એક લડકા ઔર એક લડકી કભી દોસ્ત નહીં હો સકતે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

એક લડકા ઔર એક લડકી

કભી દોસ્ત નહીં હો સકતે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

દોસ્તીને ‘જેન્ડર’ નડે? છોકરો અને છોકરી

સારા ફ્રેન્ડ હોઇ જ શકે. જોકે આપણો સમાજ,

છોકરીનો પતિ કે છોકરાની પત્ની છોકરા-છોકરીની

દોસ્તીને હજુ સહજતાથી સ્વીકારી શકતાં નથી!

છોકરા-છોકરાની દોસ્તી, છોકરી-છોકરીના

બહેનપણા અને છોકરા-છોકરીની

ફ્રેન્ડશિપમાં ફેર હોય છે?

એક છોકરો અને એક છોકરી દોસ્ત હોઇ શકે? આજના સમયમાં કોઇને આવો સવાલ કરો તો એવો જ જવાબ મળે કે શું નાખી દીધા જેવી વાત કરો છો? કયા જમાનામાં જીવો છો? સાચી વાત છે, છોકરો અને છોકરી બિલકુલ સારા ફ્રેન્ડ્સ હોઇ શકે. કદાચ છોકરા અને છોકરા વચ્ચે ભાઇબંધી હોય અથવા તો છોકરી અને છોકરી વચ્ચે બહેનપણા હોય તેના કરતાં પણ વધુ ઉમદા, નિખાલસ અને સહજ દોસ્તી એક છોકરા અને છોકરી વચ્ચે હોઇ શકે. બીજું કંઇ જ ન હોય, નખશિખ દોસ્તી. જેન્ડર દોસ્તીની આડે નથી આવતું, દોસ્તીમાં તો લાઇક માઇન્ડેડ અને ડેપ્થ જ જરૂરી હોય છે. એ ડેપ્થ અને એ ઇન્ટેનસિટી છોકરા અને છોકરીની દોસ્તીમાં પણ હોઇ શકે.

ઘણી વખત એવા સવાલો અને એવી ચર્ચાઓ થાય છે કે બે છોકરા વચ્ચેની દોસ્તી ઉમદા હોય છે કે બે છોકરી વચ્ચેની ફ્રેન્ડશિપ વધુ ઇન્ટિમેટ હોય છે કે પછી છોકરા અને છોકરી વચ્ચેની દોસ્તી બેસ્ટ હોય છે? એનો જવાબ કદાચ એ છે કે એ તો માણસ કેવો છે તેના પર આધાર રાખે છે. દોસ્તીને તમે કોઇ શબ્દો, કોઇ વિચાર કે કોઇ મર્યાદિત વ્યાખ્યામાં બાંધી ન શકો કારણ કે દોસ્તી એ તો બધાથી પર છે, એ એવો સંબંધ છે જે દિલથી નક્કી થાય છે. માણસ સાચા દોસ્ત પાસે જ ખાલી થઇ શકે અને તેની પાસેથી જ ભરાઇ શકે.

એક છોકરીએ કહેલી આ વાત છે. અલગ અલગ દોસ્તીની વાત વિશે તેણે કહ્યું કે છોકરાઓની દોસ્તી કદાચ લોકોને વધુ ગાઢ લાગે, તેની પાછળ કારણો છે. છોકરાનો મિત્ર કોઇ મુશ્કેલીમાં હોય તો તેનો મિત્ર ગમે ત્યારે દોડીને જઇ શકે છે. છોકરીઓ પોતાની મરજી મુજબ ઘરમાંથી ગમે ત્યારે નીકળી શકતી નથી. છોકરીઓ ક્યારેક એ પણ વિચારે છે કે હું મારી ફ્રેન્ડ માટે આવું કરીશ તો એનું પરિણામ શું આવશે? છોકરાઓ એવું વિચારતા નથી, એ વિચારે છે કે જે થવું હોય એ થાય. દોસ્તીમાં છોકરીઓ કંઇક કરવા ઇચ્છતી હોય તો પણ કરી શકતી નથી. છોકરો તેના મિત્રને ગમે ત્યારે આર્થિક મદદ કરી શકે છે, છોકરીએ ઘરમાં પૂછવું પડે છે કે હું આને રૂપિયા આપું?

છોકરા અને છોકરીની દોસ્તી વિશે અનેક સર્વે થયા છે. જોકે એકાદ-બે સર્વેને બધા લોકો સાથે જોડી શકાય તેમ નથી. દરેક દેશના લોકોની માનસિકતા અલગ અલગ હોય છે. દરેક પ્રદેશના લોકો જુદી જુદી રીતે વિચારે છે. અરે, દરેક શહેરની વાત પણ નોખી અને અનોખી હોય છે. આ મુદ્દે તો ત્યાં સુધી કહી શકાય કે દરેક ઘરની વિચારસરણી પણ અલગ અલગ હોવાની. ઘણા તો વળી એવા પણ હોય છે કે દીકરો કોઇ છોકરી સાથે દોસ્તી રાખે તો વાંધો નહીં પણ દીકરીના છોકરા દોસ્ત હોય તો ન ગમે. એક પરિવારની વાત છે. એ લોકો ફોરવર્ડ માઇન્ડના હતા. છોકરીને છોકરા સાથે દોસ્તી હોય એમાં એને કશું અજુગતું કે અયોગ્ય લાગતું ન હતું. જોકે દીકરીની સગાઇ થઇ એટલે મા-બાપે કહ્યું કે હવે ધ્યાન રાખજે, તારા વર કે તારાં સાસરિયાંને કદાચ ન પણ ગમે!

લગ્ન થાય પછી છોકરીઓની દોસ્તીમાં ફર્ક આવી જાય છે. છોકરા સાથેની દોસ્તીની વાત તો દૂરની છે, છોકરી સાથેની દોસ્તીમાં પણ ધ્યાન રાખવું પડે છે. બહેનપણી યાદ આવે ત્યારે કોઇ કોઇ વખત ફોન પણ થઇ શકતો નથી. હવે જમાનો ઘણો બદલાયો છે, હવેનો યંગસ્ટર્સ સમજે છે કે પત્નીના છોકરા દોસ્ત હોઇ શકે. પત્ની પણ પતિની છોકરીઓ દોસ્ત હોય એ સ્વીકારે છે, આમ છતાં જો કોઇ સાથે વધુ નજદીકિયા હોય તો સવાલો થાય જ છે. પત્ની તેના છોકરા દોસ્તની વધુ વાતો કરે તો પણ પતિને શંકા નહીં તો સવાલો તો થાય જ છે. મારી પત્નીને તેની સાથે ફક્ત દોસ્તી જ હશે ને? કેટલી દોસ્તી હશે એ વિશેના પ્રશ્નો પણ પુરુષને પજવતા રહે છે. પત્નીઓ પણ આવું કરવામાંથી બાકાત હોતી નથી. કઇ છોકરીનો મેસેજ આવ્યો? એણે કેમ આવું લખ્યું? તારે અને એને કેવા રિલેશન્સ હતા? ક્યારેક મજાકમાં તો ક્યારેક કટાક્ષમાં એવું કહેવાતું હોય છે કે લે, તારી સગલીનો ફોન છે. શંકાને આપણે પઝેસિવનેસ જેવું રૂપાળું નામ પણ આપી દેતા હોઇએ છીએ. નો ડાઉટ, એવાં કપલ્સ પણ છે જેને એક-બીજા પર પોતાના કરતાં પણ વધુ ભરોસો હોય છે, પતિ કે પત્નીની દોસ્તીને દોસ્તીની નજરેથી જ જુએ છે, જોકે આવાં કપલ્સની સંખ્યા બહુ ઓછી છે. પતિ કે પત્નીના કારણે જૂની દોસ્તી છોડી કે તોડી હોય એવા પણ અનેક કિસ્સાઓ છે. અમુક કિસ્સામાં તો પત્નીએ પતિના છોકરા ફ્રેન્ડ સાથે દોસ્તી તોડાવી હોય છે. એવા માણસ સાથે ક્યાં દોસ્તી રાખે છે? એ ઘરે આવે એ મને નથી ગમતું. પતિને કે પત્નીને રાજી રાખવામાં ઘણા લોકોએ પોતાની દોસ્તીની બલિ ચડાવી દીધી હોય છે.

છોકરો અને છોકરી સારા દોસ્ત હોઇ જ શકે. ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીની દોસ્તી વિશે બધા જાણે છે. આપણી કમનસીબી એ છે કે આપણો સમાજ પણ છોકરા અને છોકરીની દોસ્તીને સારી નજરથી જોઇ શકતો નથી. મોઢામોઢ કહેવાની હિંમત તો કોઇની હોતી નથી પણ પાછળથી ઘણું બધું બોલાતું હોય છે. છોકરો અને છોકરી બાઇક કે કારમાં જતાં હોય ત્યારે બહુ ઓછા લોકો એવું વિચારે છે કે બંને બહુ સારા મિત્રો હશે. વિચારો વિકૃત હોય તો કંઇ જ પવિત્ર લાગતું નથી. દોસ્તીના ગ્રેટ કિસ્સાઓની વાત નીકળતી હોય ત્યારે પણ છોકરા અને છોકરીની દોસ્તીના કિસ્સા ચર્ચાતા નથી. છોકરા અને છોકરી વચ્ચે સારું બનતું હોય ત્યારે પણ તેને ઘણા લોકો પ્લેટોનિક લવનું નામ આપી દે છે, દોસ્તીને દોસ્તી જ રહેવા દો કારણ કે દોસ્તી દરેક સંબંધોને અતિક્રમીને જિવાતી હોય છે. દોસ્તી દિલથી જિવાતો સંબંધ છે એટલે જ એને દિલની નજરથી જ જોવો જોઇએ. હેપી ફ્રેન્ડશિપ ડે.

પેશ-એ-ખિદમત

નફા ને ખોટનો ખયાલ ન કર,

ફકીર સાથે ભાવતાલ ન કર,

કેમકે તું નથી તારી મિલકત,

દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

-અદમ ટંકારવી

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 05 ઓગસ્ટ 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *