તાજી હવા : હવે આપણે શ્ર્વાસ
લેવાના પણ રુપિયા ચૂકવવા પડશે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
હવાઓમાં ઝેર ઘોળાય રહ્યું છે. એર પોલ્યુશન માઝા મૂકી
રહ્યું છે. આજે દિલ્હીની જેવી હાલત છે એવી સ્થિતિ દેશના
બીજા શહેરોની પણ થઇ શકે છે. સ્વચ્છ વાતાવરણ
હવે સ્વપ્નવત બનતું જાય છે
દિલ્હીની શાળાઓને સૂચના આપવામાં આવી છે કે
બાળકોને ખુલ્લામાં રમવા જવા દેતા નહીં. ભાવિ પેઢી માટે
આપણે કેવી પૃથ્વી મૂકતા જવાના છીએ?
આજકાલ ટેલિવિઝન પર એક જાહેરાત જોવા મળે છે. એક ભદ્દા જેવો માણસ સૂતો છે. કરિના કપૂર તેના મોઢા ઉપર પીંછું ફેરવીને પૂછે છે કે, ગહેરી નીંદ મેં હો? પછી પૂછે છે હેલ્ધી નીંદ મેં હો? છેલ્લે પોતે જ કહે છે કે, ગહેરી અને હેલ્ધી ઊંઘમાં ફેર છે. ઘરની હવા સારી નથી હોતી એટલે એર પ્યોરિફાયર વાપરો. દેશમાં એર પ્યોરિફાયરની ડિમાન્ડ વધતી જાય છે. માણસને આશ્ર્વાસન જોઇએ છીએ કે તે સ્વચ્છ હવા શ્ર્વાસમાં ભરી રહ્યો છે. દેશમાં એર પ્યોરિફાયરની ડિમાન્ડ 40 ટકાના દરે વધી રહી છે. એક અભ્યાસ મુજબ 2021 સુધીમાં આપણા દેશમાં એર પ્યોરિફાયરનું બજાર 209 મિલિયન ડોલર સુધીનું થઇ જશે. નવી નવી કંપનીઓ એર પ્યોરિફાયર લઇને બજારમાં આવી રહી છે.
ઘરનું વાતાવરણ તો કદાચ એર પ્યોરિફાયરથી થોડુંક બદલી જશે પણ બહારના એટમોસ્ફિયરનું શું? એ તો દિવસેને દિવસે બગડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના એક જજે હમણાં એવું કહ્યું કે, દિલ્હીમાં હું મોર્નિંગ વોકમાં નીકળી શકતો નથી. સિગારેટના પેકેટ ઉપર કેન્સરના દર્દીનો બિહામણો ફોટો મૂકી એવી સ્ટેચ્યુટરી વોર્નિંગ મૂકવામાં આવે છે કે સિગરેટ પીવી તબિયત માટે હાનિકારક છે. દિલ્હીમાં હમણાં એક દિવસ પ્રદૂષણ એ હદે પહોંચ્યું હતું કે લોકોને 24 કલાકમાં 23 સિગરેટ પીધા જેટલું નુકશાન થાય! જો આવું જ રહ્યું તો કદાચ એક દિવસ અમુક શહેરોમાં એવા હોર્ડિંગ લગાવવા પડશે કે અહીં શ્ર્વાસ લેવો તબિયત માટે હાનિકારક છે. અમદાવાદમાં અગાઉ એવા હોર્ડિંગ લાગ્યા હતા કે, અમદાવાદીઓ મરશો, પ્રદૂષણ મારશે.
દિલ્હીમાં હમણાં ‘ધ સ્કાય ઇઝ પિંક’ નામની ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. શૂટિંગ પહેલા અભિનેત્રી પ્રિયંકા ચોપરા માસ્ક પહેરીને ફરતી હતી. ફરહાન અખ્તરે એનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું કે, દિલ્હીની હવાઓમાં ઇમોશન્સને માસ્કથી છૂપાવવા પડે છે. મોટા ભાગની ન્યૂઝ ચેનલનું હેડ ક્વાટર દિલ્હીમાં છે એટલે દિલ્હીના પ્રદૂષણની વાત ટીવી પર સૌથી વધુ જોવા મળે છે. બાકી તો દેશના બીજા શહેરોની હાલત કંઇ ઓછી ખરાબ નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગયા મે મહિનામાં જિનિવા ખાતે ગ્લોબલ એર પોલ્યુશન ડેટાબેઝ રિલિઝ કર્યો હતો. દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત દેશમાં ભારતનું નામ ટોપ પર હતું. દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત પંદર શહેરોમાં ચૌદ શહેરો આપણા દેશના છે. તેમાં દિલ્હી, મુંબઇ, આગ્રા, મુઝ્ઝફરપુર, ગુરુગ્રામ, જયપુર, પતિયાલા, જોધપુર અને પટનાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વાપી, અંકલેશ્ર્વર અને બીજા શહેરોની હવા ખતરનાક છે. હવે દરેક શહેરમાં હવામાં પ્રદૂષણનું સ્તર એર ક્વોલિટી ઇન્ડેક્ષ આપવામાં આવે છે. આ ઇન્ડેક્ષ 0થી 50નો હોય તો સારો ગણાય છે. જો કે બહુ ઓછા શહેરોનું વાતાવરણ આટલું સારું હોય છે. આપણે તો મોડરેટ એટલે કે મધ્યમ સ્તરથી ચલાવવા લાગ્યા છીએ. સવાલ એ થાય કે, પ્રદૂષિત વાતાવરણ માટે માણસ બિચારો શું કરી શકે? તમે રોડ પર જતા હોવ અને તમને ઇલેકટ્રીક બોર્ડ પર પ્રદૂષણનું ખતરનાક સ્તર જાણવા મળે તો તમે શું કરો? બહુમાં બહુ તો બુકાની બાંધી શકો. માણસ વાહનના મર્યાદિત ઉપયોગ અને બીજા નાના પ્રયાસો કરીને વાતાવરણમાં થોડોક સુધારો કરવાના પ્રયાસ કરી શકે. દિવાળી ઉપર ફટાકડા અમુક સમયે જ ફોડવાનો આદેશ અદાલતે કર્યો હતો. દરેક માણસે પોતાનાથી બનતું કરવું જોઇએ. જો કે ખરું કામ તો સરકારે કરવાનું રહે છે. અમુક નિયમો સખત ભલે લાગે પણ એ લેવા પડતા હોય છે. દુનિયાના અમુક શહેરો એવા છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના વાહનો પર જ પ્રતિબંધ છે. વાપરવા હોય તો ઇલેક્ટ્રિસિટીથી ચાલતા વાહનો વાપરો.
આપણે આપણી નેકસ્ટ જનરેશન માટે કેવી દુનિયા મૂકી જવાના છીએ? છોકરાઓ ઓક્સીજનના બાટલા વગર બહાર નીકળી ન શકે એવી દુનિયા? દિલ્હીમાં ફેડરેશન ઓફ પબ્લીક સ્કૂલે શહેરની 225 શાળાઓને એવી સૂચના આપી છે કે તમે છોકરાવને આઉટડોર એક્ટિવિટી કરાવતા નહીં. મેદાનમાં છોકરાઓએ રમવાનું પણ નહીં. એસેમ્બલી પણ ઇનડોર જ કરવી. દિલ્હીની કેટલીક હાઇફાઇ શાળાઓએ તો આખી શાળામાં એર પ્યોરિફાયર પ્લાન્ટસ બેસાડ્યા છે. એ શાળાઓ એવો દાવો કરે છે કે અમારી શાળા તમારા બાળકોને આરામથી શ્ર્વાસ લેવાની સુવિધા આપે છે. દિલ્હી વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, દિલ્હીમાં જે રહે છે એ લોકોની જિંદગીમાં પ્રદૂષણના કારણે આયુષ્યના છ વર્ષનો ઘટાડો થઇ ગયો છે. દુનિયાના અમુક નેતાઓ દિલ્હીના વાતાવરણના કારણે રાજદ્વારી મુલાકાતે આવવાનું પણ ટાળે છે. અંગ્રેજોએ વાતાવરણને ધ્યાનમાં રાખીને જ પોતાનું હેડ ક્વાટર કોલકાતાથી બદલાવી દિલ્હી કરી નાખ્યું હતું. હવે આપણું આ પોલિટિકલ હેડ ક્વાટર જોખમી બની ગયું છે.
આપણા દેશના શહેરોમાં હવે સારી હવા શ્ર્વસવા માટે ઓક્સીજન બાર ખુલવા લાગ્યા છે. આવું જ ચાલ્યું તો લોકો જેમ જીમમાં જાય છે તેવી જ રીતે ઓક્સીજન બારમાં જતા થઇ જશે. 1997માં જાપાનમાં પહેલું ઓક્સીજન પાર્લર શરુ થયું હતું. એ પછી આપણા દેશમાં 1999માં બેંગાલુરુમાં ડો. કિરણ પટેલ નામના વ્યક્તિએ પહેલું ઓક્સીજન બાર શરુ કર્યું હોવાનું કહેવાય છે. હવે તો દેશના અનેક મોટા શહેરોમાં ઓક્સીજન બાર શરુ થઇ ગયા છે. પર્યાવરણ શાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે હજી જાગી જાવ, નહીંતર બુકાનીથી પણ મેળ નહીં ખાય, ઓક્સીજનના બાટલા સાથે લઇને નીકળવું પડશે. લોકો અગાઉ ફરવા માટે જતા હતા ત્યારે કહેતા કે હવા ખાવાના સ્થળે જઇએ છીએ અથવા તો હવાફેર કરવા જઇએ છીએ, હવે કદાચ હિલ સ્ટેશનમાં આવવા માટે એવી જાહેરાતો થશે કે હવા ખાવા માટે અમારું સ્થળ બેસ્ટ છે, અલબત જો એવું કોઇ સ્થળ બચશે તો! એક વાત નક્કી છે કે ભવિષ્યમાં આપણે આપણા બજેટમાં ચોખ્ખી હવાના ખર્ચનું પણ પ્લાનિંગ કરવું પડશે. ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ તો બોટલ બજારમાં પણ મૂકી દીધી છે. તેમાં ઓકસીજન લીટરના હિસાબે ભરવામાં આવ્યો છે. સાડા સાત લીટરની બોટલનો ભાવ છે 1499 રુપિયા અને 15 લીટરની બોટલ 1999માં પડશે!
પેશ-એ-ખિદમત
ગમ સે મંસૂબ કરુઁ દર્દ કા રિશ્તા દે દૂઁ,
જિંદગી આ તુજે જીને કા સલીકા દે દૂઁ,
સૂરજ આ જાયે કિસી દિન જો મેરે હાથ ‘અલી’,
ઘોંટ દૂઁ રાત કા દમ સબ કો ઉજાલા દે દૂઁ.
-અલી અહમદ જલીલી
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 18 નવેમ્બર 2018, રવિવાર)
kkantu@gmail.com