શાંતિનો માર્ગ તો આપણે પોતે જ શોધવો પડે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

શાંતિનો માર્ગ તો આપણે

પોતે જ શોધવો પડે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,

પરિસ્થિતિ વિશે ચૂપ પણ રહી શકાય નહીં,

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,

હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં.

-આદિલ મન્સુરી

માણસ આખી જિંદગી સુખ અને શાંતિ માટે ફાંફાં મારતો હોય છે. આપણે જે કંઈ કરીએ છીએ એનો અંતિમ ઉદ્દેશ શું હોય છે? આપણને શું જોઈતું હોય છે? આપણે શું મેળવી લેવું હોય છે? આ બધા સવાલોના અંતે એક સવાલ તો ઊભો જ હોય છે કે શેના માટે બધું જોઈતું હોય છે? કોના માટે બધું જોઈતું હોય છે? તમારી પાસે આ સવાલોના જવાબો છે? આપણે બધા તેના પર વિચાર તો કરતાં જ હોઈએ છીએ. બધું કર્યા પછી પણ સુખ અને શાંતિ મળે છે ખરાં? ક્યારેક તો એવું પણ થતું હોય છે કે સુખ મેળવવા માટે આપણે આપણી શાંતિને દાવ પર લગાડી દેતા હોઈએ છીએ. શાંતિમાં આપણને સુખ મળતું નથી. સંપત્તિ, સાધનો અને સફળતાને આપણે સુખ સમજી લેતા હોઈએ છીએ. એ સુખ નથી, સુખનો એક ભાગ ચોક્કસ છે. સંપત્તિ, સાધનો, સગવડ કે સફળતા મળે પછી પણ જો સાચી શાંતિ અને ખરા સુખનો અનુભવ ન થાય તો બધું વ્યર્થ છે.

આપણા બધાની જિંદગીમાં એક એવી દોડ ચાલે છે જેનો કોઈ અંત જ નથી. જિંદગીનો છેડો આવી જાય ત્યાં સુધી ઘણી વખત સમજાતું જ નથી કે મેં શું કર્યું? જિંદગી જેવી રીતે જીવવી જોઈએ એવી રીતે હું જીવ્યો છું ખરાં? હકીકતે આ સવાલ પૂછવાનો કોઈ મતલબ હોતો નથી, કારણ કે જિંદગી તો ત્યારે જિવાઈ ગઈ હોય છે. માણસે દરરોજ પોતાની જાતને સવાલ કરવો જોઈએ કે મારે મારી જિંદગી જેવી રીતે જીવવી છે એવી રીતે હું જીવું છું ખરો? જો નથી જીવતો તો શું મને અટકાવે છે? જીવનના અંતે જો અફસોસ ન કરવો હોય તો દરરોજ તમારી જિંદગી જીવો.

એક વૃદ્ધ માણસ હતો. જિંદગીના થોડા દિવસો બાકી હતા. એક યુવાને તેને પૂછ્યું, તમને તમારી જિંદગીથી સંતોષ છે? વૃદ્ધે હસીને જવાબ આપ્યો કે, આ પ્રશ્ન હકીકતે જુદી રીતે પૂછવાની જરૂર હતી. જિંદગીથી સંતોષ છે એના કરતાં પણ મહત્ત્વનો સવાલ એ છે કે, તમને તમારા મૃત્યુથી સંતોષ છે? મૃત્યુથી સંતોષ એને જ હોય જે પોતાની જિંદગી ભરપૂર જીવ્યા હોય! ભરપૂર જિંદગીનો મતલબ એવો જરાયે નથી કે મોજ, મજા અને જલસા જ કરવાનાં, ભરપૂર જિંદગીનો અર્થ એ છે કે જ્યારે જે કરવાનું હોય એ દિલથી, પ્રામાણિકતાપૂર્વક અને પૂરી ધગશ સાથે કરવું. સરવાળે શાંતિનો અહેસાસ માણવો. પડકારોને પણ ઝીલવા અને સંઘર્ષોને સહજતાથી સ્વીકારવા.

