હવે એને મારામાં અને મને
એનામાં જરાયે રસ નથી!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આપણામાં કૈંક એવું ખાસ હોવું જોઈએ,
આ હથેળીમાં ય થોડું ઘાસ હોવું જોઈએ.
આંખમાં બીજું કશું ન હોય તો પણ ચાલશે,
વાદળું એકાદ બારેમાસ હોવું જોઈએ.
-રજનીકાંત સથવારા
સંબંધ બહુ અટપટી ચીજ છે. ક્યારેક કોઈના માટે ભાવ આવી જાય છે. અચાનક અભાવ પણ ઊભરી આવે છે. ભાવ હોય કે અભાવ, કંઈ જ એમ ને એમ નથી થતું. નજીક આવવાનાં કારણો હોય છે. દૂર જવાનાં પણ રિઝન્સ હોય છે. કંઈક એવું બનતું રહે છે, જે સંબંધો સામે સતત સવાલો ઊભા કરે છે. મેં એની સાથે સંબંધ રાખીને કંઈ ભૂલ તો નથી કરી ને? એની સાથે સંબંધમાં કેટલું આગળ વધવું? કેટલો ભરોસો મૂકવો? આ સંબંધનું પરિણામ શું આવશે? અમુક સંબંધો આત્મીયતાની પરાકાષ્ઠાએ પહોંચીને પણ ઓગળવા લાગે છે. અળગા થવાનો આઘાત અધોગતિ નોતરે છે. જેની સાથે વાત કરવાનું મન થયા રાખતું હતું એનો જ નંબર મોબાઇલ ઉપર ઝળકે ત્યારે એવું મન થઈ આવે છે કે, નથી કરવી વાત. શું ફાયદો છે? વળી, એની એ જ માથાકૂટ કરવાની? ફરિયાદો, આક્ષેપો અને શંકા સંબંધોની બલિ ચડાવી દે છે.
નારાજગી, ગુસ્સો અને આક્રોશ દરેક સંબંધમાં રહેવાનાં છે. નિકટતા જેટલી વધુ હોય એટલી અપેક્ષા વધુ રહેવાની. મને એના વિશે બધી ખબર હોવી જોઈએ. આપણે નાનામાં નાની વાત કરતા હોઈએ ત્યારે આપણને એવી અપેક્ષા જાગે છે કે એ પણ ઝીણામાં ઝીણી વાત કરે. કોઈ વાત રહી જાય તો એમ થાય છે કે, એ વાત એણે કેમ છુપાવી? જે માણસ દરેકમાં કારણો શોધે છે એને હાર કે હતાશા મળે છે. આપણને દરેક વાતમાં ખુલાસાઓ જોઈતા હોય છે. આપણી વ્યક્તિ ખુલાસાઓ કરતી પણ હોય છે. એ ખુલાસાઓ સામે જ્યારે સવાલો થાય ત્યારે શંકાનું સર્જન થાય છે. ખુલાસાઓ કરનારને એવું લાગે છે કે આને ક્યાં મારી વાતમાં ભરોસો જ છે?
એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમી દર વખતે એમ પૂછે કે ક્યાં હતી? પ્રેમિકા સાચું બોલી દે. એક વખત પ્રેમીના સવાલ પર પ્રેમિકાએ કહ્યું કે, મારા એક કલીગ સાથે કોફી પીવા આવી હતી. કોણ છે એ કલીગ? પ્રેમિકાએ કલીગ વિશે બધી વાત કરી. પ્રેમીએ એ કલીગ વિશે રિસર્ચ કરી નાખ્યું. પ્રેમિકાનું સોશિયલ મીડિયા સ્ટેટસ એણે કેટલી વખત લાઇક કર્યું? શું કમેન્ટ કરી? પ્રેમિકાએ પણ કેટલી વખત તેના કલીગની પોસ્ટને લાઇક કરી. પ્રેમિકા મળી ત્યારે પ્રેમીએ કહ્યું કે, કલીગ જ છે ને? બીજું કંઈ નથી ને? પ્રેમિકાએ કહ્યું, બીજું એટલે શું? એ સારો માણસ છે. મને કામમાં કંઈ પ્રોબ્લેમ થાય તો મને મદદ કરે છે. એને તો કંઈ નથી, પણ તને કેમ શંકા જાય છે?
પ્રેમિકાને જ્યારે બીજી વખત પોતાના કલીગ સાથે બહાર જવાનું થયું ત્યારે પ્રેમીનો ફોન આવ્યો. અગેઇન એ જ સવાલ, ક્યાં છે? પ્રેમિકાએ કહ્યું, કામમાં છું. શાંતિથી વાત કરીએ? પ્રેમીએ કહ્યું, તું ઓફિસમાં તો નથી લાગતી, ટ્રાફિકનો અવાજ આવે છે? સાચું બોલ, ક્યાં છે તું? પ્રેમિકાએ કહ્યું, શાંતિથી વાત કરીએ? અત્યારે વાત થાય એમ નથી! તેના કલીગે પૂછ્યું, કેમ આ રીતે જવાબ આપ્યો? સાચું કહી દેવું હતું ને? છોકરીએ કહ્યું, સાચું ક્યાં બધાથી સહન થતું હોય છે? સાચું બોલું તો વળી સો સવાલ કરશે! સાચું બોલવાની સ્વતંત્રતા ન હોય ત્યારે જ ખોટું બોલવાની શરૂઆત થતી હોય છે.
માણસને માત્ર પ્રેમ નથી જોઈતો હોતો, આધિપત્ય જોઈતું હોય છે. માણસનું ચાલે તો પોતાની વ્યક્તિના વિચારો ઉપર પણ કબજો મેળવી લે. એ મારા સિવાય કોઈના વિચાર કરવો કે કરવી ન જોઈએ. માણસનું ચાલે તો આંખો ઉપર પણ એવા પટ્ટા બાંધી દે કે પોતાની વ્યક્તિ એના સિવાય કોઈને ન જુએ. એક વખત એક પતિએ એની પત્નીને એવું કહ્યું કે, હવે એવી ટેક્નોલોજીની જરૂર છે કે તું મને જ જોઈ શકે, મારા વિચારો જ કરે. એવી ઇલેક્ટ્રોનિક પટ્ટી આવશે ને ત્યારે હું તને પહેરાવી દઈશ! આ વાત સાંભળીને પત્નીએ કહ્યું, એ પટ્ટી તો આવતી આવશે, અત્યારે તારી આંખોમાં શંકાની જે પટ્ટી લાગી ગઈ છે ને એને હટાવી દે, તો તને કોઈ જાતની ચિંતા નહીં રહે!
સંબંધો નાની-નાની વાતોમાં આડા પાટે ચડી જ જતા હોય છે. એક વખત આડા પાટે ચડે પછી પાટા ઉપરથી ઊતરી જવાની શક્યતાઓ પણ રહે છે. એક પતિ-પત્નીની આ વાત છે. લગ્નના બે વર્ષમાં બંનેને એવું લાગવા માંડ્યું કે, હવે આ સંબંધોમાં કંઈક ખૂટે છે. પત્નીને થયું કે આવું કેમ થાય છે? એને સમજ નહોતી પડતી? ફ્રેન્ડ્સને વાત કરી તો એણે તો અવળે રસ્તે ચડાવી. બીજી કોઈ સાથે તો સંબંધ બંધાયા નથી ને? પત્ની સમજુ હતી. એને આખરે એવો વિચાર આવ્યો કે, કોઈ સાઇકિયાટ્રિસ્ટની મદદ લઉં. તેણે એક મનોચિકિત્સકની એપોઇન્ટમેન્ટ લીધી. તેણે પૂછ્યું, શું ઇસ્યૂ છે? યુવતીએ કહ્યું, હવે એને મારામાં અને મને એનામાં કોઈ રસ નથી! અમારી લાઇફમાં રોમાંચ કે રોમાન્સ જેવું કંઈ રહ્યું નથી! આ વાત સાંભળીને સાઇકિયાટ્રિસ્ટે પૂછ્યું કે, એની વાત પછી કરીશું. પહેલાં તમે એ કહો કે, તમને કેમ રસ નથી? યુવતીએ કહ્યું, એને રસ ઊડી ગયો હોય એવું લાગે છે, એટલે! મનોચિકિત્સકે કહ્યું, એને પણ કદાચ એવું જ લાગતું હોય?
