મા મહાન છે, જોકે આખરે
એ પણ એક માણસ છે!
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
મા મહાન હતી, મહાન છે અને માનવજાત છે
ત્યાં સુધી મહાન જ રહેવાની છે. એની તોલે
આવવાની કોઇની તાકાત નથી. જો કે મામાં
પણ માનવસહજ મર્યાદાઓ હોવાની જ છે.
આજની નવી પેઢીની મા સામે અનેક
પડકારો છે. રિલેશનશીપના ઇસ્યુઝને
કારણે સીંગલ મધર્સની સંખ્યા વધતી જાય છે.
માતે મા બીજા વગડાના વા, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ.. માનો મહિમા ગાતી આ અને આવી બીજી વાતો આપણે નાના હોય ત્યારથી સાંભળતા આવ્યા છીએ. મા, મોમ, મધર, અમ્મી, બા સહિત દુનિયાની તમામ ભાષામાં માના સંબોધનનો જે કોઇ શબ્દ છે એ મીઠો જ લાગવાનો. મા કે બા બોલીએ ત્યારે અંદરથી જે આદર ઊગે છે એની અનુભૂતિ જ અલગ હોય છે. આખી દુનિયા કરતાં આપણી માતા સાથેનો આપણો સંબંધ નવ મહિના જૂનો હોય છે. દુનિયા તો જન્મ પછી આપણને ઓળખે છે, માએ તો એ અગાઉથી આપણી સાથે આત્મીયતા સાધી લીધી હોય છે. મા માટે સૌથી રોમાંચકારી અનુભવ એ હોય છે જ્યારે એનું બાળક પેટની અંદર પગથી પંચ મારે છે. એટલે જ કદાચ કહેવું પડે કે પેટની અંદર ભલે મારો પણ એના પેટ ઉપર પાટું ન મારતા.
મા સાથે થોડા સમય અગાઉ બનેલી બે ઘટનાએ આખા દેશને ખળભળાવી દીધો હતા. એક ઘટના રાજકોટની હતી. એક દીકરાએ બીમાર માને અગાશી પર લઇ જઇ ઉપરથી નીચે ઘા કરી દીધી. સીસીટીવીનાં દૃશ્યો એવાં ડરામણાં હતાં કે બધા થથરી જાય. પેટ જણ્યો દીકરો માનું મર્ડર કેવી રીતે કરી શકે? વરની મા પત્ની માટે મા નથી, સાસુ છે. સાસુ-વહુના ઝઘડામાં કેટલાયે દીકરાઓનો ખો નીકળી જાય છે. પેલા માણસે તો માને મારી નાખી, બાકી આજે કેટલીયે મા દરરોજ ટુકડે ટુકડે મરે છે. વૃદ્ધાશ્રમમાં રહેતી એક માએ એવું કહ્યું કે, મારા કારણે દીકરા અને વહુને ઘરમાં ઝઘડા થતા હતા, એ બંને સુખી રહે એટલા માટે હું જ અહીં આવતી રહી. પત્ની માને ન સાચવતી હોય ત્યારે દીકરાની વેદના અસહ્ય હોય છે. બનવા જોગ છે કે અમુક કિસ્સામાં માનો વાંક પણ હોય પણ એના વાંક જોવાના ન હોય. એક યુવાનની આ વાત છે, ઘરમાં સાસુ-વહુનો ઝઘડો થાય ત્યારે પત્ની એને કહે કે, તમને નથી લાગતું કે તમારી માનો વાંક છે? પતિએ કહ્યું, હા એનો વાંક છે પણ એને કંઇ ન કહી શકું, તું સમજુ છે એટલે તને કહું છું. દીકરીઓને પણ પોતાની મા કંઇપણ કહેશે તો એને કંઇ તકલીફ નહીં થાય પણ પતિની માથી એકાદ નબળો શબ્દ પણ બોલાઇ જાય ત્યારે એ સૌથી મોટો ઇસ્યુ બની જાય છે. મા મા હોય છે, એ ગમે તેની હોય, એનું ગૌરવ જળવાવું જોઇએ. મુંબઇની ઘટનાએ પણ બધાને હચમચાવી નાખ્યા હતા. અમેરિકાથી દીકરો પાછો આવ્યો, ફલેટ ખોલાવીને જોયું તો બેડરૂમમાં માની લાશ નહીં પણ હાડપિંજર પડ્યું હતું. એકલી રહેતી મા સાથે દીકરાએ છ મહિનાથી વાત જ કરી ન હતી! છેલ્લીવાર વાત થઇ ત્યારે મા કરગરતી હતી કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા, મને એકલું લાગે છે. દીકરાએ વાત સાંભળી નહોતી. સમાજમાં લોકોને એ ડર છે કે માને વૃદ્ધાશ્રમમાં મૂકશું તો પરિવારજનો અને સમાજ કહેશે કે શરમ નથી આવતી માને તરછોડી દેતા! ડરના કારણે શરમ ન હોત તો કોણ જાણે કેટલી બધી મા વૃદ્ધાશ્રમમાં કણસતી હોત. સચ્ચાઇ બહુ કડવી હોય છે પણ આવા કિસ્સાઓ વધી રહ્યા છે. છે, એવા પણ લોકો છે જે દરરોજ સવારે ઊઠીને માને વંદન કરે છે, માનું ધ્યાન રાખે છે, એવી સ્ત્રીઓ પણ છે જે સાસુને મા કરતાં પણ સારી રીતે સાચવે છે પણ એવી ઘટનાઓ દુર્લભ બનતી જાય છે.
