બધા આપણને સમજે જ
એવું જરૂરી થોડું છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આ કોરી વાવના તળિયે અડી ગયું છે કોઈ,
અડીને પાછું પગથિયાં ચડી ગયું છે કોઈ,
રહ્યો આ વાતનો અફસોસ જિંદગી આખી,
મને સ્વયંથી વધારે નડી ગયું છે કોઈ.
-ભાવિન ગોપાણી
મને કોઈ સમજતું નથી. મારી વાત કોઈને સમજાતી નથી. મને બધા મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. હું કેટલા નેક ઇરાદાથી બધું કરું છું અને લોકો એનો જુદો જ મતલબ કાઢે છે. આવું બધું ક્યારેક ને ક્યારેક આપણને થતું હોય છે. આવું થાય ત્યારે આપણે ડિસ્ટર્બ થઈએ છીએ. આપણે માણસ છીએ, પથ્થર નથી. આપણા શરીરમાં પણ એક દિલ ધડકે છે. આપણને પણ વેદના થાય છે. આપણી દાનત અને ઇરાદાઓ સામે શંકા થાય ત્યારે પીડા થવી સ્વાભાવિક છે. આપણે જેને પોતાના માન્યા હોય, જેના સુખ માટે સતત કામના કરી હોય અને જેનું સપનામાં પણ બૂરું ઇચ્છ્યું ન હોય એ પણ આપણને સમજે એવું જરૂરી નથી. સમય જ એવો આવ્યો છે કે કોઈ આપણું સારું કરે તો પણ આપણને શંકા જાય! મારું ભલું કરવા પાછળ એનો ઇરાદો શું હશે? કોઈ કોઈના માટે કોઈ કારણ વગર કંઈક કરે એવું આપણે માની કે સ્વીકારી જ નથી શકતા!
એક માણસની આ વાત છે. એક કંપનીમાં તે બોસ હતો. તેની કંપનીમાં ઘણા નવા છોકરા-છોકરીઓ કામે આવતાં. ફ્રેશર્સમાં ઘણાં ટેલેન્ટેડ હતાં. એ માણસ કોઈને ખાસ મદદ ન કરે. કોઈ પ્રત્યે વધુ લાગણી કે સહાનુભૂતિ ન રાખે. એક વખત તેના મિત્રએ કહ્યું કે, તું કેમ આવું કરે છે? જે છોકરા કે છોકરી ટેલેન્ટેડ હોય એને તારે મદદ કરવી જોઈએ. એની પાછળ વધુ ધ્યાન આપવું જોઈએ. આ વાત સાંભળીને પેલા માણસે કહ્યું કે, સાવ સાચું કહું કે હું એવું કેમ નથી કરતો? એનું કારણ એ છે કે, મને ડર લાગે છે. તેણે પછી એક વાત શેર કરી. હું આ કંપની અગાઉ એક કંપનીમાં કામ કરતો હતો. ત્યાં એક છોકરો જોબ પર આવ્યો. નવો હતો. ખૂબ જ ઉત્સાહી. એને જોઈને મને મારી યુવાની અને કામના પ્રારંભના દિવસો યાદ આવી ગયા. મને થયું કે આ છોકરા માટે હું મારાથી બનતું બધું જ કરીશ. મેં તેની પાછળ ખૂબ મહેનત કરી. એ પણ મારું બધું માનતો. એના કામના કારણે એનું પ્રમોશન પણ થયું. મને બીજી કંપનીમાં સારી જોબની ઓફર મળી એટલે મેં એ જોબ છોડી દીધી. એ છોકરાને શુભકામનાઓ પાઠવી. ખૂબ મહેનત કરવાની શિખામણ આપી. હું આ નવી કંપનીમાં કામે લાગી ગયો. થોડા દિવસ પછી એ યુવાન મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું કે, મને નોકરીમાંથી કાઢી મૂક્યો! આ વાત જાણીને મને આશ્ચર્ય થયું. એનાથી પણ વધારે દુ:ખ તો ત્યારે થયું જ્યારે એ છોકરાએ મને નોકરીમાંથી કાઢી મૂકવાનું કારણ કહ્યું. તેણે કહ્યું કે, મને બોલાવાયો. મને કહ્યું કે, તું જૂના બોસનો માણસ છે, બનવા જોગ છે કે તું અહીંની માહિતી તેને પહોંચાડે! તમે ગયા પછી આપણી તો વાત જ નથી થઈ! મારા પર આવો આક્ષેપ અને તમારા પર આવી શંકા! તેની વાત સાંભળી મેં એને આશ્વાસન આપ્યું કે એવું થતું હોય છે. તારામાં ટેલેન્ટ છે. બીજે ક્યાંક થઈ જશે. ચિંતા ન કર! એ યુવાન રડીને મારી પાસેથી ગયો. મારી કંપનીમાં તેને લાયક જોબ હતી, તો પણ મેં તેને એ જોબ ઓફર ન કરી. હું નહોતો ઇચ્છતો કે તેના પર લાગેલી મારા માણસની છાપ પાક્કી થઈ જાય. આ ઘટના પછી હું સાવચેત થઈ ગયો. હવે હું કોઈ છોકરા-છોકરીને વધુ પડતી મદદ કરતો નથી.
આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તું પણ ગજબ છે. કોઈ શું બોલશે, કોઈ શું વિચારશે, કોઈ શું માનશે અને કોઈ શું ધારશે એવું વિચારીને આપણે જે કરતા હોઈએ એ બંધ કરી દેવાનું? માણસે સરવાળે એક જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે એ પોતાની જાત સાથે ઓનેસ્ટ હોય. મારો ઇરાદો સારો છે એટલી ખબર હોય તો પૂરતું છે. બધા આપણે સમજતા હોય એવું જરૂરી નથી. લોકો શું વિચારશે એ એની સમજણશક્તિ ઉપર છોડી દેવાનું. બધા સારું જ વિચારે એવું જરૂરી નથી. એવું શક્ય પણ નથી. જે લોકો સ્વાર્થ વગર કંઈ ન કરતા હોય એ લોકો ક્યારેય સ્વીકારી જ નથી શકવાના કે કોઈ માણસ કંઈ સ્વાર્થ વગર કંઈક કરતા હોય! લોકોની માન્યતા લોકોને મુબારક. આપણા સત્યને કોઈ અસત્ય સમજે તો એમાં વાંક આપણો નહીં, પણ એનો હોય છે. આપણો વાંક ન હોય તો આપણે ચિંતા શા માટે કરવી જોઈએ?
બીજી એક વાત યાદ રાખવી પણ જરૂરી છે કે, બધા ક્યારેક આપણને સમજવાના જ નથી. બધાને સમજાવવા જશો તો જે કરવું હશે એ નહીં કરી શકો. આપણો જન્મ કંઈ બધાને સમજાવવા માટે થયો નથી. બધાને રાજી રાખવાનું કામ આપણું નથી. ઘણા લોકો એવા હોય છે જેના માટે તમે ઘસાઈ જાવ તો પણ એને કંઈ ફેર પડવાનો નથી. આપણા લોકો આપણને સમજે એટલું જ જરૂરી છે. ક્યારેક તો એવું પણ બનવાનું કે આપણા લોકો પણ આપણને ન સમજી શકે! આવું થાય ત્યારે દુ:ખ થાય છે. દુ:ખ સહન કરી લેવાનું પણ જે કરતાં હોય એ છોડવાનું નહીં!
એક યુવતીની આ વાત છે. નવી નવી સાસરે ગઈ. સાસરાના લોકો માટે તેનાથી થાય એ બધું કરી છૂટે. એને થાય કે કોઈક તો મારું સારું બોલે. કોઈ ક્યારેય એનાં વખાણ ન કરે. ધીરે ધીરે એ કંટાળવા લાગી. આ કોઈને કંઈ ફેર જ પડતો નથી. હું ખોટી સારી થવા જાઉં છું. મને ક્યારેય જશ મળવાનો નથી. હું ઘરની વહુ એટલે આ બધા તો એનો અધિકાર હોય એ રીતે વર્તવા લાગ્યા છે. મારે હવે ઓછું કરી નાખવું છે. એક દિવસ ઘરમાં પ્રસંગ હતો. તેણે પોતાની આવડત અને આદત મુજબ પૂરી લગનથી બધું જ કર્યું. રાત પડે એ ખૂબ જ થાકી ગઈ. બેડરૂમમાં ગઈ. એનો હસબન્ડ એની રાહ જોતો હતો. એ એટલી થાકી ગયેલી કે સીધી પથારીમાં પડી. તેનો હસબન્ડ નજીક ગયો. તેના માથા પર હાથ મૂક્યો. તેણે કહ્યું, બહુ થાકી ગઈ છે ને આજે! તેં બધું બહુ સારી રીતે કર્યું. આઇ એમ પ્રાઉડ ઓફ યુ. સાચું કહું, તું કરે છે એટલું હું ન કરી શકું. મને તારું ગૌરવ છે! પત્નીની આંખો ધીમે ધીમે ભીની થવા લાગી. પતિના હાથ તેણે આંખો પર મૂકી દીધા. તેણે કહ્યું, થેંક્યૂ! તારા શબ્દોથી મારો થાક ઊતરી ગયો. એક વાત પૂછું, હું બરાબર કરું છું ને? પતિએ કહ્યું, હા, તું એકદમ બરાબર કરે છે. મને એ પણ ખબર છે કે તને કોઈ એપ્રિસિએટ નથી કરતું. એ લોકોને જે કરવું હોય એ ભલે કરે, પણ તું આવી ને આવી રહેજે. એક વાત યાદ રાખજે, કોઈ સમજે કે ન સમજે, હું તને સારી રીતે સમજુ છું. કોઈ તારાં વખાણ કરે ન કરે, હું તને એપ્રિસિએટ કરું છું. પત્નીએ કહ્યું, બસ, મને આ જ જોઈતું હતું. તું એક સમજે તો બસ છે. બીજાથી બહુ ફર્ક નથી પડતો.
આપણે બીજા પાસેથી એવી આશા રાખીએ છીએ કે લોકો આપણને સમજે. તેની સાથે થોડુંક એ પણ વિચારવું જોઈએ કે, હું કોને કેટલા સમજુ છું? મને કોની કેટલી કદર છે? દુનિયામાં સૌથી મહત્ત્વનું એ છે કે, આપણને ખબર હોય કે હું કેવો છું? તમે એક સારા હશો તો દુનિયા એટલિસ્ટ તમારા પૂરતી સારી થવાની છે. દુનિયાનું અસ્તિત્વ સારા લોકોની અને સારાં તત્ત્વોથી છે. કુદરત પણ આ જ શિરસ્તો અપનાવતી હોય એવું નથી લાગતું? તમે જુઓ, દિવસના 24 કલાકમાં અંધારું તો આઠ કલાક જ હોય છે. બાકીના સોળ કલાક તો અજવાળું જ હોય છે ને? ઈશ્વરનો એ જ સંકેત છે કે અંધારું તો ઓછું જ છે, અજવાળું વધારે છે. તમે અજવાળાને એન્જોય કરો. અંધારાની ચિંતા ન કરો. જિંદગીમાં પણ થોડુંક ન ગમે એવું હોવાનું છે. ગમે એવું કેટલું બધું છે. એને માણો. બધા બધું સમજે એવી અપેક્ષા ન રાખો. પોતાની વ્યક્તિ સમજતી હોય તો ઇનફ છે. એ પણ દરેક વખતે સમજે જ એવું જરૂરી નથી. આપણે સમજતા હોવા જોઈએ કે, હું સાચો છું, હું સારો છું, હું ખોટું કરતો નથી, મારી દાનત સારી છે. બધાને રાજી રાખવા જશો તો તમે જ રાજી રહી નહીં શકો!
છેલ્લો સીન :
તમે જો એવું ઇચ્છતા હોવ કે તમને લોકો સમજે તો સૌથી પહેલાં તમે પોતાને સમજો. પોતાને સમજતા હોઈએ તો પછી બીજાને સમજાવવાની બહુ ચિંતા કરવા જેવું પણ રહેતું નથી. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 30 જાન્યુઆરી 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
As always sir..heart touching…
Ek vat puchu !! Sir tme km kyarey tmari personal life vishe nthi lkhta ?
Am j… mane lage che ke loko ne angat vato karta biju janvama vadhu ras hoy che.
👍👏😃
🙂 Shubhkamnao.
superb sir,, very nice …
Thank you