તું કાલ્પનિક ભયથી
ખોટો ડરી રહ્યો છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઉઘાડાં દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે,
ફરું છું લઈ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે,
નથી ટહુકો કે એ તૂટે, નથી પડઘો કે એ ડૂબે,
ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.
-મનોજ ખંડેરિયા
મને કોઈ ગંભીર બીમારી થઈ જશે તો? મને નોકરીમાંથી કાઢી મૂકશે તો? મારી વ્યક્તિ મને છોડીને ચાલી જશે તો? હું બરાબર પરફોર્મ નહીં કરી શકું તો? હું ફેલ થઈશ તો? મારો બિઝનેસ ઠપ્પ થઈ જશે તો? મારી પાસે જે છે એ નહીં રહે તો? હું જેને પ્રેમ કરું છું, એ બીજાને પ્રેમ કરવા માંડશે તો? મેં જેના પર ભરોસો મૂક્યો છે, એ વિશ્વાસઘાત કરશે તો? મેં એને ખાનગી વાત કરી દીધી, હવે એ બધાને કહી દેશે તો? મારાં સિક્રેટ્સ કોઈને ખબર પડી જશે તો? હું મરી જઈશ તો? આપણને બધાને ક્યારેક આવા વિચારો આવી જતા હોય છે. દરેક માણસ બે એક્સ્ટ્રીમ વચ્ચે જીવતો રહે છે. એક છે વાસ્તવિકતા અને બીજી કલ્પના. આપણે વધુ શેમાં જીવતા હોઈએ છીએ? વાસ્તવિકતામાં કે કલ્પનામાં? જિંદગીની સારી કલ્પના જીવવાનું બળ પૂરું પાડે છે. નકારાત્મક કલ્પના જિંદગીને નિચોવી નાખે છે. કાલ્પનિક ભય આપણા ચહેરાને ચીમળાવી નાખે છે. મોટાભાગની માનસિક બીમારીઓનું કારણ કાલ્પનિક ભય હોય છે.
નબળા વિચારો ક્યારેક બધાને આવતા જ હોય છે. દરેકને ક્યારેક કોઈ અજાણ્યો ભય લાગતો જ હોય છે. ડરને વધુ વખત દિલ અને દિમાગમાં રહેવા દેવો જોઈએ નહીં. આપણે અનેક વખત એવું સાંભળતા અને બોલતા આવ્યા છીએ કે વિચારોમાં જબરજસ્ત તાકાત છે. તમે વિચારો એવું થાય છે. સતત સારું વિચારો તો એવું થવાની શક્યતા વધી જાય છે. તેની સામે જો તમે નબળું, નેગેટિવ, ડિસ્ટર્બિંગ વિચારશો તો એવું થવાના ચાન્સીસ પણ વધી જાય છે. માણસ સામે જ્યારે કોઈ વાસ્તવિક પડકાર, મુશ્કેલી, સમસ્યા કે ઉપાધિ આવે ત્યારે એ એનો સામનો કરી લેતો હોય છે. કાલ્પનિક ભયનો સામનો કરવો અઘરો હોય છે. જે હોતું જ નથી તે આપણને વધુ ડરામણું અને બિહામણું લાગે છે. દરેક માણસમાં કુદરતે સમસ્યા સામે લડવાની તાકાત આપી છે. ગમે એવી અઘરી સમસ્યાનો કોઈ ને કોઈ ઉકેલ મળી આવે છે. કાલ્પનિક ડરનો કોઈ ઉકેલ નથી. માણસે એના પર તો પોતાની રીતે જ કાબૂ મેળવવો પડે.
જિંદગીમાં ક્યારેક ‘પડશે એવા દેશું’નો એટિટ્યૂડ પણ કામ લાગતો હોય છે. તમારા કામને ગંભીરતાથી લો, તમારા સંબંધોને સાત્ત્વિક રાખો, જે કંઈ કરો એ પૂરા ખંતથી અને પ્રામાણિકતાપૂર્વક કરો, બીજી ચિંતા ન કરો. પડશે એવા દેશુંનો અર્થ એ જ છે કે પહેલાં પડવા તો દો! આપણે તો કંઈ પડ્યું ન હોય એ પહેલાં જ જાતજાતના વિચાર કરવા માંડતા હોઈએ છીએ. આપણે એવી પણ વાત કરતા હોઈએ છીએ કે, થિંક ઓફ ધ વર્સ્ટ. ખરાબમાં ખરાબ શું થઈ શકે? ગમે એ થાય તો પણ એક વાત યાદ રાખવાની હોય છે, જિંદગી અટકી જવાની નથી. છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી બધી જ શક્યતાઓ જીવંત હોય છે. કંઈક નાનું અમથું થાય તો આપણે એ હદ સુધી વિચારી લેતા હોઈએ છીએ કે બધું જ ખતમ થઈ ગયું. હવે કંઈ બચ્યું નથી. એવું ક્યારેય હોતું નથી. આપણે માની લેતા હોઈએ છીએ.
માણસ ક્યારેક પોતાને જ ‘અંડર એસ્ટિમેટ’ કરતો હોય છે. એને ખબર જ નથી હોતી કે એનામાં શું તાકાત છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એમબીએ કરીને એ માર્કેટિંગની જોબમાં લાગ્યો. ખૂબ દોડધામ કરતો હતો. જોકે, ટાર્ગેટ પૂરો થતો ન હતો. એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બીજી એક-બે જગ્યાએ પ્રયત્નો કર્યા. ત્યાં પણ નિષ્ફળતા જ મળી. એ હતાશ થઈ ગયો. તેનો એક મિત્ર હતો. મિત્ર તેને સમજાવતો કે બધું થઈ રહેશે, ચિંતા ન કર. જોકે, એ યુવાન હતાશામાં વધુ ને વધુ સરતો જતો હતો. એક દિવસ તેના મિત્રએ કહ્યું કે, એક કામ કર. હું એક નાનકડી દુકાન શરૂ કરું છું. તું એ સંભાળ. માર્કેટિંગમાં જેટલો પગાર મળતો હતો એટલો હું આપીશ. યુવાન દુકાને બેઠો. દુકાન ધમધોકાર ચાલવા લાગી. યુવાન ખુશ હતો. એણે મિત્રને કહ્યું કે, તેં મારામાં નવી શક્તિ ઉમેરી. મિત્રએ કહ્યું કે, ના, તારામાં એ શક્તિ હતી જ, તને ખબર ન હતી. તું એવું જ માની બેઠો હતો કે બધું ખતમ થઈ ગયું.
માણસે માત્ર એટલું જ વિચારવાની જરૂર હોય છે કે, હું મારી શક્તિ સાચી દિશામાં વાપરું છું ને? અમુક લોકો ટકવા માટે કે બચવા માટે પોતાની શક્તિ વેડફતા હોય છે. તમને ખબર છે ઓફિસમાં, સમાજમાં કે પોતપોતાના ક્ષેત્રમાં રમાતા પોલિટિક્સ પાછળ ખરું કારણ શું હોય છે? માણસને સતત એમ થયા રાખે છે કે મારી પાછળ રમત રખાય છે, બધા મને પાડી દેવાનું કરે છે. મારે પણ પોલિટિક્સ રમવું જ પડશે. જો હું નહીં રમું તો હું ફેંકાઈ જઈશ. ઇનસિક્યોરિટી આપણને ખટપટ કરવા પ્રેરતી હોય છે. આપણે બધા પર નજર રાખીએ છીએ. ફોન કરીને બાતમીઓ મેળવતા રહીએ છીએ. એમાં આપણે આપણી મોટાભાગની શક્તિ વેડફીએ છીએ. આપણે એટલી તાકાત જો આપણા કામમાં વાપરીએ તો કામ નિખરી આવે છે.
એક યુવાનની આ વાત છે. ખૂબ હોશિયાર અને મહેનતું. પોતાના કામ સિવાય બીજી કોઈ ઝંઝટમાં ન પડે. તેના હરીફને થયું કે આ માણસ મારા માટે જોખમી છે. એ જો ટકી ગયો તો મારું સ્થાન જોખમમાં આવી જશે. એણે ખટપટ શરૂ કરી. એ ફાવી પણ ગયો. એક ખોટો વાંક ઊભો કરીને એને નોકરીમાંથી કાઢી મૂક્યો. એ યુવાન ખૂબ હતાશ થયો. તેણે બીજી કંપનીમાં એપ્લાય કર્યું. ઇન્ટરવ્યૂમાં બોલાવ્યો. એ યુવાનને નોકરી આપવામાં આવી. જૂની નોકરી વિશે કંઈ પૂછવામાં ન આવ્યું. છેલ્લે તેણે સામેથી કહ્યું કે, મારે એક વાત કરવી છે. મને રમત રમતા આવડતું નથી. કામ સિવાય મને કંઈ ખબર પડતી નથી. હું એક વાર ખટપટનો ભોગ બન્યો છું. મારાથી ખટપટ નહીં થાય, માત્ર કામ થશે. તેના બોસે કહ્યું, તમને તમારા કામના કારણે જ આ નોકરી આપવામાં આવે છે, ખટપટના કારણે નહીં. દરેક ઇન્સ્ટ્રીમાં દરેક વ્યક્તિની એક ઇમેજ હોય છે. જે ઇમેજ હોય એ મોટાભાગે સાચી જ હોય છે. કોઈ ઇમેજ એમને એમ બનતી નથી. આપણી પહેલાં આપણી ઇમેજ પહોંચી જતી હોય છે. આપણે જેવા હોઈએ એવા જ દુનિયા આપણને ઓળખતી હોય છે. આપણે કેવા રહેવું એ જ આપણે જોવાનું હોય છે.
માણસ જેમ વધુ આધુનિક થતો ગયો તેમ એનામાં જુદી જુદી જાતના નવા ડર પણ ઉમેરાતા ગયા છે. આપણે તો હવે એ વાતનું પણ ટેન્શન લેવા લાગ્યા છીએ કે મોબાઇલની બેટરી ખતમ થઈ જશે તો? લોકોને બધાથી કટઓફ થઈ જવાનો ડર લાગવા માંડ્યો છે. જાતજાતના ફોબિયાઓથી માણસ ઘેરાઈ રહ્યો છે. એક ડૉક્ટર મિત્રએ કરેલી આ વાત છે. એ જનરલ ફિઝિશિયન છે. તેણે કહ્યું કે મારી પાસે જે લોકો સારવાર માટે આવે છે એ એવા ડરતા હોય છે કે જાણે એને કોઈ ગંભીર બીમારી લાગુ પડી ગઈ ન હોય. માણસ એટલું સ્વીકારતો નથી કે ક્યારેક સામાન્ય તાવ આવે, ક્યારેક શરદી થઈ જાય, એ બધું બહુ સામાન્ય છે. સિઝન બદલાય એટલે તેની અસર શરીર પર થવાની છે. વધારે પડતો શ્રમ થયો હોય તો થાક લાગવાનો છે. હવે તો મોઢામાં ચાંદું પડે તો પણ માણસ સીધું એવું જ વિચારે છે કે આ ચાંદું કેન્સરના કારણે તો નહીં હોય ને? આવું કબજિયાતના કારણે પણ થાય એવું સમજાવતા ક્યારેક અમારા નાકે દમ આવી જાય છે. સામાન્ય ઉધરસ હોય તો દર્દી સામેથી કહે છે કે બધા રિપોર્ટ્સ કરાવવા છે. એને કહેવું પડે કે એક-બે દિવસ દવા તો લો, સારું ન થાય તો રિપોર્ટ્સ કરાવીશું. કુદરતે શરીરમાં અદ્્ભુત શક્તિઓ આપી છે.
સફળતાનું પ્રેશર હોય એ સમજી શકાય, પણ નિષ્ફળતાનો ડર આપણી સફળતાના માર્ગમાં અવરોધ પેદા કરતો હોય છે. તમારી જાત પર શ્રદ્ધા રાખો તો જ તમે જીતશો. અમુક લોકો બિન્ધાસ્ત હોય છે. એ લોકો એવું વિચારે છે કે કંઈ જ ખરાબ નથી થવાનું. માણસની સમજદારી આખરે તો એની વિચારસરણીથી જ બનતી હોય છે. કોઈ મુશ્કેલીમાં ફસાયા પછી પણ જે એવું વિચારે છે કે હું આમાંથી નીકળી આવીશ તો એ સહેલાઈથી અને વધુ ઝડપે તેમાંથી બહાર આવી જાય છે. હાય હાય હવે શું થશે એવો ભય જેને સતાવતો રહે છે, એની હાલત ‘બિચારા’ જેવી થઈ જાય છે. જે લોકો ડિપ્રેશનમાં સરી પડે છે એ પોતાની અંદર જ ભયનું એક જાળું ધીમે ધીમે બનાવતા રહે છે અને પછી પોતે એમાં જ ફસાઈ જાય છે. જિંદગી સુંદર છે. જિંદગીમાં ડરવા જેવું કંઈ હોતું જ નથી. મોટાભાગના ભય આપણે જ સર્જેલાં હોય છે. એટલે જ ઘણી વખત કોઈ કામ પૂરું થઈ જાય, કોઈ ઘટના સમાપ્ત થઈ જાય પછી આપણે જ કહીએ છીએ કે આપણે ખોટા ડરતા હતા નહીં? જેવું વિચારતા હતા એવું તો કંઈ થયું જ નહીં! ડર લાગે એવું વિચારો જ નહીં, સારું વિચારો તો સારું જ થશે!
છેલ્લો સીન :
ભયને જો કાબૂમાં ન રાખીએ તો એ મોટો ને મોટો થતો જાય છે અને છેલ્લે ભય આપણને જ ભરખી જાય છે. દરેક ડરથી મુક્ત હોય એ જ વ્યક્તિ ખરેખર સ્વતંત્ર હોય છે. –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 14 નવેમ્બર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com