તમારો ફોન ક્યારેય રેકોર્ડ થયો છે કે પછી ફોટાનો મિસયુઝ થયો છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમારો ફોન ક્યારેય રેકોર્ડ થયો છે

કે પછી ફોટાનો મિસયુઝ થયો છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ટેકનોલોજીએ માણસને શંકાશીલ બનાવી દીધો

છે. કોઇની પણ સાથે ફોન ઉપર વાત કરતી વખતે

માણસ સમજી વિચારીને બોલવા લાગ્યો છે!

ફોટા કે ચેટનો સ્ક્રીન શોટ ફરવા લાગશે તો? એ ભયે

લોકો ખુલ્લા દિલે વાત કરતા નથી. દરેક સંબંધ શંકાના

દાયરામાં આવી ગયા છે!

‘જો ભાઇ, આવી વાતો ફોન પર ન થાય. તું રૂબરૂ આવ, આપણે સાથે બેસીને વાત કરીશું’. આજકાલ આવા સંવાદો બહુ સાંભળવા મળે છે. ગમે એવી નજીકની વ્યક્તિ હોય તો પણ માણસને ક્યારેક તો એવો વિચાર આવી જાય છે કે એ વ્યક્તિ મારો ફોન રેકોર્ડ કરતી હશે તો? આપણે પોતાની વ્યક્તિ સમજીને બધી સાવ સાચ્ચી વાત કરીએ અને પછી એ વાત ફરતી થઇ જાય! આવું કોઇની પણ સાથે થઇ શકે છે. તમારી સાથે આવું ક્યારેય થયું છે? હવે તો કોઇ રૂબરૂ મળવા આવે તો પણ એની સાથે વાત કરતા પહેલાં વિચારવું પડે છે. જે વ્યક્તિ મળવા આવે છે એણે પહેલેથી જ તેના મોબાઇલમાં રેકોર્ડિંગ ચાલુ રાખ્યું હશે તો? અમુક વીઆઇપી લોકોને તો કોઇ મળવા આવે ત્યારે તેના સિક્યોરિટીવાળાઓ મોબાઇલ બહાર જ રખાવી દે છે.

ટેક્નોલોજીથી આપણી જિંદગી સરળ બનવી જોઇએ. જોકે થઇ રહ્યું છે સાવ ઊંધું. કોઇની સાથે ચેટ કરવામાં પણ ડર લાગે છે કે એ ક્યાંક મારી ચેટનો સ્ક્રીન શોટ લઇને ફેરવશે તો? ફોટા કે ચેટનો દુરોપયોગ કરીને બ્લેકમેલ કરાયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માત્ર બ્લેકમેલ કરવા જ આવું નથી થતું, પોતાનો સ્વાર્થ સાધવા કે કોઇને બદનામ કરવા માટે પણ આવા બધા ધંધા કરવામાં આવે છે. સંબંધો સારા હોય ત્યારે બધું જ સારું હોય છે. સંબંધો બગડે ત્યારે માણસ વર્તાઇ જતો હોય છે.

ટેક્નોલોજીએ સંબંધની વ્યાખ્યા જ બદલી નાખી છે. બધા લોકો બદમાશ હોતા નથી, દરેક વ્યક્તિની દાનત એવી હોતી નથી, પણ કોણ કેવું છે એ તો જ્યારે એનું પોત પ્રકાશે ત્યારે જ ખબર પડતી હોય છે. અમુક સંજોગોમાં તો પતિ પત્ની એક બીજાની ચેટ કે અમુક ફોટોગ્રાફ્સ સાચવીને રાખતા હોય છે, યાદગીરી માટે નહીં પણ ભવિષ્યમાં કદાચ જરૂર પડે તો કામ લાગે એટલા માટે. મોબાઇલ હવે માત્ર કમ્યુનિકેશન કે ફોટોગ્રાફી પૂરતો મર્યાદિત નથી રહ્યો, એ તો પુરાવાઓ મેળવવાનું અને પુરાવા સાચવવાનું સાધન બની ગયો છે.

હવે તો એવી એપ પણ આવી ગઇ છે જે તમારા દરેક ફોન કોલ્સનું રેકોર્ડિંગ કરીને સાચવી રાખે છે. મોબાઇલ ફોનમાં હવે ઢગલાબંધ સુવિધાઓ મળી રહે છે પણ એવી સુવિધા નથી કે કોઇ તમારો ફોન રેકોર્ડ ન કરી શકે. માનો કે તમે કોઇની સાથે વાત કરી રહ્યા છો અને એ તમારો ફોન રેકોર્ડ કરે છે તો મોબાઇલમાં એવી કોઇ સગવડ નથી કે તમને ઇન્ડિકેશન મળે કે તમારો ફોન ટેપ થાય છે. કોઇનો ફોન રેકોર્ડ કરવો એ એની પ્રાઇવસીનો ભંગ છે. આપણે ત્યાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2018 લાવવામાં આવ્યું છે. જો કે ફોન રેકોર્ડિંગ વિશે એમાં પૂરતી સ્પષ્ટતા નથી. તમે કોઇ કસ્ટમર કેર સર્વિસમાં ફોન કર્યો હોય ત્યારે તમને એવું સાંભળવામાં આવ્યું જ હશે કે માહિતી અને ગુણવત્તા ખાતર તમારો ફોન રેકોર્ડ થઇ શકે છે. એ ઓટોમેટેડ ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ હોય છે. જોકે આ વાત પણ વાજબી નથી. એ તમને જાણ કરે છે, પૂછતા નથી કે તમારો ફોન રેકોર્ડ કરીએ કે નહીં? તમારે ફોન રેકોર્ડ કરવા ન દેવો હોય તો? એ તમારી મરજીની વાત છે. જોકે અહીં તો રેકોર્ડ થઇ જ જાય છે. યુરોપિયન યુનિયને જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન બનાવ્યા છે. તેમાં ચોખ્ખું કહેવાયું છે કે કોઇ કંપની કે વ્યક્તિ તમારી મંજૂરી વગર તમારો ફોન રેકોર્ડ કરે તો એ ગુનો છે. આપણે ત્યાં તો ગમે તે વ્યક્તિ આરામથી કોઇનો પણ ફોન ટેપ કરી શકે છે. એ ટેપ પાછી સોશિયલ મીડિયા પર રિલીઝ પણ કરી દે છે. આપણે કેટલાયે રાજકારણીઓના ફોન આવી રીતે સાંભળ્યા છે.

અંગત વ્યક્તિ આવું કરે ત્યારે આઘાત લાગે છે. માનો કે કાયદો હોય તો પણ જે બદનામી થવાની હોય એ તો થઇ ગઇ હોય છે. થોડા સમય અગાઉ જ ક્રિકેટર મહમદ શામીની પત્ની હસીન જહાંએ પતિ સાથેના ફોનના રેકોર્ડિંગ જાહેર કરી શામીની ઊંઘ હરામ કરી દીધી હતી. સંબંધમાં આપણે ઘણી વખત એટલા નજીક હોઇએ છીએ કે ફોન પર બધી જ વાતો કરીએ, ફોટા મોકલીએ. આપણને એમ હોય છે કે એ માણસ થોડું આવું કરે? સંબંધ બગડે ત્યારે સંબંધ તૂટવા કરતાં પણ વધુ દુ:ખ એ વાતનું થાય છે કે એણે મારી સાથેના કમ્યુનિકેશનનો આવો ઉપયોગ કર્યો!

સવાલ એ પણ થાય કે આનો ઉકેલ શું? તો એનો જવાબ અત્યારે તો એ જ છે કે એનો કોઇ ઉકેલ નથી! કોઇ એવું કરે તો તમે સાઇબર લો હેઠળ ફરિયાદ નોંધાવી શકો. એને કદાચ સજા પણ થાય. જોકે એને તો સજા જ્યારે થવાની હોય ત્યારે થાય, આપણને તો એ વાત લીક થઇ હોય ત્યારે જ સજા થઇ ગઇ હોય છે. આપણે કેવા જગત તરફ જઇ રહ્યા છીએ? જ્યાં કંઇ જ ભરોસાપાત્ર નથી. કંઇ જ ખાનગી પણ નથી. બધે જ સીસીટીવી લાગેલા છે. ફોનના કારણે તમે ઇઝીલી ટ્રેસેબલ છો.

આટલું ઓછું હોય તેમ મોબાઇલની વાતચીત કે કમ્યુનિકેશન પણ સેઇફ નથી. આ બધાના કારણે થઇ રહ્યું છે એવું કે જે સારા માણસો છે એનો પણ હવે કોઇ ભરોસો કરતું નથી. દરેક વ્યક્તિની કોઇ અંગત વ્યક્તિ હોય છે, કોઇ દોસ્ત હોય છે, બધાને પોતાની વાત પોતાની વ્યક્તિને કહેવી પણ હોય છે પણ કહેતા પહેલાં ઘણા બધા વિચારો આવી જાય છે. હવે સહજતાથી હળવા પણ થઇ શકાતું નથી. ડર રહે છે કે ક્યાંક વધારે ભારે થઇ ન જવાય!

પેશ-એ-ખિદમત

ગુજર જાતે હૈં જો લમ્હે કભી વાપસ નહીં આતે,

તો બીતે પલ મોહબ્બત કે કહાઁ સે લે કે આઓગે,

જુદા અપનોં સે હો કર ટૂટ જાતા હૈ કોઇ કૈસે,

જો બિછડોગે કભી મુજ સે તો ખુદ હી જાન જાઓગે.

-આજિમ કોહલી

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 07 ઓકટોબર 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *