ઉદાસી ઓઢીને ફરવાની મોસમ
બહુ આકરી લાગતી હોય છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ન મળવાની ચીજો મળી પણ શકે છે,
ઘણીવાર સ્વપ્નો ફળી પણ શકે છે,
અહીં ઠેકઠેકાણે આવે વળાંકો,
તું મરજી પ્રમાણે વળી પણ શકે છે.
-કિરણ ચૌહાણ
જિંદગીમાં ઉદાસીનો પણ એક પડાવ હોય છે. ઉદાસીનો આલમ છવાય ત્યારે દરેક મોસમ અઘરી અને આકરી લાગે છે. ઉદાસી આખા દિવસમાં ક્યારે સૌથી વધુ ક્રૂર હોય છે? કદાચ સાંજના સમયે ઉદાસી વધુ અઘરી બને છે. કંઈ જ મન નથી થતું. એ ઉદાસી, તું કેવી છે? કંઈ સ્પર્શતું નથી. કોઈ સાથે વાત કરવાની ઇચ્છા થતી નથી. ક્યારેક કોઈ જ વાતનો કશો મતલબ લાગતો નથી. વેરવિખેર મન ક્યાંય પરોવાતું જ નથી! રાતે તું સૂવા નથી દેતી. કરવટ બદલું ત્યારે કરવત ચાલતી હોય એવું લાગે છે. ક્યારેક સવારના પહોરમાં તું ઘેરી વળે છે. તને ખંખેરવાનો પ્રયાસ કરું છું તો તું વધુ ચીપકી જાય છે. વિચારોના ઘોડા બેકાબૂ થઈ જાય છે. ઊંડો શ્વાસ લઈને દિલને આશ્વાસન આપવાનો પ્રયાસ કરું છું, પણ શ્વાસ જ જ્યારે ઊંડો ઊતરી રહ્યો હોય ત્યારે શું કરવું? નિસાસો પણ નગુણો લાગે છે. કંઈ જ રાહત આપતો નથી. ઉદાસી, મને નથી ગમતી તું. કંઈ જ ગમતું ન હોય ત્યારે તું ક્યાંથી ગમે? કોઈ ન હોય ત્યારે તું જ હોય છે. ક્યારેક તો એમ થાય છે કે તારી સાથે જ દોસ્તી કરી લઉં. તને જ પેમ્પર કરું. તને જ ઓઢી લઉં. બધું છોડી દઉં. હું અને મારી ઉદાસી. ધીમે ધીમે મને તારી સાથે જ મજા આવવા માંડશે. ભલે દુનિયાને એવું લાગે કે હું ખોવાયેલી કે ખોવાયેલો છું. મેં સાંભળ્યું છે કે, ઉદાસીને ન ખંખેરીએ તો ઉદાસી ગમવા લાગે છે. બીજું કંઈ તો ગમતું નથી, ભલેને તું ગમે!
કોઈક કંઈ કરે ત્યારે સવાલ થાય છે કે એણે કેમ આવું કર્યું? મારો શું વાંક હતો? કેમ એણે ના પાડી? કેમ એણે સંપર્ક કાપી નાખ્યો? જેને સર્વસ્વ માનતા હોઈએ એ જ કેમ સખત થઈ જતા હોય છે? કોઈ ‘સખત’ થાય ત્યારે આપણે પણ ‘જડ’ જેવા થઈ જઈએ છીએ. સારા હોવાનો પણ કોઈ અર્થ લાગતો નથી. સાચા હોઈએ તો પણ કોને ફેર પડે છે? જીવતો જાગતો માણસ કંઈ એમ ને એમ તો જડ જેવો થઈ જતો નહીં હોય ને? બસીર બદ્રએ લખ્યું છે ને, ઉસે કિસી કી મહોબત કા એતબાર નહીં, ઉસે જમાને ને શાયદ બહુત સતાયા હૈ! ક્યારેક તો કોઈ સહાનુભૂતિ બતાવે તો પણ છેતરામણી લાગે છે. આશ્વાસન, સાંત્વના કે સહાનુભૂતિ જ્યારે અસર ન કરે ત્યારે માણસની એકલતા અને ઉદાસી તમામ સીમાઓ ઓળંગી શૂન્યાવકાશ સુધી પહોંચી ગઈ હોય છે. બધું ઠીકઠાક કરવાનો પ્રયાસ કરું છું અને પછી જાંનિસાર અખ્તરની ગઝલ ગણગણું છું, યે ઇલ્મ કા સૌદા યે રિસાલે યે કિતાબે, ઇક શખ્સ કી યાદોં કો ભુલાને કે લિયે હૈ! પરીક્ષાઓ હતી ત્યારે એવું થતું કે યાદ રાખવું બહુ અઘરું છે, પણ જિંદગી જ્યારે પરીક્ષા લે ત્યારે એવું થાય છે કે ભૂલવું વધુ અઘરું છે! જે ભૂલવું છે એ કેમ નથી ભુલાતું? જો બીત ગયા હૈ વો, ગુજર ક્યૂં નહીં જાતા? બેનામ સા યે દર્દ ઠહર ક્યૂં નહીં જાતા? જે ચાલ્યું ગયું હોય છે એ કેમ નથી ભુલાતું?
આપણી જિંદગી આખરે તો આપણી સાથે જોડાયેલા અમુક લોકો પૂરતી જ મર્યાદિત હોવાની. આપણા હોવાથી, આપણા ન હોવાથી, આપણી ખુશીથી, આપણા ગમથી, આપણી સફળતાથી, આપણી નિષ્ફળતાથી, આપણા ઉત્સાહથી અને આપણી ઉદાસીથી આખરે કોને ફેર પડતો હોય છે? કોણ આપણા ચહેરાની રેખાઓ ઓળખી જતું હોય છે? આપણા નિસાસાની આહ કોણ ઝીલતું હોય છે? કોને એની ચિંતા હોય છે કે, તું કેમ મજામાં નથી? બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે જેનામાં આપણે થોડા જીવતા હોઈએ છીએ. આપણે ઉદાસ હોઈએ ત્યારે એનો જીવ પણ થોડોક મૂંઝાતો હોય છે. પ્રેમ, સ્નેહ, સંબંધ અને લાગણીનું એક લક્ષણ એ પણ છે કે આપણી વ્યક્તિ ઉદાસ હોય તેનો આપણને અણસાર આવી જાય. એવો વિચાર આવે કે, શું કરું તો આને મજા આવે?
એક છોકરીની આ વાત છે. એક છોકરા સાથે તેને પ્રેમ હતો. જોકે, બંનેને બહુ લાંબું બન્યું નહીં. બંનેએ જુદા પડવાનું નક્કી કર્યું. આપણે સમજી વિચારીને બધું કર્યું હોય છતાં એ ક્યારેક અસહ્ય વેદના આપતું હોય છે. આપણને અમુક આદતો પડી હોય છે. માણસનું પણ વ્યસન થતું હોય છે. બીજાં વ્યસનો છોડવાં કદાચ સહેલાં હશે, પણ માણસનું વ્યસન છોડવું અઘરું હોય છે. આપણી જિંદગી સાથે એ વણાઈ ગઈ હોય છે. અમુક સમય નક્કી હોય છે. આ સમય એને ફોન કરવાનો છે. ઊઠીને ગુડ મોર્નિંગનો મેસેજ અને સૂતા પહેલાં ગુડ નાઇટના મેસેજની આદત પડી ગઈ હોય છે. અચાનક કટઓફ થવાનું આવે ત્યારે દિલ પણ કપાતું હોય છે. બ્રેકઅપ થયા બાદ એ છોકરીની ઉદાસી તેની એક બહેનપણી ઓળખી ગઈ. એ તેનું ધ્યાન રાખવા માંડી. એક દિવસ તેણે પોતાની બહેનપણીને કહ્યું કે, મારું બ્રેકઅપ થયું એટલે તું મારું વધુ ધ્યાન રાખે છે ને? તેની ફ્રેન્ડે કહ્યું, એવું છે પણ ખરું અને નથી પણ ખરું. મને તો એટલી ખબર છે કે મારે જ્યારે તારી પાસે હોવું જોઈએ ત્યારે હું તારી નજીક હોઉં. આપણે સારો સમય પણ એન્જોય કર્યો છે. નબળો સમય હળવો કરવાની જવાબદારી પણ આપણી જ છે. જિંદગીમાં કોઈ દૂર જાય ત્યારે કોઈ નજીક હોય તો હળવાશ લાગે. તારી ઉદાસી તારે જ હટાવવી પડશે. મારો ઇરાદો તો એ ઉદાસીને થોડોક ધક્કો મારવાનો જ છે જેથી એ થોડીક વહેલી ચાલી જાય. તને એક જ વાત કહેવી છે કે, હું તારી સાથે છું. હું તને પ્રેમ કરું છું. કોઈ એક વ્યક્તિનો પ્રેમભંગ થાય ત્યારે માત્ર એટલો વિચાર કરજે કે તને પ્રેમ કરવાવાળા બીજા ઘણા લોકો પણ છે. આપણે ઘણી વખત એક વ્યક્તિને સર્વસ્વ માની લેતા હોઈએ છીએ. એ સંજોગોમાં બીજા કોઈ ઉપર નજર જ નથી જતી. બીજા ઘણા હોય છે જે તમને પ્રેમ કરતા હોય છે. આપણે ક્યારેક એ લોકોને ગંભીરતાથી લેતા નથી.
એક છોકરીની સગાઈ થઈ. બધું ‘એરેન્જ્ડ’ હતું. સગાઈ અને લગ્નના સમયગાળામાં શરૂ શરૂમાં તો બધું સારું હતું. છોકરી બહુ ખુશ હતી. ફિયાન્સને મળતી ત્યારે ખુશ રહેતી. ધીમે ધીમે એના ચહેરાની રેખાઓ બદલવા લાગી. ઉદાસી ઓળખાઈ જતી હોય છે. બોલવાનું ઓછું થવા લાગે છે. શબ્દો તરડાતા હોય છે. તેની ફ્રેન્ડ બધું ઓબ્ઝર્વ કરતી હતી. એક દિવસ તેની ફ્રેન્ડે પૂછ્યું કે, શું વાત છે? કઈ વાત તને પજવે છે? પહેલાં તો એ છોકરીએ કહ્યું કે, ના એવી કોઈ વાત નથી. ઉદાસ હોય ત્યારે માણસ ઘડીકમાં ખૂલતો નથી. નજાકત અને સલુકાઈથી તેને ખોલવો પડે છે. મને સાચી વાત નહીં કરે? એવું કહ્યું ત્યારે છોકરીએ કહ્યું કે, એની સાથે મને ફાવે એવું લાગતું નથી. એના વિચારો, એની માન્યતા બહુ જુદાં છે. તેની ફ્રેન્ડે કહ્યું કે, તો તું ઘરે વાત કર. છોકરીએ ના પાડી. મા-બાપની હાલત કેવી થઈ જશે? તેની ફ્રેન્ડે કહ્યું કે, તું એમ કેમ નથી વિચારતી કે તારી હાલત કેવી થઈ જશે? એ છોકરી ન માની. આખરે તેની ફ્રેન્ડ એક દિવસ એ છોકરીના પિતાને મળવા ગઈ. તમારી દીકરી તમને સાચી વાત કરતી નથી. તેણે બધું સાચેસાચું કહી દીધું. એ દિવસે રાતે પિતાએ દીકરીને કહ્યું કે, આવું હતું તો તેં અમને કેમ વાત ન કરી? તને ખબર છે કે તેં વાત ન કરી હોત તો ભવિષ્યમાં કેવો અનર્થ થાત! તારી ખુશી, તારાં સુખ અને તારી શાંતિથી બીજું શું હોઈ શકે? આપણે એવી વ્યક્તિ સાથે આગળ નથી વધવું જેની સાથે તું સુખી રહી ન શકે. સમાજની પરવા હું કરતો નથી. તારી આંખમાં આંસુ હશે ત્યારે એ લૂછવા માટે સમાજ નહીં આવે. એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ છે કે તારી આંખમાં આંસુ જ ન આવે.
આ ઘટના પછી એ છોકરીની ફ્રેન્ડ એને મળી. તેં મને પૂછ્યા વગર મારી વાત પપ્પાને કરી દીધી? પેલીએ કહ્યું, હા, કરી દીધી. મને જે વાજબી લાગ્યું એ મેં કર્યું. તને ગમે કે ન ગમે. તું મારી સાથે સંબંધ રાખે કે ન રાખે. તેની ફ્રેન્ડ ઊભી થઈ અને તેને વળગી પડી. તેં સારું કર્યું. કદાચ હું આવું કરી શકી ન હોત! એ ઉત્સાહમાં આવીને બધી વાતો કરવા માંડી. તેની ફ્રેન્ડે કહ્યું કે, કેટલા સમય પછી તું પાછી હતી એવી જોવા મળી! હવે તું ઓરિજિનલ છે. મારે મારી આવી દોસ્ત જ જોઈએ છે. તમારી ઉદાસી કોણ ઓળખી શકે છે? કોણ છે જે તમારો અવાજ જરાકેય ડાઉન હોય તો પારખી જાય છે? કેમ ડાઉન લાગે છે? જો તમારી પાસે એવી વ્યક્તિ હોય તો એને જાળવી રાખજો. અમુક લોકોની હાજરી આપણા નસીબ જેવી હોય છે. બધાનાં નસીબ એવાં નથી હોતાં કે એની પાસે પોતાને રગેરગથી ઓળખતા હોય એવા મિત્ર હોય!
બીજી એક વાત એ કે, તમે કોના માટે એવા છો, જેને તમારાથી ફેર પડે છે? કોણ તમારી હાજરી ઇચ્છે છે? કોને તમારો ઓપિનિયન મેટર કરે છે? કોણ તમને પૂછે છે કે, હું આ કરું કે નહીં? કોણ તમને પોતાના ડિસિઝનની જાણ કરે છે? એ વ્યક્તિને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેતા. આખી દુનિયામાં કેટલા બધા લોકો છે? આપણને તો એકાદ-બેથી જ ફેર પડતો હોય છે. જિંદગી ગણ્યાગાંઠ્યા લોકોથી જ રળિયામણી હોય છે. જેનાથી જિંદગી રળિયામણી હોય એને સૂનકારો ન લાગે એની પરવા હોય તો પૂરતું છે. ઉદાસી ક્યારેક આવવાની જ છે. ઉદાસી ખંખેરવી પડે છે. આપણી ઉદાસી આપણે આપણા હાથે જ ખંખેરવી પડે છે, પણ ઉદાસીને ખંખેરતી વખતે ઝાટકો મારવામાં કોઈ સાથે હોય તો ઉદાસી હટવાની ઝડપ વધી જાય છે.
છેલ્લો સીન:
ઉદાસી આવી જાય તો પણ ઉદાસીને ‘દાસી’ની જેમ રાખો, જે તમને આધીન હોય. ઉદાસી જો રાણી બની જશે તો તમને ગુલામ બનાવી દેશે. ઉદાસી હટાવતા આવડે તો જ ઉત્સાહિત રહી શકાય. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 02 જાન્યુઆરી 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Awesome..
Thank you
👌👍
Thank you