ભાઈ-બહેનના સંબંધે હવે નવું
અને સશક્ત સ્વરૂપ લીધું છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
ઇમોશનલ બ્રેકડાઉન વખતે ભાઇ-બહેન
મિત્રની માફક એક-બીજાની નજીક
રહેતા થયા છે. સમયની સાથે સિબલિંગ્સના
રિલેશન્સમાં પાવરફૂલ પરિવર્તન જોવા મળે છે.
બહેન એ વાતની દરકાર રાખતી થઇ ગઇ છે કે
મારો ભાઇ કોઇપણ સંજોગોમાં નબળો ન પડે,
જરુર પડ્યે એ ભાઇની પડખે ઊભી રહે છે.
સમયની સાથે સંબંધોમાં પણ પરિવર્તનો આવતા રહે છે. આજના સિબલિંગ્સના સંબંધો કેવા છે? નવા જમાનામાં પણ આપણે જૂની પરંપરાઓ સાથે તો જોડાયેલા છીએ જ. આજે રક્ષાબંધન છે. બહેન ભાઇને રાખડી બાંધીને ભાઇના સુખ માટે પ્રાર્થના કરશે. રક્ષાબંધન સાથે ઘણીબધી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. રક્ષાબંધન, ભાઇબીજ, વીરપસલી, પોષી પૂનમ જેવા તહેવારો આપણી સંસ્કૃતિનો એવો હિસ્સો છે જે ભાઇ અને બહેનની લાગણીઓને ઉજાગર કરતા રહે છે. હવે ફેમિલી નાનાં થતાં જાય છે. દીકરો હોય કે દીકરી, એકે હજારા એવું માનવવાળા લોકોની સંખ્યા મોટી છે. આમ છતાં હજુ એક દીકરો અને એક દીકરી હોય એને જ કંપલિટ ફેમિલી માનવામાં આવે છે. ભાઇ-બહેનની રિલેશનશિપનાં ઘણાં પહેલુંઓ છે. એક વાત તો ત્યાં સુધીની છે કે જે યુવાનને બહેન નથી એ બીજી છોકરીઓનું યોગ્ય સન્માન કરી શકતો નથી. જોકે સામાપક્ષે એવી પણ દલીલ થાય છે કે જેને બહેન નથી એવો યુવાન કોઇ ને કોઇ છોકરીમાં એની બહેનને શોધતો રહે છે. બહેન જો મોટી હોય તો ભાઇને લાડ મળે છે અને બહેન જો નાની હોય તો તેનું ધ્યાન રાખવાની પોતાની જવાબદારી છે એવું ભાઇ માનતો હોય છે. બીજા કોઇને દાદ ન દેનારો વ્યક્તિ પણ પોતાની બહેનનો પડ્યો બોલ ઝીલે છે.
સમય બદલાયો છે. જૂના સમયમાં બહેનના રક્ષણની વાતો થતી હતી, હવેની છોકરીઓ એટલી સક્ષમ થઇ ગઇ છે કે એ જરૂર પડ્યે ભાઇની પડખે પણ અડીખમ ઊભી રહે છે. હવેની બહેન મોહતાજ નથી રહી. એક છોકરીએ કહેલી આ વાત છે. ભાઇ-બહેનના રિલેશનશિપ અંગે તેણે એવું કહ્યું કે હવે ભાઇ કે બહેન એ દોસ્ત પણ છે, જે વાત કોઇને ન કહી શકાય એ ભાઇને કે બહેનને કહી શકાય છે. ભાઇ અને બહેન એક-બીજાના રાઝદાર પણ હોય છે. બહેનની આબરૂ અને ભાઇની ઇજ્જત બંને માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે.
ભાઇ-બહેન એકબીજાની ઇમોશનલ ક્રાઇસીસ પણ સારી રીતે સમજતાં થયાં છે. કોઇપણ ભાઇ માટે અઘરી ઘડી કઇ હોય છે? જ્યારે એને ખબર પડે કે તેની બહેન કોઇની સાથે પ્રેમમાં છે. ભાઇ ઘડીકમાં સ્વીકારી શકતો નથી. બહેનનો પ્રેમી ગમે એટલો સારો માણસ હોય તો પણ ભાઇને એનો સ્વીકાર કરવામાં બહુ વાર લાગે છે. ભાઇને ઓલવેઝ એમ જ થાય છે કે મારી બહેન વધુ સારો સાથી ડિઝર્વ કરે છે. બહેનના અફેરને કારણે ભાઇને પ્રોબ્લેમ થયો હોય અને ભાઇ-બહેન વચ્ચે અંટસ પડી હોય તેવા બનાવો પણ કંઇ ઓછા નથી. ઘણા ભાઇઓએ આવા કારણોસર જ બહેન સાથે છેડો ફાડી નાખ્યો હોય છે, રક્ષાબંધનના દિવસે આવા ઘણા સંબંધો બહેનોની આંખમાં આંસુ બનીને છલકતા રહે છે.
આજના બદલાયેલા સમયમાં ભાઇ-બહેન વચ્ચે હેલ્ધી રિલેશનશિપનાં ઉદાહરણો પણ અનોખાં હોય છે. એક બહેને કહ્યું કે તેની લાઇફમાં એક છોકરો હતો. જોકે તેની સાથે બહુ જામ્યું નહીં. બ્રેકઅપ થયું. બહેનના ડાઉન મૂડ જોઇને ભાઇએ વાત પૂછી. બહેને સાચી વાત કરી દીધી. એ પછી બહેનને બ્રેકઅપની વેદનામાંથી બહાર લઇ આવવા માટે ભાઇએ તમામ પ્રયાસો કર્યા. આજનાં મા-બાપ હજુ પણ દીકરા કે દીકરીને સમજવામાં થાપ ખાઇ જાય છે પણ ભાઇ-બહેન એકબીજાને સારી રીતે સમજી શકે છે.
એક સમય એવો હતો કે ભાઇએ બહેનનાં લગ્ન પછી તેના તમામ વ્યવહારો સાચવવા પડતા. આજે પણ ભાઇ એ જવાબદારી અદા કરે જ છે, જોકે હવે બહેન પણ આર્થિક રીતે મજબૂત હોય છે. છોકરીઓ જોબ કરે છે, સારું એવું કમાઇ પણ લે છે. ભાઇ તેના માટે કંઇ કરે તો એને ચોક્કસપણે ગમે, પણ હવે ભાઇ પાસે આશા જ રાખે એવું નથી. એક બીજો કિસ્સો પણ રસપ્રદ છે. એક કપલ એવું હતું જે એમ માનતું કે એક દીકરો તો હોવો જ જોઇએ, એને દીકરીઓ સામે કોઇ વાંધો ન હતો, પણ દીકરાનો મોહ જતો ન હતો. થયું એવું કે દીકરાના મોહમાં એક પછી એક એમ ત્રણ દીકરીનો જન્મ થયો. ચોથી ડિલિવરીમાં દીકરાનો જન્મ થયો. ધીમે ધીમે ચારેય ભાંડરડાં મોટાં થયાં. એકનો એક અને એ પણ સૌથી નાનો ભાઇ ત્રણેયને ખૂબ લાડકો હતો. ત્રણેય બહેનોના મેરેજ થયાં. ભાઇ એનાથી બને એટલા વ્યવહારો કરતો. એમાં એવો સમય આવ્યો કે ભાઇની આર્થિક સ્થિતિ નબળી થઇ ગઇ. ત્રણેય બહેનો જોબ કરતી હતી. ત્રણેયે ભેગી થઇને નક્કી કર્યું કે આપણે ત્રણેય ભાઇને દર મહિને એક ચોક્કસ રકમ આપીશું જેથી ભાઇને કોઇ તકલીફ ન પડે. ભાઇએ લેવાની ના પાડી ત્યારે બહેનોએ એવું કહ્યું કે અમે મુશ્કેલીમાં હોત અને તું પહોંચી શકે એમ હોત તો તું એમને મદદ ન કરત? ગમે તેમ કરીને ભાઇને કન્વીન્સ કર્યો. ભાઇને ક્યાંયથી કોઇ સંભળાવે નહીં એટલે બહેનોએ આ વાત બીજા કોઇને ક્યારેય કરી નથી.
હવેનાં ભાઇ-બહેન જૂની માન્યતાઓમાંથી મુક્ત થયાં છે. હવેની બહેન માત્ર રાખડી બાંધીને ભાઇના ભલા માટે પ્રાર્થના જ નથી કરતી પણ જરૂર પડે ત્યારે ભાઇ પાસે હાજરાહજૂર પણ હોય છે. એવા પણ કિસ્સા છે જ્યારે પતિ તેની બહેનનું ધ્યાન ન રાખતો હોય ત્યારે પત્ની કહેતી હોય છે કે તારે બહેન માટે જે કરવું જોઇએ એ કર. નવી જનરેશન જુદી રીતે અને દાદ આપવાનું મન થાય એ રીતે વિચારતી થઇ છે. આજનાં ભાઇ-બહેનના સંબંધ અગાઉ કરતાં સ્ટ્રોંગ થયા છે, એમાં હવે ફરજ કે જવાબદારીનો ભાર નથી, કરવું પડે એટલે કંઇ કરાતું નથી.હવે ભાઇ ભલે બહેનને લીમડી કે પીપળીના ઝાડે ન ઝુલાવે પણ ભાઇની બેની લાડકી જ હોય છે અને કાયમ લાડકી જ રહેવાની છે
પેશ-એ-ખિદમત
હો ગઇ વો બહન ભી અબ રુખસત,
પ્યાર જિસ ને દિયા થા માઁ જૈસા,
મેરે દિલ કો મિલા ન લફ્ઝ કોઇ,
મેરે અશ્કો કે તર્જુમાઁ જૈસા.
-આરીફ શફીક
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 26 ઓગસ્ટ 2018, રવિવાર)
kkantu@gmail.com