મારામાં તાકાત છે, મારે કોઈની પણ જરૂર નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારામાં તાકાત છે, મારે

કોઈની પણ જરૂર નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

ઉકળી ઊઠે તું એવાં વિધાનો નહીં કરું,

જા આજથી તને સવાલો નહીં કરું,

તું સાચવ્યાનાં સઘળાં નિશાનોય સાચવીશ,

એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.

– ચંદ્રેશ મકવાણા

‘મેં બધાને ચકાસી જોયા છે. કોઈનો ભરોસો કરવા જેવો નથી. કામ હોય ત્યારે બધા ભાઈસાબ બાપા કરે છે. કામ પત્યું પછી કોણ તું અને કોણ હું. બહુ મૂરખ બની લીધું. હવે વધારે મૂરખ બનવું નથી. હું કંઈ યુઝ એન્ડ થ્રો માટે નથી. મારે કામ હોય ત્યારે કોઈ હોતું નથી. બધા હાથ ઊંચા કરી દે છે. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. એકલા આવ્યા હતા અને એકલા જ જવાનું છે. મિત્રો અને સંબંધીઓ બધા કહેવા પૂરતા છે. કોઈ ઘસીને ગૂમડે ચોપડવાના કામમાં લાગે એવા પણ નથી. મારે એકલાયે જ ખેંચાયા રાખવાનું? બીજા કોઈની કંઈ ફરજ જ નહીં? બસ, બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ. હવેથી આપણે પણ કામથી જ મતલબ રાખવો છે. જેને જે કરવું હોય એ કરે. મારે જે કરવું હશે એ હું કરીશ.’ આવો વિચાર દરેક માણસને ક્યારેક ને ક્યારેક આવ્યો જ હોય છે. કોઈ દગો, ફટકો વિશ્વાસઘાત કે બેવફાઈ થાય ત્યારે આપણને આવું થતું હોય છે. આખી દુનિયા સામે સવાલો થાય છે. દુનિયા બદમાશ લોકોની જ છે. સારા માણસોનું કંઈ કામ જ નથી. લેભાગુ, લુચ્ચા, સ્વાર્થી અને રમતબાજ લોકો જ ફાવી જાય છે.

માણસ એકલો રહી શકતો નથી. માણસ જ નહીં, કોઈ પશુ, પક્ષી કે બીજા જીવ પણ એકલા રહી શકતાં નથી. આપણે કોઈ ને કોઈની સાથે રહેવાવાળા છીએ. બધા વગર ચાલે, પણ માણસને માણસ વગર ચાલતું નથી. આપણે ઇમોશનલ લોકો છીએ. સંવેદના એ માણસમાં કુદરતે આપેલું અદ્્ભુત તત્ત્વ છે. આપણે સંવેદના ઠાલવવી હોય છે, સંવેદના ઝીલવી હોય છે, હસવું હોય છે, રડવું હોય છે, વાતો કરવી હોય છે, પોતાની હયાતિ સાબિત કરવી હોય છે. એના માટે કોઈની જરૂર પડતી હોય છે. આપણો જન્મ થાય ત્યારે માતાની નાડથી આપણને છૂટા કરવામાં આવે છે. એ સમયથી આપણે કોઈ ને કોઈ સાથે જોડાવવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. બીજી રીતે જોઈએ તો જન્મતાંવેંત માણસ રડે છે, એ સમયથી આપણને કોઈ છાનું રાખનાર અને હસાવનારની જરૂર પડે છે. પ્રકૃતિ જન્મજાત હોય છે. અનુભવો અને ઉદાહરણોથી આપણી પ્રકૃતિમાં થોડાક ફેરફાર થાય છે.

એક યુવાનની આ વાત છે. બહુ જ ડાહ્યો અને હોશિયાર. સારું ભણ્યો. સારી જોબ મળી. ઓફિસમાં એ કામથી કામ રાખે. કોઈની સાથે વધુ પડતી આત્મીયતા નહીં અને કોઈનાથી નફરત પણ નહીં. પાર્ટીમાં ભાગ લે, પણ બહુ હસવા-બોલવાનું નહીં. એ જ ઓફિસમાં એક છોકરી કામ કરે. એકદમ બિન્ધાસ્ત. હેપી, ગો, લકી કિસમની એની ફિતરત. કામ સિવાય દરેક વાત હળવાશથી લેવાની. બધા સાથે મજાથી રહેવાનું. એક પ્રોજેક્ટમાં એને પેલા યુવાન સાથે કામ કરવાનું થયું. એ ખૂબ પ્રયાસ કરે, પણ પેલો માણસ હળવાશથી વાત જ ન કરે. એક દિવસ પેલા યુવાને એને પૂછ્યું, તું શું આમ આખો દિવસ બિન્ધાસ્ત રહેતી હોય છે? તારામાં કોઈ સિરિયસનેસ જેવું છે નહીં. આવું જ કરીશ તો તને કોઈ ગંભીરતાથી લેશે જ નહીં. તને ખબર નથી બધા લોકો મતલબી છે. કોઈનો ભરોસો કરવા જેવો નથી. પેલી છોકરી ખડખડાટ હસવા લાગી અને કહ્યું, એમ? કોઈ પણ ભરોસો કરવા જેવું નથી? તારો પણ નહીં? તું જરાયે ભરોસાપાત્ર નથી. તારામાં એવું શું છે કે હું તારો ભરોસો કરું? બીજાની ક્યાં માંડે છે, તારું જો ને! તું મોઢું ફુલાવીને ફરે છે, આખા જગતનો બોજ માથે લઈને ફરે છે. તને આવી સલાહ આપવાનો અધિકાર કોણે આપ્યો? તારી જાતને જ્ઞાની સમજતો હોય તો સમજ, પણ તું એક નંબરનો બેવકૂફ છે. આટલું બોલીને એ ફરીથી ખડખડાટ હસવા લાગી. એ પછી શાંતિથી કહ્યું કે, દોસ્ત હું તો મજાક કરું છું. તને ખખડાવવાનો કોઈ ઇરાદો નથી. યાર, પણ તું શા માટે આટલો ભાર લઈને ફરે છે? ચાલ માની લઉં કે હું બિન્ધાસ્ત છું, પણ હું હળવી તો છું ને! તું તો પોતે જ પોતાના ભાર નીચે દબાયેલો છે. ‘તને ખબર નથી મને કેવા કેવા અનુભવો થયા છે.’ યુવાને કહ્યું. ‘તને ખબર છે મને કેવા અનુભવો થયા છે?’ યુવતીએ સવાલ કર્યો. થાય, અનુભવો તો થાય. એક-બે અનુભવો થાય એટલે આખી દુનિયાને ખરાબ માની લેવાની? એવું નથી હોતું દોસ્ત. આવા વિચારમાંથી નીકળ, નહીંતર કોઈ દિવસ મજાથી રહી જ નહીં શકે! આ દુનિયામાં કેટલા લોકો છે? તને થોડાકનો ખરાબ અનુભવ થયો હશે, પણ તેં બીજાને અજમાવ્યા છે? આપણે છે ને ઘણી વાર આંખો ઉપર અમુક રંગનાં ચશ્માં ચડાવી લેતા હોઈએ છીએ અને પછી એવું જ માનવા લાગીએ છીએ કે આખી દુનિયા આ એક જ રંગની છે. આવું કરીએ ત્યારે વાંક દુનિયાનો નથી હોતો, આપણાં ચશ્માંનો હોય છે. ચશ્માં બદલવાની જરૂર હોય છે. જિંદગીમાં આ ચશ્માં ઉતારી બીજા પહેરાવે એવા મિત્રની પણ જરૂર હોય છે.

