ડોક્ટર્સ, તમારી હેલ્થ પ્રત્યે
તમે કેટલા સજાગ છો?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
આજે ડોક્ટર્સ ડે છે. લોકોની તબિયતની દરકાર
રાખતા તબીબો પોતાની હેલ્થ પ્રત્યે તદ્દન
બેદરકાર રહે છે! દેશના અડધાથી વધુ
ડોક્ટર્સ હાઇપરટેન્શનથી પીડાઇ રહ્યા છે.
ખૂબ મહેનત કરીને ડોક્ટર બન્યા પછી તેમણે
ઘણીબધી ચેલેન્જિસનો સામનો કરવો પડે છે.
ક્યારેક તેમણે સફળતાની બહુ મોટી
કિંમત ચૂકવવી પડે છે.
ડોક્ટરની લાઇફ કેવી હોય છે? સામાન્ય છાપ એવી છે કે એ તો ડોક્ટર છે, એને શું વાંધો હોય? એકવાર ડોક્ટર બની ગયા એટલે લાઇફ સેટ, પછી આખી જિંદગી જલસા. ડોક્ટર્સ કેટલા તનાવમાં જીવતા હોય છે એની કોઇને કલ્પના હોતી નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનનો અભ્યાસ એવું કહે છે કે આપણા દેશના પચાસ ટકાથી વધુ ડોક્ટર્સ હાઇપરટેન્શનનો શિકાર બનેલા છે. ડોક્ટર્સને એવી સલાહ પણ આપવામાં આવે છે કે તમારી હેલ્થ પ્રત્યે સજાગ રહો. લોકોની તબિયતનું ધ્યાન રાખતા તબીબો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હોય છે. આખા ગામને સલાહ આપતા હોય છે કે તમારી લાઇફ સ્ટાઇલ સુધારો, નિયમિત કસરત કરો, યોગ્ય ડાયટ જ લો. કોઇ પેશન્ટ ક્યારેય ડોક્ટરને એવું પૂછતા નથી કે ડોક્ટર સાહેબ, તમે મને જે કહ્યું એમાંથી તમે કેટલું કરો છો?
આજે ડોક્ટર્સ ડે છે. આમ તો બધા લોકો એવું જ ઇચ્છતા અને પ્રાર્થના કરતા હોય છે કે ભગવાન આપણને ડોક્ટરથી દૂર રાખે પણ એવું થતું નથી. દરેક માણસે ડોક્ટર પાસે જવું જ પડે છે. ડોક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તબિયત બગડે ત્યારે માણસ ડોક્ટરને શરણે જાય છે અને એ કહે એને બ્રહ્મવાક્ય ગણીને ફોલો કરે છે. એમ તો ડોક્ટર્સ વિશે ઘસાતી વાતો પણ ઓછી થતી નથી. આજના ડોક્ટર તો રૂપિયામાં ચીરી નાખે છે, એના લેબોરેટરીથી માંડી દવાવાળા સુધીના લોકો સાથે સેટિંગ્સ હોય છે. બધી વાતો સાવ ખોટી પણ નથી, જોકે એક વાત સાચી છે કે જ્યારે દર્દીની સારવારની વાત આવે ત્યારે ડોક્ટર એનાથી બને એ બધું કરી છૂટતા હોય છે. દરેક માણસને ડોક્ટર્સના સારા કે નરસા અનુભવો હોય છે. બહુ ઓછા લોકો ડોક્ટર્સની લાઇફને નજીકથી જાણતા હોય છે.
સૌથી પહેલા તો ડોક્ટર બનવું એ ખાવાના ખેલ નથી. રાતદિવસ ગાંડાની જેમ સ્ટડી કરીને ડોક્ટર બનાય છે. રૂપિયાવાળાઓ વિશે એવું ભલે કહેવાતું હોય કે તગડું ડોનેશન આપીને એડમિશન મેળવી લે છે પણ અભ્યાસમાં તો એણે મહેનત કરવી જ પડે છે. ડોક્ટરના સ્ટડીમાં પણ ટેન્શન કંઇ ઓછું હોતું નથી. ઘણા લોકો ત્રાસી જાય છે અને આપઘાત કર્યા હોવાના કિસ્સા પણ છે. માનો કે મહેનત કરીને ડોક્ટર બની ગયા તો પણ એસ્ટાબ્લિશ થવામાં નાકે દમ આવી જાય છે. હવે હોસ્પિટલમાં પણ કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે. જે લોકો પોતાની હોસ્પિટલ શરૂ કરી શકતા નથી એ લોકોએ મસમોટી હોસ્પિટલમાં જોબ કરવી પડે છે. તેમણે પણ પરફોર્મ કરવું પડે છે, જવાબ આપવા પડે છે અને પોતાની જાત સાબિત કરવી પડે છે. જેમના બાપ-દાદા ડોક્ટર હતા અને વારસામાં તૈયાર હોસ્પિટલ મળી જવાની હોય અને હજુ વાંધો નથી આવતો પણ જેણે આપબળે આગળ આવવાનું હોય છે એણે બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. ડોક્ટર્સને રૂપિયા મળે છે પણ હેલ્થ અને ફેમિલી લાઇફમાં ઘણાં બધાં કોમ્પ્રોમાઇઝ કરવાં પડે છે. ઘણા ડોક્ટર્સ એવા છે જેને રાતે ઊંઘ નથી આવતી. કેટલાક એવા ભ્રમમાં પણ હોય છે કે આપણે આપણી તબિયતની બહુ ચિંતા કરવા જેવું નથી. સામાન્ય બીમારીઓને ડોક્ટર્સ પોતે જ બહુ લાઇટલી લેતા હોવાના પણ કિસ્સા છે. અમુક ડોક્ટર્સ ટેબ્લેટના સહારે વધુ પડતો શ્રમ પણ કરતા હોય છે. પ્રેશરના કારણે દારૂ કે ડ્રગ્સના રવાડે ચડી ગયા હોવાના કિસ્સા પણ છે. લોકોમાં એક એવી પણ છાપ છે કે ડોક્ટર્સ તો નોટો છાપે છે, માની લઇએ કે ડોક્ટર્સ નોટો છાપે છે તો પણ એક હકીકત એ છે કે રૂપિયા એક હદ પછી સુખ આપતા નથી. રૂપિયા સાધનો અને સગવડ આપે પણ સુખ તો અંદર હોય તો જ બહાર આવે. નિષ્ણાતો ડોક્ટર્સને સલાહ આપે છે કે તમારી લાઇફને પણ મહત્ત્વ આપો, તમારા ફેમિલીને પણ પૂરતો ટાઇમ આપો, પ્રેક્ટિસ કરતા પણ બીજું ઘણુંબધું જિંદગીમાં મહત્ત્વનું છે, એને નજરઅંદાજ ન કરો. એવા ડોક્ટર્સ બહુ ઓછા છે જે કરિયર, ફેમિલી અને લાઇફનું બેલેન્સ જાળવી શકતા હોય. ક્યારેક તો સફળતાની ભૂખ પણ માણસને ભીંત ભુલાવતી હોય છે.
આજથી પંદર વર્ષ પહેલાંની વાત છે. મુંબઇના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. નીતુ માંડકેનું જ્યારે હાર્ટએટેકથી અવસાન થયું ત્યારે આખા દેશના તબીબજગતે આઘાતનો આંચકો અનુભવ્યો હતો. 10 હજારથી વધુ હાર્ટ સર્જરી તેમણે કરી હતી. તેનું નામ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આદરપૂર્વક લેવાતું હતું. એના વિશે એવું કહેવાતું કે એની પાસે પહોંચી ગયા પછી દર્દીને કોઇ જ ચિંતા નહીં. એ જ વ્યક્તિ હાર્ટએટેકનો ભોગ બન્યા. એમણે જ્યારે વિદાય લીધી ત્યારે એમની ઉંમર કેવડી હતી? માત્ર 55 વર્ષ! અત્યારે મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલ છે એ એનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. હોસ્પિટલનું સપનું સાકાર કરવામાં એણે પોતાની હેલ્થ પ્રત્યે જરાયે ધ્યાન ન આપ્યું અને જે આખી દુનિયાના લોકોને બચાવી લેતા હતા એને પોતાનો હુનર જ કામ ન લાગ્યો! ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને ડોક્ટર્સ ઉપર અભ્યાસ કરીને એમ કહ્યું હતું કે દર બે ડોક્ટરમાંથી એક તનાવમાં જીવે છે. મોટાભાગના ડોક્ટર્સનું બ્લડપ્રેશર હાઇ હોય છે. ડોક્ટર્સ પોતાની હેલ્થ પ્રત્યે એલર્ટ હોતા નથી. આમ તો આજે ડોક્ટર્સ ડેના દિવસે ડોક્ટર્સને આપણી જિંદગીમાં બહુ મહત્ત્વનો રોલ ભજવવા માટે અને આપણી તબિયતનું ધ્યાન રાખવા માટે થેંક યુ જ કહેવાનું હોય પણ સાથોસાથ એવું પણ કહેવાનું મન થઇ જાય કે ડોક્ટર્સ, પ્લીઝ ડુ ટેઇક વેરી ગુડ કેર ઓફ યુ, તમારી તબિયતનું પણ જતન કરજો કારણ કે તમે અમારા બધા માટે બહુ મહત્ત્વના છે. હેપી ડોક્ટર્સ ડે.
પેશ-એ-ખિદમત
મૈં ને તો યૂંહી જિક્ર-એ-વફા છેડ દિયા થા,
બે-સાખ્તા ક્યૂં અશ્ક તુમ્હારે નિકલ આયે,
હમ જાઁતો બચા લાતે મગર અપના મુકદ્દર,
ઇસ ભીડ મેં કુછ દોસ્ત હમારે નિકલ આયે.
(બે-સાખ્તા: અચાનક) -મંસૂર ઉસ્માની
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 01 જુલાઇ 2018, રવિવાર)
kkantu@gmail.com