હવેના સમયમાં જે પરિવર્તન આવ્યું છે એમાં એક નવી મા બહાર આવી છે. એ છે સિંગલ મધર. આપણા સમાજમાં રિલેશનશિપના ઇસ્યુઝ દિવસે ને દિવસે વધી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે સાસરે ત્રાસ હોય ત્યારે વહુ છોકરાઓને લઇને પિયર આવી જતી. એ સિવાય એની પાસે બીજો કોઇ રસ્તો જ ન હતો. એ બિચારી થઇને રહી જતી. હવેની યુવતી સ્વતંત્ર છે. એ કમાય છે. પુરુષથી જરાયે ઓછી ઊતરતી નથી. જો પતિ સાથે ન ફાવે તો એ પિયર પણ જતી નથી પણ કામ કરે છે. એકલા હાથે સંતાનેને ઉછેરે છે. નવી પેઢીની મા કોઇની ઓશિયાળી નથી.
બાળકોના ઉછેર માટે એ રાત-દિવસ એક કરે છે. જોબના ડ્યૂટી અવર્સ વધારે હોય તો એ પોતાના બાળકને મા-બાપ પાસે મૂકી આવે છે. આજની માના પડકારો જુદા છે. શહેરોમાં એવી ઘણી મા તમને મળી આવશે જે માથું ઊંચું રાખીને એકલા હાથે પોતાનાં સંતાનોને ઉછેરતી હોય. એને કોઇ ફરિયાદ પણ નથી, એ રોદણાં પણ નથી રડતી, હસતાં મોઢે પોતાની ફરજ બજાવે છે. સમયની સાથે બધુ બદલાય છે. સમયની સાથે મા પણ બદલાઇ છે. ક્યારેક એ ગુસ્સે થઇ જાય છે, ક્યારેક છંછેડાઇ જાય છે. આજની નારીની લાઇફમાં જેટલાં અપ-ડાઉન્સ આવે છે એટલાં અગાઉ ન હતાં. અગાઉની મા ઘરરખ્ખુ સ્ત્રી હતી, આજની મા દરેક મોરચે લડે છે. ઘર અને ઓફિસ વચ્ચે તગડું બેલેન્સ રાખે છે. માને દરેક વખતે મા તરીકે જ જોવી વાજબી નથી, ક્યારેક એને માણસ તરીકે પણ જોવી જોઇએ. એનાથી પણ ભૂલ થાય, એ પણ ક્યારેક ઊકળી જાય અને પાછી પોતે જ પોતાની મેળે સમજીને મમતાનો સ્ત્રોત બની જાય. માની સરખામણી કોઇની સાથે થઇ જ ન શકે. ભગવાનની સાથે પણ નહીં. મા બસ મા હોય છે, સંતાન જ એની દુનિયા હોય છે. આપણને આ દુનિયામાં લાવનાર અને વાત્સલ્યથી આપણી જિંદગીને જીવવા જેવી બનાવનાર માને વંદન જ હોય. જગતની દરેક જનનીને પ્રણામ.
પેશ-એ-ખિદમત
મટે કેમ ના રોગ, શોધો ભલા,
જો પીડા હશે તો દવા પણ હશે,
કયામતની રાહ એટલે જોવ છું,
કે ત્યાં તો ‘જલન’ મારી મા પણ હશે.
-જલન માતરી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 13 મે 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com