કોઈ માન્યતાને એટલી જડ ન બનવા દો કે એ જીવીએ ત્યાં સુધી ઓગળે જ નહીં. આપણી માન્યતાઓ આપણી હોય છે. પોતાની માન્યતાને વળગી રહેવાનો દરેકને અધિકાર હોય છે. આપણે ફક્ત એ તપાસતા રહેવું જોઈએ કે મારી માન્યતા સાચી અને સારી છેને? એ માન્યતા જુદી હોય તેનો વાંધો નથી, જડ ન હોવી જોઈએ. જડ હોય એ આપણને જ જકડી લેતું હોય છે. પોતાની જડતામાં જ જડાઈ ગયેલા લોકો આપણી આજુબાજુમાં હોય છે. એને જોઈને આપણને લાગે કે આને શેનો ભાર છે? આ કઈ દુનિયામાં વસે છે? આને શું લઈ લેવું છે? ઘણી વખત તો આપણને દયા આવી જાય કે આને જિંદગી જીવતા આવડતું જ નથી. આ માણસ આમ ને આમ પતી જવાનો. આપણે કોઈને બદલી ન શકીએ, માત્ર એટલું ધ્યાન રાખીએ કે આપણે એના જેવા ન થઈ જઈએ. માણસોને મળીને એ પણ શીખવા જેવું છે કે આપણે કોના જેવું બનવું છે!

તમારા એકાંતને પ્રેમ કરો. તમારી એકલતાને નફરત. એક સાધુ હતો. જંગલમાં ઝૂંપડી બાંધીને એકલો રહે. એક વખત એક યુવાન આવ્યો. તેણે પૂછ્યું. તમને એકલું નથી લાગતું? સાધુએ કહ્યું, હું ક્યાં એકલો છું? સવારે એક કૂકડો મને ઉઠાડવા આવે છે. એ પછી એક કોયલ મારા માટે ગીત ગાય છે. આ ઝાડનાં પાંદડાં મને હવા નાખે છે. વાતો કરવાનું મન થાય ત્યારે હું મારી જાત સાથે સંવાદ સાધું છું. કોઈને ઓળખવાનું મન થાય ત્યારે મારી જાતને ઓળખવાનો પ્રયાસ કરું છું. તમારા જેવા કોઈ મિત્ર મળવા આવે ત્યારે ખુલ્લા દિલે મળું છું. એકલતા તો પોતાથી ભાગવાની પ્રવૃત્તિ છે. હું તો મારી નજીક આવું છું. જંગલ કે કોઈ એકાંકી સ્થળ એ કોઈનાથી ભાગવાની નહીં, પણ પોતાનાથી નજીક આવવાની જગ્યા છે. એકલતા આપણને ઓગાળી નાખે છે. એકાંત આપણને સમૃદ્ધ બનાવે છે. એકનો અંત લાવે એ એકાંત. એકલા પાડી દે એ એકલતા. તમે તમારી જાતને ભરોસાપાત્ર માનો છો? તો આખી દુનિયા ભરોસાપાત્ર છે. એનું કારણ એ જ છે કે આપણે આ દુનિયાનો જ એક ભાગ છીએ. જો આપણે આપણને સારા માનતા હોઈએ તો દુનિયાને ખરાબ કેવી રીતે માની શકીએ? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણી જાતને દુનિયાથી અલગ માનીએ છીએ. આપણે એમાંના જ એક છીએ. જરાક ઉપરથી જોઈએ તો ખબર પડે કે જેમ બીજાં પશુ, બીજાં પક્ષીઓ અને બીજા જીવો છે એવા જ આપણે છીએ. ઈશ્વરે તો બીજાં પ્રાણીઓ કરતાં આપણને વધુ બુદ્ધિ અને સમજ આપ્યાં છે. એનો ઉપયોગ આપણે સૌથી પહેલાં આપણને સમજવા માટે કરવાનો છે. આપણે હંમેશાં બીજાને જ માપતા રહીએ છીએ. આપણે પોતાને જ માપતા નથી. માપતા તો ઠીક છે, આપણે તો પોતાને માનતા પણ નથી. માણસે પોતાને માનતા, માપતા અને માણતા શીખવું જોઈએ. જ્ઞાન તમને સારી રીતે જીવતા શીખવવું જોઈએ. સત્ત્વ જ આપણને સંત બનાવે. સામાન્ય માણસ પણ સંત હોઈ શકે. સંતત્વ વસ્ત્રો, દોરા-ધાગા, માળા-મંતર કે ટીલાટપકાંથી સાબિત નથી થતું, એ તો વાણી અને વર્તનથી સાબિત થાય છે. ઘણા લોકો એવું માની બેસે છે કે, હું સક્ષમ છું, મારામાં તાકાત છે, મારે કોઈની જરૂર નથી. એક વખત એક મિત્રએ તેના મિત્રને આવી વાત કરી. એના મિત્રએ કહ્યું, હા તું સક્ષમ છે, તારે કોઈની જરૂર નથી, પણ તને એમ નથી થતું કે તારી કોઈને જરૂર છે? તારા લોકોને તારી જરૂર છે. એ લોકો તને પ્રેમ કરે છે. તું સક્ષમ કેવી રીતે બન્યો? એમાં માત્ર તારો જ હાથ છે? આપણે સારા હોઈએ કે ખરાબ, ભલા હોઈએ કે બૂરા, સફળ હોઈએ કે અસફળ, એમાં કોઈનો ને કોઈનો ફાળો હોય છે. એણે હસીને કહ્યું, મારા ભાઈ, આપણો જન્મ એ પણ બે વ્યક્તિના સાથનું પરિણામ છે! દુનિયાથી ભાગવાનો પ્રયાસ ન કરો. ભાગવા જશો તો થાકી જશો. સાથે રહેવાનો પ્રયાસ કરો. હા, બધા લોકો સારા નથી. બધા સારા હોવાના પણ નહીં. એ શક્ય જ નથી. બધા ખરાબ પણ નથી હોવાના. આપણે એકબીજાથી જુદા છીએ. જુદા છીએ એટલે તો આપણે યુનિક છીએ. બધા જેવા અને એકસરખા હોત તો તો આપણી અલગ આઇડેન્ટિટી જ ક્યાં રહેત? દરેક વ્યક્તિ જુદી છે, કોઈ આપણા જેવું હોઈ શકે, પણ સંપૂર્ણપણે આપણા જેવું હોય જ એ શક્ય નથી. અંગૂઠાની છાપ અલગ અલગ આપીને ઈશ્વરે એ સાબિતી આપી છે કે દરેક માણસ અલગ છે. હું પણ જુદો છું, તમે પણ યુનિક છો. આપણે આપણને જે યુનિકનેસ આપવામાં આવી છે એનો ઉપયોગ કરીને આપણા જેવા બનવાનું છે. આપણામાં પણ આપણે હોઈએ એનાથી વધુ સારા અને સક્ષમ બનવાનો અવકાશ હોય છે. આપણા લોકોને સાથે રાખીને જ આપણે વધુ સારા બનવાનું હોય છે. દુનિયા તો જેવી છે એવી જ રહેવાની છે. થોડીક સારી, થોડીક ખરાબ. આખી દુનિયામાં કશું જ પરફેક્ટ નથી તો દુનિયા ક્યાંથી પરફેક્ટ હોવાની? તમે પરફેક્ટ છો? બાકી ગમે તે હોય, દુનિયા પ્રેમ કરવા જેવી છે, જિંદગી જીવવા જેવી છે, ક્ષણો માણવા જેવી છે. એમ તો નફરત કરવા જેવું પણ ઘણું છે, પણ નફરત કરવા રહેશો તો પ્રેમ કરવાનું ભૂલી જશો. આપણી પાસે બે ચોઇસ હોય છે, પ્રેમ કરવો અથવા નફરત કરવી. પસંદગી કરતા આવડે એ જ પ્રેમ કરી શકે. નફરત કરવાવાળા ક્યારેય પ્રેમ કરી શકતા નથી. જેનાથી નફરત છે કે અણગમો છે એને નજર સામેથી હટાવશો તો જ પ્રેમ કરવાવાળા નજરે પડશે!

છેલ્લો સીન :

આંખો બંધ રાખીએ તો પછી બધું કાળું જ દેખાય. આંખો ખોલતા નથી એ જ ફરિયાદ કરતા હોય છે કે જગતમાં કંઈ જોવા અને માણવા જેવું નથી.       –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 જુન 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *