બીમારીના બોધપાઠ સાજા થઇએ
એટલે તરત ભુલાઇ જાય છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
સ્મશાન વૈરાગ્યની જેમ બીમારી વખતે પણ
અમુક વૈરાગ્ય જાગે છે. સ્વાસ્થ્યની કિંમત સમજાય છે.
આપણે એવા વિચાર કરીએ છીએ કે,
હવે લાઇફ સ્ટાઇલ બદલી નાખવી છે.
જોકે, એ બધું લાંબું ટકતું નથી!
બીમારી માણસને વોર્નિંગ આપે છે કે,
તમારી તબિયતનું ધ્યાન રાખો.
આપણે એને કેટલી ગંભીરતાથી લઇએ છીએ?
માણસ આમ તો સમજુ પ્રાણી છે, તેને ખબર હોય છે કે પોતાના માટે સારું શું છે અને ખરાબ શું છે. માણસની તકલીફ એ છે કે, જ્યારે બધું બરાબર હોય ત્યારે એ કોઇ વાતને ગણકારતો નથી. એ એવું જ માને છે કે, બધું ચાલે છે એમ જ ચાલતું રહેવાનું છે. જ્યારે ફટકો પડે ત્યારે એને સમજ પડે છે કે, ક્યાં લોચો થઇ ગયો. આપણે સહુ એક વાત નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ કે, પહેલું સુખ તે જાતે નર્યા. સ્વાસ્થ્યથી મોટી કોઇ સંપત્તિ નથી. તબિયત સારી હશે તો જ જિંદગી જીવવા જેવી લાગશે. આપણી સામે બત્રીસ જાતનાં ભોજન પડ્યાં હોય અને એમાંથી એકેય ખાઇ ન શકીએ તો એનો કોઇ મતલબ નથી. એક અભ્યાસ એવું કહે છે કે, માણસ બીમાર પડે ત્યારે તેને થોડું આત્મજ્ઞાન લાધે છે. મોટા ભાગના લોકો સાજા થાય એ પછી એ જ્ઞાન ગુમાવી દે છે. બહુ ઓછા લોકો એ જ્ઞાનને અમલમાં મૂકી શકે છે.
આપણે સહુ સ્મશાન વૈરાગ્યની વાતને સારી રીતે જાણીએ છીએ. કોઇ વ્યક્તિની અંતિમ વિધિમાં જઇએ અને આપણી નજર સામે અંતિમ સંસ્કાર થતા હોય ત્યારે આપણને જીવનની સાર્થકતા સામે સવાલો થાય છે. આપણને બધી હાયહોય મિથ્યા લાગે છે. આપણે બધા ખોટી દોડધામ કરીએ છીએ. જિંદગીનું સત્ય તો આ જ છે. જિંદગીને સરસ રીતે જીવવાનો વિચાર કરીએ છીએ. બધા સાથે પ્રેમથી રહેવાનું, કોઇનું દિલ નહીં દુભાવવાનું, ક્યારેય ગુસ્સો નહીં કરવાનો, આવા બધા વિચારો સ્મશાનમાં આવતા રહે છે. જેવા સ્મશાનમાંથી બહાર આવીએ કે બધું જ બાષ્પીભવન થઇ જાય છે.
માંદા પડીએ ત્યારે પણ એવું થાય છે કે, આ જે કંઇ થયું છે એના માટે આપણે જ જવાબદાર છીએ. હવેથી લાઇફ સ્ટાઇલ બદલી નાખવી છે. સમયસર સૂવાનું અને ખાવા પીવાનું પણ વ્યવસ્થિત કરી નાખવાનું. કુટેવો છોડવાનો પણ વિચાર આવી જાય છે. રાજકોટના એક યુવાનની આ સાવ સાચી વાત છે. એને મોઢામાં ચાંદું પડ્યું. એ ભાઇને માવો ખાવાની અને સિગારેટ પીવાની આદત હતી. થોડાક દિવસો થયા, પણ ચાંદું રુઝાયું નહીં. તેને ભય લાગ્યો કે, ક્યાંક કેન્સર તો નહીં હોયને? ડોક્ટરને બતાવ્યું. ડોક્ટરે કહ્યું કે, કેન્સર પણ હોઇ શકે છે. બાયોપ્સી કરાવી. રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો એ યુવાનને કેટલાયે વિચારો આવી ગયા. હવે માવો અને સિગારેટ બંધ. કોઇ દિવસ એને હાથ નથી લગાડવો. બાયોપ્સીનો રિપોર્ટ આવ્યો. ડોક્ટરે કહ્યું કે, તમને કેન્સર નથી. એ યુવાનને હાશ થઇ. થોડા જ દિવસમાં આ ભાઇએ માવો ખાવાનું અને સિગારેટ પીવાનું ચાલુ કરી દીધું. અલબત્ત, બધા એવા નથી હોતા. ઘણા લોકો ચેતી જાય છે અને મનોમન કહે છે કે, બહુ મજા કરી લીધી, હવે નહીં.
