હું તારી જગ્યાએ હોઉં
તો આવું ન જ કરું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કઈ ગલીમાં ક્યાં વળું? લે તું જ કે’,
તું નથી, ક્યાંથી મળું? લે તું જ કે’,
આંખ બસ અંદર કશું જોતી નથી,
કોણ બાકી આંધળું? લે તું જ કે’.
-અર્પણ ક્રિસ્ટી
કોણે શું કરવું જોઈએ? કોણે શું કરવા જેવું નહોતું? માણસને જજની ખુરશી ઉપર બેસવું સૌથી વધુ ફાવે છે. ફટ દઈને આપણે ન્યાય તોળી દઈએ છીએ. શું વાજબી, શું ગેરવાજબી, શું સારું, શું ખરાબ, શું યોગ્ય, શું અયોગ્ય, શું કરવા જેવું, શું ન કરવા જેવું એના વિશે દરેકની પોતાની માન્યતાઓ હોય છે. પોતે જે માનતા હોય એ માનવાનો દરેકને અધિકાર છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે બીજાની માન્યતા, બીજાના ખયાલો, બીજાનું વર્તન, બીજાના નિર્ણય પર આપણી માન્યતા ઠોકી બેસાડીએ છીએ. બે વ્યક્તિનો સંબંધ એ આધારે ટકતો હોય છે કે એ એકબીજાના વિચારોનો કેટલો આદર કરે છે. સંબંધમાં સંઘર્ષની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણે આપણા વિચારો દ્વારા આપણી વ્યક્તિની માન્યતાઓને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. માનસિક અતિક્રમણ સંબંધ અને સ્નેહના પાયાને હચમચાવી નાખે છે.
આપણે હંમેશાં એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણી વ્યક્તિ આપણે ઇચ્છીએ એમ જ કરે, આપણે વિચારીએ એ જ રીતે વિચારે. બધું આપણને પૂછી પૂછીને કરે. આપણી વ્યક્તિ આપણને પૂછે પણ ખરી. એને જો વાત સાચી લાગે તો માને પણ ખરી. એને જો વાત વાજબી ન લાગે તો પહેલાં હળવો વિરોધ શરૂ થાય છે. આપણે જો આ વિરોધને સમજી ન શકીએ તો એનો હળવો વિરોધ ધીમે ધીમે ઉગ્ર બને છે અને એક તબક્કે બળવા સુધી પહોંચી જાય છે. તને તો મારી કોઈ વાત સાચી જ નથી લાગતી. ભગવાને માત્ર તને જ બુદ્ધિ આપી છે. મને તો જાણે કંઈ સમજ જ નથી પડતી. તારા વિચારો તને મુબારક. મને તારી વાત સાચી નથી લાગતી. હવે મને જે યોગ્ય લાગે એ જ હું કરીશ! આવું મોઢામોઢ કહી દેવાની પણ દરેકની હિંમત નથી હોતી. જે બોલી ન શકે, જે કહી ન શકે એ ખાનગીમાં પોતાને યોગ્ય લાગે એ કરવા માંડે છે. સંબંધોમાં અંતર આવવાની શરૂઆત વિચારોમાં ગેપ આવવાથી શરૂ થતી હોય છે.
માત્ર પોતાને જ જે ડાહ્યા સમજે છે એ અંતે એકલા પડી જતા હોય છે. આપણને અમુક વાતોમાં ખબર પડતી હોઈ શકે, પણ આપણને બધી જ વાતોમાં ખબર પડતી હોય એવું શક્ય નથી. આપણો વિષય ન હોય એમાં પણ આપણે આપણું ડહાપણ ઝાડતા હોઈએ છીએ. દરેક માણસે એક વાત સમજવી જોઈએ કે જ્યારે આપણે કોઈ વાત કરતા હોઈએ, કોઈ સલાહ આપતા હોઈએ ત્યારે સામેની વ્યક્તિ આપણને માપતી હોય છે. એને આપણી સમજણ, આપણું જ્ઞાન અને આપણી ડેપ્થનો અણસાર આવી જતો હોય છે. એને તો જ તમારી વાતમાં વિશ્વાસ બેસશે જો એને એવું લાગશે કે, આ મારી સ્થિતિને સમજે છે!
એક યુવાનની આ વાત છે. તેને બીજા શહેરમાં ઊંચી પોસ્ટ અને સારા પગારની નોકરી ઓફર થઈ. પોતાની રીતે વિચારીને એણે આ જોબની ના પાડી દીધી. આ વાત એક વડીલને ખબર પડી. તેણે એ યુવાનને કહ્યું કે, તેં ખોટું કર્યું છે. તારી જગ્યાએ હું હોઉં તો આવું ન કરું! આટલો સારો ચાન્સ મળ્યો હતો અને તેં ના પાડી દીધી! તારી જગ્યાએ હું હોઉં તો આ જોબ સ્વીકારી લઉં! આ વાત સાંભળીને એ યુવાને કહ્યું કે, તમે મારી નહીં, પણ તમારી જગ્યાએથી વિચારો છો. તમે મને કહો કે, તમે મારી જગ્યાએ આવીને શું વિચાર્યું છે? તમને પગાર, પોસ્ટ અને કરિયરનો વિચાર આવતો હશે. મારા ના પાડવાના વિચારો બીજા છે! તમારે સાંભળવું છે કે મેં શા માટે ના પાડી? તો સાંભળો! હું એક છોકરીને પ્રેમ કરું છું. એ આ શહેરમાં છે. અમે એકબીજા સાથે કમિટેડ છીએ. હું તેના વગર અને એ મારા વગર રહી શકે તેમ નથી. મારે એને એકલી છોડીને જવું નથી એટલે મેં ના પાડી દીધી!
કોઈ કંઈ ના પાડે ત્યારે આપણે એ જાણવાનો પણ પ્રયાસ કરીએ છીએ કે એણે ના શા માટે પાડી? એની પ્રાયોરિટીઝની આપણને પરવા હોય છે? આપણે કહીએ છીએ કે, તારું દિલ કહે એમ કરજે. એનું દિલ શું કહે છે એ જાણવાની દરકાર આપણને કેટલી હોય છે? દરેકનાં લોજિક જુદાં હોય છે. આપણે આપણાં લોજિક લગાડીને જ વાત કરતા હોઈએ છીએ. આપણે ભલે એવું કહીએ કે, તારી જગ્યાએ હું હોઉં તો આમ કરું. આપણે કોઈની જગ્યાએ હોતા જ નથી. આપણે આપણી જગ્યાએ જ હોઈએ છીએ. કુદરતે બધાને આંખો આપી છે. આમ છતાં બધાની દૃષ્ટિ એકસરખી હોતી નથી. ફૂલમાં કોઈ રંગ જુએ છે, તો કોઈને એની ખુશબૂ પસંદ પડતી હોય છે.
એક ફિલોસોફર થોડાક લોકો સાથે બેઠા હતા. લોકોએ તેને પૂછ્યું કે, સંબંધને કેવી રીતે જીવવા એ અમને સમજાવો. ફિલોસોફરે લાકડાનો એક ટુકડો લીધો. ટેબલ પર રાખીને બધાને કહ્યું, આ ટુકડામાં તમે શું જુઓ છો એ કહો. એક માણસે કહ્યું કે, આ ટુકડો સુંદર છે. એ સજાવવાના કામમાં લાગે એવો છે. બીજાએ કહ્યું, કોઈ માણસે ઝાડ કાપીને એના ટુકડેટુકડા કરી નાખ્યા છે, એનો આ ભાગ છે. ત્રીજાએ કહ્યું, આ ચંદનનો ટુકડો છે, જે ઘસાઈને તિલક બનશે. ચોથાએ કહ્યું કે, આ ટુકડો તો ઠંડીમાં તાપણું કરવા માટે સાચવી રાખ્યો છે. દરેકે પોતપોતાના વિચારોથી લાકડાના આ ટુકડા વિશે વાત કરી. ફિલોસોફરે બધી વાત સાંભળીને કહ્યું કે, આ ટુકડો મેં બનાવડાવ્યો છે. એને કોતરીને હું ભગવાનની મૂર્તિ બનાવવાનો છું. તેણે પછી મહત્ત્વની વાત કરી. સવાલ એ નથી કે હું આનું શું કરવાનો છું. સવાલ એ છે કે, તમે એના વિશે શું માનો છો! તમે કોઈએ આમાં ભગવાનને કલ્પ્યા નહીં. એનો અર્થ જરાયે એવો નથી કે, તમે બધા મૂરખ છો. તમને કંઈ ખબર પડતી નથી. હું જો આવું સમજું તો મારા જેવો મૂરખ બીજો કોઈ નથી. સંબંધમાં પણ આ જ જરૂરી છે. આપણી વ્યક્તિ આપણે માનતા હોઈએ એવું ન માને ત્યારે એને મૂરખ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. તમે આ લાકડાના ટુકડા વિશે જે વાત કરી એ બધી જ શક્ય છે. તમારા મતે એ સાચી પણ છે. હું જે ટુકડામાંથી ભગવાન બનાવવાનું વિચારું, એનાથી તમે તાપણું કરવાનો વિચાર કરી શકો. તેનું કારણ એ છે કે, તમે તમારી જગ્યાએથી વિચારો છો અને હું મારી જગ્યાએથી! તમે પણ સાચા છો અને હું પણ સાચો છું. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે આપણને તો સાચા માનીએ છીએ, પણ જુદું વિચારે છે એને ખોટા કહી દઈએ છીએ.
એક પતિ-પત્નીની હતાં. કોઈ વાત થાય ત્યારે પતિનો મત જુદો હોય અને પત્નીની માન્યતા અલગ જ હોય. એક વખતે પતિએ કહ્યું કે, હું હોઉં તો આવું કરું! આ વાત સાંભળીને પત્નીએ કહ્યું, હું આવું ન કરું! પત્નીએ પછી કહ્યું કે, હું હું છું, તું નથી. તારે કરવાનું હોય ત્યારે તને યોગ્ય લાગે એ કરજે. મને એ કરવા દે, જે મને યોગ્ય લાગે. પતિએ હસીને કહ્યું, તને ગમે એ કરવાની તને આઝાદી છે. મને એક વાતનો ભરોસો છે કે, તું તારા વિચારો પ્રમાણે મારાથી જુદું કરીશ, પણ કંઈ ખોટું, ખરાબ, અયોગ્ય કે ગેરવાજબી તો નહીં જ કરે!
એક બાપ-દીકરાની આ વાત છે. દીકરો કંઈ પૂછે તો પિતા એવું જ કહે, તને જે યોગ્ય લાગે એ કર. દીકરો એને ગમે એવું કરે. ક્યારેક એના પિતાને એવું પણ લાગે કે, હું હોત તો આવું ન કરત. જોકે, એ દીકરાને એવું ન કહે. એક વખત દીકરાએ વધુ એક વખત પિતાને પૂછ્યું કે, આ વાતમાં હું શું કરું? પિતાએ ફરીથી અગાઉ જેવો જ જવાબ આપ્યો કે, તને ગમે એ કર. આ વખતે દીકરાથી ન રહેવાયું. તેણે પિતાને પૂછ્યું, તમે દરેક વખતે કેમ આવો જ જવાબ આપો છો? પિતાએ કહ્યું, હું એટલા માટે આવો જવાબ આપું છું, કારણ કે હું નથી ઇચ્છતો કે, તું હું કહું એ રીતે જીવે. હું ઇચ્છું છું કે તું ઇચ્છે એ રીતે જીવે. બીજું કારણ એ છે કે, હું આજની તારીખે એક અફસોસ સાથે જીવું છું કે હું જે રીતે જીવવા ઇચ્છતો હતો એ રીતે જીવતો નથી. મારા પિતાએ એમની ઇચ્છાઓ મારા ઉપર એટલી બધી ઠોકી બેસાડી હતી કે, મારે જે કરવું હતું એ કરી જ શક્યો નહીં. મારે તારી સાથે એવું નથી કરવું. તું કદાચ થોડીક ભૂલો કરીશ, પણ મેં તો મારા મનનું ન કરીને સૌથી મોટી ભૂલ કરી છે.
તમે તમારી વ્યક્તિને એને ગમે એવું કરવા દો છો? યોગ્ય ન લાગે ત્યાં એને સાવચેત કરો એમાં ખોટું નથી, પણ દરેક વાતમાં તમારી ઇચ્છાઓને ઠોકી ન બેસાડો. રોડ ઉપર શાર્પ ટર્ન હોય ત્યાં જ સાવચેતીનાં બોર્ડ હોય છે! દરેક વખતે રોકટોક કરવી, આપણું ધાર્યું કરાવવું એ સંબંધ, સ્નેહ અને સહજતા માટે જોખમી હોય છે.
છેલ્લો સીન :
આપણા અને આપણી વ્યક્તિના ગમા-અણગમા ક્યારેય એકસરખા નહીં હોવાના. આપણી વ્યક્તિના ગમાને ગમાડવાની અને અણગમાને સમજવાની સમજણ હોય તો સંબંધ સ્વસ્થ રહે છે. –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 એપ્રિલ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com