રાતે અને દિવસે જન્મેલા લોકોમાં કંઈ ફેર હોય છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

રાતે અને દિવસે જન્મેલા

લોકોમાં કંઈ ફેર હોય છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમારો જન્મ રાતના સમયે થયો હતો કે દિવસે?

એક અભ્યાસ એવું કહે છે કે, રાતે જન્મેલા લોકોમાં અને

દિવસે જન્મેલા લોકોમાં ઊડીને આંખે વળગે એટલો ફર્ક હોય છે!

જ્યોતિષશાસ્ત્ર કહે છે કે, જન્મનો સમય

માણસના વ્યક્તિત્વને સીધી અસર કરે છે,

તો પછી રાત અને દિવસની અસર તો થાય જ ને?

દરેક બાળકનો જન્મ એ વાત સાબિત કરે છે કે, ઈશ્વરને હજુ માણસજાત પર પૂરો ભરોસો છે. જન્મ વિશે બહુ બધી વાતો થઈ છે. એવું પણ કહેવાતું આવ્યું છે કે, જન્મ અને મૃત્યુ માણસના હાથની વાત નથી. એ તો ઉપરવાળો ધારે એ મુજબ જ થાય છે. ઘણા લોકો અમુક ચોક્કસ દિવસ કે સમય નક્કી કરીને સિઝેરિયન કરાવે એ વાત જુદી છે, બાકી તો જન્મનો સમય કુદરતના હાથમાં છે. જન્મ અંગે અનેક એવાં રહસ્યો છે જેને ઉકેલવા માણસ સતત મહેનત અને સંશોધનો કરતો રહે છે. એક સવાલ જે ચર્ચાતો રહ્યો છે એ એવો છે કે, શું રાતે જન્મેલા લોકો જેમનો જન્મ દિવસે થયેલો હોય છે એના કરતા જુદા હોય છે? આ સવાલને ઊંધી રીતે પણ પૂછી શકાય કે, દિવસે જન્મેલા રાતે જન્મેલા લોકો કરતા અલગ હોય છે? એનો જવાબ છે, હા. બંનેના વ્યક્તિત્વમાં ઘણો ફેર હોય છે. એક અભ્યાસ એવું કહે છે કે, રાતના સમયમાં જન્મેલા લોકો વિચારક, દાર્શનિક, વધુ ક્રિએટિવ, અદ્્ભુત કલ્પનાશક્તિ ધરાવનારા, રચનાત્મક, એક્ટિવ, આત્મવિશ્વાસુ અને તેજ દિમાગવાળા હોય છે.

એનો મતલબ જરાયે એવો નથી કે, જેનો જન્મ દિવસે થયો હોય છે એ નબળા હોય છે. એની ખાસિયતો વળી સાવ જુદી હોય છે. રાતના સમયે જન્મેલા થોડાક લોકો ઉપર નજર કરીએ તો, બર્નાર્ડ શો, રજનીશ, જે. કૃષ્ણમૂર્તિ, નેપોલિયન બોનાપાર્ટ, અટલ બિહારી વાજપેયી, રવીન્દ્રનાથ ટાગોર, મૈથિલીશરણ ગુપ્ત અને હરિવંશરાય બચ્ચનનો જન્મ રાતના સમયે થયો હતો. દિવસે જન્મેલા લોકોમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સચીન તેંડુલકર, મોરારજી દેસાઈ, અમિતાભ બચ્ચન, ધીરુભાઈ અંબાણી વગેરેનો સમાવેશ થાય છે. જ્યોતિષશાસ્ત્ર તો એવું કહે જ છે કે, માણસના જન્મનો એક્ઝેક્ટ સમય જો મહત્ત્વનો હોય તો રાત અને દિવસ તો મહત્ત્વનાં હોવાનાં જ છે ને? જાણીતા જ્યોતિષી ડો. પંકજ નાગરનું કહેવું છે કે, રાતે જન્મેલા લોકો ઉપર ચંદ્રની અને દિવસે જન્મેલા લોકો ઉપર સૂર્યની અસર વધુ હોય છે. બળવાન ચંદ્રની અસર મન ઉપર વધુ થાય છે. રાતે જન્મેલાઓ ફિલોસોફર, સાહિત્યકાર, લેખક અને ઇન્ટેલેક્ચ્યુલ હોય છે. દિવસે જન્મેલા એવા હોતા નથી એવું ન કહી શકાય, પણ દિવસે જન્મેલાની કમ્પેરિઝનમાં રાતે જન્મેલા લોકો વધુ પ્રભાવશાળી હોય છે. દિવસે જન્મેલા લોકો સૂર્ય જેવી કીર્તિ, પ્રસિદ્ધિ અને નામના મેળવે છે. સુદ સાતમ અને વદ સાતમ વચ્ચે રાતે જન્મેલા લોકોની કુંડળીમાં ચંદ્રનું બળ વધારે હોય છે. એ લોકોના સફળતાના ચાન્સીસ પણ વધારે હોય છે.

એક બાળક રાતે જન્મ્યું હોય અને એક દિવસે જન્મ્યું હોય એવાં માતા-પિતાને મળીને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં અનેક મા-બાપે એવું જણાવ્યું હતું કે, દિવસે જન્મેલા સંતાન કરતા રાતે જન્મેલું બાળક વધુ હેપી અને બિન્ધાસ્ત રહેતું હતું.

આપણે ત્યાં અમુક પ્રકારનાં સંશોધનો ઓછાં થાય છે. એક સવાલ તો એ પણ છે કે, રાતે વધુ લોકો જન્મે છે કે દિવસે? અમેરિકામાં ધ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટર ફોર હેલ્થ સ્ટેટેસ્ટિક્સે બાળકોનાં બર્થ સર્ટિફિકેટ ઉપરથી કરેલો સર્વે એવું જણાવે છે કે, દિવસના સમયે એટલે કે સવારે 8થી સાંજ સુધીમાં વધારે બાળકોનો જન્મ થાય છે. એમાં તો એવું પણ સાબિત થયું હતું કે, સૌથી વધુ જન્મ મંગળવારે થયા હતા. સોમવારથી શુક્રવારની સરખામણીમાં શનિવાર અને રવિવારે વહેલી સવારે અથવા તો મોડી સાંજે વધુ જન્મ નોંધાય છે.

શું રાતે અને દિવસે જન્મેલા લોકોની ઊંઘમાં પણ કોઈ ફર્ક હોય છે? એના વિશે કોઈ છાતી ઠોકીને કંઈ કહેતું નથી. જોકે, જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે, અમાસના દિવસે જન્મેલાઓને સારી ઊંઘ આવે છે. એ લોકો શાંત મનવાળા અને થોડાક બેફિકરા પણ હોય છે. એનો ખોરાક પણ વધારે હોય છે. તેની સામે પૂનમના દિવસે જન્મનારા લોકોની ઊંઘ ઓછી હોય છે. એને નાની વાતોમાં ચિંતાઓ થતી હોય છે. 

બાળકને જન્મ આપનાર ડોક્ટર્સના અનુભવો પણ અદ્્ભુત હોય છે. એક મહિલા ગાયનેકોલોજિસ્ટે એવું કહ્યું કે, અમે દરરોજ ભગવાનના સુંદર સર્જનને માણીએ છીએ. બાળકના જન્મ પછી બાળક પહેલી વાર રડે ત્યારે અમારા ચહેરા પર આનંદની લકીરો ઊઠે છે. તમે પેલી વાત તો સાંભળી જ હશે કે, પોતાનું બાળક રડતું હોય અને માની ખુશીનો પાર ન હોય એવી ઘટના દરેક માતાની જિંદગીમાં એક જ વાર બને છે અને એ બાળકના જન્મ વખતે! ખૂબ જ વેદના પછી બાળક અવતરે અને એ રડે એ સાથે જ માનો ચહેરો ખીલી જાય છે. એ બધી જ વેદના ભૂલી જાય છે. ડોક્ટરે કહ્યું, અમે આ અલૌકિક ઘટનાઓના રોજના સાક્ષી છીએ. એક બીજા ગાયનેકોલોજિસ્ટે વળી એક મસ્ત વાત કરી. હસતાં હસતાં તેણે કહ્યું કે, બીજા બધા ડોક્ટર્સ પોતાનો ડે પ્લાન કરતા હોય છે. સવારથી માંડીને રાત સુધીમાં કેટલાં ઓપરેશનો કરીશું એનું પણ પ્લાનિંગ થતું હોય છે. અમારે ડે પ્લાન જેવું કંઈ રહેતું નથી. અમારો ડે પ્લાન કુદરત જ નક્કી કરે છે. ડે તો શું અમારી તો રાતોનું પ્લાનિંગ પણ કુદરતી છે. માતાને વેણ ઊપડે એટલે દોડવાનું. હવે રાતે જન્મેલા અને દિવસે જન્મેલા લોકોની તબિયત અને આયુષ્ય ઉપર પણ સંશોધનો થઈ રહ્યાં છે. આમ, ભલે આવા અભ્યાસોનો કંઈ ખાસ મતલબ લાગતો ન હોય, પણ ક્યારેક એનાથી વિજ્ઞાનને પણ કોઈ નવી દિશા મળી જતી હોય છે. બીજું કંઈ નહીં તો પણ આવી વાતો રસ તો ચોક્કસ જગાડે છે. બાય ધ વે, તમારો જન્મ ક્યારે થયો હતો? રાતે કે દિવસે?

પેશખિદમત

ગમ ઔર ખુશી દોનોં હર રોજ કે મેહમાં હૈં,

યે સુબ્હ-બ-સુબ્હ આઇ વો શામ-બ-શામ આયા,

ફેંકે હુએ શીશોં સે દિલ કિતને બનાએ હૈં,

જબ જામ કોઈ ટૂટા દીવાનોં કે કામ આયા.

– નુશૂર વાહિદી

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 14 એપ્રિલ 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *