આપણા નામનો આપણી જિંદગી
પર કોઈ પ્રભાવ હોય છે ખરો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
આપણું નામ જ્યારે પાડવામાં આવે છે ત્યારે
આપણને કંઈ સમજ હોતી નથી, પણ એ નામ આપણી ઓળખ
બની જતું હોય છે. તમારું નામ તમને ગમે છે ખરું? છેલ્લે તો
આપણે જ આપણું નામ સાર્થક કરવાનું હોય છે.
અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીનું એક રિસર્ચ એવું કહે છે કે,
આપણું નામ આપણા મૂડ, મિજાજ, માનસિકતા, કામ-ધંધા
અને આર્થિક સ્થિતિને સીધી અસર કરે છે
ઓળી ઝોળી પીપળ પાન, ફોઈએ પાડ્યું ‘ફલાણું’ નામ. આપણે છ દિવસના હોઈએ ત્યારે પરિવારજનો ભેગા થઈને આપણું નામ પાડી દે છે. એ સમયે આપણને કોઈ ગતાગમ હોતી નથી. આમ છતાં નાના હોઈએ અને કોઈ આપણા નામથી આપણને બોલાવે એટલે તરત જ આપણે ડોકું ઘુમાવીએ છીએ. આપણા નામમાં આપણો કોઈ હાથ નથી હોતો. આપણને એક નામ મળી જાય છે તે આખી જિંદગી આપણી સાથે જોડાયેલું રહે છે. આપણું નામ એ આપણી ઓળખ હોય છે. તમને કોઈ સવાલ પૂછે કે તમને તમારું નામ ગમે છે? તો તમે શું જવાબ આપો? માનો કે નથી ગમતું અને તમારા હાથમાં હોય તો તમે તમારું શું નામ રાખો? આપણે અમુક નામો સાંભળીએ એટલે તરત તેના વિશે મનમાં એક ખ્યાલ બાંધી લઈએ છીએ. એ વાત જુદી છે કે, એ જો ખોટું પડે ત્યારે આશ્ચર્ય થાય છે. માનો કે કોઈનું નામ બહાદુર હોય અને એ સાવ બીકણ હોય તો? આમ તો કાયદો આપણને આપણું નામ બદલવાની તક આપે છે, પણ કેટલા લોકોએ પોતાનું નામ બદલ્યું હોય છે? બહુ ઓછા લોકો પોતાનું આખેઆખું નામ બદલતા હોય છે. બદલે તેનું કારણ એ નથી હોતું કે, મને મારું નામ નથી ગમતું, કારણ કંઈક બીજાં જ હોય છે. મોટા ભાગે તો દસ્તાવેજમાં નામમાં કંઈ ભૂલ થઈ હોય તો એફિડેવિટ કરાવીને નામમાં સુધારો કરાવવામાં આવે છે.
નામની વાત નીકળે ત્યારે શેક્સપિયર યાદ આવ્યા વગર ન જ રહે! શેક્સપિયરે કહ્યું હતું કે, વોટ ઇઝ ધેર ઇન એ નેઇમ. નામમાં શું બળ્યું છે? આપણે ગુલાબને કોઈ બીજા નામે બોલાવીએ તો એ કંઈ એની ખુશબૂ બદલવાનું નથી. શેક્સપિયરે ભલે એમ કહ્યું, પણ બે ઘડી વિચાર કરો કે ગુલાબને આપણે મોગરાના નામે બોલાવીએ તો કેવું લાગે? આપણા કાને ગુલાબ એવું નામ પડે એટલે તરત જ આપણા મનમાં એક છબી રચાઈ જાય છે. અમુક નામો વજનદાર હોય છે, એ નામ પડે એટલે એક ખુમારી ખડી થતી હોય છે. તમે શુ માનો છો કે નામથી કોઈ ફેર પડે છે ખરો? નામ એવા ગુણ એ વાતમાં તમે વિશ્વાસ ધરાવો છો? તમે માનો કે ન માનો, અમેરિકાની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી દ્વારા થયેલા એક રિસર્ચનું તારણ એવું છે કે, આપણા નામની આપણા પર પૂરેપૂરી અસર થાય છે. આ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચના ડાયરેક્ટર ડેવિડ ફિગ્લિયોએ જુદી જુદી રીતે નામની અસરો ઉપર અભ્યાસો કર્યા હતા.
ડેવિડ ફિગ્લિયોએ આફ્રિકન અને અમેરિકન નામો ઉપર અભ્યાસ કર્યો. અમુક નામોવાળા લોકો અમીર હતા અને અમુક નામવાળા ગરીબ હતા! એ વિશે લાંબા અભ્યાસ બાદ તેમણે કહ્યું કે, નામની અસર આર્થિક સ્થિતિ પર પડે છે. કામ, ધંધો કે નોકરી સાથે પણ નામને સંબંધ હોય છે. ડેવિડે થોડાક બાયોડેટા તૈયાર કર્યા. એ બોયોડેટા તેમણે જુદી જુદી કંપનીમાં જોબ માટે મોકલ્યા. અમુક નામોને કંપનીઝ તરફથી વધુ ઇન્ટરવ્યૂ કોલ મળ્યા, અમુકને ઓછા. તમે જ્યારે તમારો બાયોડેટા કોઈને મોકલો છો ત્યારે વાંચનાર તમારું નામ વાંચીને જ અમુક અભિપ્રાયો બાંધી લેતા હોય છે. આ વાત નામનો પ્રભાવ વ્યક્ત કરે છે. એક બીજું રિસર્ચ ભાઈ-બહેનો ઉપર કરવામાં આવ્યું. એવાં ભાઈ-બહેનનાં નામ પસંદ કરવામાં આવ્યાં, જેમાં એકનું નામ પ્રભાવશાળી હતું અને બીજાના નામમાં કોઈ ખાસ દમ હતો નહીં. આ અભ્યાસમાં પણ એવું જણાયું કે, જેના નામમાં કંઈ ખાસ દમ ન હતો એ ભણવામાં ઠોઠ હતા. પ્રભાવશાળી નામવાળા સ્ટડીમાં હોશિયાર હતા. આપણે ક્યારેય જે સ્ટુડન્ટ્સ રેન્કર્સ હોય છે તેના નામ પર વિચાર કે કોઈ અભ્યાસ કરતા નથી, તેના ઉપર જો કંઈ કામ થાય તો ખબર પડે કે નામવાળી વાત કેટલી સાચી કે કેટલી ખોટી છે? આપણે એવું તો ઘણી વાર જોઈએ છીએ કે, જે છોકરાનાં નામ મસ્તીખોર હોય એ તોફાની હોય છે. અમુક નામ પડે એટલે આપણે પણ એવું બોલતા હોઈએ છીએ કે, આ નામવાળાં તોફાની જ હોય! અમુક નામવાળાં શાંત જ હોવાનાં. જોકે, અપવાદ તો એમાં પણ જોવા મળે જ છે. ક્યારેક આપણે કહીએ છીએ કે એ તો નામ પૂરતો જ ડાહ્યો છે, તેનાં લખણ સાવ જુદાં છે.
તમે એવા ઘણા કિસ્સાઓ જોયા હશે કે, અમુક લોકો તેના નામમાં ફેરફાર કરાવે છે. ન્યૂમરોલોજીના કારણે નામમાં એકાદ બે શબ્દો ઉમેરાવે છે. એ શું કામ કરે છે? એને એવું તો હોય જ છે ને કે નામ બદલશું તો કદાચ કિસ્મત બદલશે. ભલે પછી નામમાં ફેરફાર કરવાનું ગમે તેણે કહ્યું હોય. તમને આખી જિંદગી તમારા નામથી બોલાવવામાં આવે છે. તેની અસર તો તમારા પર પડવાની જ છે ને! તમે જ્યાં ઘણા લોકો ભેગા થયા હોય એવી જગ્યાએ ગયા હોવ અને કોઈ તમારું નામ પોકારે, પછી તમને ખબર પડે કે એ તો તમારા નામેરી બીજી કોઈ વ્યક્તિને બોલાવતા હતા તો પણ તમારું મોઢું જરાક મલકે તો છે જ. અમુક નિષ્ણાતો તો એવું કહે છે કે, કોઈ તમને ભૂલથી કે ઇરાદાપૂર્વક ખોટા નામે બોલાવે તો એને રોકો, કારણ કે તમારું નામ એ તમારી આઇડેન્ટિટી છે. તમારી ઓળખને બગડવા ન દો. કોઈપણ બાળકનું નામ રાખવામાં કાળજી રાખો, કારણ કે એણે એ નામ સાથે આખી જિંદગી કાઢવાની છે. નામ પ્રભાવશાળી રાખો જેથી તેની સારી અસરો થાય. બોલવામાં અઘરાં હોય એવાં નામ રાખીએ તો એની જિંદગી અઘરી બનવાની શક્યતાઓ રહે છે. છોકરાનું નામ છોકરી જેવું કે છોકરીનું નામ છોકરા જેવું ન રાખો. મર્દાના નામવાળી છોકરીઓ ભારાડી હોઈ શકે છે. ગર્લીશ નામવાળા છોકરાઓમાં છોકરીઓ જેવાં લક્ષણો હોઈ શકે છે. નામ અંગેના અભ્યાસમાં એવું પણ કહેવાયું છે કે, માત્ર નામ જ નહીં, આપણી સરનેમ પણ આપણા વ્યક્તિત્વને અસર કરે છે. હવે આ બધી વાતોમાં કેટલું સાચું અને કેટલું ખોટું, એ પણ સવાલ તો છે જ. ગમે તે હોય, એક વાત તો સાચી જ છે કે નામ પાડવાનું હોય ત્યારે ખમતીધર અને પ્રભાવશાળી રાખવું. છેલ્લે એક વાત, નામ ગમે તે હોય, છેલ્લે તો આપણે જ આપણું નામ સાબિત કરવાનું હોય છે. જે ખમતીધર નામો છે એણે એનું નામ સાબિત કર્યું હતું એટલે જ તો એના નામની નોંધ લેવાય છે!
(‘દૂરબીન’ કોલમ, ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 06 જાન્યુઆરી 2019, રવિવાર)
kkantu@gmail.com
Yes sir..its right….my Name is aneri…and really im different than others…
Great. Shubhkamnao.