તમે આખા દિવસમાં કુલ કેટલાં ડગલાં ચાલો છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે આખા દિવસમાં કુલ

કેટલાં ડગલાં ચાલો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણે બધા ચાલવાની આદત ભૂલતા

જઇએ છીએ. આપણી હેલ્થના વધી રહેલા ઇસ્યુ પાછળ

એક જવાબદાર કારણ એ પણ છે કે આપણે ચાલવાનું ટાળીએ

છીએ. દિવસે ને દિવસે આપણે આળસુ થતાં જઇએ છીએ.

ચાલવા અંગે 46 દેશોમાં થયેલા સર્વેમાં આપણો

નંબર 39મો આવ્યો છે. તમે કેટલું ચાલો છો

એનો વિચાર કર્યો છે?

ગલીના નાકે આવેલી દુકાને પાન ખાવા જવું હોય કે કોઇ ચીજવસ્તુની ખરીદી કરવા જવાનું હોય તો આપણે ફટ દઇને ટુ-વ્હીલર કાઢીએ છીએ. જે લોકો પાસે કાર છે એ લોકો પણ એકાદ ટુ-વ્હીલર રાખે જ છે, નજીક જવું હોય તો બાઇક કે મોપેડ ઇઝી રહે એટલા માટે. આપણે એવું ક્યારેય વિચારતા નથી કે નજીક છે તો ચાલોને ચાલી નાખીએ. ચાલવાની બાબતમાં આપણે સહુ દિવસે ને દિવસે આળસુ થતા જઇએ છીએ. દેશી ભાષામાં કહીએ તો ચાલવામાં આપણને ઝાટકા વાગે છે. ચાલવાના કેટલા ફાયદા છે એ આપણે સહુ જાણીએ જ છીએ. જે દરરોજ પૂરતું ચાલે છે એને બીજી કોઇ કસરત કરવાની જરૂર રહેતી નથી. વોકિંગ માણસને ફિઝિકલી જ નહીં, મેન્ટલી પણ સ્ટ્રોંગ રાખે છે. આપણે તો ચાલવાની શરૂઆત પણ ત્યારે જ કરીએ છીએ જ્યારે ડોક્ટર આપણને ફાઇનલ વોર્નિંગ આપે છે કે ડાયાબિટીસ હવે બોર્ડર લાઇન પર છે, ચાલવાનું શરૂ કરી દો. જો તબિયતની ચિંતા ન હોત તો જે લોકો ચાલે છે એમાંથી મોટાભાગના લોકો ચાલવાનું બંધ કરી દેત. ભગવાને માણસને પગ ચાલવા માટે આપ્યા છે પણ માણસે વાહનની શોધ કરી અને ચાલવાનું બંધ કરી દીધું.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા 46 દેશોમાં ચાલવા વિશે એક સર્વે થયો હતો. એમાં આપણા દેશનો નંબર કેટલામો આવ્યો એ ખબર છે? છેલ્લેથી સાતમો એટલે કે 39મો! આ સર્વે પછી આપણા દેશને આળસુ લોકોની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. કયા દેશના લોકો કેટલાં ડગલાં ચાલે છે તેની વાત કરતા પહેલાં એ વાત કરીએ કે માણસે ફિટ રહેવા માટે દરરોજ કેટલાં ડગલાં ચાલવું જોઇએ? એનો જવાબ છે, 10,000 ડગલાં. હવે તમે વિચારજો કે તમે દિવસમાં કેટલું ચાલો છો? દસ હજાર પગલાં એ તો આઇડિયલ સ્થિતિ છે, એટલું તો જોકે બહુ ઓછા લોકો ચાલે છે. ભારતના લોકો દરરોજ સરેરાશ 4297 ડગલાં ચાલે છે. સૌથી વધુ ચીનના અને તેમાં પણ હોંગકોંગના લોકો મેક્સિમમ ચાલે છે. એ લોકો દરરોજ સરેરાશ 6880 ડગલાં ચાલે છે. ચાઇના પછી યુક્રેન અને જાપાનના લોકો વધુ ચાલે છે. અમેરિકન્સ એવરેજ 4774 ડગલાં ભરે છે. સૌથી ઓછું ચાલવાનો રેકોર્ડ ઇન્ડોનેશિયાના લોકોના નામે ચડ્યો છે. એ લોકો રોજ 3513 ડગલાં ચાલે છે.

આપણા દેશમાં મહિલાઓ વળી પુરુષો કરતાં પણ ઓછું ચાલે છે. પુરુષ દરરોજ 4604 ડગલાં અને મહિલાઓ 3684 ડગલાં ચાલે છે. આ વાંચીને કદાચ તમને એવો સવાલ થશે કે કોણ કેટલું ચાલે છે એ માપ્યું કેવી રીતે? હવે હેલ્થ કોન્સિયસ લોકો પોતાના સ્માર્ટ ફોનમાં એવી ફિટનેસ એપ ઇનસ્ટોલ કરે છે જે દરરોજ આપણે કેટલું ચાલીએ છીએ તેનો હિસાબ રાખે છે. આ એપના ડેટાના આધારે આ સર્વે કરવામાં આવ્યો છે.  જોકે ઘણા લોકો આ સર્વેને વાહિયાત ગણાવે છે, એમનું કહેવું છે કે ચાલવાવાળા બધા લોકો કંઇ એપ રાખતા નથી. ફાઇન, ચાલો માની લઇએ કે આ વાત સાચી છે પણ તમે જ વિચાર કરોને કે તમે રોજ કેટલાં ડગલાં ચાલો છો? જાણવું હોય તો તમે પણ કોઇ એક એપ ડાઉનલોડ કરી દો, રાત પડે તમને ફિગર મળી જશે કે આપણે કેટલા બેઠાડુ થઇ ગયા છીએ. એપ તો એ લોકોએ ડાઉનલોડ કરી હોય છે જેને પોતાની હેલ્થનું ભાન છે. આપણે તો કદાચ જે ફિગર આપવામાં આવ્યો છે તેનાથી પણ ઓછું ચાલતા હોઇશું. અલબત, આ વાત કોઇ વાદવિવાદની નથી, હકીકત તો એ જ છે કે આપણે ઓછું ચાલીએ છીએ અને ધીમે ધીમે ચાલવાનું ભૂલતા જઇએ છીએ.

આપણા લોકો એક દલીલ એવી પણ કરે છે કે આપણે ત્યાં એવા રસ્તા જ ક્યાં છે, જેનાથી ચાલવાનું મન થાય. ફૂટપાથ તો હવે સમ ખાવા પૂરતી ક્યાંક જ હોય છે. જ્યાં ફૂટપાથ છે ત્યાં પણ રેકડીઓવાળાએ એન્ક્રોચમેન્ટ કરી લીધું હોય છે. રોડ પર ચાલીને જવામાં ઊલટું જોખમ છે. કોઇ વાહનવાળા ક્યારે ઉલાળી દે તેનો કોઇ ભરોસો નહીં. આપણા રસ્તાઓ ઉપર તો ઢોરનો પણ ક્યાં ઓછો ત્રાસ છે? ઢોર પણ આપણને ક્યારે શીંગડે ભરાવી દે તે કહેવાય નહીં. આપણા રસ્તાઓ ઉપર ચાલવું એ ખાંડાની ધાર પર ચાલવા જેટલું જ અઘરું છે. સવારે મોર્નિંગ વોક કરવા નીકળતા લોકો પણ ગાર્ડન સુધી જવા માટે કારનો ઉપયોગ કરે છે. કાર પાર્ક કરીને ચાલવા જાય છે. આજના યંગસ્ટર્સને ટુવ્હીલર વગર ચાલતું નથી. શાળા કે કોલેજે ચાલીને જવામાં તેઓ ડાઉન ફીલ કરે છે.

આપણા દેશમાં થયેલો ફિટનેસ સર્વે એવું કહે છે કે, ગુરુગ્રામ, નોઇડા, ગાઝિયાબાદ સૌથી વધુ ફિટ સિટી છે. એ શહેરના લોકો દરરોજ એવરેજ 340 કેલેરી બર્ન કરે છે. સૌથી આળસુ શહેરમાં અમદાવાદ, કોલકતા અને લખનઉનો સમાવેશ થાય છે. મુંબઇ અને દિલ્હીના લોકો પ્રમાણમાં વધુ ચાલે છે. નિષ્ણાતો એવું કહે છે કે ચાલવાની આદત નાના હોય ત્યારથી જ પાડવી જોઇએ. હવે તો નાનાં બાળકો બહાર રમવા પણ ઓછા જાય છે. ચાઇલ્ડ ઓબેસિટીનો એ આવનારા સમયનો સૌથી મોટો પ્રોબ્લેમ થવાનો છે. નાના હોય ત્યારે ચાલતા ન હોય એ મોટા થઇને શું ચાલવાના? વેલ, સરવાળે એક જ વાત કરવાની છે કે સાજા અને તાજા-માજા રહેવું હોય તો દરરોજ બને એટલું વધુ ચાલો. જીમમાં જાવ કે બગીચામાં જાવ, ગમે તે કરો પણ ચાલવાનું વધુ રાખો. ડોક્ટર કહે એની રાહ ન જુઓ. ચાલશો નહીં તો વહેલા કે મોડા ડોક્ટર તો કહેવાના જ છે કે હવે ચાલવા સિવાય કોઇ આરોઓવારો નથી. આપણે દરરોજ પેટમાં કેલેરીઝનો ઢગલો પધરાવતા જઇએ છીએ અને પછી બેઠા રહીએ છીએ. ચાલવાને આદત બનાવો અને વોકિંગને એન્જોય કરો. જેટલું ચાલશો એટલા મોડા ડોક્ટર પાસે જવું પડશે અને એટલી ઓછી ટેબ્લેટ ગળવી પડશે. બાય ધ વે, તમે દરરોજ કેટલું ચાલો છો એનો હિસાબ તો રાખજો, આપણે કેટલા આળસુ છીએ તેની ખબર પડી જશે.

પેશ-એ-ખિદમત

રહના તુમ ચાહે જહાં ખબરોં મેં આતે રહના,

હમ કો અહસાસ-એ-જુદાઇ સે બચાતે રહના,

મુદ્દતો બાદ જો દેખોગે તો ડર જાઓગે,

અપને કો આઇના રોજ દિખાતે રહના.

-વામિક જૌનપુરી

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 22 જુલાઇ 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *