મારા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું
સાવ ધોવાણ થઈ ગયું છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ટોચ પર પહોંચી જવાયું હોત તો સારું હતું,
કે પછી પાછું વળાયું હોત તો સારું હતું,
હું કશું બોલી નથી શકતો, તું સમજી જા હવે,
એટલું બોલી શકાયું હોત તો સારું હતું.
-શૌનક જોષી
સંબંધમાં હિસાબ હોતો નથી. સ્નેહના સરવાળા કે બાદબાકી ન હોય. સંબંધમાં ગણિતના નિયમો લાગુ પડતા નથી. આપણે પ્રેમ કરીએ એટલે આત્મીયતા મળે જ એવું જરૂરી નથી. વહાલના બદલામાં વેદના મળે ત્યારે દિલમાં ચાસ પડતા હોય છે. ક્યારેક તો એવો વિચાર આવવાનો જ છે કે, એને પ્રેમ કરીને મને શું મળ્યું? બે મીઠા બોલ પણ સાંભળવા ન મળે ત્યારે આપણી સંવેદનાઓ જ સવાલ બનીને સામે ઊભી રહી જાય છે! મારે જ એનું વિચારવાનું? મારે જ બધું કરવાનું? એની કોઈ જ જવાબદારી નહીં? કયા ભવનું લેણું બાકી રહી ગયું હશે? કેમ મારી સંવેદના એને જરાયે સ્પર્શતી નથી? અરે! પથ્થર ઉપર પણ સતત પાણી પડે તો એ પણ થોડોક પીગળે! એને તો કોઈ અસર જ નથી! આપણા સવાલો એના પરથી પાછા ફરીને આપણી તરફ આવી જાય છે. શું હું જ મૂર્ખ છું? શું હું જ ખોટી રીતે ખેંચાઉં છું? શું હું કંઈ ખોટું કરું છું?
દિલ પણ આખરે ખમી ખમીને કેટલા ઘા ખમી શકે? વેદનાની પણ કોઈ હદ તો હોય ને? હું પણ માણસ છું. મને પણ પીડા થાય છે. આપણી સંવેદનાઓ પણ ક્યારેક આપણી દુશ્મન બની જતી હોય છે. એક છોકરીની આ વાત છે. તેના પ્રેમી તરફથી તેને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન મળે. એ પોતાના લવરને કંઈ ન કહે. પોતે જ ઘૂંટાતી રહે. પોતાની જાત સાથે વાત કરે. મને કેમ આટલું બધું પેઇન થાય છે? હું કેમ એના જેવી થઈ જતી નથી? કુદરતે મને શા માટે આવી બનાવી? પથ્થરની સામે પથ્થર હોત તોયે ક્યારેક અવાજ આવત કે તણખા ઝરત! આ તો પથ્થર અને રૂ જેવો સંબંધ છે. દબાતા જ રહેવાનું? પીસાતાં જ રહેવાનું? છૂટવાનું મન થાય તો પણ કેમ નથી છુટાતું? ક્યારેક તો નક્કી કરી લઉં છું કે હવે ઇમોશનલફુલ નથી બનવું! મારાથી એવું કેમ થઈ શકતું નથી? થોડીક તો અપેક્ષા હોય ને? હું ક્યાં કહું છું કે વરસાદની જેમ વરસે પણ વાછટની ઇચ્છા તો ક્યારેક જાગે ને?
ઇમોશન્સ ગજબની ચીજ છે. એ આપણામાં આશાઓ જન્માવે છે. કેટલીક આશાઓ, ઇચ્છાઓ અને અપેક્ષાઓ એવી હોય છે જે આપણે સંતોષી શકતા નથી. આપણી વ્યક્તિ એ પૂરી કરે તેવી ઇચ્છા હોય છે. એ ન થાય ત્યારે વેદના સળવળીને બેઠી થઈ જાય છે. જેની સાથે દરરોજ વાત થતી હોય, મેસેજીસની આપ-લે થતી હોય અને અવાજ સાંભળવાની ઉત્સુકતા હોય એ વ્યક્તિ દૂર થઈ જાય ત્યારે ઇચ્છાઓની લાશ આપણે આપણા હાથે બાળવી પડતી હોય છે. બે મિત્રો હતા. એક મિત્રને સિગારેટ પીવાની આદત હતી. ધીમે ધીમે સિગારેટ પીવાનું વધતું ગયું. એક સમયે એને સમજાયું કે હું ખોટું કરી રહ્યો છું. સિગારેટ છોડવાના પ્રયાસો કર્યા, પણ સફળતા મળતી ન હતી. આખરે તેણે રિહેબિલિએશન સેન્ટરમાં જવાનું નક્કી કર્યું. તેણે તેના મિત્રને કહ્યું, હવે આ વ્યસનથી મુક્તિ મેળવવા હું રિહેબિલિએશન સેન્ટરમાં જાઉં છું. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, કાશ માણસના વ્યસનથી મુક્તિ મેળવવાનું પણ કોઈ સેન્ટર હોત! એની આંખો ભીની થઈ ગઈ. તેણે મિત્રને કહ્યું કે, યાર મને એક વ્યક્તિનું વ્યસન થઈ ગયું હતું. એની સાથે વાત કર્યા વગર ન ચાલે. એને કંઈ કહ્યા વગર ન રહેવાય. અમે ધીમે ધીમે નજીક આવ્યા હતા. આપણને ગમતા વ્યસનનું પ્રમાણ ક્યારે વધી જાય છે એની આપણને સમજ નથી પડતી. એક દિવસ અચાનક જ તેણે કહ્યું કે, હવેથી આપણે વાત નહીં કરીએ. મેસેજ પણ નહીં. વાત નથી થતી. મેસેજ પણ નથી થતા. બસ, પીડા થાય છે. એ વ્યસન છૂટતું નથી. માણસનું વ્યસન તો બીજા બધા કરતાં ખતરનાક હોય છે. એ તો જાણે જીવવાનું જ ભુલાવી દે છે!
જિંદગીનું કેવું છે નહીં? ક્યારેક કોઈ એક વ્યક્તિ દિલ દુભાવે ત્યારે આખો જમાનો ખરાબ લાગવા માંડે છે. એક યુવતીને તેના પ્રેમીએ દગો દીધો. એ યુવતીને બહુ લાગી આવ્યું. તેની ફ્રેન્ડના મોઢે એ એવું બોલી કે, દુનિયા જ ખરાબ છે. આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે સવાલ કર્યો કે એક વ્યક્તિ ખરાબ નીકળ્યો અને તું એવું કહે છે કે આખી દુનિયા ખરાબ છે. તેની ફ્રેન્ડે કહ્યું, હા એવું જ છે અને એનું કારણ એ છે કે, એને જ મેં મારી દુનિયા માની લીધો હતો! આપણી જિંદગીમાં એક વ્યક્તિ એવી હોય છે જે આપણા માટે સર્વસ્વ હોય છે. એનાથી જ આપણને ફેર પડતો હોય છે. એ ન હોય ત્યારે બધું નક્કામું લાગે છે.
દરેક માણસને એટલી તો ખબર હોય જ છે કે આપણે કોઈને પ્રેમ કરીએ એટલે એ વ્યક્તિ આપણને એવો જ અને એટલો જ પ્રેમ કરે એવું જરૂરી નથી. ક્યારેક એ વધારે પણ હોય તો ક્યારેક ઓછો પણ હોઈ શકે. પ્રેમના બદલામાં પ્રેમની અપેક્ષાઓ તો હોવાની જ છે. એક યુવતીની આ વાત છે. તે એક યુવાનને ખૂબ પ્રેમ કરે. પ્રેમી એની કોઈ દરકાર ન કરે. એ યુવતીએ પોતે જ એક સમયે નક્કી કર્યું કે, હવે આની સાથે સંબંધમાં આગળ વધવું નથી. ધીમે ધીમે સંબંધ ઓછો કરી નાખ્યો. એક વખતે તેણે કહ્યું કે, મારા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું સાવ ધોવાણ થઈ ગયું! આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું કે, ઇમોશન્સનું ઇન્વેસ્ટમેન્ટ હોય? પેલી છોકરીએ કહ્યું, હા હોય છે. દુનિયા ભલે એવું કહે કે સંબંધમાં હિસાબ ન હોવો જોઈએ, પણ હિસાબ હોય છે. સંબંધમાં હિસાબ હોય છે. સંબંધમાં પઝેશન હોય છે. એવી દાનત પણ હોય છે કે એની લાઇફમાં હું જ હોવી કે હોવો જોઈએ, બીજું કોઈ નહીં! આપણાથી બીજું કોઈ સહન થતું નથી! એ શું હોય છે? એ હિસાબ જ છે! હું તને પ્રેમ કરું છું તો તું પણ કર. હું તારું ધ્યાન રાખું છું તો તું પણ રાખ. ગણતરીઓ તો હોય જ છે. એ પૂરી ન થાય ત્યારે જ વાંધા પડે છે. ત્યારે જ એમ થાય છે કે એને મારી કંઈ પડી નથી. સહન પણ નથી થતું. સમજીને જતું કરીએ કે સમજીને જવા દઈએ, પણ વેદના તો થાય જ છે ને? એ કેમ થાય છે?
સંબંધને સમજવા માટે સમજણ જરૂરી છે. સંબંધમાં ચડાવ-ઉતાર સ્વાભાવિક છે. સંબંધ એકસરખો ક્યારેય રહેવાનો નથી. સંબંધમાં ક્યારેક ઉતાર આવે એ સમજી શકાય, પણ કાયમ જો ઉતાર જ આવતો હોય તો એ સંબંધ વિશે વિચારવું પડે. જ્યારે એવું લાગે કે આપણે હવે ‘ઇમોશનલ ડોરમેટ’ બની રહ્યા છીએ ત્યારે કોઈ નિર્ણય પર આવવું પડે છે. એક પતિ-પત્નીની આ વાત છે. પત્ની સ્વભાવે ખૂબ જ સારી. બધા લોકો એની પાસે પોતાનાં દુ:ખડાં રોવા આવે. પત્ની બધાની વાત શાંતિથી સાંભળે. બધાને સાંત્વના આપે. પોતાનાથી થાય એ મદદ પણ કરે. પોતાનું કામ પતી જાય એટલે લોકો પાછા દૂર થઈ જાય. પત્ની બધાની વાત સાંભળી દુ:ખી પણ થાય. ખૂબ ચિંતા પણ કરે. ક્યારેક ઉદાસ પણ થઈ જાય. પત્નીને હતાશ જોઈને એક દિવસ પતિએ કહ્યું, તને ખબર છે બધા તારો ‘ડસ્ટબિન’ તરીકે ઉપયોગ કરે છે. પોતાનો કચરો તારામાં ઠાલવી જાય છે. તું પછી એ કચરાનો ભાર અને દુર્ગંધ વેઠ્યા રાખે છે. માણસે ક્યારેક એ પણ વિચારવું પડે છે કે, હું કોઈના માટે ‘ડસ્ટબિન’ છું કે ‘ગાર્ડન’ છું?
તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે, તમારી લાગણીનો દુરુપયોગ થયો હોય? થયો જ હશે. આવું બધા સાથે થતું જ હોય છે. એક યુવાન હતો. તેના એક મિત્રએ મદદ માંગી. તેણે મદદ કરી. કામ પત્યું પછી પેલો મિત્ર ગુમ થઈ ગયો. એક વખત એની વાત નીકળી ત્યારે તેણે કહ્યું, જે થયું એ સારું થયું, આટલાથી પત્યું! જે લોકો આપણી જિંદગીથી દૂર જાય છે એના માટે એટલું જ વિચારવાનું કે આટલાથી પત્યું. તકલીફ ત્યારે થાય છે કે પતી ગયા પછી પણ આપણે મુક્ત થતા નથી. જેની સાથે સંવેદનાના તાર જોડાયેલા હોય, એ તાર તૂટે ત્યારે અઘરું, આકરું અને અસહ્ય તો લાગવાનું જ છે. છેલ્લે એનાથી મુક્તિ મેળવવાની હોય છે. સંબંધો તૂટે છે, હાથ છૂટે છે, બ્રેકઅપ થાય છે, ડિવોર્સ પણ થાય છે અને આવું બધું થાય ત્યારે વેદના, પીડા અને દર્દ પણ થવાનું જ છે. દરેકની પોતાની એક પીડા હોય છે. પીડાને પંપાળ્યા રાખીએ તો એ વિકરાળ થઈ જાય છે. એ ભરખી લે છે. ઇમોશનને ઇન્વેસ્ટમેન્ટ સમજો તો પણ એ વળતર આપે જ એવી તમન્ના ન રાખો. આપણી સંવેદના આપણી છે. એને ખૂટવા ન દેવી એ આપણા હાથની વાત છે. જે છૂટી જાય કે ખૂટી જાય તેનો અફસોસ કરવો વાજબી નથી. અમુક સમયે માણસે ‘મૂવ-ઓન’ થવું પડતું હોય છે. રોકાઈ જવાનો કોઈ મતલબ નથી, રડતા રહેવાનો કોઈ અર્થ નથી. કેટલાક સંબંધો લેશન આપવા પણ આવતા હોય છે. એ લેશનમાંથી શું શીખવું, પાસ થવું કે નાપાસ થવું એ આપણે નક્કી કરવાનું હોય છે!
છેલ્લો સીન :
સંબંધ જ્યારે સવાલ કરે ત્યારે તેનો જવાબ આપણે જેની સાથે સંબંધ હોય એની પાસેથી નહીં, પણ પોતાની જાત પાસેથી જ મેળવવો પડતો હોય છે. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 01 મે 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com