ખરાબ અનુભવને તું
તારા પર હાવી થવા ન દે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આમ તો જોકે પડ્યા અને આખડ્યા,
તોયે તે કપરાં ચઢાણોને ચડ્યા,
જીદ સહુને સાથે લેવાની હતી,
એટલે નહીં કહું કે પોતાના નડ્યા.
-અશોકપુરી ગોસ્વામી
માણસને માણસ સાથે રોજનો પનારો છે. આપણી જિંદગીમાં ઘણા માણસો આવે છે અને જાય છે. થોડાક યાદ રહી જાય છે. થોડાક ભુલાઈ જાય છે. જે યાદ રહી જાય છે એ કાં તો કોઈ સારી બાબતો કે સારા વર્તનને કારણે યાદ રહી જાય છે અથવા તો ખરાબ વર્તનના કારણે ખરાબ યાદો અને સ્મરણો છોડી જાય છે. આપણી જિંદગીમાં આવતા માણસો કંઈક ને કંઈક છોડી જતા હોય છે. કેટલાક લોકોનું સાંનિધ્ય અને સંવાદ આપણને સમૃદ્ધ બનાવે છે, એની હાજરી આપણી જિંદગીને ઉજાગર કરે છે. સાચો સ્વજન એ છે જે આપણને આપણી ઓળખાણ કરાવે. આપણામાં જે હોય એને બહાર લાવવામાં મદદ કરે. આપણામાં કંઈ ખરાબ, બૂરું કે અયોગ્ય હોય તો એને હટાવવામાં મદદ કરે. અમુક લોકો આપણા ‘ફિલ્ટર’ જેવું કામ કરતા હોય છે. એ ફિલ્ટર કચરો રોકી લે છે. બધા લોકો એવા હોતા નથી, હોઈ પણ ન શકે. માનવજાતનો ઇતિહાસ એ વાતની ગવાહી પૂરે છે કે, ખરાબ, બૂરા, બદમાશ, લુચ્ચા, લફંગા, ચોર, લૂંટારા લોકો અગાઉ પણ હતા અને આજે પણ છે. સતયુગની વાર્તાઓ તપાસી જાવ, રાક્ષસો પણ કંઈ ઓછા તો નહોતા જ.
માણસમાં સમજણની સૌથી મોટી જરૂરિયાત એટલા માટે ઊભી થાય છે, કારણ કે એણે માણસને ઓળખવાના છે. કોની સાથે સંબંધ રાખવા, કોની સાથે કિનારો કરવો, કોને નજીક આવવા દેવા, કેટલા નજીક આવવા દેવા, કોને અંગત વાત કરવી, કોના પર ભરોસો ન મૂકવો એ સમજ દરેક માણસમાં હોવી જોઈએ. એક સંતે કહ્યું કે, દરેક માણસે એટલી બુદ્ધિ કેળવવી જોઈએ કે કોને ઘરના બારણા સુધી આવવા દેવો, કોને બારણું ખોલીને ફળિયા સુધી પ્રવેશવાની છૂટ આપવી, કોને ઉંબરા સુધી આવવા દેવા અને છેલ્લે કોને ઘરના ડ્રોઇંગ રૂમ સુધી આવવાનો અધિકાર આપવો. જે માણસ એમાં ભૂલ ખાય છે એ છેલ્લે પસ્તાય છે. માણસની ઓળખ એના પરથી થાય છે કે તેની ઉઠ-બેસ કોના સાથે છે. કોની સાથે એને ફાવે છે. આપણા મિત્રો છેલ્લે તો આપણા જેવા જ હોય છે. ભૂંડને બગીચામાં મજા ન આવે, એને તો આળોટવા માટે ગંદકી જ જોઈએ. પતંગિયું ફૂલ પર જ બેસે. દરેકની પોતાની ફિતરત હોય છે.
માણસ ગમે તેટલો સમજુ હોય તો પણ એ માણસની પસંદગીમાં ક્યારેક થાપ ખાઈ જાય છે. ક્યારેક આપણે છેતરાઈ પણ જઈએ છીએ. કોઈ માણસ જુદા સ્વરૂપે સામે આવે છે અને પછી એનું પોત પ્રકાશે છે. અમુક લોકો નાટકબાજ હોય છે. લાગણીનું નાટક, ઇમોશન્સના ડ્રામા, ખેલદિલીના ખેલ અને સહાનુભૂતિના સંગ્રામ ખેલવામાં અમુક લોકો માહેર હોય છે. નાટકનાં એ પાત્રો રંગ બદલે અને એના સાચા રૂપમાં આવે ત્યારે આપણને આઘાત લાગે છે. આપણને થાય કે આપણે જેને હીરો સમજતા હતા એ તો વિલન છે. જેને નાયક સમજતા હતા એ તો નાલાયક છે.
