ડિનર ડિપ્લોમસી : ‘અન્ન ભેગાં એનાં
મન ભેગાં’માં તમે માનો છો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
લોકસભાની ચૂંટણીનાં પરિણામો પહેલાં ભાજપ અને કોંગ્રેસે
પોતાના સાથીદારો સાથે ડિનર યોજીને વિચાર વિમર્શ કર્યો હતો.
ખાલી બેઠક બોલાવવાને બદલે ડિનર ડિપ્લોમસીથી
કોઇ ફેર પડે ખરો?
અમુક પરિવારોમાં આજે પણ એવો નિયમ છે કે, દરરોજ
ડિનર તો બધા સાથે જ કરીશું. તમને ખબર છે,
એનાથી આત્મીયતા જળવાઇ રહે છે.
લોકસભાની ચૂંટણીનાં પરિણામો સાથે આગામી પાંચ વર્ષ માટે દેશનું સુકાન નરેન્દ્ર મોદી સંભાળશે એ નક્કી થઇ ગયું છે. પરિણામો આવ્યાં એ પહેલાં ગયા મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના સાથીદારો માટે ડિનર યોજ્યું હતું. સવાલ એ થાય કે ફક્ત બેઠક બોલાવી હોત તો ન ચાલત? કદાચ ચાલત, પણ એ મિટિંગ ડિનર જેટલી સફળ ન રહે. ડિનર ડિપ્લોમસી વિશે સાયકોલોજિસ્ટસનું કહેવું એવું છે કે, એનાથી એક અજબ પ્રકારની માનસિકતા અને પોઝિટિવ માહોલ ખડો થાય છે. માત્ર રાજકારણમાં જ નહીં, કોર્પોરેટ વર્લ્ડમાં પણ એવું કહેવાતું આવ્યું છે કે, શેરિંગ અ પ્લેટ ઓફ ફૂડ લિડ્સ ટુ મોર સક્સેસફુલ નેગોશિએશન.
ડિનર ડિપ્લોમસી વિશે એક બીજી વાત પણ કહેવામાં આવે છે. માનો કે તમે કોઇને એમ જ મળવા જાવ અને વાત કરવાની મજા ન આવે તો તમે ફટ દઇને ઊભા થઇ ચાલ્યા જશો. વાત ટૂંકાવશો. ડિનરનું પ્લાનિંગ હોય તો જ્યાં સુધી જમવાનું ન પતે ત્યાં સુધી ફરજિયાત બેસવાનું જ છે. આ ઉપરાંત ઘણા લોકો એવા પણ હોય છે જે ફટ દઇને ખૂલતા નથી, એ ધીમે ધીમે વાત પર આવે છે અને એના દિલમાં શું ચાલે છે તેનો અણસાર આપણને આપે છે. એમાંય જો ફૂડ એનું ભાવતું હોય તો એનો મૂડ જ બદલી જાય છે. યુરોપના દેશોમાં તો ડિનર ડિપ્લોમસી ઉપર મોટા પાયે ધ્યાન આપવામાં આવે છે. આપણને થાય કે એમાં તે વળી શું ધ્યાન આપવાનું હોય? એ લોકો કોઇને ડિનર માટે બોલાવે ત્યારે મહેમાનને કઇ વાનગી ભાવે છે? એ પહેલાં શું ખાય છે? તેની ટ્રેડિશન શું છે? એ બધાનો બારીકાઇથી અભ્યાસ કરવામાં આવે છે. આપણે ત્યાં ઘણા લોકો જમતા પહેલાં પ્રાર્થના કરે છે. હવે તમને એ વાતની ખબર હોય અને તમે તેની સાથે પ્રાર્થના કરો તો એ માણસ સો ટકા તમારાથી ઇમપ્રેસ થવાનો જ છે. તેને એમ થશે કે આ પણ મારા જેવો જ છે.
દુનિયાના નેતાઓ જ્યારે મળે ત્યારે ડિનર ડિપ્લોમસીનું પ્લાનિંગ બહુ કેરફુલી થાય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન મળ્યા ત્યારે એ બંનેની ડિનર ડિપ્લોમસીની બહુ ચર્ચાઓ થઇ હતી. આ બંનેની ઇમેજ માથાફરેલા માનવીની છે. એ લોકો નજીક આવ્યા એની પાછળ સાથે જમ્યા એ ઘટનાએ બહુ મોટો ભાગ ભજવ્યો હતો, એવું બંનેના વર્તનને ઓબ્ઝર્વ કરનારા એક્સપર્ટ્સનું કહેવું છે. ટ્રમ્પ અને કિમ માટે એવી ડિશ તૈયાર કરવામાં આવી હતી જે બંનેને ભાવતી હોય. તમને ખબર છે, બે નેતાઓ ડિનર પર મળવાના હોય ત્યારે બંને માટે ક્યારેય અલગ અલગ વાનગી બનતી નથી. બંને સરખી વાનગી જ આરોગે છે. જો અલગ અલગ વાનગી આરોગે તો ડિસ્ટન્સ ઊભું થવાનું જોખમ રહે છે. જરાયે ગફલત થાય તો ડિનર ડિપ્લોમસીનો આખો ઉદ્દેશ જ માર્યો જાય છે.
ગમે તે કહીએ, સાથે જમવાથી ફેર તો પડે જ છે. થોડીક અત્યારના સમયની વાત કરીએ. જમાનો બદલાતો રહે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. લોકોની લાઇફસ્ટાઇલ પણ બદલતી રહે છે. આજે ઘરોની હાલત કેવી છે? એક તો સંયુક્ત કુટુંબની સંખ્યા સતત ઘટતી જાય છે. સંયુક્ત કુટુંબ હોય તો પણ હવે કામકાજ એવાં થઇ ગયાં છે કે, કોણ ક્યારે આવે છે અને ક્યારે જાય છે એની પણ કોઇને ખબર હોતી નથી. વર્કિંગ અવર્સ વધી ગયા છે. ઘરે પાછા આવવાનો સમય નક્કી નથી હોતો. જે જ્યારે આવે ત્યારે પોતાની રીતે જમી લે છે. મુંબઇ જેવાં શહેરોમાં તો એવી હાલત છે કે, સંતાન સાથે વિતાવવા માટે પણ સમય મળતો નથી. સવારે નોકરીએ જાય ત્યારે છોકરું સૂતું હોય છે અને રાતે આવે ત્યારે પણ સૂઇ ગયું હોય છે. આમાં સાથે જમવાની તો વાત જ ક્યાં આવે? પોતાનાં સંતાનો સાથે વાત કરવા માટે પણ સમય કાઢવો પડે એવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. આવા સમયમાં પણ હજુ એવા ઘણા પરિવારો છે જે રોજ રાતે સાથે જમવાનું જ પસંદ કરે છે. એક પરિવારની આ વાત છે. એ ઘરના વડીલ પોતાના બે દીકરા, પુત્રવધૂઓ અને પૌત્ર-પ્રપૌત્ર સાથે રહે છે. એણે નિયમ બનાવ્યો છે કે, રાતે બધાએ સાથે જ જમવાનું. એણે કહેલી આ વાત છે કે, આ ડિનર ડિપ્લોમસી નથી, પણ આમ જુઓ તો તેની પાછળ એવી ગણતરી તો છે જ કે બધા સાથે રહે. જમતી વખતે પણ એક નિયમ કે કોઇનો મૂડ બગડે કે ઝઘડો થાય એવી વાત નહીં કરવાની. એનાથી સંબંધોમાં ઘણો મોટો ફેર પડે છે. એટલિસ્ટ એટલો સમય બધા સાથે તો બેસે છે. કોઇ મહત્ત્વની વાત હોય તો બધા જમીને ટેબલ ઉપર બેસીને જ ચર્ચા કરે છે.
ડિનર ડિપ્લોમસીમાં ટાઇમિંગ પણ મહત્ત્વનો છે. લંચ ડિપ્લોમસીની વાત ભાગ્યે જ થાય છે. બપોરના સમયે તો મોટા ભાગે જે લોકો આવ્યા હોય એને જમાડવાના હોય છે. સવારથી મિટિંગ્સ હોય તો પણ બપોરે જમતી વખતે કામની વાતો થતી નથી. ડિનર ડિપ્લોમસી તો જમવાની સાથે જ શરૂ થાય છે. તેમાં પણ સવાલ તો છે જ કે, વાત જો મહત્ત્વની હોય તો જમવામાં કેટલું ધ્યાન રહે? જમવાનું એન્જોય થાય ખરું? જોકે, એક વાત તો સાબિત થઇ જ છે કે, ડિનર ડિપ્લોમસીથી ઘણા ફાયદાઓ તો થાય જ છે. અન્ન ભેગાં એનાં મન પણ ભેગાં એવી કહેવત કંઇ એમ જ તો નહીં પડી હોય ને?
પેશ–એ–ખિદમત
ખુદ પુકારેગી જો મંજિલ તો ઠહર જાઉંગા,
વર્ના ખુદ્દાર મુસાફિર હૂં ગુજર જાઉંગા,
આંધિયોં કા મુઝે ક્યા ખૌફ મૈં પત્થર ઠહરા,
રેત કા ઢેર નહીં હૂં જો બિખર જાઉંગા.
– મુઝફ્ફર રઝમી
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 26 મે 2019, રવિવાર)
kkantu@gmail.com