પોલિટિકોફોબિયા : તમને ચૂંટણી
અંગે કોઈ ડર તો લાગતો નથી ને?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
દેશમાં ચૂંટણીનો માહોલ છે. આપણી આજુબાજુના
વાતાવરણની નાની-નોટી, સારી-નરસી અને સાચી-ખોટી
માનસિક અસરો આપણને થતી જ હોય છે. ચૂંટણી વિશે
આપણને કેવા કેવા વિચારો આવે છે?
અંગ્રેજીમાં ‘પોલિટિકોફોબિયા’ જેવો એક શબ્દ વપરાય છે,
જે અમુક નવા જ પ્રકારના ભયની વાત કરે છે!
દેશમાં લોકસભાના ઇલેક્શનની તારીખો જાહેર થઈ એને આજે એક અઠવાડિયું થઈ ગયું. આજકાલ બધે ચૂંટણીની જ વાતો સાંભળવા મળે છે. સૌથી વધુ પુછાતો સવાલ એ છે કે, શું લાગે છે? કોણ જીતશે? કયા મુદ્દા મતદાન અને પરિણામને અસર કરશે? એમાંયે જે લોકો રાજકારણ કે મીડિયા સાથે સંકળાયેલા છે એની પાસે તો ચૂંટણી સિવાય કોઈ વાત જ નહીં હોય. સામાન્ય લોકોને પણ ચૂંટણીની ચર્ચાઓમાં રસ પડતો હોય છે. કોણ શું બોલ્યું? કોણે લોચો માર્યો? કોણે સારું કર્યું? કોઈ ઘટના બને તો ગણતરી માંડવા લાગશે કે એનાથી કોને ફાયદો થાય અને કોને નુકસાન જાય? એક વર્ગ એવો પણ છે જેને ચૂંટણીથી ખાસ કંઈ ફેર પડતો નથી. એ મતદાન કરીને દેશ પ્રત્યેની એની ફરજ પૂરી કરી દે છે. આપણી આસપાસમાં જે કંઈ બનતું હોય છે એની સીધી અસર આપણી માનસિકતા પર થતી હોય છે. ચૂંટણીની અસરો તો વળી ગજબની હોય છે.
તમને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, ચૂંટણી અંગે લોકોમાં અમુક ચોક્કસ પ્રકારના ભય પણ જન્મતા હોય છે. અંગ્રેજીમાં તેને પોલિટિકોફોબિયા કહે છે. ઓક્સફોર્ડ ડિક્શનરીમાં પોલિટિકોફોબિયાનો અર્થ એવો અપાયો છે કે, એન ઇરરેશનલ ફિઅર ઓફ પોલિટિક્સ ઓરપોલિટિશિયન્સ. મનોરોગની ભાષામાં આમ તો આ કોઈ બીમારી નથી, પણ એક પ્રકારની માનસિક સ્થિતિ છે. બીજા કોઈ ફોબિયાની સારવાર થઈ શકે છે, પણ પોલિટિકોફોબિયામાં કોઈ સારવાર હોતી નથી. હા, કોઈને વધુ પડતી અસર થઈ હોય તો કાઉન્સેલિંગની મદદથી તેનો ભય દૂર કરી શકાય છે. આમ તો ચૂંટણી પતે અને વાતાવરણ બદલે એટલે લોકો પાછા પોતાના અસલી મૂડમાં આવી જતા હોય છે.
ચૂંટણીને લઈને કેવા કેવા ડર લાગતા હોય છે? અમુક લોકો પોતાનું મંતવ્ય આપતા ડરે છે. જો તેના ઘરના લોકો અથવા તો મિત્રો કોઈ એક પક્ષ કે એક નેતાને માનતા હોય અને માણસ પોતે બીજા પક્ષ કે બીજા નેતાને ટેકો આપતો હોય ત્યારે એને એવો ડર લાગતો હોય છે કે, હું જો મારું મંતવ્ય આપીશ તો મારો વિરોધ થશે. મારી સાથે મારા લોકો જ દલીલો કરશે. એ લોકો મને દૂર કરી દેશે. એકલો પાડી દેશે. તમે પેલો કિસ્સો સાંભળ્યો હશે. નરેન્દ્ર મોદીને લઈને એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીને માઠું લાગતાં તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આવી ચર્ચાઓના કારણે સંબંધો પણ તૂટતા હોય છે. એટલે જ અમુક લોકો પોતાનો પાલિટિકલ ઓપિનિયન આપવાનું ટાળે છે. કોને મત આપવાના છે, કોને પોતે ફોલો કરે છે, એના વિશે એ કંઈ બોલતા નથી.
અમુક લોકો એવા પણ હોય છે જે રાજકારણીઓને નફરત કરતા હોય છે. એ એવું જ માને છે કે, રાજકારણીઓ બદમાશ જ હોય. એને પોતાનો જ સ્વાર્થ હોય છે. એ સાચું બોલતા હોતા નથી. પોતાના હિત માટે એ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. આવું માનનારા લોકો પોતાના દિલની વાત કરતા ડરે છે. એને એમ થાય છે કે મારા વિચારો કે વાત રાજકારણીઓ સુધી પહોંચી જશે તો એ લોકો મને હેરાન કરશે. મને ટાર્ગેટ બનાવશે. મારું કંઈ સારું થતું હશે તો નહીં થવા દે. ટિલિવિઝન પર સતત પોલિટિકલ ન્યૂઝ આવતા રહે છે. જે લોકો ન્યૂઝ જુએ છે એને પણ એમ થાય છે કે, આ શું આખો દિવસ એકની એક વાત? દુનિયામાં જાણે બીજું કંઈ બનતું જ નથી! અમુક લોકો આ સમયમાં ન્યૂઝ જોવાનું ટાળે પણ છે. હમણાં કંઈ જોવા જેવું આવતું નથી. અલબત્ત, જેને ઇલેક્શનમાં રસ છે એ ન્યૂઝ વાંચવા અને જોવામાં વધુ સમય આપે છે. ચૂંટણીની ચર્ચાથી કંટાળેલા એક ગલ્લાવાળાએ તો પોતાના ગલ્લે એવું બોર્ડ માર્યું હતું કે, અહીં કોઈએ રાજકારણની ચર્ચા કરવી નહીં. તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે, અમુક લોકો મત આપવા જતા પણ ડરે છે! એવા લોકો ક્યારેય એકલા મત આપવા જતા નથી. મત આપવા જાય ત્યારે દરેક મુખ્ય પક્ષના ટેબલ પર જાય છે જેથી કોઈને ખબર ન પડે કે કોને મત આપવાના છે.
ફિઅર અને ફોબિયામાં હાથી ઘોડાનો ફેર છે. મનોચિકિત્સક ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, ફિઅર, ભય અથવા તો ડર કુદરતી હોય છે, જ્યારે ફોબિયા એ મનથી કાલ્પનિક રીતે ઊભો કરેલો ભય હોય છે. અમુક ડર દરેક લોકોને લાગે છે. અમુક ડર જરૂરી પણ છે. જોકે, ફોબિયા એ માનસિક અને કાલ્પનિક છે. ફોબિયાના બે પ્રકાર છે. સોશિયલ અને સ્પેસેફિક ફોબિયા. ઊંચાઈ, અંધારું, પાણી, બંધ જગ્યાથી માંડી ટોળાનો ભય એ સોશિયલ ફોબિયા છે. વંદા, ગરોળી, કરોળિયા કે બીજા કોઈ જીવજંતુથી માંડી સોય સુધીનો ભય સ્પેસેફિક ફોબિયા છે. લોકોને જાતજાતના ભય લાગતા હોય છે. અમુક લોકોને બારણું ખોલવાનો પણ ભય લાગતો હોય છે. હું બારણું ખોલીશ અને કોઈ અજાણ્યું કે જોખમી માણસ હશે તો?
ચૂંટણી, પ્રચાર, રાજકારણ અને રાજકારણીને લઈને જાતજાતના ભય લોકોને લાગતા હોય છે. એનાથી બચવાનો એક જ ઉપાય છે, સેલ્ફ હેલ્પ. જે ન ગમતું હોય એ વાત, ચર્ચા અને ઘટનાથી દૂર રહો. મગજ બગડે એવું કંઈ હોય તો એને ટાળો. કારણ વગરની દલીલો ટાળો. તમે ચૂંટણીનું વાતાવરણ બદલી ન શકો, પણ તમે એનાથી દૂર રહી શકો. જો તમને ચૂંટણી ગમતી હોય તો એને એન્જોય કરો. ચૂંટણી પણ કંઈ વારેવારે થોડી આવે છે? ચૂંટણીના કારણે મગજ, માનસિકતા કે સંબંધ ન બગડે એટલી તકેદારી રહે તો ઘણું છે.
પેશ–એ–ખિદમત
રસ્તે મેં લુટ ગયા હૈ તો ક્યા કાફિલા તો હૈ,
યારોં નએ સફર કા અભી હૌસલા તો હૈ,
યે ક્યા જરૂરી હૈ મૈં કહૂં ઔર તૂ સુને,
જો મેરા હાલ હૈ વો તુઝે ભી પતા તો હૈ.
– જમીલ મલિક
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 17 માર્ચ 2019, રવિવાર)
kkantu@gmail.com