તારા મૂડનાં ક્યાં કંઈ
ઠેકાણાં હોય છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઝળહળે છે જે સતત, એ કોણ છે?
ને નથી જે હસ્તગત, એ કોણ છે?
આમ તો છે આવવા આતુર પણ,
આકરી મેલે શરત, એ કોણ છે?
-મુકુલ નાણાવટી
મૂડ ક્યારેક અપ હોય છે તો ક્યારેક ડાઉન હોય છે. મૂડને સંવેદના સાથે સીધો સંબંધ છે. કંઈક સારું થાય તો મૂડ સારો થવાનો. કોઈ ખરાબ ઘટના બને તો મૂડ બગડવાનો છે. ક્યારેક કોઈ વાત સાંભળીને મગજ છટકે છે. કોઈ કંઈ કહે કે પૂછે તો પણ ગમતું નથી. ફોનની રિંગ વાગે તો એવું થાય કે નથી ઉપાડવો. ઘણાનું મોઢું જોઈને આપણે પૂછીએ છીએ કે, આર યુ ઓકે? આપણે આપણા મૂડથી કેટલા અવેર હોઈએ છીએ? આપણા મૂડમાં પરિવર્તન થાય એનું આપણને કેટલું ભાન હોય છે? અમુક સમય એવો હોય છે જ્યારે કોઈ કારણ વગર મજા નથી આવતી. કોઈ દુ:ખ ન હોય, કોઈ ચિંતા ન હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય છતાં ક્યાંય મજા નથી આવતી! ક્યારેક તો મૂડ એટલો બધો ખરાબ હોય છે કે જાણે કંઈક ખરાબ બનવાનું હોય એવો ડર લાગવા માંડે. મૂડ ઉપર બહુ ઓછા લોકોનો કંટ્રોલ હોય છે. તમારો તમારા મૂડ ઉપર કેટલો કંટ્રોલ હોય છે? મૂડ તમારા પર હાવી થઈ જાય છે? થોડો ઘણો હાવી તો રહેવાનો જ છે, જો વધુ પડતો હાવી રહે તો ક્યારેક આપણા હાથે જ આપણે ન ઇચ્છીએ કે આપણે ન કલ્પ્યું હોય એવું થઈ જાય છે. મૂડની સમજ એ પણ સમજણની નિશાની છે.
બેચેની, નારાજગી, ઉદાસી, ગુસ્સો, અણગમો અને બીજી ઘણી બધી મનોસ્થિતિ આવતી-જતી રહે છે. આપણે માણસ છીએ. બધી ઘટનાઓની અસર તો થવાની જ છે. એ વખતે આપણે કેટલા સ્વસ્થ રહીએ છીએ એ મહત્ત્વનું છે. એક છોકરાની આ વાત છે. તેને એક કાર્યક્રમમાં જવાનું હતું. તેના મિત્રએ ફોન કર્યો. આવે છે ને? છોકરાએ કહ્યું, ના નથી આવતો. મારો મૂડ ઠેકાણે નથી. હું નથી ઇચ્છતો કે મારા મૂડને કારણે બધા ડિસ્ટર્બ થાય. તેના મિત્રએ કહ્યું, સારી વાત છે. તને ખબર તો છે કે તારો મૂડ બરાબર નથી. આટલી ખબર છે તો પછી એટલું પણ વિચારને કે મૂડ કેમ સારો થાય? તને એવું નથી થતું કે, હું જઈશ તો મૂડ ચેઇન્જ થશે? એના માટે તારે થોડાક વિચારો જ બદલવાના છે. ઘરમાં પુરાઈ રહેવું એ મૂડ સુધારવાનો વિકલ્પ નથી. હા, જો તું તારી રીતે તારા ખરાબ મૂડમાંથી બહાર નીકળી શકતો હોય તો ઠીક છે, પણ તારો સ્વભાવ એવો નથી. જ્યારે તમને ખબર હોય કે મારો મૂડ મારાથી બદલાય તેમ નથી ત્યારે તમારે તમારો મૂડ જેનાથી બદલાય એ રસ્તો અપનાવવો જોઈએ.
આપણા મૂડની આપણી આજુબાજુના લોકોને પણ અસર થતી હોય છે. એક પતિ-પત્નીની આ વાત છે. પત્નીએ ઘરમાં થોડાક ફેરફારો કરાવવા વિશે વાત કરવી હતી. એ મોકાની રાહ જોતી હતી કે, એનો મૂડ સારો હોય ત્યારે વાત કરીશ. મૂડ જોઈને વાત કરવી પડે એ સંબંધ વિચિત્ર ધરી પર જીવાતો હોય છે. આપણામાં એટલી પણ સાહજિકતા હોતી નથી કે, આપણી વ્યક્તિ આપણને કોઈ ભાર વગર વાત કરે. એક પતિ-પત્ની હતાં. પત્ની વાત કરે ત્યારે પતિનું ધ્યાન જ ન હોય. મારી વાતમાં તને રસ નથી. તને બસ, તારી જ પડી છે. બંને વચ્ચે આવા ઝઘડા થતા જ રહે. એક વખત એની પત્નીએ તેની ફ્રેન્ડને વાત કરી. મારા હસબન્ડને મારી વાતમાં રસ જ નથી હોતો! તેની ફ્રેન્ડે કહ્યું, તને એની કેટલી વાતમાં રસ હોય છે? એને રસ નથી હોતો એમ ન વિચાર, એને રસ કેમ નથી હોતો એ વિશે પણ થોડુંક વિચાર. આપણે મોટાભાગે આપણું જ વિચારતા હોઈએ છીએ. આપણી વ્યક્તિનો મૂડ ન હોય ત્યારે આપણને એની કેટલી જાણ હોય છે? જાણ હોય એ પછી પણ આપણે શું કરીએ છીએ? એને એના મૂડ પર છોડી દઈએ છીએ. એને હમણાં વતાવવા જેવી કે વતાવવા જેવો નથી એવું વિચારીને વાત કરવાનું ટાળીએ છીએ. એનો મૂડ બદલવાનો બહુ ઓછો પ્રયાસ કરીએ છીએ.
અમુક વખતે તો આપણને અમુક લોકોના મૂડનો ડર લાગે છે. મિત્રોનું એક ગ્રૂપ હતું. બધા મિત્રો એક સાંજે ભેગા થવાના હતા. એક મિત્રનું મગજ વિચિત્ર હતું. બધા મજામાં હોય અને એ એવી વાત કે એવું વર્તન કરે કે બધાની મજા બગડી જાય. બધા મળવાના હોય એ પહેલાં એને કોઈએ સમજાવવો પડે કે, જોજે હો, બધાના મૂડની પથારી ન ફેરવતો. જોકે, એને કોઈ ફેર પડતો નહીં. આ વખતે મિત્રો ભેગા થવાના હતા એ પહેલાં કોઈએ એને કંઈ કહ્યું નહીં. બધા ભેગા થયા. કોઈએ એવી વાત કરી નહીં જેનાથી એનો મૂડ બગડે. બધા મિત્રોએ એનું ધ્યાન રાખ્યું. જુદા પડવાના હતા ત્યારે તેણે બધાને પૂછ્યું, આજે કેમ જુદું વાતાવરણ લાગ્યું. એક મિત્રએ કહ્યું, તું આવ્યો એ પહેલાં અમે બધાએ મળીને નક્કી કર્યું હતું કે, આજે તારા મૂડનું ધ્યાન રાખીશું. અમે રાખ્યું. જોકે, એક વાત સમજજે કે દર વખતે બધા તારા મૂડને પેમ્પર કરવાના નથી. અમે તો મિત્રો છીએ. તારું ખરાબ ન લગાડીએ. તારે તારા મૂડનું ધ્યાન રાખવાની જરૂર છે. નાની-નાની વાતથી તારો મૂડ ખરાબ થવા ન દે! બધાને પ્રોબ્લેમ હોય છે, દરેક કોઈ ને કોઈ વાતે ડિસ્ટર્બ હોઈએ છીએ. આપણે ભેગા જ એટલે થઈએ છીએ કે, સાથે મળીને હળવા થઈએ. જેની સાથે હળવા રહેવાનું હોય કે જ્યાં હળવા થવાનું હોય ત્યાં તમે હળવા થઈ શકતા ન હોવ તો સમજવું કે તમારે તમારા વિચાર, વર્તન અને માનસિકતામાં બદલાવ લાવવાની જરૂર છે.