બે મિત્રો હતા. બંને જીગરજાન દોસ્ત હતા. ધીમે ધીમે એક મિત્રને ખબર પડી કે જેને હું મિત્ર સમજુ છું એ તો મને જ નુકસાન અને હાનિ થાય એવી વાતો અને એવાં કામો કરે છે. મિત્ર વિશે જ્યારે ખબર પડી કે આ તો દુશ્મન મિત્રનો અંચળો ઓઢીને આવ્યો છે ત્યારે તેણે લડી લેવાનું નક્કી કર્યું. મિત્રને બધું મોઢામોઢ કહી દીધું. છેલ્લે એટલું કહ્યું કે, તને સાચું કહું તારા પર એટલી લાગણી હતી કે, તારી ખાતર જાન કુરબાન કરી દઉં, પણ તું તો મારો જીવ લેવા તૈયાર થયો છે. તારા માટે જીવ આપવામાં પણ વાંધો ન હતો, પણ તારી દાનત જો જીવ લેવાની હોય તો એ મને મંજૂર નથી. ન્યોછાવરી પણ નિર્દોષ, સાત્ત્વિક અને સ્વૈચ્છિક હોવી જોઈએ, છેતરપિંડી કે વિશ્વાસઘાતવાળી નહીં!
દરેક માણસ યુનિક છે. દરેક માણસ બીજા માણસથી જુદો છે, અનોખો છે, અલૌકિક છે. દરેક માણસમાં અમુક તત્ત્વો હોય છે. બેઝિક હોય એ ક્યારેય બદલતું નથી. સમય, સંજોગ અને પરિસ્થિતિ મુજબ માણસમાં થોડો ઘણો ફેરફાર થાય છે, પણ છેલ્લે તો એ જેવો હોય એવું જ વર્તન કરે છે. ખરાબ માણસ જ્યારે સારો બનીને સામે આવે ત્યારે એ વધુ ખતરનાક હોય છે. સારો માણસ ખરાબ બને તો એ થોડાક સમય માટે જ હોય છે. છેલ્લે તો માણસે પોતાની મૂળ પ્રકૃતિ તરફ પાછા ફરવું જ પડતું હોય છે. એક સારો માણસ હતો. એક કિસ્સામાં તેણે અયોગ્ય વર્તન કર્યું. તેના મિત્રને આ વાતની ખબર પડી. મિત્રએ તેને કહ્યું કે, તેં જે કર્યું એવો તું છે નહીં. તેં ગમે તે કારણસર એ કર્યું હશે. ક્યારેક ગુસ્સો, નારાજગી કે ખરાબ અનુભવ આપણને ખરાબ વર્તન કરાવે છે. આપણને જ પછી સમજાય છે કે મેં આ ખોટું કર્યું. મિત્રએ કહ્યું કે, તું જેવો છે એવો જ રહેજે. બદલાવવાની કોશિશ ન કર. આપણે જેવા હોઈએ એવા રહીએ તો જ આપણને સારું લાગે. નાટકનો પણ છેવટે થાક લાગતો હોય છે. કોઈ નાટક વાસ્તવિક હોતું નથી. અભિનય કરવો પડે છે, વર્તન સહજ હોય છે.
દરેક માણસને જિંદગીમાં ક્યારેક તો ખરાબ અનુભવો થયા જ હોય છે. ખરાબ અનુભવ થવાની માણસે તૈયારી પણ રાખવી જોઈએ. તેનું કારણ એ હોય છે કે દરેક માણસ તરત ઓળખાતા નથી, ઘણા માણસ મોડેથી પરખાતા હોય છે. એટલે જ આપણને એવું થાય છે કે આને મેં કેવો ધાર્યો હતો અને એ કેવો નીકળ્યો? આને મેં કેવી કલ્પી હતી અને એ કેવી નીકળી! આપણે જેના પર ભરોસો મૂક્યો હોય, જેના પર શ્રદ્ધા રાખી હોય, જેને સારા સમજ્યા હોય એના તરફથી જ્યારે કોઈ ખરાબ અનુભવ થાય ત્યારે આપણે આપણી જાતને જ સવાલ પૂછીએ છીએ કે આ દુનિયામાં કોનો ભરોસો કરવો? એ વિચાર છેલ્લે ત્યાં સુધી પહોંચી જાય છે કે, કોઈ સારું જ નથી, બધા નક્કામાં છે, આ દુનિયા સ્વાર્થની જ સગી છે, કોઈના પર વિશ્વાસ મૂકવા જેવો નથી, બધા મૂરખ જ બનાવે છે, બદમાશોની જ આ દુનિયા છે, નાલાયક લોકોનું જ રાજ ચાલે છે, સીનબાજો જ પોતાની હાજરી બધે ઊભી કરી દે છે, સારા માણસોનો તો જમાનો જ નથી! આપણે એ હદ સુધીનું વિચારીએ છીએ કે હવે કોઈ સાથે સારું રહેવું જ નથી. મારે પણ બધા સાથે એની જેમ જ રહેવું છે. કામથી કામ જ રાખવું છે. કોઈની નજીક જવું નથી અને કોઈને નજીક આવવા દેવા નથી.
એક યુવાન હતો. તેને એક છોકરી સાથે પ્રેમ થયો. એ છોકરી માટે એ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. આખી જિંદગી તેની સાથે જ જિંદગી વિતાવવાનું તેનું સપનું હતું. જોકે, તેને ખબર પડી કે આ છોકરી તો ચીટર છે. એ ઘણા છોકરાને રમાડે છે. મારી સાથે એને પ્રેમ જેવું કંઈ નથી. એ તો ટાઇમપાસ કરે છે. એને આઘાત લાગ્યો. એ છોકરી સાથે એણે સંબંધ પૂરો કરી નાખ્યો. બ્રેકઅપની વેદનામાંથી બહાર આવવામાં એને બહુ વાર લાગી. એ પછી તેણે નક્કી કર્યું કે, હવે કોઈ છોકરી પર ક્યારેય ભરોસો કરવો જ નથી. એ કડવાશ ત્યાં સુધી પહોંચી ગઈ કે એ બધી જ છોકરીઓને ખરાબ સમજવા લાગ્યો. કોઈ છોકરી સાથે સરખી રીતે રહે નહીં. એક દિવસ તેના મિત્રએ તેને કહ્યું કે, આ તું શું કરે છે? બધી છોકરીઓ સાથે ગેરવર્તન કરવાની વાત વાજબી નથી. હા તને એક ખરાબ અનુભવ થયો છે. એનો મતલબ એવો તો નથી જ કે તું બધાને ખરાબ માની લે. કોઈના પર ભરોસો તો મૂક. આવું કરીશ તો ભવિષ્યમાં તું તારી વાઇફ ઉપર પણ ભરોસો નહીં મૂકી શકે. કોઈ એવા હોય છે જે વિશ્વાસુ કે વફાદાર નથી હોતા, બધા એવા હોતા નથી.
આપણી લાઇફમાં આપણને આવા ખરાબ અનુભવો થતા જ હોય છે. અનુભવો તો આપણને માણસને ઓળખતા શીખવે છે. ખરાબ માણસ ન મળે ત્યાં સુધી આપણે સારા માણસને પણ ઓળખી શકતા નથી. આ માણસ સારો છે, એ બીજા જેવો નથી. માણસનો અનુભવ થાય એ પછી આપણે શું કરીએ છીએ એ પણ મહત્ત્વનું હોય છે. માણસ ઓળખાઈ જાય એ પછી આપણે એના વિશે નિર્ણય કરવો પડે છે. અમુક સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકવાં પડતાં હોય છે. અમુક વખતે આપણને જે વ્યક્તિ સતત વેદના આપતી હોય એને પણ આપણે પકડી રાખીએ છીએ. જેના પ્રત્યે લાગણી હોય એનાથી મુક્ત થવું સહેલું નથી, પણ સતત દુ:ખી થવા કરતાં એક વખત દુ:ખ વેઠી લેવું વધુ સારું હોય છે. અસાધ્ય બની જાય પછી અમુક અંગને પણ આપણે કાપવું પડતું હોય છે. આપણે જેને આપણી જિંદગીનો હિસ્સો માની લીધા હોય એ આપણી જિંદગીનો હિસ્સો ન પણ હોય.
જે સારા ન હોય એ સારા થાય એવી અપેક્ષા રાખવી એ ઘણી વખત આપણી મૂર્ખામી હોય છે. સાથોસાથ એ પણ જરૂરી છે કે જે સારા છે એને પણ આપણે ઓળખીએ. એક વખત ખબર પડે કે આ વ્યક્તિ સારી છે, પછી એને દૂર પણ ન જવા દેવી જોઈએ. કોઈને સારા કે ખરાબ સમજવાની સાથે માણસે એ પણ વિચારવું જોઈએ કે હું કેવો છું? આપણા સ્વાર્થ ખાતર આપણે ખરાબ લોકોને પણ સારા કહીને ક્યારેક સારા લોકોને અન્યાય કરતા હોઈએ છીએ. સારા લોકોનું સાંનિધ્ય મેળવવા માટે સારા હોવું પણ જરૂરી છે. આપણે એવું ઇચ્છતા હોઈએ કે કોઈ મારી સાથે કોઈ રમત ન કરે તો આપણે પણ કોઈની સાથે રમત રમવી ન જોઈએ. કોઈ ખરાબ અનુભવ થાય તો એને ભૂલી જાવ, ફૂલોની વચ્ચે કાંટા પણ હોય જ છે. એકાદ કાંટો વાગે એટલે આપણે ફૂલને પણ તીક્ષ્ણ સમજી લેવાની ભૂલ ન કરવી જોઈએ. દુનિયામાં સારા માણસો છે, જો આ વાત ખોટી લાગતી હોય તો આપણે આપણા વિશે વિચાર કરવો જોઈએ કે હું સારો માણસ નથી? હું સારો છું તો મારા જેવા આ દુનિયામાં બીજા ઘણા સારા માણસો છે. બસ, સારા માણસને શોધતા અને ઓળખતા આવડવું જોઈએ.
છેલ્લો સીન :
દુનિયા સરવાળે એવી જ હોવાની જેવી આપણે તેને માનીએ. સારા લોકોને દુનિયા સારી જ લાગવાની અને જિંદગી જીવવા જેવી જ લાગવાની. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 12 સપ્ટેમ્બર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com