બીમારી બાદ કોઇ બદલે છે, પણ મોટા ભાગના સાજા થયા પછી પાછા હતા એવા ને એવા થઇ જાય છે. આવું કેમ થાય છે? મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી કહે છે કે, સાયકોલોજીની ભાષામાં આને નેગેટિવ રિઇન્ફોર્સમેન્ટ કહે છે. આદત કે કુટેવ છોડવાની વાત અંગે એવું કહી શકાય કે, માણસનું જે તે આદત કે વ્યસન સાથે કેવું જોડાણ છે તેના પર એ છૂટશે કે નહીં તેનો આધાર રહે છે. મન મક્કમ હોય તો વાંધો આવતો નથી. એક યુવાનને ટાઇફોઇડ થયો. તાવના કારણે એને સિગારેટનો કોઇ ટેસ્ટ આવતો ન હતો. તાવ રહ્યો ત્યાં સુધી સિગારેટ ન પીધી. તાવ ઊતરી ગયો પછી તેણે સિગારેટ ચાલુ જ ન કરી અને વ્યસનથી મુક્તિ મળી ગઇ.
માણસને આવું બીજા સંજોગોમાં પણ થતું હોય. જે લોકો ડ્રિંક કરે છે એ લોકોથી વધુ પીવાઇ જાય અને વોમિટ થાય ત્યારે ઘણાને એવું થાય છે કે, હવે ડ્રિંક કરવું જ નથી અથવા તો હવે માપમાં જ પીવું છે. હવે એ કેટલું ટકે છે એ તો એ માણસ પોતાના નિર્ણયને કેટલો વળગી રહે છે તેના પર છે. આ તો વ્યસનની વાત થઇ. સામાન્ય કિસ્સામાં પણ આવું થતું હોય છે. પ્રેગ્નન્સીના કિસ્સામાં આવું થવું બહુ જ સ્વાભાવિક છે. કોઇ યુવતી પહેલા બાળકને જન્મ આપે એ પછી તેને હંમેશાં એવું જ થાય છે કે, હવે બીજું બાળક તો કરવું જ નથી. પ્રસૂતિની પીડાના કારણે આવું થતું હોય છે. જોકે, બાળકનો પ્રેમ થોડા જ સમયમાં બધી જ પીડા ભુલાવી દે છે. માતૃત્વ પાસે બધું જ ગૌણ બની જાય છે.
અમુક ઉંમર પછી માણસને જ્યારે બીમારી આવે છે ત્યારે એ અમુક નિર્ણયો કરે છે. એવું પણ જોવા મળ્યું છે કે, માણસ થોડીક મોટી ઉંમરે બીમાર પડે એ પછી એ પોતાનું વિલ બનાવી લે છે. એટલું જ નહીં, પોતે ન હોય ત્યારે શું કરવું એની સલાહો પણ આપવા માંડે છે. ઘરના લોકો કહે છે કે, આવું ન બોલો, એમ કંઇ થઇ જવાનું નથી. દરેક બીમારી માણસને મારી નાખતી નથી. એ આવે છે અને જાય છે. જોકે, એ ઘણા મેસેજીસ આપતી જતી હોય છે. આપણને સુધરવાનું કહેતી હોય છે. જિંદગી અને મોત તો ભગવાનના હાથની વાત છે એવું કહીને ઘણા પોતાની હેલ્થને ગણકારતા નથી. ડાહ્યા માણસો કહે છે કે, બીમાર હોવ ત્યારે દિલ જે કહે એ વાત સાંભળો, તો તમારું દિલ સતત ધબકતું રહેશે અને જિંદગી જીવવાની મજા આવશે. એ વાતથી તો કોઇ ઇન્કાર કરી શકે એમ નથી જ કે, હેલ્થ ઇઝ વેલ્થ.
પેશ-એ-ખિદમત
કોઇ ચારાહ નહીં દુઆ કે સિવા,
કોઇ સુનતા નહીં ખુદા કે સિવા,
એ હફીઝ આહ આહ પર આખિર,
ક્યા કહે દોસ્ત વાહ વાહ કે સિવા.
– હફીઝ જાલંધરી
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 15 સપ્ટેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com