આપણો મૂડ આપણું વ્યક્તિત્વ છતું કરે છે. દરેકનો એક ચોક્કસ મૂડ હોય છે. અમુક લોકો પોતાના મૂડને પોતાના વ્યક્તિત્વ ઉપર હાવી થવા દેતા નથી. એક ભાઈની આ વાત છે. તેને એક વ્યક્તિ મળવા આવી. અમુક બાબતે તેને સલાહ જોઈતી હતી. પેલા ભાઈએ શાંતિથી બધી વાત સાંભળી. તેને યોગ્ય લાગી એવી સલાહ પણ આપી. એ વ્યક્તિ ચાલ્યો ગયો. બીજે દિવસે એને ખબર પડી કે, જ્યારે હું એ ભાઈને મળવા ગયો એ પહેલાં જ એને એક ખરાબ સમાચાર મળ્યા હતા. એનાથી એ ડિસ્ટર્બ હતા. આશ્ચર્યની વાત એ હતી કે, છતાંયે તેણે બધી વાત સાંભળી અને સલાહ પણ આપી. એ વ્યક્તિએ પેલા ભાઈને ફોન કરીને કહ્યું કે, કાલે તમે મજામાં ન હતા તો પણ તમે મને એન્ટરટેઇન કર્યો. એ ભાઈએ કહ્યું, મારો મૂડ સારો ન હતો, એમાં તમારો શું વાંક? મારે તમારો મૂડ શા માટે ખરાબ કરવો જોઈએ?
એક હકીકત એ પણ છે કે, દરેકને આપણા મૂડ સાથે કંઈ લાગતુંવળગતું હોતું નથી. એને તો પોતાના કામમાં અને પોતાની વાતમાં જ રસ હોય છે. માણસે આશ્વાસનની અપેક્ષા પણ અમુક લોકો પાસે જ રાખવી જોઈએ. સાંત્વના મેળવવામાં પણ માણસે ભીખારી થવું ન જોઈએ. દરેક ખભો રડવા માટે નથી હોતો. અમુક ખભાને જ એ અધિકાર આપવો જોઈએ. એનું કારણ એ છે કે, આપણા માથા અને આપણાં આંસુનું પણ એક ગૌરવ હોય છે. સંવેદના બધા માટે હોઈ શકે, પણ વેદના અમુક લોકો માટે જ હોવી જોઈએ. આપણી વેદનાને સમજી શકે, એની ડેપ્થને અનુભવી શકે એવી વ્યક્તિ પાસે જ વેદના ઠાલવવી જોઈએ. દરેક વ્યક્તિ કિનારો બની ન શકે. આપણા કિનારા મજબૂત હોવા જોઈએ.
આપણે ભલે આખી દુનિયાના વર્તુળમાં હોઈએ, આપણું વર્તુળ આપણું પોતીકું હોવું જોઈએ. એમાં દરેક વ્યક્તિને પ્રવેશ ન હોય. જિંદગી માટે આપણું સિલેક્શન સ્પેશિયલ હોય છે. આપણું એકાંત પણ પસંદગીનું હોવું જોઈએ. એક છોકરીની આ વાત છે. એ મજામાં ન હોય ત્યારે એકાંત પસંદ કરતી. મોબાઇલ સ્વીચ ઓફ કરી દે અને પોતાની ગમતી જગ્યાએ ચાલી જાય. તેણે કહ્યું, મારા મૂડની સૌથી મોટી દોસ્ત હું જ છું. હું જ મારી જાતને સમજાવી શકું, ફોસલાવી શકું. પોતાની જાત સાથે રડવાની પણ એક મજા છે. એ કહેતી કે, ક્યારેક ભારે થઈ જાઉં ત્યારે રડી લઉં છું. કોઈને ખબર પડે નહીં એમ! બધાને બતાવવાની ક્યાં જરૂર હોય છે? તમે તમારાં આંસુને ક્યારેય અરીસામાં જોયા છે? આંસુની એક ભાષા હોય છે. બધા એ ભાષા સમજી શકતા નથી. બધા સમજી શકે એવું જરૂરી પણ નથી. બહુ ડિસ્ટર્બ હોય ત્યારે એ એની ફ્રેન્ડને વીડિયો કોલ કરતી. ચોખ્ખા શબ્દોમાં કહેતી કે, રડવા માટે ફોન કર્યો છે. એ રડતી. સામે છેડેથી એની ફ્રેન્ડ એક શબ્દ ન બોલતી. એની આંખોમાં પણ આંસુ ઉપસી જતાં. આંસુનો પણ એક સંવાદ હોય છે, આંસુની પણ એક સંવેદના હોય છે અને આંસુની પણ એક સાંત્વના હોય છે. આંસુને શબ્દોની જરૂર નથી. ક્યારેક આંસુનું એક ટીપું આખી ડિક્શનરીની ગરજ સારે છે. ક્યારેક આંસુનું એક ટીપું આખા દરિયાની ગરજ પણ સારે છે. રમેશ પારેખની એક કવિતાની પંક્તિ છે, દરિયામાં હોય એને મોતી કહેવાય છે તો આંખોમાં હોય એને શું? અમે પૂછ્યું, લે બોલ હવે તું? કવિએ આનો જવાબ નથી આપ્યો, તમારે આપવો હોય તો શું આપો? સાવ ટૂંકો જવાબ કદાચ એવો હોય કે, આંખોમાં હોય એને તું કહેવાય!
અમુક મૂડ અમુક લોકો પાસે જ ખૂલવા અને ખીલવા જોઈએ. મૂડને માવજત મળવી જોઈએ. બધા પાસે ખૂલે એ ઉઘાડા હોય છે. અમુક પાસે જ ખીલવામાં ખૂબી છે. આપણા મૂડને પણ લોકો જજ કરતા હોય છે! એક છોકરાને તેના બોસે ખખડાવ્યો. તેની પાછળ એવી કૂથલી થઈ કે, પછી એનો મૂડ કેવો હતો? આપણા ખરાબ મૂડને જોઈને પણ અમુક લોકો સેડેસ્ટિક પ્લેઝર મેળવતા હોય છે. આપણા ખરાબ મૂડથી અપસેટ થનારા અને આપણા સારા મૂડથી સુખી થનારા હોય એ જ આપણા હોય છે. એક મિત્રની વાત છે. એનો મિત્ર મજામાં ન હતો. તેના એક બીજા મિત્રએ પૂછ્યું, કેમ મજામાં નથી? તેણે કહ્યું, વિદેશમાં રહેતો મારો એક મિત્ર મજામાં નથી! દૂર રહીને પણ માણસ મનથી સાથ નિભાવતા હોય છે. આપણો મૂડ અમુક લોકો માટે હંમેશાં એકસરખો રહેવો જોઈએ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે કોઈના કારણે આપણો મૂડ સારો ન હોય ત્યારે આપણે આપણી વ્યક્તિ સાથે પણ સરખા રહેતા નથી. કોઈનો ગુસ્સો આપણે કોઈના પર ઉતારતા હોઈએ છીએ. જિંદગીમાં અમુક લોકોને અપવાદ રાખો. એવા અપવાદ જેના માટે તમે જેવા છો એવા જ રહેવા જોઈએ. મૂડ સારો ન હોય તો પણ એને જ અધિકાર હોય કે એને આપણે આપણા મૂડની વાત કરી શકીએ. મૂડને પણ પેમ્પર થવું ગમતું હોય છે. પોતાની વ્યક્તિ પાસે પેમ્પર થવાની મજા છે અને એ જ પ્રેમ છે. અમુક વ્યક્તિ સાથે હોય ત્યારે આપણો મૂડ સારો હોય છે. એ જ આપણી વ્યક્તિ હોય છે.
છેલ્લો સીન :
આપણી સૌથી નજીકની વ્યક્તિ એ છે જેને આપણાં આંસુની ભાષા ઉકેલતા આવડે છે. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 ઓગસ્ટ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
બોવ જ મસ્ત સર. જે લોકો સામેના વ્યક્તિને બોલીને પણ સમજાવી નો શકે એ તમે શબ્દો દ્વારા કેટલું મસ્ત સમજવો છો. Thank You 🙂
Thank you