બાળકો સામે ખોટું ન બોલતા, એને
બધી જ ખબર પડતી હોય છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
————
આપણને એમ થાય કે, ખોટું બોલીશું તો
બાળકને શું ખબર પડશે? જોકે, એક અભ્યાસ કહે છે કે,
અઢી વર્ષના બાળકને તમારી બધી જ
બદતમીઝીની સમજ પડી જાય છે!
———-
પેરેન્ટિંગ એ દિવસેને દિવસે વધુ અઘરો વિષય
બનતો જાય છે. એટલું વિચારજો કે તમારે બાળકને
જેવું બનાવવું છે એવા તમે છો ખરાં?
———
મોટા ભાગના માણસો બાળકોને બહુ જ લાઇટલી લેતા હોય છે. બાળકને આપણે ક્યારેક ભોળું તો ક્યારેક નાસમજ માની લેતા હોઇએ છીએ. બાળકોના બિહેવિયરનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરનાર નિષ્ણાતોનું કહેવું એવું છે કે, માણસે સૌથી વધુ મેચ્યોરિટી બાળક સાથે વર્તન કરતી વખતે રાખવાની હોય છે. કોઇ જો એવું સમજતું હોય કે, બાળકોને કંઇ ખબર પડતી નથી તો એના જેવું મૂરખ બીજું કોઇ નથી. બાળકને બધેબધી સમજ પડતી હોય છે. હા, નાનાં બાળકો એક્સપ્રેસ કરી શકતાં નથી, પણ એને બધી જ ભાન હોય છે. અમેરિકામાં હમણાં પેરેન્ટિંગ અંગે એક ઇન્ટરનેશનલ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં એક મહત્ત્વનો મુદ્દો બાળકો સામે ખોટું બોલવાનાં પરિણામ અને બાળકો ખોટું બોલતાં હોય તો તેની માનસિકતાનો હતો.
તમે ઇચ્છો છો કે તમારું બાળક ખોટું ન બોલે? તો સૌથી પહેલાં એ વિચારો કે, તમે તમારા બાળક સામે કેટલું ખોટું બોલો છો? એ વાત તો આખી દુનિયા જાણે છે કે, બાળકો મા-બાપ અને પરિવારજનોને જોઇને બધું શીખતાં હોય છે. બીજી વાત એ પણ છે કે, બાળકો એ પણ સમજતાં હોય છે કે, મારાં મા-બાપ કેવાં છે! તમે એમ માનતા હોવ કે, તમે બાળક સાથે ખોટું બોલશો તો એને ખબર નહીં પડે તો તમે ખાંડ ખાવ છો. બ્રિટનમાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, અઢી વર્ષના બાળકને પણ ખબર પડી જાય છે કે, મારાં માતા કે પિતા ખોટું બોલે છે. માત્ર બાળક સાથે જ નહીં, તમે બીજા કોઇ સાથે ખોટું બોલતા હોવ તો પણ બાળકને ખબર પડી જાય છે. તમને કંઇ ખોટું બોલતી વખતે એ વિચાર આવે છે કે, તમારું બાળક બધું સાંભળે છે? માણસ હવે સૌથી વધુ ખોટું મોબાઇલ પર બોલે છે. હું ઘરે નથી. હું મિટિંગમાં છું. ઘરે પગ લાંબા કરીને આપણે ક્રિકેટ મેચ કે સિરિયલ જોતા હોઇએ અને કહીએ કે કામમાં છું, પછી શાંતિથી વાત કરીએ. બાળકને તરત સમજ પડી જાય છે કે, મા કે બાપ ખોટું બોલે છે. ઘણા કિસ્સામાં તમે એવું પણ જોયું હશે કે, બાળકે એવું કહ્યું હોય કે, તમે ખોટું કેમ બોલો છો? આપણે બાળકો વિશે ઘણી વખત એવી વાત કરતા હોઇએ છીએ કે, બાળકોનો કોઇ ભરોસો નહીં, એ તો ગમે ત્યારે આપણી પોલ છતી કરી દે! હા, આ વાત સાચી છે, પણ તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, બાળક કેમ આવું કરે છે? તેનું સૌથી મોટું કારણ એ છે કે એ સાચાં હોય છે. એ સાચું બોલી દે છે. બાળકને માત્ર આપણે ખોટું બોલીએ છીએ એ જ નહીં, આપણે કોઇ બદમાશી કે બેઇમાની કરતા હોઇએ તો પણ એને ખબર પડી જતી હોય છે. એ તમારા વિશેનો અભિપ્રાય પણ બાંધી લે છે. આપણે મોટા હોઇએ એટલે એ કંઇ બોલે નહીં, બાકી મોઢામોઢ પણ સંભળાવી દે છે કે તમે ખોટા છો. ક્યારેક બાળક એવું પણ માનવા લાગે છે કે, ખોટું તો બોલાય. જો તમે બાળક સામે ખોટું બોલશો તો તૈયારી રાખજો કે, એ પણ તમારી સાથે ખોટું બોલવાનું શરૂ કરી દેશે. એને એમાં કંઇ ખોટું જ નહીં લાગે.
બાળકો ખોટું કેમ બોલે છે? એક વાત એવી બહાર આવી છે કે, જો મા-બાપ બાળક સાથે વધુ પડતી સખતાઇથી વર્તે તો બાળક ખોટું બોલવા પ્રેરાય છે. બાળક સાથે ઓલવેઝ સલુકાઇથી અને સોફ્ટલી પેશ આવવું જોઇએ. વાતે વાતે બાળકોને ખિજાતા રહેશો તો બાળક પોતાના બચાવમાં ખોટું બોલવાનું શરૂ કરી દેશે. કંઇ ભૂલ થઇ હશે, કંઇ તોડ્યું-ફોડ્યું હશે તો એ કહેશે કે, મેં નથી કર્યું. એ ક્યારેક બીજા કોઇનું પણ નામ આપી દેશે. એને ખબર છે કે, જો હું સાચું બોલીશ તો મને માર પડશે અથવા તો મને ખિજાશે. બાળકથી કંઇ તૂટી જાય ત્યારે તમે જો એમ કહો કે, ઇટ્સ ઓકે, આવું થાય. બીજી વખત ધ્યાન રાખજે. બાળકની ભૂલ હોય છતાં જો એ સાચું બોલે તો તેને એપ્રિસિએટ કરો. તેને કહો કે, તું સાચું બોલ્યો એ અમને ગમ્યું. ક્યારેક આપણે બાળકનાં વખાણ કરવામાં પણ કંજૂસાઇ કરતા હોઇએ છીએ.
આજના સમયમાં બાળકોનો ઉછેર એ અગાઉના બધા જ સમય કરતાં વધુ અઘરો બન્યો છે, દરેક મા-બાપ ક્યારેક તો આવું બોલ્યા જ હોય છે. એ વાત સાવ ખોટી પણ નથી. જોકે, એના માટે જવાબદાર બાળકો નથી, આજનાં માતા-પિતા છે. કોઇ પેરેન્ટ્સ એમ તો કહેવાનાં જ નથી કે અમને બાળકને ઉછેરતા નથી આવડતું. દોષ પોતાના જોવાના હોય છે અને આપણને વાંક બાળકનો જોતા હોઇએ છે. સારી સ્કૂલ અને પૂરતી સગવડ આપીને મા-બાપ એવું માનવા લાગે છે કે, અમે અમારાં સંતાન માટે બધું કરી છૂટીએ છીએ. આપણે બાળક માટે બધું કરતા હોઇએ છીએ, માત્ર એને સમજતા હોતા નથી. બાળકને આપણે સારું બનાવવું હોય તો પહેલાં આપણે સારાં બનવું પડે છે.
દરેક માણસે એક વાત યાદ રાખવાની હોય છે કે, આપણે જો બાળકોને કોઇ સાચો વારસો આપવો હોય તો એ સંસ્કારનો જ આપવાનો છે. આપણે બાળક માટે બધું રાખી જશું, પણ તેનામાં જે રોપવાનું છે એ નહીં રોપ્યું હોય તો એને ક્યારેય સુખ અને શાંતિ મળવાનાં જ નથી. બાળક છેલ્લે તો એનાં મા-બાપ જેવું જ બનતું હોય છે. તમે તમારા બાળકને કેવું જોવા ઇચ્છો છો એ વિચારીને આખરે એટલું જ વિચારજો કે, તમે પોતે એવા છો ખરાં?
———
પેશ-એ-ખિદમત
ચાંદ ભી ગુમ હૈ, સિતારા ભી નહીં હૈ કોઇ,
તૂ નહીં હૈ તો નજારા ભી નહીં હૈ કોઇ,
ભાગતે રહતે હૈં સૈલાબ કે પાની કી તરહ,
રુકના ચાહે તો કિનારા ભી નહીં હૈ કોઇ.
– શકીલ આઝમી
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 30 જૂન 2019, રવિવાર)
kkantu@gmail.com