તમે શું માનો છો, પિતાનું ઋણ ચૂકવી શકાય ખરું? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે શું માનો છો, પિતાનું

ઋણ ચૂકવી શકાય ખરું?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

‘હે ઇશ્વર, મારો બોનમેરો પિતા સાથે મેચ કરાવી દેજે.

મારે મારા ડેડીને બ્લડ કેન્સરની બીમારીમાંથી

મુક્તિ અપાવવી છે.’ કુદરતે માસૂમ દીકરીની

પ્રાર્થના સાંભળી લીધી.

 

અમેરિકાની હોસ્પિટલમાં આજે

ફાધર્સ ડેની અનોખી ઉજવણી થઇ રહી છે.

એક સંવેદનશીલ વાત ગુજરાતી બાપ-દીકરીની..

આજે ફાધર્સ ડે છે. સામાન્ય સંજોગોમાં આ દિવસની ઉજવણી કેવી રીતે થાય? દીકરો કે દીકરી ફાધરને ગમે એવું કંઇક કરે, કોઇ પિતાને સરપ્રાઇઝ આપે, ડિનર માટે લઇ જાય, પિતાને ગમે એવી કોઇ ગિફ્ટ આપે. પિતા દરેક વ્યક્તિની જિંદગીનો ફર્સ્ટ હીરો હોય છે. પિતા માટે શું કરું એવો વિચાર દરેકને આવતો હોય છે. છેલ્લે એમ તો થાય જ કે પપ્પાને શું ગિફ્ટ આપું? દરેક ગિફ્ટ રૂપિયા ખર્ચીને મળતી નથી. દરેકના નસીબમાં યુનિક ગિફ્ટ આપવાનું લખ્યું પણ હોતું નથી. જેમણે જન્મ આપ્યો છે એ પિતાને આખરે આપણે આપી આપીને શું આપી શકવાના છીએ?

એક દીકરી ભગવાનને પ્રાર્થના કરતી હતી. હે ઇશ્વર, મારો બોનમેરો ડેડી સાથે મેચ કરાવી દેજે. જ્યારે એને કહેવામાં આવ્યું કે બધું મેચ થઇ ગયું છે, ત્યારે એ દીકરીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, થેંક ગોડ. આ સંવેદનશીલ વાત છે અમેરિકામાં વસતા એક ગુજરાતી બાપ-દીકરીની.  મૂળ અમરેલી જિલ્લાના જાળિયા ગામના યજ્ઞેશભાઇ સાંગાણી લોસ એન્જલસમાં આવેલી હાર્ડ ડ્રાઇવ અને મેમરી ચિપ્સ બનાવવા માટે આખી દુનિયામાં જાણીતી વેસ્ટર્ન ડિઝિટલ કંપનીમાં સારી પોસ્ટ ઉપર ફરજ બજાવે છે. એક દિવસ યજ્ઞેશભાઇને તબિયત ઓકે લાગતી ન હતી. ચેક અપ કરાવ્યું. ડોક્ટરે કહ્યું, તમને બ્લડ કેન્સર છે. લ્યુકેમિયા. સારવારનો એક જ બેસ્ટ રસ્તો છે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ.

તમારે કેટલાં સંતાનો છે એવા સવાલના જવાબમાં યજ્ઞેશભાઇએ કહ્યું કે, બે દીકરી. પંદર વર્ષની આરુષિ અને બાર વર્ષની ઓમિષા. ડેડીને બોનમેરોની જરૂર છે એ વાતની ખબર પડી કે તરત જ બંને દીકરીઓ બોનમેરો આપવા તૈયાર થઇ ગઇ. ડર એક જ હતો કે બોનમેરો મેચ નહીં થાય તો? જોકે એક નહીં, બંને દીકરીઓના બોનમેરો મેચ થઇ ગયા. રેર કેસમાં બને એવું આ બંને બહેનોના કેસમાં બન્યું. બંને વચ્ચે ત્રણ વર્ષનો ફર્ક છે પણ બંનેનું જિનેટિકલ સ્ટ્રક્ચર ચેક કરતાં ખબર પડી કે બંનેમાં આઇડેન્ટિકલ ટ્વિન્સ જેટલી સમાનતા છે. નાની દીકરી ઓમિષા બોનમેરો આપે તો વધુ સારું એવું નક્કી કર્યું. ઓમિષા તો એવું જ ઇચ્છતી હતી. ઓમિષાના બોનમેરો લેવા માટે તેને સતત પાંચ દિવસ ઇન્જેક્શન આપવામાં આવ્યાં. બોનમેરો લેવા અને આપવાની સારવારમાં હવે ઘણી પ્રગતિ થઇ છે. ઇન્જેક્શનનું દ્રવ્ય બોનમેરોને હાડકામાંથી બલ્ડમાં ધકેલે છે. એક મશીન મારફતે બ્લડમાંથી બોનમેરો છૂટું પાડીને મેળવી લેવાય છે. લગભગ પાંચેક કલાકની મેડિકલ પ્રોસેસ પછી દીકરી ઓમિષાનું બોનમેરો લેવાયું અને એ પિતા યજ્ઞેશભાઇના શરીરમાં ઇન્જેક્ટ કરાયું. હજુ આ મહિનાના અંત સુધીમાં યજ્ઞેશભાઇએ હોસ્પિટલમાં રહેવું પડશે.

દવાખાનાના બિછાનેથી વાત કરતા યજ્ઞેશભાઇ કહે છે કે, એક ગજબ પ્રકારની લાગણી હું અનુભવું છે. મા-બાપ સંતાનને જન્મ આપે છે પણ મારા કિસ્સામાં કુદરતે થોડુંક રિવર્સ પણ લખ્યું હશે. મને મારી દીકરીએ જિંદગી આપી છે. સાવ નાના ગામડાથી લઇને અમેરિકાની સફર સુધીમાં અનેક અનુભવો થયા પણ આ વખતે અલૌકિક અનુભૂતિ થઇ. મોરબી અને અમદાવાદમાં સ્ટડી કરી હું તો સ્ટુડન્ટ તરીકે અમેરિકા આવ્યો હતો. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યા પછી અહીં જ નોકરી મળી ગઇ. પત્ની દક્ષા અને બે દીકરી આરુષિ અને ઓમિષા સાથે જિંદગી સ્મૂધ રીતે ચાલતી હતી. બ્લડ કેન્સર ડાયોગ્નાઇસ થયું ત્યારે પત્ની દક્ષા ડરી ગઇ હતી. બંને દીકરીઓએ એને પણ સાચવી છે. કોઇ મોટા પડકાર વખતે જે જીતે છે એ ફેમિલી બોન્ડિંગ જ હોય છે.

અમેરિકાની આ જગમશહૂર હોસ્પિટલના ડોક્ટર પણ ઇન્ડિયન છે. પંજાબી ડો. અમનદીપ સલહોત્રાની ગણના બોનમેરો ટ્રીટમેન્ટ માટે પહેલી હરોળના તબીબમાં થાય છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સારવાર અત્યંત મોંઘી છે. આ કેસમાં જ લગભગ 10 લાખ ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે. એક ડોલરનો ભાવ અત્યારે રુપિયા 67-68ની વચ્ચે ચાલે છે. અમેરિકામાં મેડિકલ ઇન્સ્યોરન્સ હોય છે એટલે વાંધો આવતો નથી. અલબત ગમે એટલા રૂપિયા ખર્ચીને પણ બોનમેરો ખરીદી શકાતું નથી. એના માટે તો કોઇ પોતાનું હોવું જોઇએ અને એનું બોનમેરો પણ મેચ થતું હોવું જોઇએ.

બોનમેરો આપનાર બાર જ વર્ષની ઓમિષાને પૂછ્યું કે તને લાગે છે કે તેં પિતાનું ઋણ ચૂકવ્યું? તેણે તરત જ કહ્યું કે ના, નથી લાગતું, કારણ કે પિતાનું ઋણ તો ક્યારેય ચૂકવી જ ન શકાય. હું મારી જાતને લકી ચોક્કસ માનું છું કે મને આવી તક મળી. બધાના નસીબમાં પેરેન્ટ્સની પડખે આ રીતે ઊભું રહેવાનું નથી હોતું. મને એવો વિચાર આવ્યો હતો કે હું મારા પેરેન્ટ્સ માટે કંઇક યાદગાર કરીશ, જોકે આવું થશે એની મેં કલ્પના કરી ન હતી.

નો ડાઉટ, આ કિસ્સો કંઇ દુનિયાનો પહેલો કિસ્સો નથી, અને છેલ્લો પણ નથી. વાત પિતા પ્રત્યેની સંવેદનાની છે. પિતા હેડ ઓફ ધ ફેમિલી છે. આપણા સમાજમાં માતાનો જેટલો મહિમા ગવાયો છે એટલું ગૌરવ પપ્પાનું ગવાયું નથી. મા બાપની કોઇપણ રીતે સરખામણી કરી ન શકાય, બંને એની એની જગ્યાએ મહાન જ હોય છે. પિતા ‘હેડ’ (માથું) છે તો મા કરોડરજ્જુ છે. દીકરીને પિતા પ્રત્યે અને દીકરાને મા તરફ વધુ લગાવ હોય છે એવું કહેવાય છે. સામા પક્ષે પિતાને દીકરી અને માતાને દીકરો વધુ વહાલો હોય છે એવું પણ મનાય છે. જે હોય તે, અંતે તો મા અને બાપ બંને સંતાનોનું ભલું જ ઇચ્છતાં હોય છે. પિતા માટે બીજું કંઇ કરી શકાય નહીં તો કંઇ નહીં, દરેક સંતાન એક કામ તો કરી જ શકે. પિતાને બને એટલો સમય આપો, એની વાત સાંભળો, એને હળવાશ આપો, એની સાથે જેટલું વધુ રહેવા મળે એટલું રહો, યાદ રાખજો, પિતા આખી જિંદગી આપણી સાથે રહેવાના નથી. આજે જે કંઇ કરો એ તમારા ફાધર, ડેડ, ડેડી, પિતા, બાપા, પપ્પા માટે નહીં પણ તમારા માટે કરજો, પિતાના હસતા ચહેરાનું દૃશ્ય આંખોમાં કંડારી લેજો. એ તમને આખી જિંદગી તાકાત આપશે. છેલ્લે એક સાવ સાચી ઘટના. એક પિતા મરણપથારીએ હતા. દીકરાનો હાથ પકડીને કહ્યું કે, હું ન હોઉં અને ક્યારેય કોઇ તકલીફ પડેને ત્યારે મને દિલથી યાદ કરજે, હું કોઇ ને કોઇ સ્વરૂપે તારી મદદે આવી જઇશ. એ દીકરાએ કહ્યું છે, સૂક્ષ્મ રીતે પિતા મારી સાથે હોવાનો અનુભવ મને અનેક વખત થયો છે. અંતે, દુનિયાના દરેક પિતાને વંદન. kkantu@gmail.com

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 17 જુન 2018, રવિવાર)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *