ન્યૂ યર રિઝોલ્યુશન : લઇએ તો
છીએ પણ લાંબા ટકતા નથી!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
આપણે આપણી જિંદગીમાં ઘણું બધું કરવું હોય છે,
ઘણું બધું બદલવું પણ હોય છે, એ માટે નિર્ણયો પણ કરીએ છીએ,
જોકે એ નિર્ણયો ક્યારે ભુલાઇ જાય છે એનું ભાન રહેતું નથી.
બહુ ઓછા લોકો ન્યૂ યર રિઝોલ્યુશન ટકાવી શકે છે.
વ્યસન છોડવાનું અને વજન ઘટાડવાનું
રિઝોલ્યુશન સૌથી વધુ લેવાય છે.
તમને તમારામાં શું બદલવા જેવું લાગે છે?
માણસની એક પ્રકૃતિ છે, જ્યારે પણ કંઇક નવું શરૂ થાય ત્યારે માણસ એવું ઇચ્છતો હોય છે કે પોતાનામાં કંઇક બદલાવ લાવે. દરેક માણસને પોતાનામાં શું ખૂટે છે, શું ખામી છે, એની આછીપાતળી ખબર હોય જ છે. પોતાનામાં જે મર્યાદા છે એને હટાવવી પણ હોય છે. ન્યૂ યર, બર્થ ડે વિગેરે એવા દિવસો છે જ્યારે માણસને એમ થાય છે કે બસ આ દિવસથી આવું કરવું નથી અથવા તો આવું જ કરવું છે. નવી નોકરીની શરૂઆત થાય ત્યારે પણ માણસ એવું વિચારતો હોય છે કે આ નવી જોબમાં આટલું ધ્યાન રાખવું છે. સ્ટડી કરતા હોઇએ અને વર્ષ શરૂ થાય ત્યારે સ્ટુડન્ટ એવું જ વિચારતો હોય છે કે આ વર્ષે પહેલેથી ધ્યાન રાખવું છે જેથી કરીને છેલ્લે ખેંચાઇ ન રહેવાય. કોઇને વ્યસન પર કાબૂ મેળવવો હોય છે, તો કોઇને વજન નિયંત્રણમાં રાખવું હોય છે. જિમ જવાના, યોગ કરવાના કે રેગ્યુલર કસરત કરવાના નિર્ણયો તો આપણે અનેક વખત લઇ ચૂક્યા હોય છીએ. લેટ લતીફને એવો વિચાર આવે છે કે હવેથી આપણે સમયની બાબતમાં એકદમ પંક્ચ્યુલ થઇ જવું છે. દાનત ઉમદા હોય છે પણ અમલમાં મક્કમતા હોતી નથી. થોડાક દિવસોમાં નિર્ણયોના પાયા ડગમગી જાય છે. તારીખ પે તારીખ પડતી રહે છે. આપણે આપણી પાસેથી જ આશ્વાસનો મેળવતા રહીએ છીએ. દિલને બહેલાવવા માટે એ બહુ સરળ રસ્તો છે. કરવું તો હતું પણ જુઓને આવું થયું. કંઇક ને કંઇક એવું થાય છે કે ધાર્યું થતું જ નથી!
વેલ, આ વખતે તમે શું રિઝોલ્યુશન લેવા ઇચ્છો છો? એનો જવાબ આપો એ પહેલાં એ કહો કે, ગયા વર્ષે તમે શું રિઝોલ્યુશન લીધું હતું? યાદ આવ્યું કે એ પણ ભુલાઇ ગયું છે? ગયા વખતે લીધું હતું એ જ આ વખતે નથીને? હોઇ શકે. કંઇ વાંધો નહીં. એવું થાય. બધા સાથે એવું જ થતું હોય છે. બહુ ઓછા લોકો પોતાનું રિઝોલ્યુશન ટકાવી શકે છે. એક વિદ્વાને તો એવું કહ્યું હતું કે, જે ટકાવી શકે છે એણે તો મોટાભાગે રિઝોલ્યુશન લેવા જ નથી પડતા, કારણ કે એ લોકો દરેક બાબતમાં પહેલેથી જ સજાગ હોય છે. જોકે સારા બનવાના કે સારું કરવાના વિચાર કરવા એ પણ સારી બાબત છે.
રિઝેલ્યુશન કેમ ટકતા નથી? તેનું કારણ એ છે કે એ ભુલાઇ જાય છે. નિર્ણયો ટકાવવા માટે પણ અમુક નિર્ણયો કરવા પડે છે. દરરોજ તમારે તમારા રિઝોલ્યુશનને યાદ કરવાનું અને એને ફોલો કરવાનું રહે છે. એક એક્સપર્ટે તો એવી વાત કરી છે કે, તમે જે નિર્ણય કરો એની એક ચબરખી બનાવો. આ ચબરખી તમારા બાથરૂમના મિરર પર ચિપકાવી દો. રોજ બ્રશ કરતી વખતે એ તમને યાદ અપાવશે કે તમારે શું કરવાનું છે. બાથરૂમમાં જો ઊખડી જાય તેમ હોય તો તમારા સ્ટડી ટેબલ અથવા તો એવી જગ્યાએ લગાડો કે જ્યાં દરરોજ તમારી નજર પડે. સમયસર પહોંચવા માટે એક માણસે તો વોલ ક્લોકની ઉપર જ એવી ચીટ લગાવી દીધી હતી કે તારે આટલે વાગે નીકળી જ જવાનું છે! તમારે પણ તમને માફક આવે એવો રસ્તો અપનાવવો પડે. બાકી તો દિવાળીએ લીધેલો નિર્ણય દેવદિવાળી સુધી પણ નહીં ટકે.
અમેરિકામાં 2018ની શરૂઆત થઇ ત્યારે લોકો કેવા રિઝોલ્યુશન લેવાના છે તેના પર એક સર્વે થયો હતો. 53 ટકા લોકોએ કહ્યું હતું કે અમે હવેથી રેગ્યુલર થોડી બચત કરીશું. બધું વાપરી નાખીએ છીએ. 45 ટકા લોકોએ વજન ઘટાડવાની અને બોડીને શેઇપમાં લાવવાની વાત કરી હતી. એ સિવાય સ્મોકિંગ છોડવાની, રીડિંગ કરવાની અને ટ્રાવેલ કરવાની વાત લોકોએ કરી હતી. એક કલ્પના કરો કે આ વખતે લોકો કઇ વાતનું રિઝોલ્યુશન લેવાનું વિચારતા હશે? વજન ઘટાડવું, વ્યસન છોડવું, સમયસર પહોંચવું, કસરત કરવી વગેરે તો છે જ, એ ઉપરાંત સૌથી વધુ વિચાર આવતો હોય તો એ છે કે મોબાઇલનો ઉપયોગ ઘટાડવો છે. સોશિયલ મીડિયા પાછળ વધુ સમય બગાડવો નથી. દિવસના અમુક સમય જ મોબાઇલ ડેટા ચાલુ રાખવો છે. કોઇ ખોટી પંચાતમાં પડવું નથી. કારણ વગરનો સમય બગડે છે. જોકે દિવાળી અને ન્યૂ યરના મેસેજિસ જ એટલા આવે છે ને કે જવાબ દેતા નાકે દમ આવી જાય. પહેલા જ દિવસે રિઝોલ્યુશનની વાટ લાગી જાય છે. હવે તો ભાઇબીજ અને લાભ પાંચમના મેસેજિસ પણ ઢગલા મોઢે ઠલવાય છે. ગમે તે હોય મોબાઇલનો યુઝ ઘટાડવાની જરૂર તો છે જ. લોકો દર થોડી મિનિટે મોબાઇલ ચેક કરતા રહે છે. મોબાઇલ એડિક્શન એ આજના સમયની સૌથી મોટી બીમારી અને ખતરાની નિશાની છે. બીજું લોકોને જે થાય છે એ એવું છે કે હવેથી ફેમિલી અને ફ્રેન્ડ્સને વધુ ટાઇમ આપવો છે. આ કામ પણ કરવા જેવું છે. લોકો આજે પોતાની વ્યક્તિ પાસેથી કોઇ અપેક્ષા રાખતા હોય તો એ સમય છે. અમુક લોકોને પોતાનો સ્વભાવ સુધારવાના પણ વિચારો આવતા હોય છે. હવેથી ગુસ્સો નથી કરવો. કોઇ વાતનું પ્રેશર નથી લેવું. બધાની સાથે શાંતિથી વાત કરવી છે. કોઇ લફડામાં નથી પડવું. એ સિવાય કરવા જેવું એક કામ એ પણ છે કે થોડોક સમય પોતાના માટે પણ કાઢો. તમે તમારા વિશે વિચારો. તમને ગમતું હોય એવું કંઇક કરો. એકાદ શોખ પાળો. તમને તમારા વજૂદનો અહેસાસ થતો રહેવો જોઇએ. આપણને દર વખતે એવું થતું હોય છે કે કેટલી ઝડપથી દિવાળી આવી ગઇ! સમય કેમ જાય છે એની ખબર જ નથી પડતી! આપણે બોલીએ છીએ કે ટાઇમ ફ્લાય્સ. વાત ખોટી પણ નથી, એટલે જ કહેવાનું મન થાય છે કે થોડુંક જીવો, પોતાના માટે, પોતાના લોકો માટે અને જિંદગી જેવું કંઇક લાગે એના માટે. સહેલું નથી પણ જો રિઝોલ્યુશનને વળગી રહેશો તો એટલું બધું અઘરું પણ નથી. પહેલું રિઝોલ્યુશન એ લો કે હું જે રિઝોલ્યુશન લઇશ એને પ્રામાણિકતાપૂર્વક વળગી રહીશ, પછી જ જે રિઝોલ્યુશન લેવાના હોવ એ લેજો. બાકી પેલી મજાકમાં કહેવાતી વાત તો છે જ કે, કોણે કહ્યું કે સિગારેટ છોડવી અઘરી છે, મેં કેટલીય વાર છોડી છે!
પેશ-એ-ખિદમત
ભીગી હુઇ આંખો કા યે મંજર ન મિલેગા,
ઘર છોડ કે મત જાઓ કહીં ઘર ન મિલેગા,
યે સોચ લો અબ આખરી સાયા હૈ મોહબ્બત,
ઇસ દર સે ઉઠોગે તો કોઇ દર ન મિલેગા
-બશીર બદ્ર
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 04 નવેમ્બર 2018, રવિવાર)
kkantu@gmail.com
very practical info.
So thank you.
Very practical info so thank you
Thank you.