આપણો પ્રોબ્લેમ એ પણ હોય છે કે આપણે ઘણું બધું માની કે ધારી લેતા હોઈએ છીએ! દરેક સંબંધ સીધા જ અંત સુધી પહોંચી જતા નથી. સંબંધો ધીમે ધીમે ખતમ થાય છે. જરાકેય ડિસ્ટન્સનો અણસાર આવે ત્યારે જે સજાગ થઈ જાય છે એ સંબંધને તૂટતા બચાવી શકે છે. એની લાગણીની માત્રા ઘટી તો તમે તમારા સ્નેહનો પ્રવાહ થોડોક વધારી દો. બંને તરફે ઘટ આવી તો સંબંધમાં સુકારો જ લાગવાનો. વાત સંબંધ બચાવવાની નથી, વાત સંબંધને સજીવન રાખવાની છે. એને નથી પડી તો મનેય કંઈ ફેર પડતો નથી! સંબંધ નિભાવવાની જવાબદારી કંઈ મારી જ થોડી છે? એવો વિચાર ઘણી વખત ન પુરાય એટલું અંતર વધારી દે છે. આપણને એમ કેમ નથી થતું કે, મને ફેર પડે છે. એ મજામાં ન હોય તો મને ઉદાસી જેવું લાગે છે. એ ચૂપ હોય ત્યારે મારામાં પણ એક સન્નાટો સર્જાય છે. આપણને ઘણી વખત એવું થતું પણ હોય છે. એવા સમયે આપણો ઇગો આડે આવી જાય છે. આપણે દુ:ખી થતા હોઈએ ત્યારે પણ આપણે આપણી વ્યક્તિને કહેતા નથી કે, યાર આમ નહીં રે ને! મને મજા આવતી નથી! ઘણી વખત તો બંનેને ખબર હોય છે કે, આ ઝઘડો કે આ નારાજગી કંઈ કાયમી નથી, છતાં પણ બંને લાંબું ખેંચતાં હોય છે. એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. થોડી વાર બંને ન બોલ્યાં. આખરે પતિએ પત્નીને કહ્યું કે, બે દિવસ પછી નારાજગી દૂર થાય એના કરતાં અત્યારે જ નારાજગી છોડી દે ને! મને પણ એવું જ થાય છે કે, બે દિવસ પછી તને મનાવવા કરતાં અત્યારે જ તને મનાવી લઉં! નજીક આવવા માટે થોડાક શબ્દો જ પૂરતા હોય છે. આપણે આપણી વ્યક્તિથી દુ:ખી હોઈએ ત્યારે આપણો પણ થોડોક વાંક હોય છે કે, આપણે ઘડીકમાં કશું છોડી શકતા નથી. છોડવામાં જેટલું મોડું કરીએ એટલો વલોપાત વધવાનો છે. જે કહેવું હોય એ વહેલું કહી દો. આપણી વ્યક્તિ ઘણી વખત તો રાહ જ જોતી હોય છે કે, એ શરૂઆત કરે તો હું વાત પૂરી કરી દઉં. આપણે શરૂઆત કરીએ તો કંઈ નાના કે નબળા નથી થઈ જવાના! જેના વગર ચાલતું ન હોય એની તરફ બે ડગલાં ચાલવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. હા, તારા વગર નથી ચાલતું, તારા વગર ચેન નથી પડતું, હવે નારાજ ન રહે. અહમ્ આડો ન આવે તો સંબંધ સીધો જ રહે છે.
હમણાંની જ આ સાવ સાચી ઘટના છે. એક પતિ-પત્ની હતાં. બંને જોબ કરે. સારું એવું કમાય. બંનેની ઇન્કમ સારી હોવાથી કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડતું નહીં. એવામાં પતિ જે કંપનીમાં કામ કરતો હતો એ કંપની બંધ થઈ ગઈ. પતિએ જોબ ગુમાવી. આવક બંધ થઈ ગઈ. પત્નીની આવક હતી એટલે ઘર ચલાવવાની કોઈ ચિંતા ન હતી. બધું આમ તો બરાબર ચાલતું હતું. નવરાત્રિ આવી. પત્નીને નવરાત્રિનો ગાંડો શોખ. આ વર્ષે આવક ઓછી હોવાથી પત્ની નવેનવ દિવસના અલગ-અલગ ચણિયાચોલી ખરીદી ન શકી. કોઈ વાત નીકળે એટલે એ તરત જ બોલે કે, આ વખતે એની આવક નથી એટલે મેં નવરાત્રિ સેલિબ્રેશનમાં કોમ્પ્રોમાઇઝ કર્યું છે. બે-ચાર વાર આવું થયું એટલે પતિને ગુસ્સો આવ્યો. તેને વિચાર આવ્યો કે, એની જોબ ચાલી જાય તો શું હું બધું ન કરું? આવું બોલવું વાજબી છે ખરું? એક વખત બંને બેઠાં હતાં. પતિએ પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું કે, થેંક્યૂ ડિયર. પત્નીએ પૂછ્યું, કેમ આવું કહે છે? પતિએ કહ્યું, તું બહુ સમજુ છે. આ વખતે મારી ઇન્કમ નથી તો તેં જૂના ચણિયાચોલીથી કામ ચલાવ્યું. ખોટા ખર્ચ ન કર્યા. પત્નીએ કહ્યું, સમજુ તો તું છે કે તેં મને આવી રીતે કહ્યું. મારી કોમ્પ્રોમાઇઝવાળી વાતથી તું જરાયે નારાજ કે ગુસ્સે ન થયો! આ મુદ્દે ઝઘડો પણ થયો હોત! આપણે ઘણી વખત વાતને ઊંધી રીતે લેતા હોઈએ છીએ અને એના કારણે જ સંબંધો સંઘર્ષમાં બદલાઈ જતા હોય છે.
સંબંધોમાં ક્યારેક તો ઉશ્કેરાટ આવવાનો જ છે. બે વ્યક્તિ વચ્ચેની આત્મીયતામાં ઉતાર-ચડાવ સ્વાભાવિક છે. અપેક્ષાઓ ક્યારેક આસમાનને અડકવા લાગે છે. ગમે એવી પરિસ્થિતિમાં પ્રેમ પાતળો પડવો ન જોઈએ. ડિસ્ટન્સને જો રોકવામાં ન આવે તો એ સતત વધતું જ જાય છે. એક તબક્કો એવો આવે છે કે, એકબીજાના ચહેરા દેખાતા બંધ થઈ જાય છે. હાથને એટલો દૂર જવા ન દો કે પાછો એ હાથ હાથમાં જ ન આવે. સંબંધોને સજીવન રાખવામાં માત્ર થોડીક સમજણ જ જરૂરી હોય છે. કોઈ જતું રહે એના કરતાં થોડુંક જતું કરી દેવામાં ઘણી વખત સંબંધ સ્વસ્થ રહેતો હોય છે.
છેલ્લો સીન :
સંબંધો બહુ નાજુક હોય છે, એટલે જ નજાકત રાખવી પડે છે. જેને ‘પેમ્પર’ કરતા આવડે છે એનું ‘ટેમ્પર’ કાબૂમાં રહે છે! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 09 ઓકટોબર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com