એવા લોકોની સાથે રહે, જેની પાસેથી તને કંઈક શીખવા મળે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એવા લોકોની સાથે રહે, જેની

પાસેથી તને કંઈક શીખવા મળે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હાથમાં તો વેદ રાખો છો તમે,

તો ય ભીતર ભેદ રાખો છો તમે?

થાવ છો ક્યાં વ્યક્ત ખૂલીને કદી,

કેટલુંયે કેદ રાખો છો તમે.

-રાકેશ હાંસલિયા

આપણા દરેકની ફરતે એક વાતાવરણ હોય છે. દરેક માણસના પણ ચોક્કસ વેવ્ઝ હોય છે. પોઝિટિવિટી અને નેગેટિવિટી ચહેરા પર ચાડી ખાતી હોય છે. અમુક લોકોનું અસ્તિત્વ જ સ્પર્શી જાય એવું હોય છે. અમુક લોકોની હાજરી આપણને ડિસ્ટર્બ કરી દે છે. અમુક જગ્યાઓ એવી હોય છે જ્યાંથી ભાગી જવાનું મન થાય છે. આપણું મન જ આપણને કહે છે કે, મજા નથી આવતી, જલદી અહીંથી નીકળી જઇએ. માણસ પ્રકૃતિનો અંશ છે. એટલે જ માણસને પ્રકૃતિનાં તમામ પરિબળો અસર કરે છે. કંઇક આપણને ખેંચે છે. કંઇક દૂર જવા મજબૂર કરે છે. તમે કોની સાથે રહો છો તેના પરથી તમારી વૃત્તિ, પ્રકૃતિ અને પ્રવૃત્તિ છતી થાય છે.

અમુક સ્થળો એવાં હોય છે જ્યાં હવા પણ સંકોચાઇ જતી હોય છે. આવા સ્થળે આપણને ગૂંગળામણ લાગે છે. મગજની નસો તંગ થઇ જાય છે. તમે માર્ક કરજો, અમુક હોટલ, રેસ્ટોરાં કે બીજી કોઇ જગ્યાએ જઇએ ત્યારે એમ થાય છે કે, અહીં બીજીવાર નહીં આવું. હમણાંની એક સાવ સાચી ઘટના છે. એક ફેમિલી એક રેસ્ટોરાંમાં ડિનર માટે ગયું. ડિનર સર્વ થાય એ પહેલાં પ્લેટ મૂકવામાં આવી. આ પ્લેટ જોઇને દીકરીએ વેઇટરને બોલાવ્યો. તેણે કહ્યું કે, આ પ્લેટ બદલી આપો. બીજી જ આપજો. આવી નહીં. ઘરના બીજા સભ્યોએ પણ કહ્યું કે, અમને પણ આ પ્લેટ ગમી ન હતી! જો આવી નિર્જીવ વસ્તુની નકારાત્મકતા અસર કરતી હોય તો પછી માણસ તો સજીવ છે. આપણા જેવો જ સજીવ!

અમુક વ્યક્તિ કોઇ વર્તન કરે ત્યારે આપણને સમજાતું નથી કે આ આવું કેમ કરે છે? એને શું સાબિત કરવું છે? અચાનક એનું છટકી જાય છે. આવી પ્રકૃતિવાળી વ્યક્તિ આપણી સાથે હોય ત્યારે આપણને એક અજાણ્યો ભાર લાગતો હોય છે. તમારે એને ટેકલ કરવા પડે છે. જે સંબંધમાં ‘ટેકલ’ કરવાનું આવે ત્યાં ‘ટેન્શન’ રહેવાનું જ છે. મજા ત્યાં જ આવે જ્યાં આપણે આપણી રીતે રહી શકીએ. અમુક વ્યક્તિને મળીએ ત્યારે કંઇ ધ્યાન રાખવું પડતું નથી. વાત કરતા પહેલાં કોઇ ભૂમિકા બાંધવી પડતી નથી. મુક્ત મને વાત થઇ શકે છે. એક યુવાનની આ વાત છે. એ ઇન્ટરવ્યૂ આપવા ગયો. અગાઉનાં બે ઇન્ટરવ્યૂમાં એ ફેલ થયો હતો. આ વખતના ઇન્ટરવ્યૂમાં એ સખત પ્રેશરમાં હતો. ચેમ્બરમાં ગયો એટલે ઇન્ટરવ્યૂ લેનાર સમજી ગયો કે, આ યુવાન બહુ નર્વસ છે. તેણે કહ્યું કે, વાત શરૂ કરતા પહેલાં તું રિલેક્સ થઇ જા. અહીં કોઇ સાવજ-દીપડો નથી કે તને ખાઇ જશે. મિત્ર સાથે વાત કરતો હોય એવી રીતે વાત કર. યુવાન હળવો થઇ ગયો. તેણે બધા જવાબો સારી રીતે આપ્યા. ઇન્ટરવ્યૂ પૂરો થયો. જતાં જતાં એ યુવાને કહ્યું કે, આ મારી અત્યાર સુધીની જિંદગીનો બેસ્ટ ઇન્ટરવ્યૂ છે. થેંક્યુ ફોર એવરીથિંગ. ઇન્ટરવ્યૂ લેનારે આ વાત સાંભળીને કહ્યું કે, હું પણ તારા જેવો જ હતો. બહુ નર્વસ થઇ જતો. ધીમે ધીમે સમજાયું કે, હું ફેલ જાઉં છું એનું કારણ મારી અણઆવડત નહીં, પણ મારી નર્વસનેસ છે. મારા એક મિત્રએ મારામાં કોન્ફિડન્સ પૂર્યો. એ જો ન હોત તો હું કદાચ કાયમ ડરતો જ રહેત!

તમે જેની સાથે ઊઠો બેસો છો એની માનસિકતા વિશે ક્યારેય વિચાર કરો છો? આપણી સાથે હોય એ આપણામાં પણ કંઇક રોપતા હોય છે. જે રોપાતું હોય એ ઊગતું હોય છે. બાવળ વવાય તો કાંટા જ ઊગે. આપણી અંદર રોજ કંઇક ઉમેરાતું હોય છે. શું ઉમેરાય છે? કેવું ઉમેરાય છે? કેવું ઊગે છે? એનો વિચાર દરેક માણસે કરવો જોઇએ. એક સોસાયટીમાં બે બંગલા હતા. બંને તદ્દન એકસરખા હતા. બંનેનું વાસ્તુ પણ એકસરખું હતું. એક બંગલામાં રહેતો પરિવાર ખૂબ જ સુખી અને ખુશ હતો. બીજા બંગલામાં રહેતું ફેમિલી કાયમ પ્રોબ્લેમમાં જ રહેતું. ઘરમાં કોઇને જરાયે શાંતિ લાગતી નહોતી. આ બંગલાના માલિકનો એક મિત્ર વાસ્તુનો જાણકાર હતો. એક વખત તેને બોલાવ્યો. જરાક જોઇ આપને, કેમ ઘરમાં શાંતિ નથી મળતી? એ વાસ્તુકારે ઘરના દરેક ખૂણા ચેક કર્યા. માલિક સાથે એ બેઠો. વાસ્તુકારે કહ્યું કે, ઘરનો દરેક ખૂણો એકદમ યોગ્ય છે. બંગલાના માલિકે પૂછ્યું, તો પછી ઘરમાં મજા કેમ નથી આવતી? વાસ્તુકારે કહ્યું, ઘરનું વાસ્તુ તો બરાબર છે, ઘરમાં રહેનારનું વાસ્તુ બરાબર નથી! તારા મનના ખૂણામાં દોષ છે. તને ખબર છે દરેક માણસનું પણ એક ‘વાસ્તુ’ હોય છે. આપણે અમુક લોકો માટે એવું બોલીએ છીએ કે, એનું મગજ ઠેકાણે નથી! મગજ મગજની જગ્યાએ હોય એ વાસ્તુ જ છે. ઔરા એ બીજું કંઇ નથી, આપણી અંદર જે ચાલે છે એ જ બહાર આવે છે. અંદર વલોપાત હોય તો વલવલાટ જ બહાર આવે! જો અંદરનું બધું ઠીક ન હોય તો બહારનું ક્યારેય સારું લાગવાનું નથી. માણસ અંદરથી જ જો કોહવાયેલો હોય તો એ કકળાટ જ કરવાનો. તમારી અંદર બગીચો હોય તો જ સુગંધ ફેલાય. મનની પણ માવજત કરવી પડતી હોય છે. માવજત ન હોય તો મૂરઝાઈ જ જવાનું છે. થનગનાટ અંદરથી ઊગે છે. સાચો રાસ આપણી અંદર જ ચાલતો હોય છે.

માણસમાં જો પરિવર્તન આવે તો સમજવું કે એનો સંગ બદલાયો છે. પરિવર્તન સારું પણ હોય અને ખરાબ પણ હોય. એક યુવાનની આ વાત છે. એ ઘરમાં ક્યારેય સરખી રીતે રહેતો નહીં. એને દરેક વાતમાં વાંધા પડે. અચાનક એના વર્તનમાં ત્રણસો સાઠ ડિગ્રીનું પરિવર્તન આવ્યું. એ સરખી રીતે રહેવા લાગ્યો. બધાનું માને, સરસ રીતે વાત કરે. તેનું બદલાયેલું પરિવર્તન જોઇને એક દિવસ તેના પપ્પાએ તેને કહ્યું, તારા કોઇ નવા દોસ્ત હોય તો એને ઘરે લઇ આવજે. દીકરાએ પૂછ્યું, તમને કેમ લાગ્યું કે મારા મિત્રો બદલાયા છે? પિતાએ કહ્યું, તારા વર્તન પરથી! તારા વર્તનથી લાગે છે કે, તું કોઇ સારા સંગમાં છે. દીકરાએ કબૂલ કર્યું કે એક દોસ્ત નવો મળ્યો છે. એ બહુ સારો છે. મને એની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. મને સમજાયું કે, હું ખોટો ગુસ્સો કરતો હતો. તમે શાંતિથી જરાક વિચાર કરજો, તમારા વર્તનમાં તમારા મિત્રો અથવા તો તમે જેની સાથે વધુ સમય વિતાવો છો એની કેટલી અસર છે? હશે જ! આપણા વિચારો આપણી સાથેની વ્યક્તિના વિચારોથી પ્રભાવિત થતા હોય છે. એટલે જ એવું કહેવામાં આવે છે કે, નેગેટિવ લોકોથી દૂર રહો. તમને એવું લાગે કે આ માણસ બહુ મળવા જેવો નથી તો એને ન મળો. જેની પાસે તમને શાતા વળતી હોય, હળવાશ લાગતી હોય, જેની વાતો સ્પર્શતી હોય એને મળતા રહો. આપણને જ્યારે એમ થાય કે, યાર આની વાત સાચી છે. એ સારી વાત કરે છે તેની નજીક રહો. અમુક લોકોનો એવો પ્રભાવ હોય છે, તેને મળીએ તો કોઇ અભાવ લાગતો નથી. દરેક માણસ આપણને કંઇક આપતો હોય છે. એ વસ્તુ નથી કે દેખાય, એ તો વિચાર હોય છે, જે રોપાય છે. આપણને અંદાજ પણ નથી આવતો કે એ માણસ આપણામાં શું મૂકી ગયો!

ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને કરેલી આ વાર્તા મમળાવવા જેવી છે. એક રાજા હતો. એ પોતાના રાજ્યમાં ભ્રમણ કરવા નીકળ્યો. અચાનક એ રાજા એક દુકાન પાસે ઊભો રહ્યો. દુકાન અને તેના માલિકનું નિરીક્ષણ કરીને રાજાએ એના મંત્રીને કહ્યું, ખબર નહીં કેમ પણ મને આ દુકાનના માલિકને ફાંસીએ ચડાવી દેવાનું મન થાય છે!

રાજાની આ વાત સાંભળી મંત્રી દુ:ખી થયો. રાજાને આવો કેમ વિચાર આવ્યો? બીજા દિવસે મંત્રી એ દુકાને ગયો. ચંદનનાં લાકડાં વેચવાનો એનો ધંધો હતો. મંત્રીએ પૂછ્યું, કેવો ચાલે છે વેપાર? વેપારીએ કહ્યું, બહુ જ ખરાબ! ચંદનનું એકેય લાકડું વેચાતું નથી. લોકો આવે છે, ચંદન સૂંઘીને ચાલ્યા જાય છે. કોઇ ખરીદતું નથી. વેપારીએ એ પછી જે કહ્યું, એ ચોંકાવનારું હતું. વેપારીએ કહ્યું કે, હવે તો રાજા જલદી મરી જાય તો સારું. રાજા મરશે તો એને ચંદનનાં લાકડાંથી અગ્નિદાહ અપાશે અને મારાં બધાં લાકડાં વેચાઇ જશે! રાજા મરે તો મારા દિવસો બદલે અને કંઇક સારું થાય!

મંત્રીને સમજાઇ ગયું કે, રાજાને કેમ આ માણસને ફાંસીએ ચડાવી દેવાનો વિચાર આવ્યો હતો. એ રાજાના મોતના વિચાર કરતો હતો એટલે જ આવું થયું! મંત્રીએ વેપારી પાસેથી ચંદનના લાકડાનો એક ટુકડો લીધો. બીજા દિવસે મંત્રી ચંદનના લાકડાનો ટુકડો લઇને રાજા પાસે ગયો. રાજાને કહ્યું કે, ગઇ કાલે હું પેલા વેપારીની દુકાને ગયો હતો. જેને ફાંસીએ ચડાવવાનો તમને વિચાર આવ્યો હતો. વેપારીએ તમારા માટે ચંદન ભેટ આપ્યું છે. કપડામાં વીંટાળેલું ચંદન બહાર કાઢ્યું કે ચારે તરફ ચંદનની સુગંધ ફેલાઇ ગઇ. રાજા ખુશ થઇ ગયો. તેને અફસોસ થયો કે આટલી પવિત્ર વસ્તુ વેચનાર માટે મને કેમ ફાંસીનો વિચાર આવ્યો? તેને પોતાના વિચાર માટે દુ:ખ થયું. મંત્રીને સોનામહોર આપીને કહ્યું, આ સોનામહોર એને આપો અને તેના ચંદનનાં તમામ લાકડાં ખરીદી લો. દરેક ઘરમાં એક-એક લાકડું આપો, જેથી મહેલની જેમ દરેક ઘરમાં ચંદનની સુવાસ પ્રસરે. મંત્રી વેપારી પાસે ગયો. વેપારીને સોનામહોર આપી બધાં લાકડાં ખરીદી લીધાં અને રાજા સાથે થયેલી વાત કરી. વેપારીને પણ અફસોસ થયો કે આવા મહાન રાજા માટે હું કેવા ખરાબ વિચાર કરતો હતો? તેણે રાજાની લાંબી આવરદા માટે ભગવાનને પ્રાર્થના કરી. તમારી સાથેની વ્યક્તિ તમારી પ્રગતિ કે પતન માટે નિમિત્ત બનતી હોય છે. એ માટે આપણી સાથે જે હોય એને ઓળખતા આપણને આવડવું જોઇએ! છેલ્લે એક વાત, માત્ર આપણી સાથેના લોકો કેવા છે એનો વિચાર કરવાની સાથે એ પણ વિચારવું જરૂરી છે કે, હું કેવો છું? હું બીજામાં શું રોપું છું? પવિત્રતા માટે પવિત્ર હોવું જરૂરી છે!

છેલ્લો સીન:

તમે જેવું વિચારશો એવું જ તમારા તરફ ખેંચાઇ આવશે, સારું પણ અને ખરાબ પણ! જેવું રોપાવવા દેશો એવું જ ઊગવાનું છે!            -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 14 ઓગસ્ટ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *