આ વાત છે. તેને પતિ અને સાસરિયાંઓ સાથે એક બાબતે ઝઘડો થયો. યુવતી તેના પિયર આવી. ઘરની સમસ્યાની પપ્પા-મમ્મીને વાત કરી. યુવતીના પપ્પાએ દીકરીના સાસરિયાં સાથે વાત કરી. બધાએ સાથે મળીને વાત કરવાનું નક્કી કર્યું. દીકરીએ તેના પિતાને કહ્યું કે, તમે મારો પક્ષ લેજો. પિતાને એવી સલાહ આપવાનો પણ પ્રયાસ કર્યો કે, તમે આ રીતે વાત કરજો. વાતની શરૂઆત આવી રીતે કરજો. એ જો આવું કહે તો તમે તેવું કહેજો. દીકરીની વાત સાંભળીને પિતાએ કહ્યું કે, શું કરવું એ અગાઉથી નક્કી ન કર. પહેલાં એ લોકોની વાત તો સાંભળવા દે! બધા ભેગા થયા. વાતો ચાલતી હતી. વાત વાતમાં દીકરી ઉશ્કેરાઇ ગઇ અને મનમાં આવે એમ બોલવા લાગી. પિતાએ બધાની સામે જ દીકરીને કહ્યું કે, તારી વાત સાચી છે, પણ તું જે રીતે વાત કરે છે એ રીત ખોટી છે. આપણે અહીં ઝઘડવા ભેગા નથી થયા. સાસરિયાંઓએ કહ્યું કે, અમે જરાયે એમ નથી કહેતાં કે, દરેક વખતે તમારી દીકરીનો જ વાંક હોય છે. ક્યારેક અમારા તરફથી પણ ભૂલો થાય છે. પ્રોબ્લેમ એ જ છે કે, એ વાત કરવા જ તૈયાર નથી થતી. મારે કોઇની વાત સાંભળવી નથી. તમારે જે કરવું હોય એ કરો. મારે જેમ કરવું હશે એમ હું કરીશ. અંતિમવાદી વલણ સંબંધનો અંત જ નોતરે.
આપણે માણસ છીએ. માણસ ક્યારેય એકલો રહી શકતો નથી. આપણે કોઇ ને કોઇની સાથે રહેવાનું હોય છે. ઘરના લોકો, સાથે કામ કરતાં લોકો અને સમાજના લોકો સાથે આપણે વ્યવહાર રાખવો જ પડે છે. અમુક લોકો એવા હોય છે જેની સાથે આપણને ફાવતું નથી. એવી વ્યક્તિ સાથે પણ જો રોજનો પનારો હોય તો સંબંધ રાખવા પડે છે. માણસે એ નક્કી કરવું પડે છે કે કોની સાથે કેવી રીતે વર્તવું! એક યુવાનની આ વાત છે. તેનો બોસ વિચિત્ર મગજનો હતો. કોઇપણ વાત હોય એ દલીલો કરે. યુવાન શાંતિથી વાત સાંભળે. છેલ્લે એ યસ સર કહીને વાત પૂરી કરે. યુવાનના એક કલીગે તેને કહ્યું કે, તું બોસની દરેક દલીલ કેમ સાંભળી લે છે? તારો મુદ્દો કેમ નથી કહેતો? યુવાને કહ્યું કે, મને જે સાચું લાગે એ હું સલુકાઇથી કહું છું. બોસ માને કે ન માને એ એમના ઉપર છે. છેલ્લે તો એ જે કહે એમ જ કરવાનું છે, તો પછી દલીલ શું કરવાની? તેની સાથે માથાકૂટ કરીને મારે મારી એનર્જી બગાડવી નથી!
વાત લંબાવવા જેવી ન હોય ત્યારે વાત ટૂંકાવવી એ જ બહેતર હોય છે. દરેક વાતે અલ્પવિરામ મૂકતા રહીએ તો વાત લંબાતી જ રહે છે. પૂર્ણવિરામ ક્યાં મૂકવું એની સમજ જેનામાં છે એ વિવાદને ટૂંકાવી શકે છે. ઘણી વખત તો વાત આગળ વધારવાનો કોઇ અર્થ જ નથી હોતો! એક યુવાન જોબ કરતો હતો. એના બોસને એ પહેલેથી જ ખટકે. યુવાનને ખબર હતી કે, મેળ પડ્યો એટલે એ મને રવાના કરી દેવાનો છે. બોસે તેની સામે એક રિપોર્ટ તૈયાર કર્યો. આ વ્યક્તિ ઓર્ગેનાઇઝેશન માટે યોગ્ય નથી, તેને છૂટો કરી દેવો જોઇએ. એક વખત જનરલ મેનેજરે યુવાનને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. યુવાનનો બોસ પણ હાજર હતો. જનરલ મેનેજરે કહ્યું કે, તમારા કામથી સંતોષ નથી. તમને આજથી જ છૂટા કરવામાં આવે છે. તમારે કંઇ કહેવું છે? યુવાને કહ્યું કે, ના મારે કંઇ નથી કહેવું! યુવાન બાય કરીને ત્યાંથી નીકળી ગયો.
યુવાને તેના સાથે જે બન્યું તેવી વાત તેના ફ્રેન્ડને કરી. ફ્રેન્ડે પૂછ્યું, તેં કંઇ ન કહ્યું? તારે તારો પક્ષ તો મૂકવો જોઇએ ને? યુવાને કહ્યું કે, મારો પક્ષ મૂક્યો હોત તો શું એ મને પાછો રાખી લેવાના હતા? એ લોકોએ તો મને છૂટા કરવાનું નક્કી જ કરી લીધું હતું. એ પછી એની સાથે માથાકૂટ કરવાનો કોઇ અર્થ જ નહોતો. તમને કોઇ તક જ આપવામાં ન આવે તો વાત પૂરી કરી દેવાની. અમુક વખતે આપણો કોઇ વાંક-ગુનો ન હોય તો પણ આપણને સજા મળતી હોય છે. તમારું કંઇ ચાલવાનું ન હોય ત્યારે ધમપછાડા કરવાનો કોઇ મતલબ નથી. જે લોકોએ ન્યાય કરવાનો છે એ લોકોએ બધાની વાત સાંભળવાની હોય છે. માત્ર સાંભળવાની જ નહીં, કોણ સાચું છે અને શું સાચું છે એ પણ નક્કી કરવાનું હોય છે. ઘણી વખત લોકોએ નક્કી કરી લીધું હોય છે કે, આપણે કરવું તો આવું જ છે પછી એ વાત સાંભળવાનું નાટક કરતા હોય છે. તટસ્થ હોવામાં અને તટસ્થ હોવાનો દેખાવ કરવામાં ઘણો મોટો ભેદ હોય છે. ઘણા લોકો તટસ્થતાનો દેખાવ કરવામાં પાવરધા હોય છે, એ તટસ્થ હોતા નથી!
માણસે કોઇપણ વાત કરતાં પહેલાં એ પણ વિચારવું જોઇએ કે, હું કેટલો સાચો છું? ભૂલ આપણા પક્ષે પણ હોઈ શકે છે. પોતાની જાત સાથે તટસ્થ રહેવું એ સૌથી અઘરું કામ છે. આપણે સાચા હોઇએ તો પણ આ સચ્ચાઇનું બયાન કેવી રીતે કરવું એની સમજદારી જરૂરી હોય છે. આપણી રીત જો ખોટી હોય તો આપણે આપણી સચ્ચાઇ પણ સાબિત કરી શકતા નથી. ઘણા લોકો તો વળી બધું મનમાં ધરબી રાખતા હોય છે. હું સાચો છું કે હું સાચી છું એટલે મારે કંઇ કહેવાની જરૂર નથી. મૂંગા થઇ જવું એ પણ વાત ન કહેવાની અણઆવડત જ છે. કંઇ ન બોલવું એ ખોટા સંવાદનું જ એક ઉદાહરણ છે.
વાત કહેવાની એક રીત હોય છે. એની સાથે એક હકીકત એ પણ છે કે, વાત સાંભળવાની પણ એક રીત હોય છે. બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. બંનેએ નક્કી કર્યું કે, ચાલો આપણે આ મુદ્દે વાત કરી લઇએ. બંને ભેગા થયા. એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, પહેલાં તું તારે જે કહેવું હોય એ કહી લે. તારી વાત પૂરી થાય એ પછી હું વાત કરીશ, ત્યારે તું શાંતિથી સાંભળજે. સામેની વ્યક્તિની વાત સાંભળવી જોઇએ. બનવા જોગ છે કે આપણે જે માનતા કે સમજતા હોઇએ એનાથી એની વાત સાવ જુદી જ હોય. મોટાભાગે આપણે ગાંઠ બાંધી લેતા હોઈએ છીએ અને ગાંઠ છોડવાનો કોઇને મોકો પણ નથી આપતા.
કોઇ વિવાદ કે ઝઘડો થાય ત્યારે તે ઉકેલવા માટે ભેગા થવું એ પણ એક સમજદારી છે. ઘણા લોકો એવું નક્કી કરી લેતા હોય છે કે એની સાથે વાત કરવાનો કોઇ અર્થ જ નથી. હા, બે-ચાર વખત વાત કર્યા પછી એવું લાગે તો બરાબર છે, પણ પહેલી જ વારમાં આવો ચુકાદો આપી દેવાનું વાજબી હોતું નથી. સંબંધો સમજદારી ઉપર નભે છે. અમુક લોકો આપણી જિંદગીનો એવો હિસ્સો હોય છે જે ક્યારેય જુદો પડતો નથી. મૂડમાં અપ-ડાઉન્સ આવતા રહે છે. માનસિકતા બદલતી રહે છે. ગમે એ બદલાય પણ સંબંધ બદલાવો ન જોઇએ. ક્યારેક તો કોણ ખોટું કે કોણ સાચું એ પણ મહત્ત્વનું હોતું નથી. એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્નીએ પ્રેમથી વાત પૂરી કરી નાખી. સમય જતાં પતિને ખબર પડી કે હું ખોટો હતો. તેણે પત્નીને કહ્યું કે, હું સાચો ન હતો તો પણ તેં કેમ કંઇ કહ્યું નહીં? પત્નીએ કહ્યું કે, મને ખબર હતી કે તું સાચો નથી. હું સાચી હતી. જોકે, મારી સચ્ચાઇ કરતાં પણ આપણો સંબંધ ઉપર હતો. મારે મારી સચ્ચાઇ સાબિત કરીને આપણો મૂડ અને આપણો સમય ખરાબ કરવો નહોતો. જિંદગીમાં અમુક વાતો ગૌણ હોય છે. સંબંધ મહત્ત્વનો હોય છે. ઝઘડો, વિવાદ કે તકરાર વખતે એ પણ વિચારવાનું હોય છે કે, સરવાળે હું સાબિત શું કરવા માગું છું? વાત કહેવાની આપણી રીત જ આપણી પ્રકૃતિની સાબિતી આપતી હોય છે. બોલતાં બધાને આવડે છે, વાત કરતાં બહુ ઓછા લોકોને આવડતું હોય છે. માણસના સંસ્કાર, માણસની સંવેદના અને માણસની સમજદારી છેલ્લે તો એ કેવી રીતે વાત કરે છે તેના પરથી જ છતી થતી હોય છે.
છેલ્લો સીન:
વાત વણસી ન જાય એવી રીતે વાત કરવાની કુનેહ જેની પાસે છે એના સંબંધો સજીવન રહે છે. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 નવેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com