મારે કોઈ અફસોસ સાથે મરવું નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારે કોઈ અફસોસ

સાથે મરવું નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે,

આંખ સામે છત દીવાલો ચાલતી મેં જોઈ છે,

લાગણીને પગ નથી તો એ જવાની બ્હાર ક્યાં?

તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે.

-મનીષ પાઠક, ‘શ્વેત.

એક યુવાન સાધુ પાસે ગયો. યુવાને સાધુને સવાલ કર્યો. આ દુનિયામાં કોનો ભરોસો ન કરવો જોઈએ? સાધુએ બહુ સલુકાઈથી જવાબ આપ્યો, ભરોસો એકનો જ ક્યારેય ન કરવો, સમયનો! સમય બિલકુલ ભરોસાપાત્ર નથી. એ ખૂબ જ છેતરામણો છે. સમયને રંગ નથી હોતો, પણ એ ક્યારે રંગ બદલે તેનો ભરોસો નહીં. સમય તરંગી મિજાજનો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં એનો મિજાજ બદલી જાય છે. સમયમાં આપણાં સપનાં સાકાર કરવાની ત્રેવડ છે અને એટલી જ તાકાત આપણાં સપનાંને ચકનાચૂર કરવાની છે. સમય આપણી મુરાદો ઉપર પાણી ફેરવી દે છે. ક્યારેક આપણને સમજાતું નથી કે, આ શું થઈ ગયું? સમય સારા સરપ્રાઇઝીસ પણ આપે છે અને ક્યારેક એ એવું રૂપ લઈને આવે છે કે આપણે ડઘાઈ જઈએ. સમય મજાને માતમમાં, આનંદને આક્રંદમાં અને પ્રેમને પીડામાં ફેરવી નાખે છે. સારું થાય ત્યારે આપણે તેને સદ્ નસીબ, સારાં કર્મો કે મહેનતનું નામ આપી સ્વીકારી લઈએ છીએ, પણ ન ગમતું કંઈ થાય ત્યારે સહન કરવું અઘરું પડે છે.

સમયને આપણે બદલી ન શકીએ. એ તો જે રૂપ લઈને આવે એ રૂપમાં આપણે એનો સ્વીકાર જ કરવો પડે. આપણે માત્ર એટલું ધ્યાન રાખીએ કે એની કારી જેટલી બને એટલી ઓછી ફાવે. સમયને હરાવવા અને હંફાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંઈ જ પેન્ડિંગ ન રાખો. જો સમય ઉપર છોડીએ તો એ છેતરી જાય ને! જે કરવું હોય એ કરી લો. કાલ ઉપર કંઈ જ નહીં રાખવાનું. પ્રેમ કરવો છે તો કરી લો, કોઈની માફી માગવી છે તો માગી લો, કોઈને મદદ કરવી છે તો કરી લો, કોઈનાં વખાણ કરવા છે તો રાહ ન જુઓ. સમય કદાચ એ મોકો ન આપે. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે સમય આવશે એટલે બધું આપોઆપ થાળે પડી જશે. દરેક વખતે સમય આવતો નથી, ક્યારેક સમય લાવવો પડતો હોય છે. સમય ઉપર એ જ વાત છોડવી જોઈએ જે આપણા હાથમાં ન હોય. ઘણું બધું આપણા હાથમાં હોય છે, જે થાય એમ હોય એ કરી લેવું.

મુલતવી રાખનાર માણસ મૂંઝાતો રહે છે. મેં કહી દીધું હોત તો? હું વ્યક્ત થઈ ગયો હોત તો? દરેક સમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ. આપણી જિંદગીમાં એવા અનેક બનાવો બન્યા હોય છે જેની આપણે કોઈ દિવસ કલ્પના કરી ન હોય. કોઈ અચાનક આપણી જિંદગીમાં આવી જાય છે. કોઈ અણધાર્યું કાયમ માટે ચાલ્યું જાય છે. આવું થાય પછી આપણી પાસે આશ્વાસનો શોધવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. જો આમ થયું હોતને તો આમ ન થાત, મેં એને જવા દીધો ન હોતને તો એ મારી સાથે હોત, મેં આવું શા માટે કર્યું? એવા કેટલાયે વિચારો આવ્યે રાખે છે. એવા વિચારોનો કોઈ જ અર્થ નથી હોતો. આપણે મન મનાવતા હોઈએ છીએ. મન મનાવવું ન હોય તો મન જે કહે એ કરી નાખો.

અમુક વખતે તો માણસ છેલ્લી ઘડીની રાહ જોતો હોય છે. હમણાં નહીં, સમય પાકે ત્યારે કહીશ કે ત્યારે કરીશ. અમુક વખતે બહુ મોડું સમજાય છે. દરેક સમજ પણ ક્યાં સમયસર આવતી હોય છે? સમયસર સમજ ન આવે તો એ અણસમજ જ છે. ગેરસમજને દૂર કરવાની સમજ સમયસર આવી જાય તો જ તેનો મતલબ છે. એક વૃદ્ધની આ વાત છે. એને બે દીકરા. બંને દીકરા પોતાનો ધંધો સંભાળે એવી પિતાને ઇચ્છા. છોકરા મોટા થયા પછી બંનેને કહ્યું કે, હવે મારો બિઝનેસ તમે સંભાળી લો. એક દીકરો આર્ટિસ્ટ હતો. તેણે કહ્યું, આપણી પાસે સાત પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ છે. મારે કમાવવું નથી. મને તો મારી આર્ટમાં જ રસ છે. હું ધંધો સંભાળવાનો નથી. પિતાથી આ વાત સહન ન થઈ. કલાકાર દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. એ દીકરો કોઈ જાતની માથાકૂટ કર્યા વગર ચાલ્યો પણ ગયો. વર્ષો વીતી ગયા. પિતા મરણપથારીએ હતા. જે દીકરો સાથે રહેતો હતો એની એક દીકરી હતી. દાદાની બહુ લાડકી. દાદાને અનેક વાર કહ્યું કે, દાદા તમે કાકાને બોલાવી લો. દાદો એક જ વાતનું રટણ કરે કે મારે એનું મોઢું નથી જોવું, એણે મારી ઇચ્છાઓનું ખૂન કર્યું છે, મેં ધાર્યું હતું એવું એણે ન કર્યું. મોત નજીક આવતું હતું. ખુદ દાદાને સમજાઈ ગયું હતું કે હવે તેની પાસે વધુ સમય નથી. દીકરીને બોલાવીને કહ્યું કે, તું હવે તારા કાકાને બોલાવી લે. દીકરીએ પૂછ્યું કે કેમ હવે એમને બોલાવવાનું કહો છો? દાદાએ કહ્યું કે, મારે કોઈ અફસોસ સાથે મરવું નથી! દીકરીથી આખરે ન રહેવાયું, તેણે કહ્યું કે દાદા અફસોસ સાથે મરવું નથી, પણ અફસોસ સાથે જીવવામાં તમને વાંધો નહોતો! તમને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે મારે કોઈ અફસોસ સાથે જીવવું નથી? અફસોસ સાથે મરવું ન હોય તો તરત જ કોઈ અફસોસ ન રહે એવું કરવું જોઈએ. અફસોસ વગર જીવવામાં જે મજા છે એ જ સાચી મજા છે. જે સમયે જે થવું જોઈએ એ જ થાય એ વાજબી છે. તરસ લાગે ત્યારે પાણી આપવાનું હોય, એ વખતે સોનું આપો તો એનો કોઈ અર્થ નથી. હૂંફ અને હમદર્દી પણ સમયસર આપવાં જોઈએ. આપણને અનુકૂળતા હોય ત્યારે કદાચ એની કોઈને જરૂર ન પણ હોય.

એક ખેડૂતની આ વાત છે. તેને ગામના એક માણસ સાથે અણબનાવ થયો. એક વખત ખેતરમાં કામ કરતો હતો ત્યારે એના દીકરાએ કહ્યું કે, આપણા પેલા પડોશીને તમારું માઠું લાગ્યું છે. ખેડૂતે દીકરાને તરત જ કહ્યું કે, જા તો એને બોલાવી લાવ. હમણાં જ તેની સાથે પ્રેમથી વાત કરી તેની નારાજગી દૂર કરી દઉં. દીકરાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, બાપા કેમ અત્યારે જ? પિતાએ કહ્યું, દીકરા આપણે ખેડૂત છીએ. ખેતીનો એક નિયમ જિંદગીમાં અપનાવવા જેવો છે. વરસાદ આવેને એ પહેલાં ખેતર ખેડી લેવાનું હોય છે. વરસાદ ક્યારે આવે એનો ભરોસો નહીં, આપણું ખેતર ખેડાયેલું હોવું જોઈએ. જિંદગીમાં પણ એ વાત યાદ રાખવાની હોય છે કે જે સમયે જે થવું જોઈએ એ થઈ જવું જોઈએ. છોડ સુકાઈ જાય પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એ સજીવન ન થાય. પ્રેમ, સ્નેહ અને વ્હાલનું પણ એવું જ હોય છે.

અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહ્્લાદકતા અનુભવાય. બે મિત્રોની આ વાત છે. એક પાર્ટી હતી. એક મિત્ર બહારગામથી આવ્યો હતો. પાર્ટી દરમિયાન મજાક-મસ્તીમાં એ બંને મિત્રો વચ્ચે જૂની એક બાબતે બોલાચાલી થઈ. રીતસરનો ઝઘડો થયો. પાર્ટી પૂરી થઈ. એક મિત્ર એના ઘરે ગયો. બીજો મિત્ર કાર લઈને એના શહેર તરફ જવા નીકળ્યો. જે મિત્ર ઘરે હતો તેને થયું કે મારે ઝઘડો કરવાની જરૂર ન હતી. તેણે મિત્રને તરત ફોન કર્યો. તેણે સોરી કહ્યું. દોસ્ત, આટલા વખતે મળ્યા અને આપણા વચ્ચે ઝઘડો થઈ ગયો. મને માફ કરજે. કારમાં જતાં મિત્રએ કહ્યું, તું પણ જબરો છે. આટલી ઝડપે તને માફી માગી લેવાનું મન થઈ ગયું. મિત્રએ કહ્યું, હા દોસ્ત, કાલનો કંઈ ભરોસો નથી. કદાચ કાલે મને કંઈ થઈ જાય અને હું મરી જાઉં તો? સમયનો કંઈ ભરોસો થોડો છે? બંનેએ હસીને વાત પૂરી કરી. મિત્ર આરામથી સૂતો. તેને થયું કે હવે સવારે કદાચ ન ઊઠું તો પણ વાંધો નહીં, એમ તો નહીં થાય કે કંઈ મનમાં રહી ગયું. એ રિલેક્સ થઈ સૂઈ ગયો. સવાર તો પડી જ. સવારના પહોરમાં ફોન આવ્યો કે, તેનો ફ્રેન્ડ કાર લઈને જતો હતો ત્યારે એનો એક્સિડન્ટ થઈ ગયો અને એ મરી ગયો છે! એને આઘાત લાગ્યો. તેણે કહ્યું, થેંક ગોડ, હવે મારે કોઈ અફસોસ સાથે તો જીવવું નહીં પડે!

તમારા મનમાં આવું કંઈ છે? કોઈની સાથે વાત કરવાનું મન થાય છે? કોઈને કંઈ કહેવું છે? તો રાહ ન જુઓ, સમય પલટી મારે એ પહેલાં બધું સુલટાવી લો. એક સાધુને પૂછવામાં આવ્યું કે તમારા ચહેરા ઉપર જે સુકૂન દેખાય છે એનું કારણ શું છે? સાધુએ કહ્યું કે, હું રોજ રાતે સૂવા જાઉં એ પહેલાં એટલો જ વિચાર કરું છું કે અફસોસ થાય એવું આજે કંઈ થયું નથીને? થયું હોય તો હું સૂતાં પહેલાં જ એ વાત પૂરી કરી દઉં છું. રોજ સવારે દિવસ નવો હોય છે એમ માણસ પણ નવો અને હળવો હોવો જોઈએ.

આપણે સવારે ઊઠીએ ત્યારે હળવા હોઈએ છીએ ખરા? રાતે સૂતી વખતે કેટલો બેગેજ આપણી સાથે હોય છે? ક્યારેક તો એ વજન આપણને ઊંઘવા નથી દેતું. પડખાં ફર્યા રાખીએ તો પણ નીંદર નથી આવતી. દરેક વખતે મોતનો વિચાર કરીને જ બધું કરવાની જરૂર હોતી નથી. મોતનો તો ક્યારેય વિચાર જ ન કરવો જોઈએ, જે કંઈ કરવું હોય એ જિંદગીનો વિચાર કરીને જ કરવું જોઈએ. જિંદગી આપણી છે. આપણે નક્કી કરવાનું હોય છે કે એને કેવી રીતે જીવવી છે. માણસના સ્ટ્રેસનું કારણ મોટાભાગે એ પોતે હોય છે. આપણે તો નારાજ, ઉદાસ કે ગુસ્સે હોઈએ તો પણ એનો દોષ બીજા પર નાખતા હોઈએ છીએ. એના કારણે આવું થયું, તેણે એવું કર્યું એટલે મારો મૂડ ઓફ થઈ ગયો. આપણે જેવા છીએ એના માટે માત્ર અને માત્ર આપણે જ જવાબદાર હોઈએ છીએ. આપણે હળવા થઈ જઈએ તો જિંદગી હળવી જ છે. સરળતા અને સહજતા જ સુખ આપી શકે અને આપણે જ આપણને સહજ અને સરળ બનાવી શકીએ અને એવા રહી શકીએ. તમારા મન ઉપર કોઈ ભાર છે? એને હળવો કરી દો, હળવાશ હાથવગી થઈ જશે!

છેલ્લો સીન :

સૌંદર્ય મેકઅપના માધ્યમથી મેળવી શકાય, પ્રસન્નતા તો આપણી જાતે જ ખીલવવી પડે. મનનો મેકઅપ કરવાની ફાવટ હોય તો ચહેરો જ નહીં જિંદગી પણ પ્રફુલ્લિત રહે.- કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 16 મે 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *