ફેસ્ટિવલ મૂડ : તહેવારોનો પણ
એક અનોખો ઉન્માદ હોય છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
દિવાળી જેવા તહેવારોમાં માણસ અત્યંત
સંવેદનશીલ થઇ જાય છે. એ બધાને ખુશ જોવા ઇચ્છે છે.
સાથોસાથ કંઇ ખોટું થાય તો નાની અમથી વાતમાં
પણ લાગી આવે છે.
સમયની સાથે તહેવારોની ઉજવણી પણ થોડી થોડી બદલાતી
હોય છે. તહેવારો એકસરખી ચાલી આવતી
કંટાળાજનક જિંદગીને બ્રેક આપે છે
દિવાળીના તહેવારોનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. દિવાળીને દસ દિવસની વાર છે. દિવાળીના તહેવારો તો વાઘ બારસથી જ શરૂ થઇ જાય છે. ફેસ્ટિવલ મૂડ તો એનાથી પણ વહેલા આપણા પર સવાર થઇ ગયો હોય છે. આપણા તહેવારોની એક ખૂબી તમે માર્ક કરી છે? આપણે ત્યાં તહેવારો ઝૂમખામાં આવે છે! મતલબ કે તહેવાર એક દિવસનો નથી હોતા, બે-ચાર દિવસના હોય છે. બારસથી માંડીને ભાઇબીજ એમ દિવાળીના તહેવારો પાંચ દિવસ ચાલે છે. નવરાત્રિ પહેલા નોરતાથી દશેરા સુધી ચાલે છે. છઠ્ઠ, સાતમ અને આઠમ એમ ત્રણ દિવસનો તહેવાર બને છે. હોળી અને ધૂળેટી સાથે આવે છે. ઉત્તરાયણ ભલે એક દિવસની હોય, આપણે વાસી ઉત્તરાયણ મનાવીને તેની ઉજવણી બે દિવસની કરી નાખીએ છીએ. તહેવારો આપણી એકસરખી ચાલી આવતી કંટાળાજનક જિંદગીને બ્રેક આપે છે અને આપણામાં નવી શક્તિનો સંચાર કરે છે. નવું વર્ષ જિંદગીમાં કંઇક નવું થયાની ફીલ આપે છે. બે ઘડી વિચાર કરો કે તહેવારો ન હોત તો? આપણને એવું થાય કે આ તે કેવો સવાલ છે? તહેવારો તો પહેલાં પણ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ હોવાના જ છે. આમ છતાં એ પણ વિચારો કે જેણે પણ તહેવારો ઊજવવાની શરૂઆત કરી હશે એ લોકો કેવા ડાહ્યા હશે? એને ખબર હશે કે જો તહેવારો જેવું કંઇ નહીં હોય તો લોકો ગાંડા થઇ જશે. તહેવારો સમાજ અને પરિવારોને જોડી રાખે છે.
એ વાત કેવી મજાની છે કે દુનિયાનો એકેય દેશ એવો નથી, જ્યાં કોઇ તહેવાર ઊજવાતા ન હોય. દરેકની પોતાની એક સંસ્કૃતિ હોય છે, અમુક પરંપરાઓ હોય છે, કેટલાક રીતરિવાજો હોય છે, સરવાળે એ બધાની પાછળ પણ જિંદગીને જીવવા જેવી બનાવવાનો જ ઉદ્દેશ હોય છે. ફેસ્ટિલવ માણસનો મૂડ અને માનસિકતા પણ કામચલાઉ રીતે બદલી નાખે છે. કોઇની સાથે કંઇ ખરાબ થાય તો આપણને તરત એવું થાય છે કે દિવાળી આવે છે ત્યારે આવું થવું જોઇતું ન હતું. તહેવારોમાં માણસ વધુ ઉદાર પણ થઇ જતો હોય છે. દિવાળી છે ને, આપણાથી કોઇનું થાય એટલું સારું કરીએ. તહેવારોના ઉન્માદમાં માણસ થોડોક બિન્ધાસ્ત પણ થઇ જતો હોય છે. અમુક લોકો એટલા ખુશ હોય છે કે એ ડ્રાઇવિંગ અને બીજાં કામોમાં પણ બેફામ થઇ જાય છે. એક મસ્તી મગજ પર સવાર હોય છે. ખર્ચ કરવામાં પણ વિચાર કરતા નથી, ક્યારેક તો દિવાળી જાય પછી સમજાય છે કે આટલો બધો ખર્ચ કરવાની જરૂર નહોતી. પોતાની વ્યક્તિ કે સંતાનો માટે માણસ પોતાનાથી બને એ બધું જ કરે છે. આપણે ત્યાં તો હજુ તહેવારો સાથે ધર્મ, પરંપરા અને રીતરિવાજો જોડાયેલાં હોય છે એટલે ફેસ્ટિવલ મૂડ થોડોક જુદો હોય છે, વિદેશમાં તો ન્યૂ યર જેવા પ્રસંગોએ લોકોને સમજાવવા પડે છે કે તમારું સેલિબ્રેશન સમજી વિચારીને કરજો. જોજો કોઇ આફત નોંતરી ન બેસતા. આપણે ત્યાં લોકો ખાવા પીવામાં બિન્ધાસ્ત થઇ જાય છે. તહેવારોમાં બહુ વિચાર નહીં કરવાનો! બાકીના દિવસોમાં તો ધ્યાન રાખીએ જ છીએ ને? રંગોળી, દીવા, ફટાકડા, નવાં કપડાં, નવી ખરીદી અને ઘરની સફાઇ. માણસને રિફ્રેશ કે રિબૂટ કરવા માટે જરૂરી છે અને પૂરતી પણ છે. દિવાળી જેવા તહેવારોથી જિંદગી રિસ્ટાર્ટ થતી હોય છે.
અત્યારના સમયમાં સૌથી વધુ જો કોઇ સવાલ પુછાતો હોય તો એ છે કે, શું પ્લાન છે દિવાળીનો? ક્યાં ફરવા જવાના છો? દરેક પોતપાતાનો ગજા મુજબ ફરવાના પ્લાનિંગ કરે છે. ઘણા લોકોને દિવાળી પર ફરવા જવાની રીત પસંદ આવતી નથી. એ લોકો એવું કહે છે કે, દિવાળી તો ભેગા મળીને ઊજવવાનો તહેવાર છે. લોકો એવા આક્ષેપ પણ કરે છે કે હવે કોઇને કોઇનું કંઇ કરવું નથી, એટલે ભાગી જાય છે. જે લોકો ફરવા જાય છે એ એવું માને છે કે આખા વર્ષમાં માંડ આ દિવસોમાં તો મેળ પડે છે, બહાર જઇએ તો ચેન્જ મળે. અમુક શહેરોમાં તો બેસતા વર્ષ પછી સન્નાટો છવાઇ જાય છે. આપણને એમ થાય કે આવું શાંત શહેર તો ક્યારેય જોયું જ નથી! દરરોજ આવું રહેતું હોય તો કેવું સારું! લાભ પાંચમ પછી ફરીથી બધું શરૂ થાય છે. ફેસ્ટિવલ મૂડ ઓસરતા અને કામ ધમધોકાર ચાલુ થવામાં પણ ઘણી વાર લાગે છે.
હવે ફરવાની વાતના મામલે લોકો એવું પણ બોલવા લાગ્યા છે કે તહેવારોમાં ક્યાંય ફરવા જવા જેવું રહ્યું નથી. બધાં જ સ્થળો ઓવરક્રાઉડેડ હોય છે. ભાવ પણ વધુ હોય છે. સર્વિસ પણ જેવી મળવી જોઇએ એવી મળતી નથી. રિઝર્વેશન પણ ઇઝીલી મળતાં નથી. ફલાઇટ અને ટ્રેનના ભાડાં પણ રાડ પડાવી દે એવાં થઇ જાય છે.
તહેવારો માટે પણ એટલું તો કહેલું જ પડે કે બધાની પોતાની માન્યતાઓ, ઘારણાઓ અને સગવડતાઓ હોય છે. તહેવારોમાં માણસની સંવેદનાઓ પણ વધુ કોમળ થઇ જતી હોય છે. નાની અમથી વાતમાં પણ લોકોને માઠું લાગે છે. દિવાળી જેવા તહેવારમાં પણ આવું કરવાનું? કોઇને ના પાડો તો પણ લાગી આવે છે. બાય ધ વે, તમારા આ દિવાળીના શું પ્લાનિંગ્સ છે? જે કંઇ કરો એ સાચવીને અને જાળવીને કરજો. હેવ એ ગ્રેટ ફેસ્ટિવલ ટાઇમ!
પેશ-એ-ખિદમત
આપ હી સે ન જબ રહા મતલબ,
ફિર રકીબોં સે મુજ કો ક્યા મતલબ,
ગૈર કી ઔર ઇસ કદર તારીફ,
હમ સમજતે હૈં આપ કા મતલબ.
-હફીઝ જૌનપુરી
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 28 ઓકટોબર 2018, રવિવાર)
kkantu@gmail.com