વજન વધી ગયું છે? ટેક ઇટ
ઇઝી! બહુ દિલ પર ન લો!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
વજનના સવાલનો જવાબ અઘરો હોય છે.
વજન ઉતારવાના બધા પ્રયાસો નિષ્ફળ જાય ત્યારે
માણસ હતાશ થઇ જાય છે. હતાશાના કારણે
માનસિક સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થાય છે.
વજન ઘટાડવા માટે પ્રયાસ ચોક્કસપણે કરો પણ એની
બહુ ફિકર ન કરો. તમારા વ્યક્તિત્વને તમારી વજનથી ન મૂલવો
દિવાળીના તહેવારો પૂરા થયા. સ્વીટ્સ તો ખાધી જ હશે. એ સિવાય પણ ખાવા પીવામાં ધ્યાન રહ્યું નહીં હોય. વજન પણ થોડુંક વધી ગયું હશે. ઘણા લોકોએ નવા વર્ષના રિઝોલ્યુશનમાં પણ એવું નક્કી કર્યું હશે કે, હવેથી ખાવા-પીવામાં ધ્યાન રાખવું છે. વજન વધવા નથી દેવું. વજન ઘટાડવા માટે જિમ જોઇન કરવાનું પણ ઘણાએ વિચાર્યું હશે. વજનની વેદના કેવી હોય છે એ તો જે વજન ઘટાડવા માટે પરસેવો પાડતા હોય એને પૂછો તો ખબર પડે. વજનના કારણે જે ફિઝિકલ પ્રોબલેમ થાય છે તેના કરતા પણ વધુ તો મેન્ટલ ઇસ્યૂઝ માણસને સતાવે છે. ક્યારેક તો વજનના કારણે અરીસો પણ અળખામણો લાગે છે. કોઇક મસ્તીમાં વજન વિશે કંઇ કમેન્ટ કરે તો હાડોહાડ લાગી આવે છે.
હમણાની એક સાવ સાચી ઘટના ઘટના છે. એક છોકરીને તેના એક સંબંધીએ જાડી કહ્યું. આ વાત સાંભળીને એ છોકરીએ કહ્યું કે, હું જાડી નથી, હેલ્ધી છું. તમારે મારા બોડી ચેકઅપના રિપોર્ટ્સ જોવા છે? મને કોઇ પ્રોબલેમ નથી. મારા વજનની ચિંતા તમારે કરવાની જરૂર નથી. બધા આટલા સ્ટ્રોંગ નથી હોતા. કેટલાંક લોકો વજન વિશેની મજાક સહન કરી શકતા નથી. આમ તો એવું કહેવાય છે કે, કોઇના વજન વિશે કે દેખાવ વિશે ક્યારેય કોઇ કમેન્ટ કરવી ન જોઇએ. દેખાવ અને અમુક હદ સુધી વજન પણ માણસના હાથની વાત નથી. એ કુદરતી છે. એવું તો છે નહીં કે, જે દેખાવડા હોય એ જ આગળ આવે કે એનું વ્યક્તિત્વ જ સારું હોય. દેખાવે હીરો કે હીરોઇન જેવા લાગતા હોય એ પણ સાવ ડોબા હોય શકે છે. દેખાવમાં સામાન્ય હોય કે વજન વધારે હોય એવા લોકો પણ પ્રતીભાસંપન્ન હોય છે.
કહેવાનો મતલબ એટલો જ છે કે, બુદ્ધિ, આવડત, સમજણ, માણસાઇ કે વ્યક્તિત્વ વજન કે દેખાવના મોહતાજ નથી. પ્રોબલેમ એ થાય છે કે, વધુ વજન ધરાવતા મોટા ભાગના લોકોના મગજ ઉપર પોતાનું વજન સવાર રહે છે. બ્રિટનમાં હમણા જેનું વજન વધુ હતું એવા લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો. હેવી વેઇટવાળાના બે ભાગ પાડવામાં આવ્યા હતા. એક જેને વજનનું બહુ ટેન્શન રહેતું હતું. બીજો લોકો એવા હતા જેને વજનથી કોઇ ફેર પડતો નહોતો. એ લોકો હેપી ગો લકી કિસમના હતા. જે લોકો વજનથી ડિસ્ટર્બ હતા એ લોકો જાતજાતની માનસિકતાથી પીડાતા હતા. તેમની કરિયર પણ બહુ બ્રાઇટ નહોતી. તેની સરખામણીએ જે લોકો પોતાના વજનને ઇઝી લેતા હતા એ લોકો કરિયરમાં તો આગળ હતા જ, જિંદગી પણ સરસ રીતે જીવતા હતા. આના ઉપરથી મનોચિકિસ્તકોએ એવું કહ્યું કે, વજનને તમારા ઉપર બહુ હાવી થવા ન દો. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, વજન વધારે હોય તેમાં મોટા ભાગે માણસનો વાંક હોતો નથી. વજન અને દેખાવ કુદરતી હોય છે.
હા, વજન વધુ હોય તો માણસે વજન ઘટાડવા પ્રયાસો કરવા જોઇએ. વજન ઘટાડવાના મામલે પણ એક પ્રોબલેમ જોવા મળે છે. અમુક લોકો પ્રયાસ કરે એટલે તેનું વજન ઘટી જાય છે. જો કે અમુક લોકો ગમે એટલી મહેનત કરે તો પણ તેના વજનમાં ખાસ ફેર પડતો નથી. એ લોકો હતાશ થાય છે. દરેક માણસના શરીરની પણ એક પ્રકૃતિ હોય છે. આપણું શરીર દરેક બાબતમાં આપણું માને જ એવું જરૂરી નથી. જેટલું માને એટલું મનાવવાનું, બાકી ચિંતા નહી કરવાની. જે લોકો પતલા હોય છે એના વિશે આપણે એવું બોલતા હોઇએ છીએ કે, એની કાઠી જ એવી છે. આ વાત વજન વધુ હોય એને પણ એટલી જ લાગુ પડે છે. એ લોકો કુદરતી રીતે જ એવા હોય છે.
હવે તો એ જાણવાના પ્રયાસો પણ થાય છે કે, વજન વધે છે કેમ? જો કે વજન વધવાનું ચોક્કસ કારણ હજુ શોધી શકાયું નથી. એક જે સમજ છે એ એવી છે કે, ખાવા પીવા અને લાઇફ સ્ટાઇલના કારણે વજન વધે છે. બેઠાડું જીવનને પણ વધુ વજન માટે જવાબદાર ગણવામાં આવે છે. આપણે જેટલી કેલેરી પેટમાં પધરાવીએ છીએ એટલી કેલેરી બર્ન કરતા નથી એટલે વજન વધે છે. હવે આ વાત પણ સોએ સો ટકા સાચી છે કે કેમ એ સવાલ છે. એનું કારણ એ છે કે, અમુક લોકો ગમે એટલું ખાય તો પણ એ જાડા થતાં નથી! સામા પક્ષે અમુક લોકો ગણી ગણીને ખાતા હોય તો પણ જાડા થઇ જાય છે. એક છોકરીએ મજાકમાં એવું કહ્યું હતું કે, હું તો ચીઝ, ચોકલેટ કે સ્વીટની સામે જોઉં તો પણ મારું વજન વધી જાય છે.
વજન થોડુંક ઓછું વધુ હોય તો વાંધો નથી, બસ આપણે ફિટ હોવા જોઇએ. લાઇફને એન્જોય કરતા હોવા જોઇએ. વજનના કારણે બીજા રોગો થાય છે એ વાત સાચી છે પણ વજનના કારણે જ બીજા રોગો થાય એવું જરૂરી નથી. પાતળા લોકોને ક્યાં હાઇ બીપી કે ડાયાબિટીસ હોતા નથી? ધ્યાન એટલું જ રાખવાનું છે કે, તમારા વધુ વજન માટે તમે જવાબદાર ન હોવા જોઇએ. એટલે કે ફાસ્ટ ફૂડ અને વજન વધે એવા બીજા ફૂડથી દૂર રહો. આપણું જે પંરપરાગત ભોજન છે એને જ અપનાવો. લાઇફ સ્ટાઇલ મેઇનટેઇન કરો. પતલા વ્યક્તિ સૌંદર્યવાન ન હોય એવું પણ નથી. વજન વધારે હોય એ લોકો પણ સુંદર હોય છે. ઝીરો ફિગર કે પાતળું શરીર એ તો થોડા વર્ષોથી ઇન થિંગ ગણવામાં આવે છે. અગાઉના સમયમાં તો થોડુંક સારું શરીર હોય એને જ સૌદર્યવાન ગણવામાં આવતા. તમે જૂના જમાનાના રાજા રાણીના ફોટા જોજો, તમને એ વાત સમજાઇ જશે. દુબળા લોકોને નબળા માનવામાં આવતા. આપણે ત્યાં પણ ઘણા પાતળા છોકરા-છોકરીઓ કુપોષણથી પીડાતા હોય એવા દેખાય છે. એક વાત યાદ રાખો કે, વજનને મગજ ઉપર ન લો. શરીરના કારણે મન કે મગજને નયા ભારની અસર થવી ન જોઇએ.
પેશ-એ-ખિદમત
જિંદગી હૈ યા કોઇ તૂફાન હૈ,
હમ તો ઇસ જીને કે હાથોં મર ચલે,
‘દર્દ’ કુછ માલૂમ હૈ યે લોગ સબ,
કિસ તરફ સે આઇ થે કિધર ચલે.
-ખ્વાજા મીર દર્દ
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 03 નવેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com