વૃદ્ધે કહ્યું, મારા ઘણા સંબંધો બગડ્યા છે. ઘણા તૂટ્યા છે. છતાં હું એટલું કહી શકું કે હું મારા સંબંધોમાં વફાદાર રહ્યો હતો. સંબંધ સચવાય અને જિવાય તેની પાછળ એક વ્યક્તિ કારણભૂત નથી હોતી. બંને વ્યક્તિ જવાબદાર હોય છે. સંબંધ દાવ પર હોય ત્યારે આપણે એટલું જ વિચારવાનું હોય છે કે હું ખોટો નથી ને? હું વફાદાર છું ને? મારા કારણે કંઈ થતું નથી ને? બીજાના કારણે કંઈ થાય તો એમાં હું કંઈ ન કરી શકું! આપણા પ્રયાસો પોઝિટિવ હોવા જોઈએ. આપણી દાનત બેદાગ હોવી જોઈએ. આપણા ઇરાદા નેક હોવા જોઈએ. અમુક સવાલોના જવાબ આપણે આપણી પાસેથી મેળવવાના હોય છે. એ જવાબો સાચા હોવા જોઈએ. દરેક માણસ પોતાની પાસેથી સાચા જવાબ નથી મેળવી શકતો. એ સારા અને પોતાની ફેવરના જવાબો શોધતો હોય છે. જે માણસને પોતાની પાસેથી જ સાચા જવાબ મેળવતા આવડે છે એ ખોટા રસ્તે જવાથી બચી જાય છે.

આપણે આપણો જ બચાવ કરતાં રહીએ છીએ. આપણે જ સહાનુભૂતિ મેળવતા રહીએ છીએ. આપણે તો સરવાળે આપણને ફાવે એવું જ કરવાનાને? આપણી ભૂલ આપણને સમજાતી હોતી નથી. આપણો વાંક આપણને દેખાતો હોતો નથી. આપણે એવી વાતો કરતાં રહીએ છીએ કે કોણે શું કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ? માણસે એનાથી વધુ તો એ વિચારવું જોઈએ કે મારે શું કરવું જોઈએ. આપણે સાચા રસ્તા પર હોઈએ તો જ આપણને શાંતિની અનુભૂતિ થવાની છે. રાતે સૂતી વખતે દામન સાફ હોવું જોઈએ. ઊંઘ ઘણી વખત આપણને કહી દેતી હોય છે કે આપણામાં કેટલી શાંતિ છે! શાંતિ માપવાનું કોઈ મશીન નથી હોતું. કેટલી શાંતિને સાચી શાંતિ ગણવી? યોગ કરતી વખતે પણ ઘણા ઉચાટમાં હોય છે. કેટલાક લોકો વ્યસ્ત હોય છતાં પણ શાંતિમાં હોય છે. યોગ પણ આપણે શાંતિના સ્વાર્થ માટે કરીએ છીએ. યોગથી શાંતિ મળે એમાં કંઈ ખોટું નથી, પણ જેને સહજતાથી શાંતિ મળે છે એ સાચો માણસ છે. સંત હોવું એટલે સૌથી પહેલાં પોતાની જાત સાથે સ્વચ્છ અને સ્વસ્થ હોવું. સંત બનવા માટે આશ્રમની કે અનુયાયીઓની જરૂર જ નથી હોતી. સાચો સંત એ જ બની શકે જે પોતાનું સાચું સાંનિધ્ય માણી શકે. પોતાની જાત સાથે જેને આનંદ આવતો નથી એ બીજા કોઈની સાથે સાચી મજા માણી ન શકે.

આપણી અંદર એક ઉકળાટ ચાલતો રહે છે. આપણે અંદર જ વલોવાતા રહીએ છીએ. ક્યાંય ગમતું નથી. મજા આવતી નથી. કોઈ મારું નથી. કોઈને મારી પડી નથી. બધા મારી સાથે રમત કરે છે. હું બધા માટે કેટલું કરું છું, પણ કોઈ મારા માટે કંઈ કરતું નથી. આપણને ફરિયાદો જ હોય છે. તમે તમારી જાતને ફરિયાદ કરો છો કે તું કેમ શાંત નથી? મને કેમ મજા નથી આવતી? લોકો પાસેની અપેક્ષા ક્યારેય પૂરી નથી થવાની, પણ તમને તમારી પાસેથી જે અપેક્ષા છે એને તો પહેલા પૂરી કરો! એક ફિલોસોફરે કહ્યું કે હું ફક્ત મારી પાસેથી જ અપેક્ષા રાખું છું. મારી જાતને કહું છું કે તારે મજામાં રહેવાનું છે. તારી જિંદગી જીવવાની છે. મારે પછી મારી અપેક્ષાઓ પૂરી કરવાની છે. આપણી અપેક્ષા પૂરી કરવા માટે બીજા પાસે રખાતી અપેક્ષામાંથી મુક્તિ મેળવવી પડે! જે અપેક્ષા રાખો એ પોતાના પાસેથી રાખો, બીજા પાસેથી નહીં, તો જ તમને શાંતિ મળશે. શાંતિ અંદરથી જ આવવાની છે, બહારથી નહીં. બહારનું વાતાવરણ તમને થોડીક વાર મજા આપી શકે. આપણે હિલ સ્ટેશન પર જઈએ છીએ ત્યારે આપણને ટાઢક મહેસૂસ થાય છે. એનું એક કારણ એ હોય છે કે આપણે ટાઢક ન હોય એવા વાતાવરણમાંથી જઈએ છીએ. જો ટાઢક જ હોય તો ઠંડક લાગતી નથી. આપણી અંદર જો શાંતિ હશે તો જ બહાર શાંતિ લાગવાની છે!

એક છોકરી સંત પાસે ગઈ. તેણે કહ્યું, મને ચેન નથી પડતું. ઉકળાટ લાગે છે. અશાંતિ લાગે છે. ક્યાંય ગમતું નથી! સાધુએ કહ્યું, મને તો એવું કંઈ નથી લાગતું! નથી બેચેની, નથી ઉકળાટ કે નથી અશાંતિ! એકદમ સુખ અને શાંતિ છે. હું જે વાતાવરણમાં છું એ જ વાતાવરણમાં તું છે. હું જે હવા શ્વાસમાં ભરું છું એ જ તું લે છે. તારે મારી પાસે આવવાની જરૂર નથી. તારે તારી પાસે જવાની જરૂર છે. આપણા બંને માટે બહારથી તો બધું જ સરખું છે. જે પ્રોબ્લેમ છે એ તો અંદર છે. જે સુધારવાનું છે અને અંદરથી સુધારવાનું છે. પહેલાં તું તારો તો અહેસાસ કર. તને તો મળ.

સંતે કહ્યું કે, એ તો તેં સાંભળ્યું હશે જ કે માણસ પંચમહાભૂતમાંથી બન્યો છે. અગ્નિ, વાયુ, આકાશ, જળ અને પૃથ્વીનાં તત્ત્વો આપણામાં જ છે. આ તત્ત્વો અંદરથી સજીવન રહે તો જ બહાર સાથે સહજ રહી શકે. જે બહાર છે તે જ આપણી અંદર છે, પણ બહાર જે છે એ બધું ‘બેલેન્સ્ડ’ છે. માત્ર હવા વધી જાય તો વાવાઝોડું ફુંકાય, અગ્નિ વધી જાય તો બધુ ભડભડ સળગે, ધરતી દ્રવે તો ધરતીકંપ થાય! તારી અંદર બધું બેલેન્સ છે? પંચમહાભૂતમાંથી માત્ર અગ્નિ જ વધી જાય તો પછી ઉકળાટ જ થાય ને! કુદરત પણ છેલ્લે તો એ જ કહે છે કે તમારી અંદરથી પ્રકૃતિને બેલેન્સ રાખો. બધાં તત્ત્વો સજીવન રહેવાં જોઈએ. આપણી અંદર જ શાંતિનો એક અદ્્ભુત માર્ગ છે. જોકે, એ માર્ગે જતાં પહેલાં બીજા માર્ગો પર ‘ધ એન્ડ’નું બોર્ડ મૂકવું પડે છે. આપણે ઉચાટ, ઉત્પાત, ઉપાધિ, વલોપાત, ચિંતા અને ભયના માર્ગો ખુલ્લા રાખીએ છીએ એટલે જ શાંતિના માર્ગેથી આડા પાટે ચડી જઈએ છીએ! શાંતિનો અહેસાસ ન થાય તો સમજજો કે તમે કોઈ ખોટા, અવળા અને ઊંધા રસ્તે ચડી ગયા છો!

છેલ્લો સીન :

શાંતિનો માર્ગ કોઈ મેપમાં મળવાનો નથી. એને તો પોતે જ બનાવવો પડે, પોતે જ શોધવો પડે અને ચાલવું પણ પોતે જ પડે!                 –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 ઓકટોબર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *