શું કહેવું એ ન સમજાય ત્યારે કંઈ જ ન કહેવું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

શું કહેવું એ ન સમજાય

ત્યારે કંઈ જ ન કહેવું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,

આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા,

કેટલું સમજાવશે એ લોકને તું પણ આદિલ’,

તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા.

-આદિલ મન્સુરી

સંબંધો ક્યારેક વિચિત્ર, બેહૂદા, અયોગ્ય અને ગેરવાજબી સવાલો આપણી સામે લાવે છે. આપણને થાય કે હવે આમાં શું કહેવું? કહેવા જેવું જ કંઈ ન હોય ત્યારે નીકળતો નિસાસો ઘણું બધું બયાન કરી દેતો હોય છે. સવાલ જ ખોટો હોય તો એનો સાચો જવાબ ક્યાંથી આપવો? આખી જિંદગી જેના માટે ઘસાયા હોઈએ, દરેક ક્ષણે જેનું ભલું ઇચ્છ્યું હોય, જેના સુખ માટે દરેક દુ:ખ વેઠ્યું હોય એ વ્યક્તિ જ્યારે કહે કે, તમે મારા માટે શું કર્યું? તમે તો બધું તમારા સ્વાર્થ માટે જ કર્યું છે ત્યારે શું કર્યું એ સવાલ નહીં, પણ આક્ષેપ બની જાય છે. આપણને થાય કે મારા ઉપર એવો આક્ષેપ કે મેં મારા સ્વાર્થ માટે બધું કર્યું છે! આક્ષેપ ખોટો હોય ત્યારે શબ્દો સોંસરવા ઊતરી જતા હોય છે અને આપણી અંદર ઘણુંબધું વેતરી નાખતાં હોય છે.

સારી દાનતનો બદલો હંમેશાં સારો જ મળે એવું જરૂરી નથી. આપણે ગમે એટલા સારા ઇરાદાથી કંઈ કરતાં હોઇએ, પણ સામેની વ્યક્તિ એને એ જ રીતે લે એવું ન પણ બને. અત્યારનો સમય જ એવો છે કે આપણે કોઈના માટે કોઈ સ્વાર્થ વગર કંઈ કરીએ તો પણ એને શંકા જાય કે એ મારા માટે આટલું બધું શા માટે કરે છે? એનો કંઈક સ્વાર્થ હોવો જોઈએ, નહીંતર કોઈ આટલું થોડું કરે? દાનત અને ઇરાદા દર વખતે ખરાબ જ નથી હોતાં. સારા લોકો ઓછા હશે પણ સારા લોકો નથી જ એવું માનવું સાચું નથી. આપણને ખરાબ અનુભવો વધારે થયા હોય છે એટલે આપણે સારા અનુભવો સામે પણ શંકા કરતાં હોઈએ છીએ. આપણે ક્યારેક કોઈ પણ જાતના સ્વાર્થ વગર કંઈ કરતાં હોઈએ તો પણ આપણે ક્યારેક શંકાના દાયકામાં આવતા હોઈએ છીએ.

એક અંકલની આ વાત છે. એ એક ગરીબ છોકરીને ભણવામાં અને આગળ વધવામાં બધી જ મદદ કરે. તેની કોલેજની ફી ભરી દે. ટ્યૂશન રખાવી દે. ભણી લીધું પછી નોકરી અપાવવામાં પણ મદદ કરી. એ છોકરીને સમજાય નહીં કે આ અંકલ મારા માટે આટલું બધું શા માટે કરે છે? છોકરીને એવો પણ વિચાર આવી જતો કે આવું કરવા પાછળ અંકલનો કોઈ બદઇરાદો તો નહીં હોય ને? ઘણો સમય ચાલ્યો ગયો, પણ અંકલ તરફથી કોઈ જ એવું વર્તન ન થયું. એક દિવસ છોકરીથી ન રહેવાયું. તેણે અંકલને પૂછ્યું કે તમે મારા માટે આટલું બધું શા માટે કર્યું? અંકલે સામે પૂછ્યું, તને શું લાગે છે? મારો કોઈ સ્વાર્થ હતો? હવે હું તને જે સાચી વાત છે એ કહું છું, તારે જે સમજવું હોય એ સમજજે.

અંકલે કહ્યું, હું નાનો હતો ત્યારે મારો પરિવાર મને ભણાવી શકે એમ ન હતો. મારા પિતા એક ઘરમાં કામ કરતા હતા. એ ઘરમાં એક મોટી ઉંમરના લેડી હતાં. મને જોઈને એમણે મારા પિતાને કહ્યું કે, આને હું ભણાવીશ. તેણે મારો બધો ખર્ચ ઉઠાવ્યો. મને સારી રીતે ભણાવ્યો. મને થતું કે આ મહિલાનું ઋણ હું કેવી રીતે ઉતારીશ? એવું પણ થતું કે સારી જોબ મળે એ પછી હું એનું ધ્યાન રાખીશ. જોકે, એને તો એવી કોઈ જરૂર જ ન હતી. હું એમના માટે કંઈ કરું એ પહેલાં તો એ મૃત્યુ પામ્યાં. હું એના માટે કંઈ જ ન કરી શક્યો. એ સમયે મેં નક્કી કર્યું કે, એમણે મારા માટે જે કર્યું છે એ હું કોઈના માટે કરીશ. એમાં તું મને મળી ગઈ. તને જ્યારે જોઉં છું ત્યારે એ મહાન મહિલાનો ચહેરો મારી સામે આવી જાય છે. હા, તું એવું કહી શકે કે એનું ઋણ ઉતારવા મેં તારા માટે મારાથી થાય એ કર્યું. એને તું મારો સ્વાર્થ કહી શકે. દીકરા, દરેક કામ પાછળ કંઈક કારણ હોય જ છે, પણ એ કારણ સારું પણ હોઇ શકે!

સારાં કારણો ઘણી વખત સાબિત થાય એ પહેલાં જ શંકા બની જતાં હોય છે. એક છોકરીની આ વાત છે. એનાં મા-બાપ ગામડાંમાં રહેતાં હતાં. છોકરી ભણવામાં હોશિયાર હતી. ગામડામાં કોલેજ ન હતી. છોકરીનાં કાકા-કાકી શહેરમાં રહેતાં હતાં. ભત્રીજી ભણી શકે એટલે બંનેએ તેને શહેરમાં બોલાવી લીધી. છોકરીએ કોલેજ પૂરી કરી. સારી જોબ મળી ગઈ. એણે નક્કી કર્યું કે હવે એ મકાન ભાડે રાખી પોતાની રીતે રહેશે. ઘર છોડ્યા પછી તેણે સગાંવહાલાંઓને એવી વાતો કરવી શરૂ કરી કે, કાકી તો મારી પાસે બહુ કામ કરાવતાં. મારા ઉપર બહુ સ્ટ્રીક્ટ હતાં. મને સાંજ પછી બહાર જ ન જવા દેતાં. મારો મોબાઇલ ચેક કરતાં કે હું કોની સાથે સંપર્કમાં છું. કાકીને આ વાતની ખબર પડી ત્યારે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. મેં એના માટે આટલું કર્યું એનો આવો બદલો? હા મેં એને સાંજ પછી બહાર જવા નથી દીધી, એનો ફોન ચેક કર્યો છે, પણ એની પાછળ મારો ઇરાદો કંઈ ખરાબ ન હતો! એ ખોટી સંગતે ચડી ન જાય એવી જ દાનત હતી. મારા પેટની જણી દીકરી હોત તો પણ હું આવું જ કરત! એ કામ શીખે એ માટે એની પાસે કામ કરાવતી. પતિ પાસે એ ગળગળી થઈ ગઈ. એણે કહ્યું કે, હવે મારે એને શું કહેવું એ જ મને સમજાતું નથી. પતિએ શાંતિથી કહ્યું કે, જ્યારે શું કહેવું એ ન સમજાયને ત્યારે કંઈ જ ન કહેવું. અમુક સવાલોના જવાબ સમય જ આપતો હોય છે અને કદાચ સમય પણ જવાબ ન આપે તો કંઈ નહીં, તને ખબર છે ને કે તારી દાનત સારી હતી, તારો ઇરાદો ખરાબ ન હતો. મને ખબર છે કે તેં એના માટે કેટલી ચિંતા કરી છે. બાકી બધું કુદરત ઉપર છોડી દે!

આપણે પણ એવું કહેતા હોઈએ છીએ કે કુદરત બધું જુએ છે. જોકે, કુદરત જવાબ નથી આપતો કે એણે સારા માટે બધું કર્યું હતું. કુદરત પુરાવા પણ નથી આપતો. આપણને તો જવાબ જોઈતો હોય છે. સારું કર્યું હોય અને કોઈ સારું ન કહે તો પણ આપણે ક્યારેક જતું કરીએ છીએ, પણ સારું કર્યું હોય અને કોઈ ખરાબ કહે ત્યારે આપણને આકરું લાગતું હોય છે. આકરું લાગે એ સ્વાભાવિક પણ છે. આવું થાય ત્યારે આપણે ખુલાસાઓ કરીએ છીએ કે મેં તો સારા માટે કર્યું હતું. ક્યારેક ઉકળાટ ઠાલવીએ છીએ કે આવું કરવાનું? તને કંઈ બોલતાં પહેલાં જરાયે વિચાર ન આવ્યો? સારું ન બોલવું હોય તો ન બોલ પણ મન ફાવે એવું તો ન બોલ.

દરેક વખતે કોઈના ઇરાદાઓ પણ ચકાસવા ન જોઈએ. કોઈની દાનત પ્રત્યે પણ શંકા ન કરવી જોઈએ. જો એ કોઈ બદઇરાદાથી કે ખરાબ દાનતથી કંઈ કરતાં હશે તો એ છતાં થયા વગર રહેશે જ નહીં. જે જવાબ આપવો હોય એ ત્યારે ક્યાં નથી અપાતો? આપણને શંકા કરવાની એટલી બધી આદત પડી ગઈ છે કે આપણે એ સ્વીકારી જ નથી શકતાં કે કોઈ કારણ વગર કોઈ કંઈક સારું કરે! હવે બીજો સવાલ, તમે કોઈના માટે કોઈ કારણ વગર કંઈ કરો છો? કોઈને જોઈને તમને એવું થયું હોય કે આના માટે હું મારાથી બને એ બધું જ કરીશ. કોઈના પ્રત્યે આપણને લાગણી હોય છે, કોઈ આપણને ગમતું હોય છે, કોઈ આપણને સારું લાગતું હોય છે એટલે આપણે એના માટે આપણાથી થાય એ બધું કરતાં હોઈએ છીએ. પડોશીનો નાનો દીકરો કે દીકરી મોડી રાતે આઇસક્રીમ ખાવાની વાત કરે ત્યારે ઘણી વખત આપણે થાકી ગયા હોઈએ તો પણ એના માટે આઇસક્રીમ લેવા જઈએ છીએ. કયો સ્વાર્થ હોય છે એમાં? આઇસક્રીમ એને હાથમાં આપતી વખતે એના ચહેરા પર જે ખુશી દેખાય છે અને આપણને એની ખુશી જોઈને જે આનંદની અનુભૂતિ થાય છે એ અલૌકિક હોય છે. મોટા થઈ ગયા પછી પણ કોઈને એવું હોય છે કે એ ખુશ રહે. એના ચહેરા પર આનંદ જોઈને એવી જ અનુભૂતિ થતી હોય છે.

ક્યારેક એવું બને કે સારા કામનો બદલો ખરાબ શબ્દોથી મળે. મેં એના માટે આટલું કર્યું અને એણે સારા પ્રસંગે મને બોલાવ્યો પણ નહીં, યાદ પણ ન કર્યો. દુ:ખ થાય એ બહુ જ સ્વાભાવિક છે. જેના માટે આપણે કંઈક કર્યું હોય એને ક્યારેક મોડું સમજાય અને ક્યારેક આખી જિંદગી ન પણ સમજાય. જે કર્યું હોય એનો અફસોસ ન કરવો. સારું કરવાથી સારું થાય છે, જોકે એ જરૂરી નથી કે જેનું સારું કર્યું હોય એની પાસેથી જ એ થાય! બાય ધ વે, તમારા માટે કોઈએ કંઈ કર્યું હોય એ તમને યાદ છે? એનું વળતર ન વાળો તો કંઈ નહીં, એટલિસ્ટ એનો આભાર તો જરૂર માનજો. માણસને માણસ જાત પ્રત્યે વિશ્વાસ રહે એવું કરવાની જવાબદારી પણ આખરે માણસની જ હોય છે!

છેલ્લો સીન :

તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, દુનિયાના બધા જ લોકો સ્વાર્થી અને મતલબી છે? તો તમારી જાતને જ એવો સવાલ પૂછજો કે હું કેવો છું?       -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 02 મે 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *