પાસવર્ડ પ્રોબ્લેમ : હવે વિલમાં પાસવર્ડ પણ લખી જવા પડશે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પાસવર્ડ પ્રોબ્લેમ : હવે વિલમાં

પાસવર્ડ પણ લખી જવા પડશે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કેનેડાની ક્રિપ્ટો કરન્સી ફર્મ ક્વાર્ડ્રિગાના સીઇઓ ગેરાલ્ટ કોટેન

અચાનક અવસાન પામ્યા અને 9.82 અબજ રૂપિયાની ડિજિટલ

કરન્સીનો પાસવર્ડ પણ સાથે લેતા ગયા. મોટી રકમ ફ્રીઝ થઈ ગઈ.

આવા બનાવો હવે વધતા જ જવાના છે.

તમારા પાસવર્ડ કોને ખબર છે? પાસવર્ડ આપવામાં મોટું જોખમ

રહેલું છે. આપણી જિંદગી પણ બરબાદ થઈ શકે છે.

પાસવર્ડ અને પિન નંબર એ દરેક વ્યક્તિની જિંદગી સાથે જોડાઈ ગયેલી એક એવી હકીકત છે જેનાથી ક્યારેય છુટકારો મળવાનો નથી. પાસવર્ડ એ આપણી છૂપી આઇડેન્ટિટી છે. પાસવર્ડ વગર આપણે આપણા સુધી જ ન પહોંચી શકીએ એવો જમાનો આવ્યો છે. ફોન ખોલવા માટે પાસવર્ડ જોઈએ છે. એ પછી તમામ કામો પાસવર્ડથી જ ચાલે છે. ગાંધીજીએ કહ્યું હતું કે, મારી જિંદગી ખુલ્લી કિતાબ છે. આપણા બધાની જિંદગી બંધ મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ કે કમ્પ્યૂટર છે, જે પાસવર્ડ વગર ખૂલતી નથી. આપણું કમ્યુનિકેશન હિડન છે. પાસવર્ડ એ મોટા ભાગના લોકો માટે મોટી પળોજણ છે. પાસવર્ડ યાદ રહેતા નથી. સહેલા પાસવર્ડ રાખીએ તો એવો જવાબ મળે છે કે, તમારો પાસવર્ડ સ્ટ્રોંગ નથી. આલ્ફાબેટ અને નંબર સાથે સ્પેશિયલ સિમ્બોલ્સ પણ મૂકો. એ મૂક્યા પછી પણ કોઈ ગેરંટી તો હોતી જ નથી કે આપણો પાસવર્ડ કોઈ ક્રેક ન કરી શકે. હેકર્સ પાસે પાસવર્ડ ક્રેકર્સનાં સોફ્ટવેર છે, જે ગમે તેવા જટિલ પાસવર્ડ ક્રેક કરી નાખે છે.

પાસવર્ડ હમણાં ત્યારે ફરીથી ચર્ચામાં આવ્યો જ્યારે ભારત આવેલા કેનેડાની ક્રિસ્ટો કરન્સી ફર્મ ક્વાર્ડ્રિગાના સીઇઓ ગેરાલ્ટ કોટેન ગુજરી ગયા. ગેરાલ્ટ જયપુરમાં અનાથઆશ્રમ ખોલવાના શુભ આશયથી જયપુર આવ્યા હતા અને આંતરડાની ગંભીર બીમારીના કારણે મૃત્યુ પામ્યા. એમની ડેડબોડી કેનેડા પહોંચી ગઈ, બધી વિધિ પતી ગઈ ત્યાં સુધી તેમના વિશે કોઈને કંઈ ખબર જ ન હતી. પાસવર્ડની વાતે તેમને માત્ર ભારતમાં જ નહીં, આખી દુનિયામાં જાણીતા કરી દીધા. અંદાજે 9.82 અબજ રૂપિયા જેટલી કરન્સી જે એકાઉન્ટમાં હતી એનો પાસવર્ડ માત્ર તેમની પાસે જ હતો. લગભગ એક લાખથી વધુ લોકોનાં નાણાં સલવાઈ ગયાં. હેકર્સની મદદ લેવાઈ છે. કદાચ એ પાસવર્ડ ક્રેક કરી આપશે. આ ઘટનાથી નવી ચર્ચાઓ શરૂ થઈ છે. શું દરેક માણસે એટલિસ્ટ એક અંગત વ્યક્તિને પાસવર્ડ આપી રાખવો જોઈએ? જોકે, એ જોખમી છે. આજના જમાનામાં કોઈનો ભરોસો કરાય એવું ક્યાં છે? પાસવર્ડ આપી દીધા પછી એ આપણને પતાવી દે તો? વાતો તો ત્યાં સુધી થઈ કે, હવે માણસ પોતાનું વિલ કરે ત્યારે તેણે પોતાના અમુક પાસવર્ડ પણ લખવા પડશે જેથી તેના વારસદારોને વાંધો ન આવે.

કાળાં નાણાંને સંઘરવા માટે એક સમયે સ્વિસ બેન્ક્સનું નામ મોખરે હતું. હવે નિયમો બદલાતાં કાળું નાણું સંઘરવા માટે લોકો બીજા ટેક્સ હેવન કન્ટ્રીઝ તરફ વળ્યા છે. સ્વિસ બેન્કમાં રોકેલાં નાણાંનો બધો જ વ્યવહાર કોડ નેમ અને પાસવર્ડથી જ ચાલે છે. સાચું નામ પણ હોતું નથી. નાણાં રોકનાર સિવાય કોઈને ખબર જ ન હોય કે આ માલ કોનો છે? હવે જેણે મોટી રકમ મૂકી છે એ અચાનક મરી જાય તો? સ્વિસ બેન્ક્સમાં એવા બિલિયન્સ ડોલર્સ છે જે અનક્લેઇમ્ડ છે! થોડા વર્ષ અગાઉ સ્વિસ બેન્કે જ અનક્લેઇમ્ડ એકાઉન્ટ્સ વિશે જાહેરાત કરી હતી. 3500 એકાઉન્ટ એવાં હતાં જેનું કોઈ ધણીધોરી જ નહોતું. તેમાં છ એકાઉન્ટ ઇન્ડિયન્સનાં હતાં. એ છ ખાતામાં 300 કરોડ રૂપિયા જેટલી રકમ જમા હતી. સ્વિસ બેન્ક્સ પ્રામાણિક છે. એને તો બધાં જ નાણાં દૂધે ધોઈને પાછાં આપવાં છે. પ્રોબ્લેમ એ છે કે આપવાં કોને? ત્યાં પણ વારસદારનાં નામ આપવાની પ્રથા છે, પણ કોઈ આપે તો ને! ગુજરી જાય ત્યારે કોડ નેમ અને પાસવર્ડ સાથે લેતા જાય પછી માની લેવાનું કે નાણાં ગાય ખાઈ ગઈ!

આપણે એવા પણ કિસ્સાઓ જોયા છે કે, કોઈ એક માણસને ઘણાં બધાં ફાઇનાન્સિયલ સિક્રેટ્સ ખબર હોય અને એ અચાનક આ દુનિયા છોડી જાય ત્યારે ઘણા સવાલો સર્જાતા હોય છે. ભારતીય જનતા પક્ષના એક સમયના દિગ્ગજ નેતા પ્રમોદ મહાજનની તેની સગા ભાઈ પ્રવીણે અંગત કારણોસર ગોળી મારીને હત્યા કરી હતી. એ સમયે એવી વાતો ખૂબ ચાલી હતી કે, ભાજપના ઘણાં બધાં ફંડ્સ વિશે માત્ર તેઓ જ જાણતા હતા. એ બધા જ રાઝ તેમની સાથે જ ચાલ્યા ગયા. ભાજપના ફંડ વિશે એ જીવતા હતા ત્યારે જ તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમે પક્ષ માટે રૂપિયા ઉઘરાવો છો? એ સમયે પ્રમોદ મહાજને કહેલું કે, હું ટ્રેઝરર નથી, પણ મારા ઉદ્યોગપતિ મિત્રો પાસેથી થોડું ઘણું ફંડ મેળવું છું. આપણી આજુબાજુમાં પણ એવી ઘટનાઓ બનતી હોય છે કે, અમુક લોકો કાયમ માટે ચાલ્યા જાય પછી ખબર જ ન પડે કે આ ભાઈ કે બહેને કોને કોને રૂપિયા આપ્યા છે. માત્ર વાતોથી કે ભરોસા ઉપર ચાલતા વ્યવહારોમાં આવું થતું હોય છે. હવે પાસવર્ડ માટે એવું થાય છે કે, ક્યાં શું છે એ આપણને ખબર જ ન પડે.

બાય ધ વે, તમારા એકેય પાસવર્ડ કોઈને ખબર છે? હા, હોય છે. જ્યારે આપણી જિંદગીમાં એવી વ્યક્તિ હોય જેનાથી કંઈ જ છુપાવવાનું ન હોય ત્યારે તેને પાસવર્ડ આપવાની ચિંતા નથી હોતી. તમને કોઈએ એનો પાસવર્ડ આપ્યો છે ખરો? જો આપ્યો હોય તો માનજો કે તમારા ઉપર એને સૌથી વધુ ભરોસો છે. બાકી, પ્રાણની સાથે પાસવર્ડ જાય એવી ઘટનાઓ હવે વધતી જ જવાની છે. એક મિત્રએ કહ્યું કે, ગુજરી જઈએ પછી તો જે થવાનું હોય એ થાય, હવે તો જીવતેજીવ કોઈ પાસવર્ડ ક્રેક કરીને અથવા તો જેને પાસવર્ડ ખબર હોય એ આપણાં ખાતાં ખાલીખમ કરી જાય છે. બીજા મિત્રએ વળી એવી વાત કરી કે, આઇ આઇડેન્ટિફિકેશન એટલે કે આંખથી ખૂલે એ તથા ફિંગરથી ખૂલે એ ડિવાઇસ માણસ મરી જાય પછી તેની આંખથી કે ટેરવાથી ખૂલે કે નહીં? ટેક્નોલોજી વધે એમ માત્ર શક્યતાઓ જ નથી વધતી, શંકાઓ પણ વધે છે. તમારા પાસવર્ડની કેર કરજો, નહીંતર કોઈક તમારું કરી જશે.

પેશખિદમત

કૌન યાદ આયા યે મહકારેં કહાઁ સે આ ગઈ,

દશ્ત મેં ખુશબૂ કી બૌછારે કહાઁ સે આ ગઈ,

કૈસી શબ હૈ એક ઇક કરવટ પે કટ જાતા હૈ જિસ્મ,

મેરે બિસ્તર મેં તલવારેં કહાઁ સે આ ગઈ.

– જફર ગોરખપુરી

(મહકારેં-સુગંધ/દશ્ત-જંગલ/શબ-રાત)   

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 17 ફેબ્રુઆરી 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *