તારી સંવેદનાઓ મરી ન
જાય એનું ધ્યાન રાખજે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આભથી ઊંચો બને વિશ્વાસ, ત્યારે ચેતજે,
શ્વાસમાંથી નીકળે નિશ્વાસ, ત્યારે ચેતજે,
આમ તો આનંદનો પર્યાય મીઠી ઊંઘ છે,
પણ અજંપો ઘેનમાં દે ત્રાસ, ત્યારે ચેતજે.
-દાન વાઘેલા
માણસ સંવેદનાઓથી જીવે છે. સંવેદનાઓ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે. સંવેદનાઓ દેખાતી નથી, સંવેદનાઓ અનુભવાય છે. મેઘધનુષ જોઈને કેમ મનમાં રંગો ઊભરી આવે છે? રંગબેરંગી પતંગિયાને જોઈને કેમ રગેરગમાં રોમાંચ થાય છે? કૂંપળની કુમાશને અનુભવીને કેમ દિલ થોડુંક મુલાયમ થાય છે? પર્વતની ટોચને અડેલું વાદળ જોઈને કેમ થોડીક ટાઢક જેવું લાગે છે? ગલૂડિયાંને રમતાં જોઈને કેમ દિલ બાળક જેવું થઈ જાય છે? ફૂલના છોડ નજીક આવતી સુંગધ કેમ ઊંડો શ્વાસ લેવા લલચાવે છે? સ્કૂલના મેદાનમાં કિલ્લોલ કરતાં બાળકોને જોઈ કેમ ચહેરા પર રોનક છવાઈ જાય છે? ઝરણાનો મૃદુ ધ્વનિ કેમ આપણી અંદર થોડાંક સ્પંદનો જગાડે છે? કોઈ સ્થળે જઈએ ત્યારે આપણે એ વાતાવરણને માણવા માટે આંખો બંધ કરી દઈએ છીએ, એવું વિચારીએ છીએ કે ફીલ કર આ વેધરને, આ અવાજને, આ ઠંડકને અને કુદરતના આ મહાન સર્જનને! કંઈક અહેસાસ માણવા માટે આપણે આંખો કેમ બંધ કરી દઈએ છીએ? કારણ કે આપણે જોવું નથી હોતું, અનુભવવું હોય છે. આપણને પોતાના હોવા ઉપર યકીન થઈ જાય. આપણું વજૂદ આપણને સમજાઈ જાય. આપણું સાંનિધ્ય આપણને જ ભર્યાંભર્યાં કરી દે. માણસ જ્યારે પોતે સોળે કળાએ ખીલેલો હોય ત્યારે કુદરતને પણ કદાચ પોતાના સર્જનનો સર્વોત્તમ આનંદ થતો હશે.
આપણે ક્યારેય એ તપાસીએ છીએ કે આપણી સંવેદનાઓ જીવે છે કે મરી ગઈ છે? સંવેદનાઓ માપવાનું કોઈ મશીન નથી હોતું. દુનિયા ગમે એટલી હાઇટેક થઈ જાય તો પણ સંવેદનાની તીવ્રતા માપી શકવાની નથી. ક્યારેક કોઈ દૃશ્ય જોઈને કેમ અચાનક વાહ બોલાઈ જાય છે? કોઈ વાત સાંભળીને ક્યારેક કેમ મોઢામાંથી ‘ઓહ નો!’ સરી પડે છે? આપણને કેવી રીતે ખબર પડે કે આપણામાં સંવેદનાઓ જીવે છે કે નહીં? વરસાદ આવતો હોય અને કારની વિન્ડો ખોલી હાથ પર છાંટાને અનુભવવાનું મન થાય તો માનજો કે તમારામાં સંવેદના જીવે છે. ખુલ્લામાં હોવ અને વરસાદ આવે ત્યારે મોઢું આકાશ તરફ માંડી આંખ અને મોઢામાં વરસાદનાં પાણીની બુંદો ઝીલવાનું મન થાય તો માનજો કે તમારામાં સંવેદના જીવે છે. પોતાની વ્યક્તિ નજીક આવે ત્યારે તેનો હાથ હાથમાં લેતાં જ એવું લાગે કે મને બધું જ મળી ગયું તો માનજો કે તમારામાં સંવેદના જીવે છે. કોઈ બાળકને તેડીને ગળે વળગાડતી વખતે તમારું દિલ થોડુંકેય હળવાશ અનુભવે તો માનજો કે તમારામાં સંવેદના જીવે છે. કોઈની પીડા જોઈને તમારી આંખના ખૂણા થોડાકેય ભીના થાય તો માનજો કે તમારામાં સંવેદના જીવે છે. કોઈ બાળક દોડતું દોડતું પડી જાય અને તમે એને ઊભું કરવા દોડી જાવ તો માનજો કે તમારામાં સંવેદના જીવે છે. માત્ર સંવેદનાઓ જીવતી હોય એની ખબર પડે એ જરૂરી નથી, સંવેદનાઓ મરી ગઈ છે એની પણ ખબર પડે એ વધુ જરૂરી છે. કોઈને તડપતા કે તરફડતા જોઈ તમારું રૂંવાડુંયે ન ફરકે તો માનજો કે તમારી સંવેદનાઓ મરી ગઈ છે. પોતાનું કોઈ દુ:ખી હોય અને એવો સવાલ થાય કે ‘મારે શું?’ તો માનજો કે તમારી સંવેદના મરી ગઈ છે. રડતા બાળકને જોઈ તેને છાનું રાખવાને બદલે ગુસ્સો આવવા માંડે તો માનજો કે તમારી સંવેદનાઓ મરી ગઈ છે. કોઈ કરગરતું હોય અને તેના અવાજનું કંપન તમારા ધબકારાઓમાં જરાયે વધારો કે ઘટાડો ન કરે તો માનજો કે તમારી સંવેદનાઓ મરી ગઈ છે. જિંદગી જીવવા જેવી ન લાગે તો માનજો કે તમારી સંવેદનાઓ મરી ગઈ છે.
હા, ક્યારેક અપસેટ હોઈએ, કોઈ ખરાબ ઘટના બની હોય, કોઈની સાથે ઝઘડો થયો હોય, પ્રિય વ્યક્તિ દૂર ગઈ હોય ત્યારે એવું લાગે કે મજા નથી આવતી તો એ સ્વાભાવિક છે, પણ એ થોડોક સમય હોવું જોઈએ. આમ તો ક્યાંય ગમે નહીં એ પણ સંવેદના જ છે. પોતાની વ્યક્તિ પાસે ન હોય અને વિરહ લાગે એ પણ સંવેદના જ છે. સંવેદના એટલે બધું સારું જ લાગે એવું નહીં, સંવેદના એટલે ખરાબ લાગવું જોઈએ એ ખરાબ પણ લાગે. સારું જોઈને હસવું આવે અને દુ:ખદ જોઈને રડવું આવે. બધાની અસર થાય. ફૂલની કુમાશ સ્પર્શે તો કાંટાની તીવ્રતા પણ વર્તાય, સફળતાનો નશો અનુભવાય તો નિષ્ફળતાની ઉદાસી પણ છવાય. દરેક વાતની બસ અસર થવી જોઈએ. અસર ન થાય તો સમજવું કે કંઈક કસર રહી ગઈ છે.
એક પતિ-પત્ની હતાં. પતિને તેના એક વર્ષો જૂના મિત્ર સાથે અણબનાવ થયો હતો. બંને વચ્ચે ભયંકર કડવાશ આવી ગઈ હતી. એક દિવસ પત્નીને એક મેસેજ મળ્યો. આ મેસેજ એણે પતિને સંભળાવતાં કહ્યું કે સાંભળ, તારા પેલા મિત્રને એક્સિડન્ટ થયો છે! આ વાત સાંભળી પતિએ કહ્યું કે ભલેને થયો, મારે શું? આવો જવાબ સાંભળી એ પત્નીએ કહ્યું, અરે! તું કેવો માણસ છે? એક સમયે તમે બંને અંગત મિત્રો હતા. બંનેએ સાથે ખૂબ મજા કરી છે. કમ સે કમ એટલી તો તપાસ કર કે શું થયું છે? એની હાલત કેવી છે? તું ન જા તો કંઈ નહીં, પણ તને અસરેય કેમ નથી થતી? તું આટલો કેમ જડ થઈ ગયો છે? કેમ તારાથી નિસાસો નખાઈ જતો નથી? પતિએ કહ્યું કે બસ, મને કંઈ નથી થતું. પત્નીએ કહ્યું કે તારી સંવેદનાઓ મરી ગઈ છે, સાવચેત રહેજે, નહીં તો તારી મરી ગયેલી સંવેદના તને જ મજાથી જીવવા નહીં દે. આપણી સંવેદના જીવતી હોય એ બીજા માટે તો જરૂરી હશે કે નહીં, પણ આપણા માટે તો જરૂરી છે જ. તું ખબર નહીં પૂછે કે તું નહીં જાય તો એને કદાચ ફેર નહીં પડે, પણ તું આવું વર્તન કરે છે તેનાથી તને જરૂર ફેર પડવો જોઈએ.
આપણે આપણા ઘણા સંબંધોમાં આવું કરતા હોઈએ છીએ. છેડો ફાડી નાખીએ પછી પણ એક છેડો તો આપણી પાસે રહ્યો જ હોય છે. બીજા છેડાની ચિંતા ન કરો તો કંઈ નહીં, પણ આપણી પાસે જે છેડો છે એની પરવા તો હોવી જોઈએને? જો એ ન થાય તો માનજો કે મારામાં કંઈક ખૂટી ગયું છે. આપણે ઘણી વખત કડવાશને એટલી બધી ઘૂંટી હોય છે કે આપણી સંવેદનાનું ગળું ક્યારે ઘોંટાઈ ગયું એની સમજ જ આપણને નથી પડતી. આપણે કંઈ પણ કરીએ પછી ક્યારેક શાંતિથી એ પણ વિચારવું જોઈએ કે મેં આવું કેમ કર્યું? આપણે જે કંઈ કરીએ એની પાછળ કંઈક તો કારણ હોય જ છે, એમને એમ કંઈ જ થતું નથી.
એક છોકરો અને છોકરી સારા દોસ્ત હતાં. છોકરી કંઈ પણ કહે તો છોકરાને જરાયે અસર ન થાય. સારી વાતમાં બહુ હસે નહીં અને ખરાબ વાતમાં કોઈ નારાજગી કે અફસોસ પણ નહીં. એક દિવસ છોકરીએ પૂછ્યું કે તું કેમ સાવ આવો છે? તને કેમ કંઈ સ્પર્શતું નથી? છોકરાએ કહ્યું, મારી સાથે અત્યાર સુધીમાં જે જે બન્યું છે એનાથી મારી સંવેદનાઓ સાવ મરી ગઈ છે. મને કશો ફેર પડતો નથી. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું કે, ના એવું નથી હોતું. તને સ્પર્શતું નથી એમ ન કહે, તારે સ્પર્શવા નથી દેવું. વરસાદમાં રેઇનકોટ પહેરીને નીકળીએ અને પછી કહીએ કે હું ભીંજાતો નથી એના જેવી આ વાત છે. તેં તારા ફરતે જ કોચલું બનાવી લીધું છે. એક વાત યાદ રાખ, સંવેદનાઓ કાયમ માટે ક્યારેય મરતી નથી. હા, કામચલાઉ મરી જાય એવું બને. એ પણ મરતી તો હોતી જ નથી, ક્ષુબ્ધ થઈ જતી હોય છે. ક્ષુબ્ધ થઈ ગયેલી સંવેદનાઓને પાછી જીવતી કરી શકાય છે. તું તારી જાતને તક તો આપ. સંવેદનાને જરાક સળવળાટ તો આપ. એ પાછી જીવતી થઈ જશે.
સંવેદના જ માણસને સક્ષમ રાખે છે. આપણે પ્રકૃતિનો અંશ છીએ. પ્રકૃતિની તમામ અસરો આપણને થવી જોઈએ. ઘણા માણસોને જોઈને જ આપણને થાય છે કે કેવો જડ જેવો માણસ છે! એને કોઈ વાતની કોઈ અસર જ નથી થતી! જેને કોઈ વાતની કોઈ જ અસર ન થાય એ માનસિક રીતે બીમાર હોય છે. આપણે માણસ છીએ, માણસ સહજ જે થવું જોઈએ એ થવું જ જોઈએ. સુંદર જોઈને ‘વાહ’ લાગવું જોઈએ, નરસું જોઈને ‘આહ’ નીકળવી જોઈએ! આજનો માણસ એટલો બધો કૃત્રિમ થઈ ગયો છે કે એમાં નેચરલ કંઈ બચ્યું જ નથી, એટલો બધો મેકઅપ કરવા લાગ્યો છે કે ચહેરાના હાવભાવ પણ દબાઈ જાય. સ્ટેટસ એટલું બધું આડું આવવા લાગ્યું છે કે એ માણસ હોવાનું ભૂલી જાય છે. ઇગો માણસના અસ્તિત્વને અવરોધવા લાગ્યો છે. દિવસે એને ચેન નથી અને રાતે ઊંઘ નથી આવતી. માણસે એટલું બધું પ્રેક્ટિકલ પણ ન થઈ જવું જોઈએ કે એને કોઈ વાત ન સ્પર્શે. હા, મૃત્યુ એ કુદરતનો ક્રમ છે, એને કોઈ ટાળી શકવાનું નથી, પણ કોઈ નજીકની વ્યક્તિના અવસાનના સમાચાર મળે અને હાયકારો ન નીકળે તો આપણને આપણી હયાતી સામે પણ સવાલ થવો જોઈએ. કુદરત દરરોજ એટલા માટે જ નિતનવા શણગાર સજે છે કે આપણી સંવેદના સજીવન રહે. જિંદગીને હન્ડ્રેડ પર્સેન્ટ જીવવી છે? તો તમારી સંવેદનાને મરવા ન દો, જો સંવેદના મરી ગઈ તો જિંદગી બોજ જ લાગવાની છે. સંવેદના વગરની જિંદગી ઢસડાતી હોય છે, જીવાતી હોતી નથી.
છેલ્લો સીન :
મધુર, ઉમદા અને અલૌકિક વાતાવરણમાં કુદરતી ધ્વનિ ઉદભવતો હોય ત્યારે કાનમાં ઇયર ફોન ખોસીને બેસવું એ પ્રકૃતિનું અપમાન છે અને પોતાની જાત સાથે બેરહમી છે. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 ઓગસ્ટ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com